માનવ શરીરમાં લોહીની જરૂરી માત્રા જાળવી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને લોહીની અછતના લીધે લોકો વિવિધ રોગોથી પીડાય છે. થેલેસેમિયા અને કેન્સરવાળા દર્દીઓને સૌથી વધુ લોહીની જરૂર પડે છે. આ સંદર્ભે વિવિધ સંસ્થાઓ દ્વારા સંયુક્ત રૂપે અહમદાબાદની બાપુનગર ઉર્દુ સ્કૂલ ખાતે તા.13 જૂન, 2021 રવિવારના રોજ રક્તદાન શિબિર યોજવામાં આવી અને 74 યુનિટ લોહીની બોટલ એકત્રિત કરી જરૂરીયાતમંદ દર્દીઓ માટે પહોંચાડવામાં આવી.
આ અંગે શાહીન હેલ્થ એન્ડ હાયજીન સોસાયટીના અધ્યક્ષ શકીલ અહેમદ રાજપૂતે જણાવ્યું હતું કે લોહીની જરૂરિયાતને સમજતાં સોસાયટી ફોર બ્રાઇટ ફ્યુચર, શાહીન હેલ્થ એન્ડ હાયજીન સોસાયટી, રાહ ફાઉન્ડેશન અને લબ્બૈક ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રૂપે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે ઘણાં બધાં લોકોએ રક્તદાન કર્યું હતું અને આ ટીમને પ્રોત્સાહન આપવા અહમદાબાદના મેયર કિરીટ પરમાર અને કોંગ્રેસના અન્ય કાઉન્સિલરોએ હાજરી આપી ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે અહમદાબાદના મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે બાપુનગરમાં રક્તદાન શિબિર યોજીને આ સમગ્ર ટીમે એક મહાન કાર્ય કર્યું છે, લોકો અહીં ઉત્સાહથી ભેગા થઈ રહ્યાં છે અને રક્તદાન કરી રહ્યાં છે જે ખૂબ આનંદની વાત છે. ગોમતીપુરના કાઉન્સિલર ઇકબાલ શેખે રક્તદાન શિબિરનું આયોજન કરનાર તમામ સંસ્થાઓના સભ્યો અને રક્તદાતાઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, રક્તદાન થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે છે. જે લોકોને લોહી નથી મળતું તેમના માટે આ એક ભેટ સ્વરૂપ છે. આ ખુબ ખુશીની વાત છે. અમે ઇચ્છીએ છીએ કે રક્તદાન શિબિર આ જ રીતે ચાલુ રાખવામાં આવે અને રક્ત જરૂરીયાતમંદો સુધી પહોંચાડવામાં આવે.