હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર રદિ.થી રિવાયત છે કે અલ્લાહના રસૂલ સ.અ.વ.એ ફરમાવ્યું ઃ તમારાથી પહેલાંના લોકો (બની ઇસ્રાઈલ)માંથી ત્રણ માણસો ક્યાંક જઈ રહ્યા હતા. એટલામાં વરસાદ શરૃ થઈ ગયો તો તેઓ રાત વાસા માટે એક ગુફામાં ઘૂસી ગયા. સંયોગથી (એક ભેખડ ઘસી આવવાના કારણે) ગુફાનું મુખ બંધ થઈ ગયું. એ ત્રણેય પરસ્પર એકબીજાને કહેવા લાગ્યા કે ખુદાના સોગંદ! હવે તો આપણને આ મુસીબતથી સત્ય જ બચાવી શકશે. સારૃં આ છે કે આપણા પૈકી દરેક વ્યક્તિએ સાચા દિલથી જે નેક કાર્ય કર્યું છે, તેને વર્ણવી અલ્લાહથી દુઆ કરે.
આથી તેમનામાંથી એક વ્યક્તિએ આમ દુઆ કરી: હે અલ્લાહ! તું સારી રીતે જાણે છે કે મેં એક ‘ફરક’ (એક માપ – ૩ સાઅ, ૧૫ રતલ) ચોખાના મહેનતાણાથી એક મજૂર રાખ્યો હતો. તેણે મારૃં કામ કર્યું, પછી (ગુસ્સે થઈને) પોતાના ચોખા છોડીને ચાલ્યો ગયો. મેં તેના ભાગના ચોખા વાવી દીધા. તેમાં એટલો ફાયદો થયો કે મેં તેની આવકથી ગાયો ખરીદી લીધી. એક દિવસ તે મારાથી પોતાનું બાકી મહેનતાણું લેવા આવ્યો તો મેં તેને કહ્યું કે જા એ ગાયોને હંકારી લઈ જા. તેણે કહ્યું કે તમારી પાસે મારા ફકત એક ‘ફરક’ ચોખા છે. મેં તેને ફરી કહ્યું કે એ ગાયોને હંકારીને લઈ જા, કારણ કે આ એ જ ‘ફરક’ ચોખાની આવકથી ખરીદવામાં આવેલ છે. અંતે એ બધી ગાયોને હંકારી લઈ ગયો. હે મારા અલ્લાહ! તું જાણે છે કે મેં આ ઇમાનદારી ફકત તારી બીકના લીધે કરી છે. તું અમારી મુશ્કેલી દૂર કરી દે. એ જ વખતે એ ભેખડ થોડીક ખસી ગઈ.
હવે બીજાએ આ રીતે દુઆ કરી: હે અલ્લાહ! તું જાણે છે કે મારા મા-બાપ ઘરડા અને અશક્ત હતા. હું દરેક રાત્રે તેમને પીવડાવવા માટે બકરીનું દૂધ લાવ્યા કરતો હતો. એક રાત્રે મને મોડું થઈ ગયું. હું જ્યારે દૂધ લઈને આવ્યો તો તેઓ ઊંઘી ચૂક્યા હતા અને મારી પત્ની અને બાળકો ભૂખના કારણે કણસી રહ્યા હતા. મારી ટેવ હતી કે પહેલાં પોતાના મા-બાપને દૂધ પીવડાવતો હતો, એ પછી તે લોકોને આપતો. ખૈર! મને તેમને જગાડવાનું ઉચિત ન લાગ્યું અને આ પણ મેં પસંદ ન કર્યું કે તેમને છોડીને (દૂધ પીવડાવ્યા વિના) ચાલ્યો જાઉં. અમે તેમના જાગવાની રાહ જોતા રહ્યા. એટલે સુધી કે સવાર થઈ ગઈ. હે અલ્લાહ! તું જાણે છે કે મેં પોતાના મા-બાપની સેવા માત્ર તારા ભયના લીધે કરી હતી. તું અમારી મુશ્કેલી સરળ બનાવી દે. એ વખતે એ ભેખડ થોડી વધુ ખસી ગઈ. એટલે સુધી કે તેમને આકાશ દેખાવા લાગ્યો.
પછી ત્રીજા માણસે આ રીતે દુઆ કરી ઃ હે અલ્લાહ! તું જાણે છે કે મારી એક પિતરાઈ બહેન (કાકાની દીકરી) હતી, જેને હું ખૂબ જ ચાહતો હતો. મેં તેની સાથે એકવાર દુષ્કર્મ કરવા ચાહ્યું. તે રાજી ન થઈ, અને બોલી કે જ્યાં સુધી તમે મને ૧૦૦ દીનાર લાવીને નહીં આપો ત્યાં સુધી હું આના માટે તૈયાર નહીં થાઉં. હું તેની વ્યવસ્થા કરવા લાગ્યો. જ્યારે મારી પાસે ૧૦૦ અશરફીઓ આવી ગઈ તો હું તે લઈને તેની પાસે આવ્યો અને તેને તે આપી. પછી તે મારા ઇરાદા મુજબ રાજી થઈ ગઈ. જ્યારે હું તેના પગોની વચ્ચે બેઠો તો તે કહેવા લાગી કે અલ્લાહથી ડર અને ખોટી રીતે મ્હેર ન તોડ. આ સાંભળતાં જ હું ઊભો થઈ ગયો અને એ ૧૦૦ દીનાર પણ તેની પાસે છોડી દીધા. હે અલ્લાહ! તું જાણે છે કે મેં આવું તારા ખોફના લીધે કર્યું. હે અલ્લાહ! અમારી મુશ્કેલી આસાન બનાવી દે. આથી અલ્લાહતઆલાએ તેમની મુશ્કેલી સરળ બનાવી દીધી. ભેખડ થોડી વધુ ખસકી ગઈ અને તેઓ ગુફામાંથી બહાર નીકળી આવ્યા.
શિખામણ અને બોધઃ
આ કિસ્સામાં આપણા માટે ખૂબ જ શિખામણો અને અમલ કરવા લાયક બોધ છુપાયેલ છે.
- આ કિસ્સાથી પહેલી વાત આ જણાઈ કે નેક કાર્યોના વાસ્તા (માધ્યમ)થી અલ્લાહથી દુઆ માગવી જાઈઝ છે. આથી પ્રથમ વ્યક્તિએ પોતાના સેવકના માલની રક્ષાના અમલને વાસ્તો બનાવ્યો. બીજી વ્યક્તિએ મા-બાપની સાથે પોતાના સદ્વર્તનને વાસ્તો બનાવ્યો અને ત્રીજી વ્યક્તિએ અલ્લાહના ગઝબ-પ્રકોપથી પોતાના ખોફને વાસ્તો બનાવ્યો, જે ખોફે તેને એક દુષ્કર્મથી રોકાઈ જવા મજબૂર કર્યો.
- બીજો બોધ આ કિસ્સાથી આ મળે છે કે મુસીબતો અને અજમાયશ વખતે દુઆનું ઘણું મહત્ત્વ છે.
અલ્લાહતઆલાએ ફરમાવ્યું છેઃ
તમારો રબ કહે છે, “મને પોકારો, હું તમારી દુઆઓ કબૂલ કરીશ.” (સૂરઃમુ’મિન-૩૦)
અને આ જ રીતે ફરમાવ્યુંઃ
“હે નબી! મારા બંદાઓ જો તમને મારા વિષે પૂછે, તો તેમને જણાવી દો કે હું તેમની નજીક જ છું. પોકારનાર જ્યારે મને પોકારે છે, તો હું તેની પોકાર સાંભળું છું અને જવાબ આપુું છું.” (સૂરઃબકરહ-૧૮૬)
તમામ બંદાઓ તેના જ છે. તેમની દુઆઓનો તાત્કાલિક જવાબ પણ એ જ આપી શકે છે, કોઈ અન્ય નહીં. ઉપરોક્ત આયતમાં અલ્લાહતઆલાએ આ નથી ફરમાવ્યું કે તમે એમને કહો કે હું નજીક જ છું. કેમકે આ સવાલોના જવાબ બંદા તરફથી માત્ર સવાલ કરવાથી અલ્લાહતઆલાએ સ્વયં પોતાની તરફથી આપ્યો. આ રીતે નથી કહ્યું કે હું તેમની દુઆ સાંભળું છું, બલ્કે આ કહ્યું કે હું દુઆનો જવાબ આપું છું.
હઝરત સલમાન ફારસી રદિ.થી રિવાયત છે કે અલ્લાહના રસૂલ સ.અ.વ.એ ફરમાવ્યુંઃ “અલ્લાહતઆલાને આ વાતથી શરમ આવે છે કે તેનો બંદો તેની સામે ખૈર અને ભલાઈ માટે હાથ ફેલાવે (માગણી કરે) અને તે તેને નિષ્ફળ-નિરાશ કરી (ખાલી હાથ) પાછો મોકલી દે.” (અબૂદાઊદ, તિર્મિઝી, ઇબ્ને માજહ)
એશ-આરામ વખતે લોકો દુઆથી ગાફેલ થઈ જાય છે. પરંતુ જ્યારે તેમને કોઈ મુશ્કેલીનો સામનો કરવાનો આવે છે અને કોઈ મુસીબત આવી પડે છે તો એ વખતે ગફલતનો પેર્દો દૂર થાય છે, અને તેઓ ગમે તેટલી ગફલતમાં રહ્યા હોય, અથવા તો પોતાને ગમે તેટલો મોટો માનતા રહ્યા હોય, અંતે પોતાના રબ તરફ પાછા આવે છે. મુસીબતમાં સપડાયેલ વ્યક્તિ કે જેની નૌકા ડૂબનારી હોય અથવા જે કોઈ અન્ય મુસીબતમાં ઘેરાયેલ હોય તેને આ ખબર નથી હોતી કે તે એ મુસીબતમાંથી કેવી રીતે નીકળશે? અથવા રાત વાસા માટે ગુફામાં દાખલ થાય અને કોઈ ભેખડ ખસીને ગુફાના મુખને બંધ કરી દે તો તે આમ-તેમ જુએ છે, પરંતુ મદદ માટે કોઈ સાધન તથા એ મુસીબતથી છુટકારા માટે કોઈ રીત દેખાતી નથી. તેની એટલી હિંમત જ નથી અને ન જ સમગ્ર ધરતી ઉપર કોઈ અન્યની આટલી તાકત છે કે તે તેને બચાવી લે. અત્યારે સુધી જે વસ્તુઓને મુસીબત તથા મુશ્કેલીઓથી છુટકારાનું સાધન સમજતો રહ્યો હતો તેને જણાઈ ગયું કે તે સૌ મોઢું ફેરવી ગયા. જે વસ્તુઓ વિષે તે સમજી રહ્યો હતો કે અજમાયશમાં તે તેના કામ આવશે, જણાયું કે તેઓ કંઈ કામ ન આવ્યા. એવા પ્રસંગે તેને અલ્લાહ સિવાય બીજે ક્યાંય શરણ દેખાતી નથી. કેમકે એ જ છે જેના વિષે કુઆર્ન કહે છે ઃ
“અને કોણ છે જે વ્યાકૂળ લોકોની દુઆ સાંભળે છે, જ્યારે તેઓ તેને પોકારે છે.” (સૂરઃનમ્લ-૬૨)
- ત્રીજો બોધ આ કિસ્સાથી આ મળે છે કે જે કાર્ય અલ્લાહની પ્રસન્નતા અને ખુશી માટે કરવામાં આવે, ચાહે એ ગમે તેવું હોય, અલ્લાહતઆલા તેને જરૃર કબૂલ ફરમાવે છે. ઉપરોક્ત ત્રણેય લોકોએ નમાઝ, રોઝા, હજ્જ અને ઝકાતના વાસ્તા (માધ્યમ)થી અલ્લાહની મદદ નથી માગી, બલ્કે પોતાના એ નેક કર્મોનો વાસ્તો આપ્યો જેમને નેક માણસ પોતાના જીવનમાં અંજામ આપે છે.
- ચોથો બોધ આ મળે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સ્વયં આ ચાહે છે કે તે પોતાના બંદાને માફ કરી દે, અને તેની મદદ કરવામાં જલ્દી કરે. એ લોકોની દુઆ પૂરી પણ ન થઈ કે અલ્લાહતઆલાએ તેને કબૂલ કરી લીધી અને તેમને મુસીબતમાંથી છુટકારો અપાવી દીધો.
- પાંચમો બોધ આ છે કે માણસ પોતાના નેક કર્મોને પોતાની અને પોતાના રબની વચ્ચે સંપર્ક તથા સંબંધનું માધ્યમ બનાવે અને મુસીબતના દિવસ માટે નેક કર્મોનો ભંડાર ભેગો કરી રાખે, કેમકે પવિત્ર ચારિત્ર્ય જ એ એકમાત્ર વસ્તુ છે, જે તેને દુનિયા અને આખિરતની મુસીબતથી બચાવી શકે છે.