‘સૌનો સાથ અને સૌનો વિકાસ’, ‘અચ્છે દિન આને વાલે હૈં’ ના નારાઓથી લોકમાનસ પર છવાઈ ચુકેલ નરેન્દ્ર મોદીને સત્તારૃઢ થયેલ ૧૦૦ દિવસ ઉપરાંત થઈ ચુક્યા છે. આ ૧૦૦ દિવસોમાં ગરીબ લોકોના સારા દિવસો તો નથી આવ્યા અને આવશે પણ ક્યારે એ તો વડાપ્રધાનને પણ ખબર નથી. આ મુદ્દે ઘણું વ્યંગ અને વાક્યુદ્ધો થયા અને થતા રહેશે, પરંતુ કેટલો સૌનો સાથ લેવામાં આવી રહ્યો છે અને સૌના વિકાસ માટે કેવું આયોજન કરવામાં આવી રહ્યું છે તે મહત્વનું છે.
જાપાન અને નેપાલની મુલાકાત દરમિયાન વડાપ્રધાન દ્વારા વિકાસની વાતો કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાને વિકાસપુરૃષ તરીકે ચિતરવાના ભરપૂર પ્રયાસ કરવામાં આવ્યા. પરંતુ સૌનો સાથ સહકાર મેળવવા માટે કેવા પગલા લેવામાં આવી રહ્યા છે? શું આયોજન કરવામાં આવી રહ્યું છે? કેવા મુદ્દાઓ ઘડવામાં આવી રહ્યા છે? તેની રૃપરેખા અને કાર્યપદ્ધતિ વગેરે બાબતો પ્રશ્નાર્થ છે. દેશમાં ચાલી રહેલ કેટલી બાબતો ‘સૌના સાથ અને સૌના વિકાસ’ની ગુલબાંગો અને બુમબરાડાની ચાડી ખાય છે. વડાપ્રધાન દ્વારા લઘુમતિઓના વિકાસ અને તેમના ઉત્થાન માટે વિધાનો કરવામાં આવે છે પરંતુ હકીકત તો કંઇક જુદી જ છે. નવી સરકાર બન્યા પછી ઉત્તરપ્રદેશના સંવેદનશીલ વિસ્તારોમાં કોમી હિંસા ખૂબ વધી છે. તેજાબી ભાષણો દ્વારા કોમી વૈમનસ્ય ઊભું કરવાના ઇરાદા સાથે લોકોને ભડકાવવામાં આવે છે. બે કોમ વચ્ચેના સંબંધોને જાણી જોઈને કાપવાના પ્રયત્નો થઈ રહ્યા છે. કોમી રમખાણોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ‘લવ-જિહાદ’ નામના વાહીયાત અને પાયા વિહોણા મુદ્દાને રાષ્ટ્રીય સ્તરે ચગાવીને દેશની શાંતિ ડહોળવાનો પ્રયોસ થઈ રહ્યો છે. ગામેગામે ફરીને એક ખાસ કોમ વિશે ખોટી અને મનઘડત વાતોથી ડરાવીને તેમનામાં ઝેર ફેલાવવામાં આવી રહ્યો છે. ધાર્મિક લાગણીને દુભાવે તેવી પોસ્ટ અને મેસેજ સોશ્યલ મીડિયા દ્વારા ફેલાવવામાં આવી રહ્યો છે. જેનો હેતુ ફકત ઉશ્કેરણી કરવાનો, અશાંતિ ફેલાવવાનો અને હિંસા ભડકાવવાનો હોય છે. મોહસિન નામના યુવકને કોઈ પણ કારણ વગર મારી મારીને મારી નાખવાનો બનાવ પણ મહારાષ્ટ્રમાં બની ગયો છે. આટલું થઈ રહ્યું હોવા છતાં વડાપ્રધાનનું મૌન અને વિદેશોમાં ‘વિકાસ’ની ડફલી વગાડવી એ દ્વિમુખી વલણ છે. જેનાથી વિકાસ નહીં બલ્કે વિનાશ થવાની તકોનું સર્જન થઈ શકે છે. આ તમામ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી ઠોસ નિર્ણય લેવાને બદલે સરકારે ન્યાયતંત્રમાં હસ્તક્ષેપ કર્યો. વર્ષોથી ચાલી આવતી કોલેજીયમ સિસ્ટમને ખતમ કરીને ન્યાયધીશોની નિમણુંક માટેની નવી સિસ્ટમ દાખલ કરી છે જે અચાનક કરી દેવામાં આવી છે. આટલા મહત્વના નિર્ણયને કોઈ પણ પ્રકારની ચર્ચા વિચારણા વગર અને ન્યાયધીશોનો વિરોધ હોવા છતાં બિલ પાસ કરી દેવામાં આવ્યો. જેના કારણે અનેક તર્ક વિતર્કો બૌદ્ધિકોમાં ચર્ચામાં છે. આ બદલાવ લાવવા પાછળ કયા પરિબળો જવાબદાર છે એ તો આવનારા સમયે જ કહેશે. હાલની પરિસ્થિતિમાં જો સરકાર પોતાના એજન્ડામાં સાચે જ સૌના સાથ અને સૌના વિકાસની ઝંખના સેવતી હોય તો નીચેના મુદ્દાઓને અચુક ધ્યાનમાં લેવા પડે.
- શાંતિ, સુરક્ષા અને સલામતી
ભારત દેશ લોકશાહી હોવાની સાથે સાથે સેક્યુલર પણ છે. જેના પાયામાં ધાર્મિક, સામાજીક અને સાંસ્કૃતિક વૈવિધ્ય છે. અહીંની પ્રજામાં દરેકને વિવિધતામાં એકતાના દર્શન થાય છે. આ એકતાને ટકાવી રાખવા માટે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર અસામાજીક તત્વોને કડક સજા કરવી જોઈએ. વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે આર્થિક વ્યવહારો પુર્ણ તેજીમાં હોય. અશાંત વાતાવરણમાં ધંધા રોજગાર અને આર્થિક વ્યવહારોની પરિસ્થિતિ ઠપ થઈ જતી હોય છે. તેથી શાંત વાતાવરણને ટકાવી રાખવું આવશ્યક છે. દેશની દરેક કોમ પછી તે લઘુમતી હોય કે બહુમતી દરેકને પુર્તી સુરક્ષા મળવી જોઈએ. કોઈપણ વ્યક્તિ ઇચ્છશે કે તે દેશના કોઈપણ ખુણે જાય તો તેને બીજી વ્યક્તિનો ડર ન હોય. પોતે લુંટાઈ જશે કે તેને ધર્મના નામે માર મારવામાં આવશે કે અત્યાચાર ગુજારવામાં આવશે તેવી લાગણી પેદા ન થાય તે જોવું રહ્યું. જાહેર સભાઓમાં ઝેર ઓકતા નેતાઓ કે સંસ્થાઓના આગેવાનો સામે કડક પગલા લેવા જોઈએ.
- સામાજીક અને શૈક્ષણિક વિકાસ
દેશમાં મુસ્લિમોની વસ્તી ૧૫ થી ૧૮ ટકા જેટલી છે. આ મોટો વર્ગ હજુ પણ દેશની મુખ્ય ધારાથી દૂર છે. તેમનું સામાજીક અને શૈક્ષણિક સ્તર દેશના દલિતો કરતા પણ નીચું છે. તેમની આ પરિસ્થિતિને બદલવા માટે સરકારી અને અર્ધસરકારી સવલતો (શૈક્ષણિક શિષ્યવૃત્તિ, રોજગારલક્ષી સ્કીમો, સામાજીક ન્યાય વગેરે) જે અત્યારે ઉપલબ્ધ છે તે ઉપલબ્ધ રહેવી જોઈએ. સાથે સાથે બીજી સવલતો પણ ઉપલબ્ધ કરાવવાની જરૃર છે. વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે લઘુમતિઓને મળતી શિષ્યવૃત્તિ નહીં આપવાના ધમપછાડા કર્યા. લાંબી કાનૂની લડાઈ લડતા મુસ્લિમોએ પોતાના હકને ટકાવી રાખવામાં સફળતા મેળવી અને હાઈકોર્ટમાં કેસ જીત્યા. વડાપ્રધાન બન્યા પછી જો ફરી તે લઘુમતિઓને તેમના હકથી રંજાડવાની કોશિશ કરશે તો ‘સૌનો સાથ સૌનો વિકાસ’નો છેદ ઊડી જશે.
મુસ્લિમો ઉદ્યોગ-સાહસિક હોય છે. તેમનામાં ધંધા વ્યવપારને ચલાવવાની આવડતની સાથે સાથે કોશલ્ય પણ જોવા મળે છે. તેથી તેમને તેમના રોજગારના વિકાસ માટે બેંકો દ્વારા વિવિધ સબસિડીવાળી સ્કિમો પૂરી પાડવી જોઈએ કે જેથી તેઓ ધિરાણની સવલતો હાંસલ કરી શકે. નાણાંકીય બેંકો અને સંસ્થાઓમાં મુસ્લિમો માટે એક નકારાત્મક વલણ જોવા મળે છે. જે તેમને બદનામ કરવાના બાહ્ય કારણોને આભારી છે. આવી માનસિકતાને દૂર કરવું જોઈએ.
સરકારે દેશના મદરસા સિસ્ટમને સમજવું જોઈએ. એક વાત ઝાટકીને મગજમાંથી કાઢી નાખવી જોઈએ કે મદરસાઓમાં ધાર્મિક કટ્ટરતા નહીં પરંતુ ધર્મ શિખવાડવામાં આવે છે. તે સભ્યતા શિખવાડવાના કેન્દ્રો છે. તેમને સરકાર તરફથી યોગ્ય ફાળો અચુક મળવો જોઈએ. (જે કેટલાક રાજ્યોમાં અપાય છે.) કે જેથી તેમાં માળખાગત સુવિધાઓને ઉપલબ્ધ કરાવી શકાય. કેટલાક ધર્મ ઝનુની લોકો મદરસાઓને લઈને ખૂબજ નિમ્ન કક્ષાની ટિપ્પણી કરે છે ત્યાં સુધી કે તેને આતંકવાદની ભુમી કે ગઢ સાથે સરખાવવામાં આવે છે જે યોગ્ય નથી. આ ધર્મ ઝનુની વ્યક્તિઓને સમાજ અને રાજકારણથી દૂર રાખવા જોઈએ. તેઓ સમાજને જોડવાનું નહીં પરંતુ તોડવાનું કાર્ય કરે છે.
માળખાગત સુવિધાઓ
દેશની માળખાગત સુવિધાઓ (Infrastructural Facilities) શહેરો પુરતી મર્યાદિત છે. આ વાત જગ જાહેર છે કે દેશની ૭૦ ટકા પ્રજા ગામડામાં વસે છે જેમને માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ નથી. સડકો, હોસ્પિટલો, શાળાઓ અને શૌચાલયોને બનાવવા પર ધ્યાન આપવું જોઈએ. વડાપ્રધાનના એક કાર્યક્રમમાં શૌચાલયો વિશે જાહેર કરવામાં આવેલ વિધાન પ્રશંસનીય છે. તેના પર અમલ થાય તે ઇચ્છનીય છે. દેશના ઘણા રાજ્યના મોટા ભાગના વિસ્તારો મૂળભૂત જરૂરીયાતોને સંતોષી શકે તેવી સુવિધાઓથી વંચિત છે. જ્યારે વિકાસની વાત થાય છે ત્યારે સમગ્ર દેશનો વિકાસ નજર સમક્ષ હોવો જોઈએ, કોઈ ખાસ કોમ કે ધર્મના લોકોને જ ફાયદો થાય તેવા લક્ષ્ય સાથે કામ કરવાથી એકંદરે દેશના ભાવીને નુકસાન થશે.
ગુજરાતમાં અશાંત વિસ્તાર ધારાને લાગુ કરીને બંને કોમના લોકોને સિફતપૂર્વક અલગ પાડવામાં આવ્યું છે. એક બીજાના વિસ્તારમાં જમીન મકાન દુકાન ખરીદવા પર પ્રતિબંધને કારણે બંને કોમના લોકો એક બીજાથી નજીક આવવાના બદલે વધારે દૂર થઈ ગયા છે. આવું સમગ્ર ભારતમાં ન થાય તે મહત્વનું છે. બંને કોમને એક બીજાને સમજવા માટે જરૂરી છે કે એકમેકથી મળતા રહે અને આર્થિક સામાજીક સંબંધો કાયમ રહે.
વિકાસ નામના આ રથમાં દરેક જાત કોમ અને ધર્મના લોકોનું સમોવેશ ખૂબ જરૂરી છે. પક્ષપાતી વલણ રાખીને દેશનો વિકાસ કરવામાં આવાશે તો પરિણામ સ્વરૃપે વિકાસ નહીં વિનાશ જ થશે. – (ક્રમશઃ)