હવે ટૂંકમાં જ ધોરણ ૧૦ અને ધોરણ ૧રની એટલે કે બોર્ડની પરીક્ષાઓ શરૃ થવા જઈ રહી છે. બાળકો, વાલીઓ અને શાળાનું સ્ટાફ પણ આ અંગે પોતાને લગતી જવાબદારીઓ નિભાવવા લાગી ગયા છે અને દરેકે ખરા અર્થમાં પોતપોતાની જવાબદારી પૂરેપૂરી રીતે અદા કરવા ભરપૂર પ્રયત્નો કરવામાં કોઈપણ ઢીલ ન રહી જાય તે જોવું જોઈએ.
આજે જોઈએ તો મુસ્લિમ સમાજમાં શૈક્ષણિક વાતાવરણ અગાઉ કરતાં વધુ બહેતર બનતાં મુસ્લિમ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સહિત અન્ય સંબંધિત લોકો પણ શિક્ષણ મેળવવા માટે દરેક સ્તરે વધુ ને વધુ ગંભીર પ્રયત્નો કરવામાં લાગી ગયા છે. તેમનામાં વધુ સમજદારી અને જાગૃતિ જોવા મળી રહી છે. શિક્ષણ મહત્ત્વ, જરૂરત અને હિતાવહ હોવાનું વધુ સારી રીતે સમજાવા લાગ્યું છે. અહીં સુધી તો બધું ઠીક છે, પરંતુ ઝડપથી બદલાતા જતા આ સમયમાં માત્ર આટલું જ પૂરતું નથી. બાળકોને શિક્ષણની તક આપવાની સાથે સાથે તેમને શિક્ષણ વિષયક દરેક પ્રકારનો સાથ-સહકાર આપવો પણ એટલો જ જરૂરી અને મહત્ત્વનો છે.
આમાં શકય હદે પરીક્ષાની તૈયારી માટે સાથે લઈને બેસવું, તેમને આમાં જો કોઈ જરૂરત કે મુશ્કેલી ઊભી થાય તો તેને હલ કરવી જોઈએ વી. આ અને આવો અન્ય સાથ-સહકાર બાળકો માટે ખૂબજ નૈતિક બળ પુરવાર થશે. બાળકો માટે સૂવા-જાગવા, જમવા, અભ્યાસ કે ભણવા માટે વિ. જેવી બાબતો પણ તેમનામાં આ અહેસાસ જન્મશે કે અમારા ખાતર અમારા માતા-પિતા કે વાલીઓ વિ. પણ અનેક કુર્બાનીઓ આપી રહ્યા છે. આનાથી તેની મહેનત’ સોને પે સુહાગા’ પુરવાર થશે. આના લીધે તેમનામાં માત્ર જવાબદારીની ભાવના બળવત્તર બનશે એટલું જ નહીં બલ્કે તેમને માનસિક સંતોષ પણ મળશે જે તેમના પ્રયત્નોને વધુ ઝડપી અને અસરકારક તેમજ ઉજ્જવળ પરિણામ માટે પ્રોત્સાહન પૂરું પાડશે.આ એવી બાબતો છે જેના પ્રત્યે ઓછું જ ધ્યાન આપવામાં આવે છે. પરીક્ષાના દિવસોમાં ઘર અને મહોલ્લાનું વાતાવરણ બાળકોના ભણતર અને પરીક્ષા માટે ખૂબજ સાનુકૂળ હોવું જોઈએ. તેમના ભોજન, પરીક્ષાના ટાઇમ ટેબલ, પરીક્ષા કેન્દ્ર અને પરીક્ષા રિસિપ્ટ વિ. જેવી બાબતોમાં પણ બાળકોને મદદરૃપ થવું જોઈએ.આવા તમામ પ્રયત્નો દ્વારા મુસ્લિમ સમાજે દરેક રીતે આ પુરવાર કરવાની જરૂરત છે કે શિક્ષણનું મહત્ત્વ ઇસ્લામમાં અન્ય તમામ ધર્મો કરતાં વધુ છે અને તેઓ તેને સમજે પણ છે, અને અમલી રીતે તે પુરવાર પણ કરવા પ્રયત્નશીલ છે. આશા રાખીએ કે આ વ્યવહારૃં બની સામે આવે.