કટોકટી એક એવી પરિસ્થિતિ છે જેમાંથી દરેક વ્યક્તિ, સંસ્થા અને સમાજને પસાર થવું પડે છે. તે કટોકટી દરમિયાન જો વ્યક્તિ, સમાજ કે સંસ્થા તટસ્થ અને અસરકારક નિર્ણય લે તો કટોકટીમાંથી બહાર આવી શકાય છે.
હઝરત મુહમ્મદ સલ્લ.નું જીવન ઘણી કટોકટીમાંથી ઉગરવાના ઉદાહરણોથી ભરેલુ છે. તેમના ઉત્થાન સમયમાં આરબ શ્રદ્ધા, જ્ઞાન, બોદ્ધિકતા, આર્થિક, સામાજીક, સાંસ્કૃતિક, રાજનૈતિક તેમજ પ્રશાસનને લગતી ઘણી કટોકટીથી ભરેલું હતું. તેથી તે જમાનાને ‘અજ્ઞાનતા કાળ’ તરીકે ઓળખવામાં આવે છે.
શ્રદ્ધાની વાત કરીએ તો દરેકનો પોતાનો ઇશ્વર હતો. તેઓ પથ્થરોની મૂર્તિઓ બનાવતા અને તેની પૂજા કરતા. રસ્તામાં કોઈ આકારવાળો સુંદર પત્થર મળી જાય તો તેને કાબામાં મુકી બંદગી શરૃ કરી દેતા. પોતાના મનઘડત ઇશ્વરો વિશે એક શબ્દ પણ સાંભળવા તૈયાર ન હતા, કેમકે તે તેમના બાપ-દાદાનો ધર્મ હતો. અલ્લાહના આખરી પયગંબરે સલ્લ. જ્યારે એક અલ્લાહની ઇબાદત કરવાનું શરૃ કર્યું તો તેઓએ તેમનો ઇન્કાર કર્યો. પરંતુ અલ્લાહના પયગંબર પોતાના ધ્યેયને સતત આગળ વધારતા રહ્યા. લોકોએ આપ સલ્લ.ને શાબ્દિક અને શારીરિક બંને પ્રકારની યાતનાઓ આપી છતાં આપ સલ્લ.એ ક્યારેય પીછેહઠ ન કરી. મક્કાવાસીઓને જ્યારે એહસાસ થયો કે મુહમ્મદ સલ્લ. પોતાના ધ્યેયથી અંશ બરાબર પણ બાંધછોડ કરવાના નથી તો તેઓએ આપ સલ્લ.ને જાનથી મારી નાંખવાનું આયોજન કર્યું. જ્યારે આપ સલ્લ.ને મક્કાવાસીઓના ઇરાદાની જાણ થઈ તો આપની સમક્ષ બે રસ્તાઓ હતા. એક તેમનાથી લડાઈ કરવી બીજુ મકકાથી હિજરત કરી ચાલ્યા જવું. આપ સલ્લ. સંયમ અને આત્મમંથન દ્વારા અને લડાઈ કર્યા પછીની કટોકટીને ધ્યાનમાં લઈ એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે તેમને હિજરત કરવી જોઈએ. આખરે ફતેહ-મક્કા સમયે જ્યારે ઘણા લોકો ઇસ્લામમાં દાખલ થયા ત્યારે તેઓએ કહેવાનું શરૃ કર્યું કે “જે વસ્તુ પોતાને સાચવી ન શકે તેની કોને જરૃર છે???”
જ્ઞાન અને બોદ્ધિકતાની વાત કરીએ તો આરબોમાં ખરેખર જ્ઞાનની ઘણી કટોકટી પ્રવર્તતી હતી. તેઓને આર્થિક અને રાજનીતિ વિશે પણ ખૂબ ઓછું જ્ઞાન હતું. તેઓને જ્ઞાન કરતા ધંધામાં વધારે રસ હતો. તેમની પાસે જ્ઞાનનો કોઈ વારસો નહોતો અને ઘણા લોકો ભણેલા ન હતા. અલ-બલાઝુરી અનુસાર, કુરેશ, જે આરબમાં સૌથી આધુનિક કબીલો માનવામાં આવે છે તેમાં ફકત ૧૭ એવા લોકો હતા જેઓ લખી અને વાંચી શકતા હતા.
અલ્લાહના રસૂલ સલ્લ.ના આગમન પછી આપ સલ્લ.એ જ્ઞાન હાંસલ કરવા માટે લોકોને કહ્યું કે “જ્ઞાન હાંસલ કરવું એ દરેક મુસ્લિમ ઉપર ફરજ છે.” કે જેથી બીજી કટોકટીને પહોંચી વળાય. આપ સલ્લ.એ એવા લોકોને જન્નતની બાહેંધરી આપી જેઓ તેમની દિકરીઓને સાચી રીતે ઉછેરે. તેમના અભણ સમાજને લખતા-વાંચતા શિખવવાનું આપ સલ્લ. પોતાના સહાબાને આહ્વાન કરતા કે જેથી કુઆર્નનો સંદેશ બહોળા પ્રમાણમાં ફેલાવી શકાય.
આપ સલ્લ.એ લોકોને જ્ઞાન શિખવા માટે ચીન સુધી જવા પ્રોત્સાહિત કર્યો. આ જ કારણે ઇસ્લામના સુવર્ણકાળ દરમિયાન વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર, બીજગણિત અને ફિલસૂફીને આધુનિકતા પ્રાપ્ત થઈ. જે આગળ જતા પશ્ચિમી પુન્રૃત્થાનનું કારણ બની.
આર્થિક વ્યવસ્થાની રીતે જોઈએ તો ૬ઠી સદી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી. આર્થિક બાબતે વ્યવસ્થાનું નામોનિસાન નહોતું, ગરીબોનું અમીરો દ્વારા આર્થિક શોષણ હતું. અમીરો દ્વારા એવી જાળ પાથરવામાં આવી હતી કે ગરીબ તેમના બારણે આસુંઓ સાથે મજબૂર બની ઉભો રહે. આ કટોકટીના કારણે અમીરો અમીર થતા હતા અને ગરીબો વધુ ગરીબ. ધંધારોજગારની પરિસ્થિતિ લૂંટમાર અને કબીલાઓના અંદરોઅંદરના ઝઘડાઓના કારણે ડામાડોળ હતી.
મુહમ્મદ સલ્લ.ના આગમન સાથે ગરીબોના આવા આર્થિક શોષણ સામે તદ્દન મનાઈ ફરમાવવામાં આવી. જ્યારે વ્યાજ, જુગાર અને આર્થિક ઠગાઈ હરામ ઠેરાવવામાં આવ્યા ત્યારે ગરીબોનું શોષણ બંધ થયું. ગરીબો માટે ઝકાત આશિર્વાદ રૃપ સાબિત થઈ. વાર્ષિક બજેટની ખોટ ઝકાતથી ભરપાઈ થઈ જતી. મદીના એક એવું રાજ્ય બની ગયું જેનું સ્વપ્ન લોકો સેવતા હતા. છેવટે આ જ નિયમોએ દુનિયામાં માનવતાવાદના પાયા નાંખ્યા.
સામાજીક અને સાંસ્કૃતિક રીતે જોઈએ તો લોકો ઘોર અંધકાર અને ઊંડી કટોકટીમાં હતા. કેટલાક અભિમાની મૂર્તીપૂજકો દિકરીઓ જન્મે તો જીવતી દાટી દઈ ઓનર કિલિંગ કરી શરમ છુપાવતા હતા. ત્યાંના લોકો નિર્વસ્ત્ર કાબાનો તવાફ કરતા હતા. મુહમ્મદ સલ્લ.ના આગમન સાથે નિર્લજ્જતા અને અશ્લીલતા નામની કટોકટીને જડમૂળથી ઉખેડી નાખવામાં સફળતા પ્રાપ્ત થઈ. ઓનર કિલિંગ બંધ થયું, દિકરીઓને જન્મવાનો અધિકાર મળ્યો, લગ્ન માટે તેમની સંમતિ લેવાનો અધિકાર આપવામાં આવ્યો, મિલ્કત અને વારસામાં તેમને હિસ્સો આપવામાં આવ્યો, પતિથી છુટા થવાનો અધિકાર અને વિધવા કે તલાક થવાની પરિસ્થિતિમાં બીજા લગ્ન કરવાનો અધિકાર આપવામાં આવ્યો. ઉપરાંત મુહમ્મદ સલ્લ.એ શિખવાડ્યું કે પતિની મિલ્કતમાંથી પત્નીને ભાગ આપવામાં આવે જ્યારે પત્ની પોતાની ખાનગી મિલ્કતમાંથી પતિને હિસ્સો આપવા બંધાયેલ નથી.
આરબ સમાજ જાતી ભેદભાદવાળી વાહીયાત માનસિકતા ધરાવતો હતો. તેઓ બિનઆરબને નીચ ગણતા હતા. મુહમ્મદ સલ્લ.એ આવી માનસિકતાને દૂર કરવા માટે ઉદાહરણ આપ્યા. આપ સલ્લ.એ તેમના નજીકના સાથીઓ જેમકે બિલાલ રદી. અને સલમાન ફારસી રદી. (જે પહેલા ગુલામો હતા)ને મુસ્લિમ સમાજમાં સન્માનનો દરજ્જો આપ્યો. પોતાના અંતિમ ખુત્બામાં આપ સલ્લ.એ જાહેર કર્યું કે “એક ગોરાને કાળા પર અને કાળાને ગોરા ઉપર કોઈ જ શ્રેષ્ઠતા પ્રાપ્ત નથી, સિવાય કે અલ્લાહનો ડર અને સદાચાર.” કે જેથી ભવિષ્યમાં કોઈ જાતીય ભેદભાવ ન રહે.
રાજનૈતિક અને પ્રશાસનની વાત કરીએ તો અજ્ઞાનતાના સમયગાળામાં વિશાળ કટોકટી પ્રવર્તતી હતી. સમગ્ર સમાજ કુટુંબ, કબીલા અને સમુહોમાં વહેંચાયેલો હતો. સલામતી અને માન્યતા હાંસલ કરવા માટે અંદરોઅંદર ઝઘડતા રહેતા. જેના કારણે રાજકીય અસ્થિરતા રહેતી. મુહમ્મદ સલ્લ.ના આવ્યા પછી રાજકીય પરિસ્થિતિમાં સુધાર આવ્યો. સંધીઓ અને કરારો કરવામાં આવ્યા. કબીલાઓ વચ્ચે સમજૂતીઓ થઈ. જેના થકી મુસ્લિમોએ તાકાત હાંસલ કરી. બીજી પરિસ્થિતિઓમાં પણ મુહમ્મદ સલ્લ.એ કટોકટીનો અસરકારક રીતે ઉકેલ લાવ્યા. આપ સલ્લ.એ જ્યારે સહાબા સાથે તાઈફથી મક્કા જઈ રહ્યા હતા ત્યારે લોકોની સંખ્યા ૧૨૦૦૦ની આસપાસ હતી. કેટલાક ઘોડા પર સવાર હતા તો કેટલાક પગે ચાલતા હતા. તેઓએ એક એવી ખીણમાંથી પસાર થયા જે ખુબજ પાતળી હતી. લોકોએ વિચાર્યું કે અહીંથી કેવી રીતે પસાર થઈશું. આપ સલ્લ.એ કહ્યું કે તમારા સમુહની હાલની વ્યવસ્થા આડી (Horizontal) રીતે વહેંચાયેલી છે. જો તમે ઉભી (Vertical) રીતે વહેંચાઈ જાવ તો આસાનીથી ખીણના પાર જઈ શકાશે. આ કટોકટી નિવારણનો દાખલો છે. જે વ્યક્તિ તદ્દન નવી પદ્ધતિથી વિશ્લેષણ કરી પર્યુત્તર આપવા માટે સક્ષમ હોય તે જ કટોકટીનું નિવારણ લાવી શકે. વ્યક્તિએ કટોકટીની પરિસ્થિતિને સમજવું જ જોઈએ. કટોકટી પહેલાની સમજ કામે ન લાગે. જ્યાં સુધી વ્યક્તિ કટોકટી પછીની ઘટનાને પહેલા વિચારવાની ક્ષમતાનો ઉપર વિકાસ ન કરે ત્યાં સુધી તે પરિસ્થિતિ પર કાબુ ન મેળવી શકે.
તેવી જ રીતે આપ સલ્લ. પોતાના સહાબા સાથે ઉમરાહ કરવા માટે નિકળ્યા અને મક્કાવાસીઓએ આપને અધ્વચ્ચે હુદેબિયાના મુકામે અટકાવ્યા ત્યારે આપ હિંસાનો માર્ગ અપનાવી શકયા હોત પરંતુ નહીં, બે સપ્તાહ સુધી ચાલેલી મંત્રણા દસ વર્ષ સુધી યુદ્ધ નહીં કરવાની સંધીમાં પરિણમી. શાંતિને કાયમ કરવા માટે આપ સલ્લ.એ કુરૈશ (મક્કાનો આગેવાન કબીલો)ની તમામ એક તરફી શરતોને માની લીધી. આ દાખલો કટોકટીને નિવારવાનો સચોટ દાખલો છે. સંધીને પરિણામે લોકોને ઇસ્લામથી પરિચિત કરવાના આયોજનને તક અને ઝડપ મળી.
કટોકટીમાંથી ઉગરવાનું કામ ફકત મુહમ્મદ સલ્લ.નું ન હતું પરંતુ આ કાર્ય તો બધા જ નબીઓનું હતું. દા.ત. નૂહ અલૈ.એ જાતીય વ્યવસ્થાની, મૂસા અલૈ.એ સરમુખ્યારશાહીની, હૂદ અલૈ. મૂડીવાદની, સાલેહ અલૈ. ખામીયુક્ત આગેવાની, ઇબ્રાહીમ અલૈ.એ મૂર્તીપૂજાની, લૂત અલૈ.એ સમલૈંગિક સંબંધોની, શોએબ અલૈ.એ દગાખોરી અને ભ્રષ્ટાચારની કટોકટીનો અંત લાવવાના પ્રયત્ન કર્યા. આ દર્શાવે છે કે કટોકટી નિવારણ એ દરેક નબીની સુન્નત હતી.
કટોકટીની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ કુઆર્ન તેનું માર્ગદર્શન આપે છે, “હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! ધૈર્ય અને નમાઝથી મદદ લો. અલ્લાહ ધૈર્યવાન લોકોના સાથે છે.” (સૂરઃબકરહ-૧૫૩). આ આયતમાં ધૈર્ય અને નમાઝથી મદદ લેવાનું કહેવામાં આવે છે, કે જેના વડે કટોકટીમાંથી સફળતાપૂર્વક ઉગરી શકાય. ધૈર્ય, નમાઝ, એકાગ્રતા, સારી આદતો, જ્ઞાન, ગરીબોની મદદ, માનવતા, ઉદાહરણરૃપ વ્યક્તિત્વ, લોકો વચ્ચે સમજશક્તિનો વિકાસ, અલ્લાહ સાથેનો લગાવ અને ઇન્સાફ વગેરેની જાળવણી એ આરબદ્વિપમાંથી તમામ પ્રકારની કટોકટી દૂર કરવામાં આપ સલ્લ.ને મદદ કરી. આજે મુસ્લિમ ઉમ્મત એવી ઘણી કટોકટી સામે ઝૂૂમી રહી છે જેમાંથી ઉગરવાના ઘણા ઉદાહરણો આપ સલ્લ.ના જીવનમાં મોજૂદ છે. મનમાં એવો ખ્યાલ બેસી ગયો છે કે દુનિયા મુસ્લિમો વિરુદ્ધ ષડયંત્ર કરી રહી છે પરંતુ મૂળ સમસ્યા આ છે કે મુસ્લિમો સમજી નથી રહ્યા કે તઓ કટોકટીને પહોંચી વળવામાં નિષ્ફળ થયા છે.
સાભાર : http://radianceweekly.in/portal/issue/twelve-more-acquitted-after-years-in-jail/article/crisis-management-in-islam/