એક ખૂબજ બરકતવંતા મહિનાથી આપણે ખૂબ લાભ લીધો હશે. જે ક્ષણે વ્યક્તિને જીવનની સૌથી મૂલ્યવાન વસ્તુ મળે એ ક્ષણ તેના માટે મુબારક બની જાય છે અને જીવનની સૌથી અમૂલ્ય વસ્તુ શું?!!! ભૌતિક સુવિધાઓ! એટલે સોનું-ચાંદી, ધન-દોલત, પદ-પ્રતિષ્ઠા, વૈભવી સંસાધનો!!! નહીં, ક્યારેક નહી. જે વસ્તુનો વિનાશ નિર્ધારિત છે એ વસ્તુ ક્યારે અમૂલ્ય મૂડી હોઈ શકે નહીં. વ્યક્તિ દરરોજ પોતાની આંખોથી લોકોને સુઃખ અને આનંદ માટે ફાંફા મારતા જુએ છે. અને તેના માટે એટલો ઘેલો થયા છે કે તેને પોતાને પ્રાપ્ત સુઃખ પણ છીનવાઈ જાય છે. મોટામોટા ધન કુબેરોએ પોતાની મહેનતથી જે માલ સંપત્તિ એકઠી કરી હોય છે. મૃત્યુની સાથે બધુ જ છોડીને જતા રહે છે. સમાજમાં આજે જે દૂષણો દેખાય છે તેનું એક કારણ આ પણ છે કે જેમની પાસે સંસાધનો છે તેઓ તેના છીનવાઈ જવાથી ભયભીત છે અને તેની સલામતી માટે જુદી-જુદી રીતો અપનાવે છે. ક્યાંક સ્થિર આવક માટે વ્યાજે પૈસા આપી ગરીબોનું લોહી ચુસે છે તો ક્યારે બીજાની સંપત્તિ પર કબજો જમાવવા હત્યાઓ કરાવે છે. વૈધ-અવૈધનો કોઈ ફરક બાકી રહેતો નથી. આવી વ્યક્તિના ચારિત્ર્યમાં દુર્ગુણો પેદા થાય છે તે સ્વાર્થી, સ્વચ્છંદ, અહંકારી, નિર્દયી, લાગણીહીન, લોભી તથા ક્રોધી સ્વભાવનો બને છે. દેખીતી રીતે આવી વ્યક્તિ કોઈ કલ્યાણનું કાર્ય કરતી હોય છે. પરંતુ તેની આડમાં તેની કોઈ ખોટી દાનત છુપાયલી હોય છે. તે તેનું વળતર ગમે તે સ્વરૃપે ઇચ્છે છે. આવા લોકો સત્યથી વેળગા અને કરૃણાહીન હોય છે. જેના છીનવી જવાની બીક હોય અને જેની સુરક્ષા માટે વ્યક્તિ ખોટા કાર્યોમાં લિપ્ત અને ચારિત્ર્યહીન બની જાય. જેના કારણે વ્યક્તિ માનવતાના ઉચ્ચ પદથી ફંગોળાઈને ખાઈમાં પડી જાય એ વસ્તુ ક્યારેય મૂલ્યવાન કહી શકાય નહીં. બીજી બાજુ એ વ્યક્તિ છે જેના પાસે જીવનના ઘણા સંસાધનો નથી, વંચિત છે, નિરાધાર છે, પીડિત છે અને દયનીય સ્થિતિમાં જીવી રહ્યો છે. તે ભૌતિક સુવિધાઓને પ્રાપ્ત કરવા વલખા મારી રહ્યો છે. તેને ગુમાવવાનો અહસાસ છે તે ક્યારેય વ્યવસ્થા તંત્રને ગાળો આપે છે તો ક્યારેક ભાગ્યને વખોડે છે. આવી વ્યક્તિઓ પણ ઘણા ખરા કિસ્સાઓમાં ખોટા માર્ગે ચડી જાય છે. વૈભવી જીવનની સુવિધાઓ પ્રાપ્ત કરવાનું સ્વપ્ન તેમના માટે ચંદ્ર પર જવા સમાન છે. આવી વ્યક્તિને પણ સત્યના દર્શન થતા નથી. જેનું જીવન ‘જીવનના ઉદ્દેશ્ય’થી અવગત ન કરાવે તેવું જીવન પણ નિરર્થક છે, મૂલ્યહીન છે.
પ્રશ્ન થાય છે કે પછી અમૂલ્ય મૂડી કઈ? એ વસ્તુ છે અલ્લાહનો સાચો પરિચય અને તેનાથી ગાઢ સંબંધ અને બીજી છે પોતાની જાતની ઓળખ અને તેનો વિકાસ. એમ કહી શકાય કે બંને વસ્તુ એક બીજાની પૂૂરક છે. જે વ્યક્તિ અલ્લાહનો થઈ જાય એ વ્યક્તિનું જીવન બદલાઈ જાય છે. દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. વિચારવાની દિશા બદલાઈ જાય છે અને તેને દિવ્યતાનો એહસાસ થાય છે. શ્રેષ્ઠ સ્થાને બિરાજવાની ધગશ પેદા થાય છે. અને જે વ્યક્તિ પોતાના વાસ્તવિક અસ્તિત્વને પામી જાય તે દુનિયાની વાસ્તવિકતાથી વાકેફ થઈ જાય છે. તેમને સત્યના દર્શન થઈ જાય છે. ટુંકમાં કહીએ તો ઇશપરાયણતા, સંયમ અને વ્યક્તિત્વ વિકાસ એ અમૂલ્ય મૂડી છે જે દરેક સંજોગોમાં વ્યક્તિને વફાદાર રહે છે. જેને કોઈ ખરીદી શકતું નથી અને કોઈ છીનવી શકતુ નથી.
આ વ્યક્તિત્વ વિકાસ કે આત્મવિકાસ એટલે શું?! એ પર્સનાલિટી ડેવેલોપમેન્ટના ક્લાસિસ અટેન્ડ કરવાનું કે બોડી બિલ્ડીંગનું નામ નથી. ન કૃત્રિમ એટીટયુડ અને ફેશનેબલ વસ્ત્રો પરિગ્રહણ કરવાનું નામ છે. બલ્કે પોતાની જાતનું અનિયંત્રિત મુલ્યાંકન કરી ભૌતિક વસ્તુઓના મોહથી સ્વતંત્ર થઈ સંયમી જીવન જીવવાનું નામ છે. આવી વ્યક્તિને લોભ-લાલચ, ક્રોધ, મોહ-માયા, અહંકાર વશ કરી શકતુ નથી. તેઓ ચારિત્ર્યવાન, બળવાન અને માનવી મૂલ્યોથી સજ્જ હોય છે. આ ‘સંયમ’ (તકવા) જ છે જે વ્યક્તિને અલ્લાહની અવજ્ઞાારથી રોકે છે, ગુનાહોથી દૂર રાખે છે, અશ્લીલતા, નગ્નતા અને અનૈતિકતાના દરિયામાં પડતા રોકે છે. આવી વ્યક્તિ પોતાની જાત પર બીજાને પ્રાથમિકતા આપે છે. ત્યાગ અને કુર્બાનીના દાખલારૃપ હોય છે. તેઓ દયાવાન, કરૃણામય, વિનમ્ર, સહનશીલ અને પ્રેમી સ્વભાવના હોય છે. તે બીજા લોકોની કથળેલી સ્થિતિ જોઈ કણસી ઉઠે છે અને પોતાને પ્રાપ્ત ને’અમતો (વસ્તુઓ)ના દ્વાર તેમના માટે ખોલી દે છે. આવી વ્યક્તિને જ અલ્લાહના સામીપ્યનું એ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થાય છે જેને હદીસમાં ‘અહસાન’ કહેવામાં આવ્યું છે.
‘અહસાન’ શું છે? હઝરત મુહમ્મદ સ.અ.વ.એ ફરમાવ્યું જેનો ભાવાર્થ છે, તુ બંદગી આ રીતે કર કે તુ અલ્લાહને જોઇ રહ્યો છે અને જો આ સ્થિતિને ન પામી શકતો હોય તો આવી કેફિયત પેદા થાય કે અલ્લાહ મને જોઈ રહ્યો છે. એક વ્યક્તિ ઉઠતા બેસતા, હરતા-ફરતા, દરેક ક્ષણ આ વસ્તુને યાદ રાખે કે અલ્લાહ તેને જોઈ રહ્યો છે તો તે દરેક ખોટા કાર્યોથી ભલે તે જાહેરમાં થતા હોય કે રાત્રીના અંધકારમાં બચી જાય. અને કદાચ માનવીય નબળાઈના કારણે કોઈ ખોટું કૃત્ય થઈ જાય તો તરત અલ્લાહથી ક્ષમાયાચના કરે. આવી વ્યક્તિ પોતાના ઘરમાં હોય કે બજારમાં, પોતાના મિત્રો સાથે હોય કે પત્નિ સાથે, પોતાના સંબંધીઓ વચ્ચે હોય કે ઓફિસમાં, ખાનગીમાં મોબાઈલ-ઇન્ટરનેટ સર્ફ કરતો હોય કે સ્કૂલ કેમ્પસમાં, ધંધા વ્યાપારમાં વ્યસ્ત હોય કે સામાજીક કાર્યોમાં એને દરેક સ્થિતિમાં અલ્લાહ યાદ રહે છે. એટલે અલ્લાહના આદેશ પ્રમાણે બધું કરે છે. ‘તકવા’ એ કોઈ માળા જાપ કરવાનું કે ખાસ પ્રકારનું સ્વરૃપ ધારણ કરવાનું નામ નથી એ તો દિલની એ સ્થિતિનું નામ છે કે જ્યાં વ્યક્તિ અલ્લાહને અપ્રસન્ન કરતા અને તેના પ્રકોપને ભડકાવતા નાનામાં નાના કાર્યોથી મુક્ત થઈ જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો તકવા એ સભાનતા અને જાગૃતિ, સંકલ્પ અને ઇચ્છા તથા અમલ અને કિરદારની એ શક્તિ અને ક્ષમતાનું નામ છે કે જ્યાં વ્યક્તિ એ દરેક વસ્તુથી રોકાઈ જાય જે નુકસાનકારક અને ખોટી છે. અને એ વસ્તુ ઉપર જામી જાય જે લાભદાયક અને સાચી છે.
‘તકવા’ના આ જ વિશેષ ગુણને પેદા કરવા રમઝાન દર વર્ષે આપણી વચ્ચે આવે છે. આ મહિનો આપણને સદ્ગુણોના વિકાસની અમૂલ્ય તક અને વાતાવરણ પૂરૃ પાડે છે. ભૂખ અને પ્યાસથી આપણી સ્થિતિ ગમે તેટલી ગંભીર થતી હોય છતાં એક બુંદ પાણી ગળાની નીચે ઉતારતા નથી. જો કે દિવસમાં ઘણી વાર નમાઝ માટે વુઝુ કરતા સમયે પાણી મોંની અંદર જાય છે. કારણ!? કોઈ જોનારો નથી, પરંતુ અલ્લાહ આપણને જોઈ રહ્યો છે. તેના સિવાય રોઝાની સ્થિતિમાં જૂઠ બોલવા, ગાળો આપવા, લડાઈ-ઝગડા, ચાડી કરવા વગેરે પર મનાઈ કરવામાં આવી છે. બલ્કે સામાન્ય દિવસોમાં જે વસ્તુ જાઈઝ છે એટલે ખાવું-પીવું અને સહશયન કરવું એનાથી રોકાઈ જવાનો હુકમ છે. હવે વિચારો આવી સખત ટ્રેનિંગ એક દિવસ નહીં આખા મહિને મળતી હોય તો વ્યક્તિ કેવી બની જાય. જો સભાનતા સાથે રમઝાનનો મહીનો વ્યતિત કર્યોે હોય તો પછી શું આ સંભવ છે કે વ્યક્તિ રમઝાન પછીના દિવસોમાં ખોટા કાર્યો કરે. જુગાર, શરાબ, પ્રપંચ, ષડયંત્ર, વ્યાજ, ગાળો આપવી, ઝગડા-હત્યા વગેરે હરામ કાર્યોમાં લિપ્ત થાય!!! શક્ય જ નથી. કારણ કે રમઝાન પછી એ વ્યક્તિ એવી થઈ જાય છે જેમ નવજાત શિશું એટલે ‘ગુનાહોથી પવિત્ર’. રમઝાનના રોઝા કેટલા અંશે કબૂલ થયા છે તેનો માપવાનો એક માપદંડ આ પણ હોઈ શકે કે આપણે એ જોઈએ કે આપણામાં કેટલા અંશે પરિવર્તન આવ્યું છે. આપણે મનેચ્છાઓના સ્વામી થયા કે નહીં. અથવા ‘જહાં થે વહીં’ની સ્થિતિ છે.
માનવમાં એક નબળાઈ છે ભૌતિક સામગ્રીઓનું આકર્ષણ. જો વ્યક્તિ અલ્લાહનો ડર (તકવા) પેદા કરે તો તેને અલ્લાહ તરફથી ધન્યતા અને જીવનના સંસાધનો વિશાળ માત્રામાં પ્રાપ્ત થાય. “જો વસ્તીઓના લોકો ઈમાન લાવતા અને તકવા (ઈશભય)નું વલણ અપનાવતા તો અમે તેમના ઉપર આકાશ અને ધરતીમાંથી બરકતો (અવિરત વધતી સમૃદ્ધિ)ના દ્વાર ખોલી દેતા, પરંતુ તેમણે તો ખોટું ઠેરવ્યું, તેથી અમે તે ખરાબ કમાણીના હિસાબમાં તેમને પકડી લીધા જે તેઓ એકત્રિત કરી રહ્યા હતા.” (સૂરઃ આ’રાફ-૭ઃ૯૬)
આ લોકનો જ લાભ નથી પરલોક (આખિરત)માં પણ ફાયદાનો સોદો છે. “નિશ્ચિતપણે અલ્લાહથી ડરનારા લોકો માટે તેમના રબ પાસે નેઅ્મતો (બક્ષિસો)થી ભરેલી જન્નતો છે.” (સૂરઃ કલમ-૬૮ઃ૩૪)
અને આ દુનિયામાં વ્યક્તિ જેની પાછળ ઘેલો છે તે પણ ઇનામરૃપે મળશે. “નિઃશંક મુત્તકીઓ (સંયમી-ઈશપરાયણ લોકો) માટે સફળતાનું એક સ્થાન છે, બાગ અને દ્રાક્ષ, અને નવયુવાન સમવયસ્ક કુમારિકાઓ, અને છલકાતા જામ. ત્યાં કોઈ બેહૂદી અને જૂઠી વાત તેઓ નહીં સાંભળે. બદલો અને પર્યાપ્ત ઈનામ તમારા રબ (પ્રભુ) તરફથી,” (સૂરઃ નબા-૭૮ઃ૩૧ થી ૩૬)
જોવામાં આવ્યું છે કે રમઝાન માસનો સુર્યાસ્ત થતા જ શેતાન સ્વતંત્ર થઈ જાય છે અને લોકો તેની જાળમાં ફસાવવા લાગે છે. સમગ્ર મહિનાનું પ્રશિક્ષણ બેકાર થઈ જાય છે. અપવાદ લોકો સિવાય મોટા ભાગે યુવાનો, બાળકો, પુરૃષો અને સ્ત્રીઓ રાત્રિ મેળામાં નિકળી જાય છે અને પોતાના અલ્લાહને ભૂલી જાય છે. મસ્જિદો ખાલી થઈ જાય છે અને કુઆર્નને મુકી દેવામાં આવે છે. અને ઈદના પવિત્ર દિવસે યુવાનો નાચગાન, છેડતી, બેપરદગી, ફિલ્મો, જુગાર વગેરે બુરાઈઓમાં લિપ્ત થઈ જાય છે. જ્યારે કે ઈદની રાત્રિ આપણને ‘ફફીર્રુઇલલ્લાહ’ (અલ્લાહ કી તરફ દોડો)નો સંદેશ આપે છે કે આપણે સમગ્ર રમઝાનમાં પોતે કરેલા કાર્યોનું નિરીક્ષણ કરીએ. ક્ષમાયાચના અને ઈબાદતમાં ગુજારીએ. અને ઈદનો દિવસ ‘વઅતસીબુલિલ્લાહ’ (અલ્લાહથી જોડાઈ જાઓે)ના સંદેશ સાથે છવાઈ જાય છે અને આપણે’અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર લાઇલાહા ઇલ્લલ્લાહુ વલ્લાહુ અકબર અલ્લાહુ અકબર વલિલ્લાહિલ હમદ’ની સદા સાથે નમાઝ તરફ કૂચ કરીએ છીએ. આ દૃશ્ય આ વાતનો સંકલ્પ છે કે અલ્લાહ તુ જ સૌથી મોટો છે અને અમે સાચા અર્થમાં તારા બંદા બનીને રહીશું અને રમઝાનમાં જે ગુણો પેદા થયા છે તેના ઉપર કાયમ રહીશું.
અંતેઃ મિત્રો, રમઝાનના એક માસના રોઝા જેમાં હલાલ વસ્તુઓથી આપણે રોકાઈ જઇએ છીએ. આ સંદેશ આપે છે કે આપણે દરેક ક્ષણે અલ્લાહને યાદ રાખીએ અને જીવનના રોઝા એટલે જીવનમાં અલ્લાહતઆલાએ જે વસ્તુઓ અને કાર્યોે કરવાથી રોકયા છે. તેનાથી રોકાઈ જવા માટે તૈયાર થઈએ. રોઝાનું કોઈ પુણ્ય નિર્ધારિત નથી તે અસીમ છે. આપણે જોે સાવચેતીપુર્વક આ મહિનો વ્યતીત કર્યો હશે અને જેટલું જોઈતુ પરિવર્તન પોતાની જાતમાં લાવી શકયા હોઈશું એટલો જ તેની સ્વીકારિતાના ચાન્સ વધુ હશે. આપણું ભૌતિક શરીર આપણને ભૌતિકતા તરફ આકર્ષિત કરે છે. દુનિયાની ચકાચૌંધ સુંદરતા અને વૈભવને પામવા પ્રોત્સાહિત કરે છે. જ્યારે આપણું આત્મીય અસ્તિત્વ આપણને ઉંચાઈ તરફ ઉડ્ડયન ભરવા પ્રવૃત રાખે છે. બંને વચ્ચે એક પ્રકારની ખેંચતાણ ચાલ્યા કરે છે. રમઝાન વાસ્તવિક અને આત્મીય અસ્તિત્વના વિકાસ માટે જરૂરી શક્તિ અને ક્ષમતા પૂરી પાડે છે.
ચાલો, પોતાના વાસ્તવિક અસ્તિત્વને પામવા પ્રયત્ન કરીએ કેમકે, “તે લોકો જેવા ન થઈ જાઓ જેઓ અલ્લાહને ભૂલી ગયા તો અલ્લાહે તેમને તેમના પોતાના અસ્તિત્વને ભુલાવી દીધું. આ જ લોકો અવજ્ઞાાકારી છે.” (સૂરઃ હશ્ર-૫૯ઃ૧૯). દંભી ચારિત્ર્યના લોકોને સંબોધતા કુઆર્ન કહે છે, “દંભી (મુનાફિકો) પુરુષો અને દંભી સ્ત્રીઓ સૌ સમાન આચાર-વિચારવાળાં છે, બૂરાઈની આજ્ઞાા આપે છે અને ભલાઈથી મનાઈ કરે છે અને પોતાના હાથ ભલાઈના કામોથી રોકી રાખે છે. આ લોકો અલ્લાહને ભૂલી ગયા તો અલ્લાહે પણ તેમને ભુલાવી દીધા. નિશ્ચિત રૃપે આ દંભીઓ જ અવજ્ઞાાકારી છે.” (સૂરઃ તૌબા-૯ઃ૬૭). અલ્લાહના દરબારમાં અત્યંત યાચના સાથે દુઆ કરીએ,
“મુઝે મુઝસે મિલા દે, યા રબ.” કેમકે પોતાની જાતની ઓળખ જ આપણી સાચી ઈદ હશે. *
sahmed.yuva@gmail.com