અબૂમાલિક અશ્અરી રદી.ની રિવાયત છે. રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યું ઃ “પવિત્રતા અને સ્વચ્છતા ઈમાનનો અર્ધો ભાગ છે.”
(મુસ્લિમ, મિશ્કાત – કિતાબુત્તહારાત પા. ૨૦)
સમજૂતી : ઇસ્લામ માત્ર આત્મિક તેમજ નૈતિક સ્વચ્છતા અને પવિત્રતાનું શિક્ષણ આપતું નથી બલ્કે તેની સાથે બાહ્ય સ્વચ્છતા-સફાઈ અને રીતભાતની પણ તાકીદ છે. એટલા માટે આ રિવાયતમાં બાહ્ય સ્વચ્છતા અને સફાઈ ઈમાનના અડધા ભાગ ગણાવવામાં આવ્યા છે.
હઝરત આઈશા રદી.ની રિવાયત છે. રસૂલુલ્લાહ સ.અ.વ. જમણો હાથ વુઝૂ અને ખાવા-પીવા માટે વાપરતા અને ડાબા હાથથી ઇસ્તિન્જા જેવા કામ કરતા હતા.
(અબૂદાઊદ, મિશ્કાત – બાબ આદાબુલખલા પા. ૩૪)
સમજૂતી : માકાન મિન અઝાનો અર્થ નાક સાફ કરવા અને એવા બીજાં કામ વખતે ડાબા હાથનો ઉપયોગ કરતા હતા અને બીજાં સ્વચ્છ કામોમાં જમણા હાથનો ઉપયોગ કરતા હતા.
હઝરત અબ્દુલ્લાહ રદી. બિન મુગફ્ફલની રિવાયત છે કે, રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યું : “એવું ન થવું જોઈએ કે કોઈ માણસ નહાવણીયામાં પેશાબ પણ કરે અને પછી ત્યાં જ નહાય અને વઝૂ કરવા લાગી જાય.”
(અબૂ દાઊદ, મિશ્કાત – બાબ આદાબુલખલા પા. ૩૫)
સમજૂતી : અર્થાત્ પેશાબખાનું જુદું હોવું જોઈએ અને ગુસ્લખાનું જુદું. આ બાબતમાં જો કાળજી રાખવામાં ન આવે તો પવિત્રતા અને સ્વચ્છતા અંગે શંકા જન્મે છે.
હઝરત ઉમર રદી.ની રિવાયત છે. તેઓ કહે છે કે એક વખત રસૂલુલ્લાહ સ.અ.વ.એ મને ઊભા ઊભા પેશાબ કરતા જોયા. આપ સ.અ.વ.એ ફરમાવ્યું, “હે ઉમર! ઊભા ઊભા પેશાબ ન કરો.” એ પછી મેં ઊભા રહી ક્યારેય પેશાબ ન કર્યો.
(તિર્મિઝી, મિશ્કાત – બાબ આદાબુલખલા પા. ૩૫)
સમજૂતી : કોઈ જરૂરત કે મજબૂરી હેઠળ ઉભા ઉભા પેશાબ કરી શકાય, પણ સામાન્ય સંજોગોમાં ઉપરોક્ત આદેશનું પાલન ફરજિયાત છે.