બિહારમાં ફરી દિલ્હીવાળી થઈ ગઈ. મહાગઠબંધનને મહાસફળતા મળી ગઈ. બિહારની રાજધાની પાટલીપૂત્ર (પટણા)માં સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ર્યના રાજ્યાભિષેક જેવી તૈયારીઓ શરૃ થઈ ગઈ. જાયન્ટ કિલર નિતિશકુમાર એન્ડ કંપનીએ દેશ અને દુનિયામાં સ્વચ્છંદી થઈને ફરતા મોદીના અશ્વમેધ યજ્ઞાના ઘોડાને લગામ કરી રોકી લીધો. બિહારની ચૂંટણીને જાણે કે મોદી વિશેના ભારતીય જનમતસંગ્રહ જેટલું માન આપોઆપ મળી ગયું છે. ખૂદ નીતિશ-લાલુ-રાહુલ ને પોતાના વિજય કરતાં એક અહંકારીને કાબુમાં કરવાની ખુશી બેવડી લાગી છે. ખુદ નીતિશ-લાલુ-રાહુલ સહિત દેશના મોટા મોટા રાજકીય પંડિતો અને નિષ્ણાંતો ઉપરાંત સરેઆમ દલાલ બની જુઠ્ઠાણે ફેલાવતા ચેનલોવાળા કે ભાજપના મેચોમેન મોદી અને તેમના અમિતશાહ સહિતના શિષ્યોને પણ આટલો અંદાજો નહીં હોય કે મહાગઠબંધન આટલી મહાસફળતા મેળવવાની સાથે કોઈની સ્વચ્છંદતા અને અહંકારને પાટુ મારશે, પરંતુ અત્રે એ વાત યાદ રહે કે આપણું રાષ્ટ્ર લોકશાહી રાષ્ટ્ર છે અને અહીં અંતે તો જનતાનું જ ધાર્યું થાય છે અને જનતા ભલભલા જુઠ્ઠાણાઓને કચકચાવી તમાચો મારી તેમના વટાણા વેરી નાખે છે, જે બિહારની શાણી-સમજદાર અને કદાચ ભારતની સૌથી વધુ રાજકીય સુઝબૂઝ ધરાવતી (અગાઉ યુવાસાથીની આ કોલમમાં આ તરફ ઇશારો કરાયો હતો) જનતાએ સાબિત કરી દીધું છે.
માત્ર દોઢવર્ષ અગાઉ કદાચ ઐતિહાસિક વિજય મેળવી જવલંત સફળતા પ્રાપ્ત કરી કેન્દ્રમાં સત્તાએ બિરાજેલ પક્ષ અને હા, અહીં તો પક્ષથી પણ વધી વ્યક્તિવિશેષની બોલબાલા થઈ હતી. અને જેનો જાદુ-કરિશ્મા-તિલીશ્મ-ચમત્કાર દરેક ચૂંટણીઓમાં જોવામાં આવતો હતો. સામાન્ય જનતા અને ખૂદ રાજકીય પંડિતો સહિત ભક્તગણ સમુદાય પણ માનવા લાગ્યો કે, અહીં વ્યક્તિ માત્ર વિજયને પાત્ર છે. તેમની ઉપસ્થિતી જ કરીશ્મા માટે પૂરતી છે. પરંતુ ખુદ વ્યક્તિવિશેષની જુઠ્ઠાણાઓ અને હથેળીમાં ચાંદ બતાવનારી તેમજ સામાન્ય બુદ્ધિજીવીના દિમાગમાં તેમની વાતો ઉતારવામાં કદાચ માથાના વાળ નળે તેવા વચનોની લહાણીથી ભરપૂર ૩૦ જેટલી જંગી સભાઓ તેમજ પોતાના અંગત શિષ્યના બિસ્તરા-પોટલા લઈ ત્યાં જ આળોટવા છતાં દિલ્હી પછી બિહારમાં ભૂંડી હાર થઈ છે અને બે તૃતીયાંશથી પણ વધારે ત્રણ ચતુર્થાંશ કક્ષાની જંગી બહુમતી મેળવી નીતિશના મહાગઠબંધને મહાસફળતા પ્રાપ્ત કરવાની સાથે કેન્દ્રમાં ભાજપના શાસન સામેના સંયોગોમાં વિક્રમ નોંધ્યો છે. જે મારી દૃષ્ટિએ આ બધી પરિસ્થિતી જોતા કદાચ ભારતવર્ષની “ઐતિહાસિક હાર” કહેવામાં અતિશ્યોક્તિ નહીં લેખાય.
હાર પાછળના કારણો અનેક છે. જેમાં ગાય, દાદરી, હરીયાણા, ધાર્મિક અસહિષ્ણુતા, પોતાનો અહંકાર અને ભાષણોમાં અહંકારીભાષા, શિષ્યની સભાઓમાં ઝેરી પ્રચાર અને પાકિસ્તાન, મોંઘવારી, નીતિશના ડીએનએ બાબતની હલકી ટીપ્પણી, લાલુના જંગલરાજ અંગેની વાહીયાત ટીપ્પણી, ભાગવતનું અનામત અંગેનું નિવેદન, તુવેરદાળ, સીએમ પદ માટે યોગ્ય ચહેરાનો અભાવ – ખૈર, કારણો ગમે તે હોય પરંતુ એ બાબત સ્પષ્ટ છે કે બિહારમાં ભૂંડી હાર થઈ છે અને અહંકારી અને સ્વચ્છંદી થઈને ફરતા મોદીના ઘોડાને રોક લાગી છે. આ ઉપરાંત આથી વિશેષ બાબત તો એ છે કે, રાજ્યસભામાં પોતાનું સંખ્યાબળ વધારી ધાર્યું કરવાના સ્વપ્નો રોળાયા છે. સાથે જ, દલાલ બની ઉઘાડેછોગે જુઠ્ઠાણું ફેલાવતા ચેનલોવાળા પણ ખુલ્લા પડી ગયા છે.
આ બધી જ, ચર્ચાઓની સાથે છેલ્લા એક દોઢ વર્ષની રાજકીય પરિસ્થિતીનું પૃથક્કરણ કરીએ, તો ભાજપની નેતાગીરીએ ૨૦૧૪ના પરિણામને સંઘ પરિવાર પ્રકારના હિંદુરાષ્ટ્રવાદ અને સામાજિક રૃઢીચુસ્તતાની તરફેણમાં ગણી લીધો. તેમને લાગ્યું કે લોકો એ આ કારણથી જ તેમને મત આપ્યા છે. જ્યારે સામે પક્ષે નજર કરીએ તો, લોકસભાની ચૂંટણીમાં સમગ્ર દેશમાંથી ભાજપને મળેલા મતોમાં ૧૮ થી ૩૫ વર્ષની વયજૂથના મતદારોનું સમર્થન આશરે ૫૫ ટકા જેટલું હતું. સ્વભાવિક રીતે જ યુવાઓને પોતાને સ્પર્શતી રોજગારી, મોબાઈલ તેમજ ઇન્ટરનેટ જેવી સુવિધાઓમાં વ્યાપની અપેક્ષા હોય, તેની સામે ભાજપે મતદારોના આટલા મોટા વર્ગને આકર્ષવા તેઓને સ્પર્શતી બાબતોમાં ઠોસ પરિણામ આપી શકે તેવી નેટ ન્યુટ્રાલીટી જેવો મુદ્દો કે જે યુવાવર્ગને સીધો અને તીવ્ર અસર કરી શકે તેને ભોળી જનતા સમક્ષ હથેળીમાં ચાંદ જેવા વચનની રૃએ વહેતો મુકી દીધો. આમાં જ બીજી એક ધ્યાનાકર્ષક બાબત એ પણ છે કે, ઉત્તરપ્રદેશમાં મળેલી પ્રચંડ સફળતાથી તેમણે માન્યું કે, લોકોએ કોમવાદી ધ્રુવીકરણની નિતીને ટેકો આપ્યો છે અને જો હિંદુઓને મુસ્લિમોની બીક બતાવવામાં આવે તો બન્ને જૂથના મત એકજૂટ થઈ જશે. આવી સ્થિતિમાં બહુમતીને હંમેશા ફાયદો થાય, અને આવી જ માનસિકતાને લીધે વિકાસના નામે જનમત મેળવનાર વડાપ્રધાન અને ભાજપ તેમજ સંઘપરિવારની સંસ્થાઓએ વિકાસને હાંસીયામાં પડતો મુકીને ધાર્મિક કટ્ટરતાને ઉત્તેજન આપવાની નીતિ અપનાવી. અને તેનો જવાબ બિહારના મતદારો પાસેથી સ્પષ્ટરૃપે મળી ગયો. બિહાર ગુજરાત નથી. સાચુ કહીએ તો અમુક હદે મહારાષ્ટ્રને બાદ કરતા બીજુ કોઈ રાજ્ય ગુજરાત નથી. ગુજરાતમાં જે હદે મુસ્લિમો શંકાથી અને પાકિસ્તાનને વહેમી અવિશ્વાસથી જોવામાં આવે છે. એવું ભારતના બીજા એકેય રાજ્યમાં જોવા નહી મળે. આવું કેમ એનું વિશ્લેષણ કરવા માટે ભૂતકાળમાં અનેક પ્રયાસો થવા છતાં કોઈ ખાતરીદાયક સફળતા મળી નથી.
આ સંદર્ભે અંતમાં એટલું જ કહી શકાય કે, આ જ ગુજરાત મોડેલે નરેન્દ્રમોદીને ૨૦૧૪ની ચૂંટણી જીતાડી અને ધ્રુવીકરણનું ગુજરાત મોડેલ દેશમાં બીજે લાગુ પાડવાની કોશિશ કરી તેથી બિહારે તેને ફગાવી દીધું, જેનું આશ્ચર્ય ન થવું જોઈએ.