પંજાબના પઠાણકોટ એરબેઝ ખાતે ત્રાટકેલા આતંકવાદીઓની સુરક્ષાકર્મીઓ સાથેની અથડામણે ફરી એકવાર આતંકવાદ અને શાંતિની ચર્ચા જગાવી છે. અવારનવાર થતા આતંકવાદી હુમલાઓથી દેશની શાંતિ ડહોળાય છે, તે સરકાર સહિત દેશના તમામ લોકો સારી પેેઠે જાણે છે. છતાં સુરક્ષા વ્યવસ્થા અને નાગરિક સલામતીના નામે સરકારે કોઈ ખાસ પગલા લીધા નથી. આતંકવાદને નાથવા અને શાંતિની સ્થાપના કરવા તરફ નક્કર પગલા ક્યારે લેવામાં આવશે તે આવનારો સમય કહેશે. પરંતુ દરેક વખતે આતંકવાદી ઘટનાને પ્રાથમિક તબક્કે પાકિસ્તાન અને મુસ્લિમો સાથે જોડી દેવાની મુર્ખામી કરવાનું આપણે ચુકતા નથી.
ઘટનાની હકીકત એવી છે કે ૩૧મી ડિસેમ્બરની રાત્રે પંજાબ પોલીસના દીનાનગરના એસ.પી. સલવિન્દર સિંહની મલ્ટી યુટીલિટી ગાડીને ચાર આતંકીઓ દ્વારા અપહરણ કરવામાં આવી. એરબેઝથી આશરે ૫૦૦ મીટરના અંતરે હુમલા પછી ગાડી બિનવારસી હાલતમાં મળી આવી. ૨ જાન્યુઆરીએ એરબેઝ પર આતંકીઓએ હુમલો કર્યો અને અથડામણના પ્રથમ તબક્કામાં સલામતી દળોના બે જવાનો અને ચાર આતંકીઓ માર્યા ગયા હતા. આ ઓપરેશન ૪ જાન્યુઆરી સુધી ચાલ્યું. જેમાં સાત સુરક્ષા કર્મીઓ અને એક આમ નાગરિકે જીવ ગુમાવ્યો. તમામ છએ છ આતંકીઓને ઢાળી દેવામાં આવ્યા. દીનાનગર એસ.પી. સલવિન્દર સિંહનું વ્યક્તિત્વ સમગ્ર પ્રકરણમાં શંકાસ્પદ જણાતા પૂછપરછ આદરવામાં આવી છે. તેના ખુલાસાથી તપાસ કરતા અધિકારીઓ મુંઝવણમાં છે. દેશની તમામ તપાસ એજન્સીઓ ઘટનાનું સુક્ષ્મ નિરિક્ષણ કરી રહી છે. આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યાના બુમબરાડા વચ્ચે ક્યારેય નહીં સંભળાયેલ ‘યુનાઇટેડ જિહાદી કાઉન્સિલ’ નામની સંસ્થાએ ૪ જાન્યુઆરીના રોજ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ લખાય છે ત્યારે મળતા સમાચારો મુજબ તપાસ એજન્સીઓ અંધારામાં હાથ મારી રહી હોય તેવું લાગી રહ્યું છે.
નવાઈની વાત છે કે ઓપરેશન ૪૮ કલાકથી વધારે ચાલ્યું અને આપણા મહત્વના ૭ જવાનોએ શહાદત વ્હોરી લીધી હોવા છતાં આ સમયગાળામાં પઠાણકોટની મુલાકાતે ન તો રક્ષામંત્રી મનોહર પારીકર પહોંચી શકયા, ન તો નંબર-૨ની પોઝીશન ધરાવતા ગૃહમંત્રી રાજનાથસિંહ દેખાયા અને મુંબઇ હુમલા વખતે ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્રમોદી જેમ જોશભેર મુંબઇ પહોંચવામાં ગંભીરતા દેખાડી હતી તેવો જોશ પ્રધાનમંત્રી બન્યા પછી પઠાણકોટ પહોંચવામાં ન બતાવી શકયા. ‘હાથીના દાંત દેખાવવાના જુદા અને ચાવવાના જુદા’ આ કહેવતને સાર્થક કરતા ભાજપ અને તેના નેતાઓ વિરોધપક્ષમાં રહીને આતંકવાદના મુદ્દે જેમ કોંગ્રેસને આડેહાથ લેતા હતા તેમ સત્તામાં આવ્યા પછી ગંભીરતા દેખાડતા નથી.
હાલમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝશરીફની પૌત્રીના લગ્નમાં ‘મુબારકબાદ’ પાઠવવા પ્રધાનમંત્રી પાકિસ્તાન લટાર મારી આવ્યા. દેશનું સુકાન હાથમાં આવ્યું ત્યારથી લઇને નવાઝશરીફ સાથે ઘણી મુલાકાતો વડાપ્રધાન સાથે થઈ ચુકી છે. બન્ને મળે છે એવી રીતે જાણે વર્ષોના મિત્રો હોય! બન્ને દેશોએ આતંકવાદને નાથવા અને સરહદી પ્રશ્નોને ઉકેલવા જે વાત વચનો કર્યા હતા તેના પરિણામ સ્વરૃપે પાકિસ્તાને તેના ‘શંકાસ્પદ સંગઠનો’ પર પંજો કસવાનું શરૃ કરી દીધું છે. ભારતે જૈશે મુહમ્મદ નામના સંગઠન પર આરોપ મુકયો છે કે આ સમગ્ર કાવત્રાનું ભેજું જૈશે મુહમ્મદના નેતા મૌલાના મસઉદ અઝહર છે. પાકિસ્તાને પાડોશી અને મિત્ર ધર્મ બન્ને પાળતા મૌલાના મસઉદ અઝહર અને તેમના ભાઈ અબ્દુર્રઉફ અસગરની અટકાયત કરી પુછપરછ આદરી છે. એક વસ્તુ સ્પષ્ટ છે કે જ્યાં સુધી બન્ને દેશો આંતકી હુમલાઓના માસ્ટર માઇન્ડને પકડવામાં ઉતાવળ કરવાને બદલે આતંકી હુમલાઓ શા માટે થાય છે અને તેના મૂળમાં કયા કારણો જવાબદાર છે તે નહીં શોધે ત્યાં સુધી પરિસ્થિતિમાં ઝાઝો ફેર પડવાનો નથી. આતંકવાદ ફકત ભારત કે પાકિસ્તાન માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે અતિગંભીર સમસ્યા છે. તેના નિરાકરણ માટે રાજકીય અને નાણાંકીય લાભની ગણતરી કર્યા સિવાય મહત્ત્વના પગલા લેવાની જરૃર છે.
ભારત સરકારે સૌ પ્રથમ તો તેની આંતરિક સુરક્ષામાં જે છિંડા છે તેને શોધવાની જરૃર છે. એસ.પી. લેવલનો સલવિન્દર સિંહ આતંકવાદીઓને સાથ આપવાના શંકામાં છે અને તેની વાતો બિલ્કુલ ફિલ્મી વાર્તાની જેમ લાગી રહ્યા હોય ત્યારે આપણે બે ઘડી થોભીને વિચારવાની જરૃર છે કે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી જે લોકોને સોંપવામાં આવી રહી છે તેઓ દેશની સલામતિ પૂરી પાડવા કેટલા સમર્થ છે, કેટલા ઈમાનદાર છે અને કેટલા વિશ્વાસુ છે?
બીજું, દેશની ઇન્ટેલિજન્સ એજન્સીઓ જે આતંકવાદી અને દેશદ્રોહી ગતિવિધિઓ પર નજર રાખે છે તેઓ શું કરે છે? શું ઇન્ટેલિજન્સ એજન્સીઓ ઇન્ટેલિજેન્ટ નથી રહી? કે નજરોને ચશ્મા આવી ગયા કે છ આતંકવાદીઓ પઠાણકોટ એરબેઝ સુધી પહોંચી ગયા અને છેક ત્રીજા દિવસે આતંકવાદીઓની ખરી સંખ્યા જાણી શકાઇ! કમાલની વાત છે જે દેશના ઇન્ટેલિજન્સને નેપાળમાં આવનારા ભુકંપની જાણકારી હોય (જે કુદરતી છે) તેને તેના જ દેશમાં આતંકવાદીઓ મહત્ત્વની જગ્યા પર પહોંચી ગયા અને ઇન્ટેલિજન્સ ઉંઘતુ રહ્યું.!
ત્રીજું, દેશના નેતાઓનું વલણ. હું તો મારા દેશનું દુર્ભાગ્ય ગણું છું કે જેને આવા પ્રોટોકોલિક અને ડિપ્લોમેટિક નેતાઓ મળ્યા. જેમની પ્રાથમિકતા દેશ નથી તેમનું અંગત જીવન છે. સુરક્ષા દળોના સાત જવાનો શહીદ થઇ જાય, વીસ ઘાયલ થઈ જાય અને કલાકો સુધી ઓપરેશન ચાલે અને પછી નેતાઓ સુરક્ષા જવાનોને આતંકવાદીઓને ઢાળી દેવા બદલ અભિનંદન પાઠવી દે, શહીદ થયેલા જવાનોના પરિવારજનોને આશ્વાસન આપી દે અને બસ. હૃદયને હચમચાવી દેનાર જે અહસાસ થવો જોઈએ તે અહસાસ વાણી અને વર્તનમાં દેખાતો નથી. દેશના એકએક વ્યક્તિની જવાબદારી મારા ઉપર છે તેવી ગંભીરતાનો અભાવ છે. વાત વચનો મંત્રણાઓ આતંરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય મીડિયામાં ચમકવા માટે ન થાય તે જોવું રહ્યું.
આવા નેતાઓ વચ્ચે એક મહાન રાજકર્તા યાદ આવે છે. જેણે કહ્યું હતું કે,”જો નાઇલ નદીના કિનારે એક બકરીનું બચ્ચું પણ તરસથી મરી જાય તો તેનો જવાબદાર હું પોતાને સમજીશ.” આવો અહસાસ અને આવી ગંભીરતા કે એક સાધારણ પ્રાણીના બચ્ચાનું મૃત્યુ પણ પોતાના શાસનમાં થઈ જાય તો તે તેના ઉત્તરદાયિત્વથી ગભરાય છે. તે હતા હઝરત ઉમર (રદિ.) ઇસ્લામના બીજા ખલીફા, જેમણે દુનિયાને એવું ઉદાહરણ પુરૃં પાડયું કે ગાંધીજીએ દેશના નેતાઓને ઉમર (રદિ.) જેવું શાસન કરવા શીખામણ આપી હતી. ગાંધીજીની શીખામણ પર તેમની કોંગ્રેસ પાર્ટી જ અમલ ન કરી શકી તો અત્યારે શાસન તો તેમનો પ્રાણ લેનારી માનસિકતા જ કરી રહી છે તેનાથી અમલની કેટલી આશા?