પ્રશ્ન: ટ્રસ્ટની સ્થાપના ક્યારે અને કેવા સંજોગોમાં થઈ ?
ઉત્તરઃ વર્ષ ૨૦૦૧માં ગુજરાત ખાતે પ્રચંડ ભૂકંપ થયો હતો અને ખૂબ તારાજી ફેલાઈ હતી. કચ્છ વિસ્તાર સૌથી વધારે પ્રભાવિત થયો હતો અને તે સમયે દેશ દુનિયામાંથી અસરગ્રસ્તોને સહાય પહોંચાડવાની ભાવનાઓ વહેતી થઈ હતી. અહમદાબાદ ખાતે પણ અમૂક મુસ્લિમ સેવાભાવીઓને ભૂકંપ પીડિતો માટે કંઈ કરવાનો ઇરાદો થયો અને હંગામી ધોરણે ગુજરાત સાર્વજનિક રિલીફ કમિટીની સ્થાપના કરવામાં આવી. સમય જતા કમિટીએ ધી ગુજરાત સાર્વજનિક વેલ્ફેર ટ્રસ્ટનું સ્વરૃપ ધારણ કર્યું અને માનવ કલ્યાણના વિવિધ કામો પોતાના હસ્તક લીધા અને આજદિન સુધી પોતાની સેવાઓનો વિસ્તાર સદંતર વધારી રહ્યું છે.
પ્રશ્નઃ ટ્રસ્ટ કયા ક્ષેત્રોમાં કામ કરી રહ્યું છે?
ઉત્તર : ટ્રસ્ટ મુખ્યત્વે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કામ કરી રહ્યું છે. અત્યારે ટ્રસ્ટથી સંલગ્ન પાંચ શાળાઓ શમા સ્કૂલ દાણીલીમડા, શમા સ્કૂલ ફતેહવાડી (ગર્લ્સ સ્કૂલ), નૂતનભારતી વિદ્યાલય બાપૂનગર, શમા સ્કૂલ શાહપૂર (ગર્લ્સ અંગ્રેજી માધ્યમ) અને શમા જનરલ નર્સીંગ સ્કૂલમાં ચાર હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. આ ઉપરાંત શિક્ષણ માટે અમે કેરિયર ગાઈડન્સના કાર્યક્રમોનું આયોજન, શિષ્યવૃત્તિ વહેંચણી અને સાઈકલ ટૂ સ્કૂલ જેવી યોજનાઓ અમલમાં મૂકીએ છીએ. આરોગ્ય ક્ષેત્રે અમારી અદ્યતન ટેકનોલોજીથી સજ્જ જમાલપૂર ખાતેની શિફા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલ અને કિડનીના દર્દીઓ માટે ખાસ બહેરામપુરા ખાતે હાજી ઇસ્માઈલ હોસ્પીટલ કાર્યરત છે. હોસ્પીટલો ઉપરાંત અમે બે ડીસ્પેન્સરીઝનું અને રાહત દરે દવાના વેચાણ કરતા મેડીકલ સ્ટોરનું પણ સંચાલન કરીએ છીએ. શિક્ષણ અને આરોગ્ય ઉપરાંત અમે સામાજિક વિકાસ માટે અનાથ બાળકોની સહાય, વિધવા સહાય, સમૂહ લગ્નો, રમઝાન માસમાં ખાદ્ય સામગ્રીનું વિતરણ, કુદરતી આપદા દરમ્યાન તાત્કાલિક સહાય જેવા કામો પણ કરીએ છીએં.
પ્રશ્ન : આ કામો કરવામાં તમને કેવા પડકારોનો સામનો કરવો પડે છે અને તેના માટે તમે શું ઉપાય કરો છો?
ઉત્તર: શિક્ષણ ક્ષેત્રે કામ કરવા માટે શિક્ષકોનું સૌથી મોટુ મહત્ત્વ હોય છે. તાલીમબદ્ધ અને યોગ્ય ગુણવત્તાવાળા શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓનું ઘડતર અપેક્ષા મુજબ કરવું મુશ્કેલ થઈ જાય છે. આ સ્થિતિને દૂર કરવા માટે અમે અમારા શિક્ષકોની તાલીમ પાછળ ખૂબ ધ્યાન દોરીએ છીએ. અમે અમારા શિક્ષકોને ગુજરાત સાહિત્ય પરિષદ, સી.એન. વિદ્યાલય ઇંગ્લીશ સેન્ટર અને હૈદરાબાદની નિષ્ણાંત મોન્ટેઝરી ટ્રેનીંગ જેવી નામાંકિત સંસ્થાઓમાં નિયમીત રીતે તાલીમ અપાવીએ છીએ. અમને આશા છે કે શિક્ષકોની તાલીમના કારણે તેઓ વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને યોગ્ય દિશા આપીને તેમનું શ્રેષ્ઠ ઘડતર કરવામાં સફળ રહેશે.
પ્રશ્ન: તમારા મત મુજબ હાલના તબક્કે મુસ્લિમ સમાજે કઈ બાબતોને પ્રાધાન્યતા આપવી જોઈએ?
ઉત્તર: અમારા મત મુજબ તો શિક્ષણને જ સૌથી વધારે પ્રાથમિકતા મળવી જોઈએ. ૨૦૦૨ પછી મુસલમાનોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવી રહી છે. તેવુ જણાઈ રહ્યું છે. આ ક્ષેત્રે કામ કરનારા અમે એકલા જ નથી પરંતુ ઘણાં લોકોએ આ કામ હાથમાં લીધું છે. બાળકોના મા-બાપમાં પણ શિક્ષણ માટે ઉત્સાહ જોવામાં આવી રહ્યો છે. અમે ઘણાં માતા પિતાને જોઈએ છીએ કે તેઓ પોતાના બાળકોને મોંઘીદાટ અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ભણાવવાની ઇચ્છા રાખે છે. તેમની આવી ઇચ્છાઓ સહજ છે અને અમને તે બાબતમાં કંઇ ખોટું પણ નથી લાગતું. પરંતુ પ્રશ્ન એ છે કે કેટલા માતા પિતા આવું મોંઘુ શિક્ષણ આપવા માટે આર્થિક રીતે સક્ષમ છે. આર્થિક રીતે એકવાર તેઓ પહોંચી પણ વળે તો બાળકે શાળામાં જે ભણીને આવે તે સમજી શકે તેવી સ્થિતિ કેટલા માતા પિતાની છે. અમે માનીએ છીએ કે ઓછામાં ઓછી એક પેઢીએ તો ગુજરાતી માધ્યમમાં પોતાના બાળકોને ભણાવવા જોઈએ જેથી કરીને તેમના ઘડતર માટે માતા પિતા પોતે પણ મદદગાર નીવડી શકે.
પ્રશ્ન: તમારા કામોમાં તમને સમાજ પ્રત્યેથી કેવો પ્રતિસાદ મળે છે?
ઉત્તર: સમાજના સાથ સહકાર વગર આવા કામો કરવા શક્ય બનતા નથી. જ્યારે આર્થિક સહાયની જરૃર હોય છે ત્યારે પણ સખીદાતાઓ તરફથી અમને નિરાશ નથી થવું પડતું. આ ઉપરાંત અમે જોઈએ છીએ કે સમાજમાં ઘણા લોકો પોતાની નિઃસ્વાર્થ સેવા આપવા સતત તૈયારી બતાવે છે. અમે ફતેહવાડી ખાતે જે ગર્લ્સ માટે શાળા શરૃ કરી છે તેના માટે સમાજની ઉચ્ચ શિક્ષીત મહિલાઓ કોઈ પણ આર્થિક વળતરની અપેક્ષા વગર પોતાની સેવાઓ આપી રહી છે. તેઓ માત્ર પોતાનો સમય જ નથી આપી રહી પરંતુ પોતાના વિચારો અને નવા પ્રયોગો વડે શાળાનો માહોલ ઉચ્ચ કક્ષાનો બની રહી તેના માટે સતત પ્રયત્નશીલ રહેતી હોય છે. આમ અલ્લાહના ભરોસે અમે કામ શરૃ કરીએ છીએં અને તે અમારી મદદ માટે ઘણા નિઃસ્વાર્થ લોકો મોકલી દે છે અને આ કામ સતત આગળ વધતું રહે છે.
પ્રશ્ન: ટ્રસ્ટની ભવિષ્યની યોજનાઓ શું છે?
ઉત્તરઃ ભવિષ્યમાં અમે જે કામો કરી રહ્યા છીએ તેની ગુણવત્તા સતત સુધરતી રહે તે અમારૃં લક્ષ્ય છેે. વિદ્યાર્થીનીઓ માટે શિક્ષણ મેળવવું આસાન બને તે માટે પણ અમારા પ્રયત્નો રહેશે. અમારી શાળાની એક વિદ્યાર્થીની ધોરણ દસમાં ૮૭% થી પણ વધારે માર્કસ મેળવી ઉત્તીર્ણ થઈ હતી અને ઈનામ વિતરણ સમારોહમાં અમે તેને પૂછયું કે તેણીએ ધોરણ ૧૧માં કંઇ શાળામાં પ્રવેશ મેળવ્યો ત્યારે તેણે નિરાશા સાથે જણાવ્યું કે ઘરની નજીકમાં કોઈ શાળા ન હોવાથી તેણે પ્રવેશ લીધો નથી. આ બાબત અમારા માટે આંચકા સ્વરૃપ હતી અને તે પછી તરત જ અમે દાણીલીમડા ખાતેની શમા સ્કૂલ ખાતે ધો. ૧૧ અને ધો. ૧૨ની કોમર્સ, આર્ટ્સ અને વિજ્ઞાાન પ્રવાહોની મંજૂરી મેળવવાની કાર્યવાહી આરંભી દીધી હતી અને અલ્હમદુલિલ્લાહ તેમાં અમને સફળતા પણ મળી. પરંતુ આવું બીજી દીકરીઓ સાથે ન થાય તેના માટે આપણે તમામે પ્રયત્નશીલ રહેવું જોઈએ. અમારી બીજી યોજનાઓમાં મેડીકલ અને પેરામેડીકલ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ માટે સંસ્થાઓ શરૃ કરવાનો છે. આ ઉપરાંત અહમદાબાદ ખાતે લેડીઝ હોસ્ટેલ માટે પણ અમે પ્રયત્નો કરી રહ્યા છીએ.
પ્રશ્ન: ટ્રસ્ટ દ્વારા જે કામગીરી આદરવામાં આવી છે શું તે સરકારોની જવાબદારી નથી? સમાજના સ્ત્રોતો પહેલાથી ટાંચા હોય છે ત્યારે આવા કામો જાતે કરવા કેટલા યોગ્ય છે?
ઉત્તર: સરકારો આ કામ કરી રહી હોત તો સેવાભાવી સંસ્થાઓએ આ કામોનું બીડું ઝડપવાની જરૃર ન ઉભી થાત. પરંતુ જવાબદાર શહેરીઓનું કામ ફરિયાદો કરવાનું નથી પરંતુ પોતાનાથી શક્ય તમામ સર્જનાત્મક કામો શરૃ કરવાનું છે. ઇસ્લામનું શિક્ષણ પણ આ જ છે કે વંચિત, મજબૂર, નિઃસહાય લોકો માટે કોઈ પણ નાતજાતનો ભેદભાવ રાખ્યા વગર શકય તેટલું કામ કરવું જોઈએ.
પ્રશ્ન: સમાજ માટે કંઇ કરવાની ભાવના રાખનારા યુવાસાથીના વાંચકમિત્રોને આપ શું સંદેશ આપવા માંગો છો?
ઉત્તર: જે પણ ક્ષેત્રે કામ કરવા ઇચ્છો તેનો ઊંડો અભ્યાસ કરી તેમાં કાબેલીયત મેળવી અને વ્યવસાયિક ઢબે કામ કરવાનો આગ્રહ રાખો. કામ કરવામાં ગુણવત્તા નહીં હોય તો સારી ભાવનાઓ રાખવાનો કોઈ વિશેષ ફાયદો દેખાશે નહીં. જે સંસ્થાઓ સ્થાપો તેનો શ્રેષ્ઠ ઉપયોગ કઈ રીતે થાય તે હંમેશા સામે રાખો. હઝરત મુહમ્મદ સ.અ.વ.નો પણ જીવનસંદેશ તે જ છે. આપ સ.અ.વ.એ જ્યારે મસ્જિદ સ્થાપી તો તે માત્ર ઇબાદત કરવા માટેનું સ્થાન નહીં પરંતુ સામાજિક વિકાસનું કેન્દ્ર હતું. આમ આપણે નજીવા સ્ત્રોતોથી પણ મોટંુ અને ઉપયોગી કામ કરી શકીએ છીએ.