Tuesday, January 21, 2025
Homeઓપન સ્પેસવ્યક્તિત્વ વિકાસતોરા મન દર્પન કેહલાએ

તોરા મન દર્પન કેહલાએ

આજે આપણે એકવીસમી સદીના બીજા દસકમાં ચાલી રહ્યા છીએ. આ વાત વીસમી સદીના છઠ્ઠા દસકની છે. તે સમયે મારી ઉંમર માંડ ૧પથી ર૦ વર્ષ વચ્ચેની હશે. મારા મર્હૂમ પિતાશ્રી તરફથી એ સમયે મને ઘણી બધી જ્ઞાાનની વાતો સાંભળવા અને સમજવા મળેલી. આજે સિત્તેર વર્ષની ઉંમરે જ્ઞાનની એ બધી વાતો મારા માટે સુંદર સંભારણા બની રહી છે. જો કે તેઓ ઝાઝુ ભણેલા કે પઢેલા ન હતા. કારણ કે તે સમયે જ્ઞાાન પ્રાપ્તિ માટે આજે છે એટલી વિશાળ જોગવાઈઓ તે જમાનામાં ઉપલબ્ધ ન હતી. પણ યુગ એ સાત્વિકતાનો હતો. સદગુણીતાના પ્રભાવનો જમાનો હતો. લાયાની વાતો (બેકાર કિસમની ટોળટપ્પાની મહેફિલો, જે માનવીને કોઈ લાભ તો ન પહોંચાડે) બલ્કે તેના ચરિત્ર અને તેની ગુણીતાને નુકસાન પહોંચાડેને તે જમાનામાં ભાગ્યે જ કોઈ સ્થાન મળતું. કામની, સમજદારીની અને જ્ઞાાનની વાતો જ મોટાભાગે સાંભળવા મળતી. જ્ઞાાન અને સમજદારીની કેટલીએ વાતો જે તેમના મુખે મને સાંભળવા મળેલી તેમાંની ઘણીખરી વાતો કુઆર્નના અભ્યાસ દરમ્યાન મને એમ લાગ્યું કે એ તો બધી અલ્લાહની કિતાબની જ વાતો હતી. દા.ત. અલ્લાહની સાથે સંબંધ જોડીને જીવવાની તેઓ ભારોભાર તાકીદ કરતા. એક વાર તેમણે મને કહ્યું કે, ‘જિંદગીના બધા રંગો સમયના વહેણની સાથે ઝાંખા પડતા જશે પણ અલ્લાહનો રંગ કદી ઝાંખો નહીં પડે. બલ્કે જીવન જેમ જેમ આગળની મંઝિલો કાપતું જશે તેમ તેમ એ રંગ વધુ ગાઢ થતો જશે, વધુ ચમકદાર લાગશે, વધુ તેજોમય દેખાશે. શર્ત એટલી કે તમે અલ્લાહ સાથેના એ સંબંધને સતત જાળવી રાખો.’ પછીથી જ્યારે કુઆર્નની એ આયત જેમાં કહેવાયું છે કે ‘સીબ્ગતલ્લાહ, વમન અહસનુ મીનલ્લાહે સીબગહ’ (અર્થાત્ આ અલ્લાહનો રંગ છે અને અલ્લાહના રંગથી વધુ બહેતર કયો રંગ હોઈ શકે છે ?’) મારા અભ્યાસમાં આવી ત્યારે હું ચોંકી ગયો. મને સમજાયું કે પિતાશ્રીના મુખે સાંભળેલી એ વાત તો અલ્લાહની કિતાબની જ વાત હતી. અલ્હમ્દુલિલ્લાહ.

સીધાસાદા, સાલસ સ્વભાવના, અને કપટી માનસિકતાથી જોજનો દૂર એવા સાધારણ લાગતા માણસો મહદઅંશે ઘણી બધી સાત્વિક વાતો કહી દેતા હોય છે. જો કે આજના રોકેટ યુગની ઝડપવાળા ભાગદોડના સમયમાં એના તરફ કાન ધરવાનું સદ્ભાગ્ય ભાગ્યે જ કોઈને મળે છે પણ તેમ છતાં સત્ય આખરે સત્ય જ રહે છે. એનો એક આગવો પ્રભાવ છે એનું એક ખાસ વજન છે જેની સામે તરકટી અને સ્વાર્થપ્રચુર પ્રાવધાનોનું જરા સરખુંય મૂલ્ય નથી. ભલે એને ‘ન્યુવર્લ્ડ ઓર્ડર’નું નામ જ આપી દેવામાં કેમ ન આવે ! આજે અહીં જે વિષય ઉપર થોડી ચર્ચા કરવાનું સદ્ભાગ્ય મને મળી રહ્યું છે તે મુદ્દાની વાત ઉપર આવતા પહેલાં મને પેલા કોઈક શાયરે કહેલા શબ્દો યાદ આવે છે. તેણે કહ્યું:

‘તોરા મન દર્પન કેહલાએ,

 તોરા મન દર્પન કેહલાએ

ભલે-બૂરે સારે કર્મોંકો, દેખે,

ઔર દીખાએ

તોરા મન દર્પન કેહલાએ.

 તોરા મન દર્પન કેહલાએ.

કુઆર્ન અભ્યાસ દરમ્યાન આ બધી વાતો મને યાદ આવી ગઈ. આપને કદાચ એમ થશે કે મારે અહીંયા સહુ પ્રથમ અલ્લાહની વાતનું નિરૃપણ કરીને પછી જ આગળની વાત કરવી જોઈતી હતી. પણ ઘણીવાર ‘અસલ રસ’નું પાન કરાવતાં પહેલા સહુ પ્રથમ એવી પ્રસ્તાવના બાંધવી પડે છે કે શ્રોતા અથવા વાંચકના મન અને હૃદય બેયમાં એનું પાન કરવાની ઉત્કંઠા પેદા થઈ જાય, એના સુધી પહોંચવા મન અધીરૃં બની જાય, વ્યાકૂળ થઈ જાય અને જ્યારે- જે ક્ષણે- એ રસઅમૃત એને મળી જાય ત્યારે એના તન-મન અને હૃદય રસતરબોળ બની જાય. આનંદની અવધિની સીમાઓને પણ એ પાર કરી જાય અને જે તૃપ્તી એનું અંતર અનુભવે તેનું વર્ણન કરવું અશકય છે. માનવી કયારેક બધું જાણતો હોવા છતાં, સમજતો હોવા છતાં, અડોડાઈ વર્તીને સત્યને છુપાવવાની કુચેષ્ટા કરતો રહે છે, તેના મનમાં ઘર કરીને બેસી ગયેલા  અસત્ય અને બનાવટના ભાવ તેની અસલ માનસિકતાને છતી થવા દેતા નથી. મનના મેલને છુપાવીને ઉજળા તન દ્વારા તે લોકોને હથેળીમાં ચાંદ બતાવવાની ધૃષ્ટતા તો કરતો રહે છે, પરંતુ તેનું પોતાનું મન તેની ‘અંદરના ચોર’ને બરાબર ઓળખતું હોય છે. તે પોતાની અસલ તસવીરને જગતથી છુપાવી શકે છે પરંતુ તેનું પોતાનું ‘મન, તે કોણ છે, શું છે અને કેવો છે તે બધું જ જાણતું હોય છે. મનનો ચોકીદાર તેની બધી ચોરીઓ અને બનાવટોને બરાબર પકડી લે છે ! આ એક પ્રાકૃતિક સિસ્ટમ છે જે સર્જનહારે માનવીના અંદરમાં ફીટ કરી રાખી છે સૂરઃએ અલકયામાની આયતો નંબર ૧૦થી ૧પમાં અલ્લાહ તઆલા કહે છે ‘(જ્યારે કયામતનો દિવસ કાયમ થશે અને માનવીને પોતાના દુષ્કર્મોની ભયાનક સજાના એંધાણ દેખાઈ જશે ત્યારે) માનવી કહેશે, હવે ભાગીને આશ્રય લેવા કયાં જાઉં ? હરગીઝ નહીં હવે તેના માટે ત્યાં કોઈ આશ્રયસ્થાન નથી. તે દિવસે તારે તારા રબની સામે જ જઈને થોભવું પડશે. તે દિવસે મનુષ્યને તેનું આગળ-પાછળનું સઘળું કર્યું કરાવ્યું બતાવી દેવામાં આવશે. બલ્કે મનુષ્ય પોતે જ પોતાની જાતને ખૂબ સારી રીતે ઓળખે છે. (પોતાની બૂરાઈઓને છુપાવવા માટે) ભલે તે ગમે એટલા બહાના રજૂ કરે !’

પોતાની બૂરાઈઓ અને કપટલીલાઓને છુપાવવા માટે દુનિયામાં તો તેણે ખૂબ ખૂબ રાજરમતો રમી, લોકોની આંખે પાટા બાંધ્યા, લોકોને ઉલ્લુ બનાવ્યા, પરંતુ તેના મન અને અંતરાત્મા આગળ તે પોતાની જાતને જરાય છુપાવી શકયો નહીં.’ એના  બધા ભેદભરમ ત્યાં આગળ ખુલી ગયા. તે લોકોની સામે તો ચેહરા ઉપર બનાવટી હાસ્ય લાવીને વાત કરતો રહ્યો પણ તેનું મન અંદરથી તેને કોસતું રહ્યું કે તું જુઠ્ઠો છે, કપટી છે, ચોર છે, તું દુનિયાને તો છેતરી શકીશ પણ મને નહીં છેતરી શકે. મારા દૃશ્યપટલ ઉપર તારી અસલ છબી અંકિત થઈને જ રહેશે. અને તું ગમે એટલા ધમપછાડા કેમ ન કરે પરંતુ કયામતના દિવસે તારી એ અસલ છબી અલ્લાહના સમક્ષ છતી થઈને જ રહેશે અને ત્યારે લોકો જાણી લેશે કે વાસ્તવમાં તું કોણ હતો અને કેવો હતો. તારૃં અસલ સ્વરૃપ કેવું હતું !

સુરઃએ અલકયામાની આ આયતો (૧૪ અને ૧પ) ઉપરની વિવરણ નોંધ નંબર ૧૦માં મૌલાના મૌદૂદી ર.અ. લખે છે ‘એટલે કે માનવીનું આમાલનામું (કર્મનોંધો) તેની સામે રજૂ કરી દેવાનો આશય એ નથી કે તેને તેની અપરાધીતા (જુલ્મ) બતાવી દેવામાં આવે. બલ્કે એમ કરવું એટલા માટે જરૂરી હશે કે ન્યાયના તકાઝાઓ અપરાધીના અપરાધોની સાબિતીઓ રજૂ કર્યા વિના પૂર્ણ થઈ શકતા નથી. નહીંતર પ્રત્યેક માનવી ખૂબ સારી રતે જાણતો હોય છે કે તે પોતે કેવો છે. પોતાની જાતને અને પોતાની ખસલતોને જાણવા માટે માનવી એ વાતનો મોહતાજ નથી હોતો કે અન્ય કોઈ તેને એ બતાવી દે કે વાસ્તવમાં તે કોણ છે અને કેવો છે. એક જૂઠો માણસ જગતભરને ધોકો આપી શકે છે પરંતુ તેને પોતાને એ બરાબર જ્ઞાાત હોય છે કે તે જૂઠું બોલી રહ્યો છે. ચોર માણસ પોતાની ચોરવૃત્તિને છુપાવવા માટે લાખો બહાનાઓ ઉપજાવી કાઢી શકે છે પરંતુ તેના પોતાના (નફસ) મનથી કયારેય આ વાસ્તવિકતા છુપી રહી શકી નથી કે તે ચોર છે. એક ગુમરાહ (પથભ્રષ્ટ) વ્યક્તિ હજારો દલીલો રજૂ કરી શકે છે કે તે જે કુફ્ર અને શિર્કને સત્ય માની રહ્યો છે તેનું ઈમાનદારીપૂર્વકનું મંતવ્ય છે પરંતુ તેનો પોતાનો અંતરાત્મા એ વાસ્તવિકતાથી અજ્ઞાાત રહી શકતો નથી કે તે આ ખોટી આસ્થાઓને મન હૃદયમાં સંઘરીને શા માટે ચાલી રહ્યો છે, અને એને ગલત માની લેવાથી કઈ વસ્તુ એને અટકાવી રહી છે. એક જાલીમ, એક બદનીયત, એક ખરાબ આચરણો આચરનાર અને એક હરામખોર વ્યક્તિ પોતાના દુષ્કૃત્યો માટે ભાતભાતની દલીલો રજૂ કરીને ખુદ પોતાના અંતરાત્માને પણ દબાવી દેવાના પ્રયાસ કેમ ન કરે કે જેથી તેનો અંતરાત્મા તેને ડંખવાથી એમ વિચારીને અટકી જાય કે તે કેટલીક મજબૂરીઓના કારણે, કેટલીક મસ્લેહતો અને જરૂરતોને લઈને આમ ખોટું કરી રહ્યો છે. તેમ છતાં તેને એ બરાબર જ્ઞાાત હોય છે કે તેણે કયાં કેયાં કેવા કેવા અત્યાચારો કર્યા છે, કોના કોના હક્કો માર્યા છે, કોની લાજ લૂટી છે, કોને ધોખો આપ્યો છે અને કેવી કેવી અનૈતિક પદ્ધતિઓ અપનાવીને લખલૂટ લાભાલાભ લુટયે રાખ્યા છે. એટલે જ આખિરતમાં અલ્લાહની અદાલતમાં રજૂ થતી વખતે પ્રત્યેક ઈનકારી વ્યક્તિ, પ્રત્યેક મુનાફિક (ઢોંગી), પ્રત્યેક ફાસિક ફાજીર અને અપરાધી (મુજરીત) ખુદ પોતે જ બરાબર જાણતો હશે કે તે કેવાં કર્મો કરીને આવ્યો છે અને શું મોઢું લઈને પોતાના સર્જનહારની સામે આજે ઉભો છે.’ (તફહીમુલ કુઆર્ન, ભાગ-૬, પેજ-૧૬૭)

તો ચાલો,આ આયતો અને તેની આ વિવરણ નોંધના પ્રકાશમાં આજે જ આપણે આપણો પોતાનો હિસાબ બરાબર જોઈ લઈએ અને કંઈક ખોટું થતું હોય તો તેને સુધારી લેવાના પ્રયાસમાં લાગી જઈએ કે જેથી કાલે કયામતના  મેદાનમાં આપણે અલ્લાહની સામે શરમાવવું ન પડે. સમયે, આપણને અત્યારે જે મોહલત આપી છે તેનો સદઉપયોગ કરી આપણી તસવીરને સુધારી લઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments