ઇતિહાસની અટારીએથી ………………………… પ્રશિક્ષણના પગલાં
મુહમ્મદ બિન જઅફર કહે છેઔ કે અલ્લાહના અંતિમ રસૂલઔ મુહમ્મદ સ.અ.વ. પાસે ખ્રિસ્તીઓનું એક પ્રતિનિધિમંડળ આવ્યું. અને આપ સ.અ.વ.થી પ્રાર્થના કરી કે હે મુહમ્મદ સ.અ.વ.! અમારા સાથે આપ પોતાના સાથીઓમાંથી જેને આપ યોગ્ય સમજતા હોવ, મોકલો જેથી અમારા દરમ્યાન જે મતભેદો છે તે સંબંધે તેઓ ચૂકાદો આપી શકે. અમારા સમીપ આપ લોકો ભરોસાપાત્ર છો. અલ્લાહના રસૂલ સ.અ.વ.એ ફરમાવ્યું, “તમે લોકો સાંજે મારા પાસે આવજો હું અડગ અને અમાનતદાર વ્યક્તિને તમારા સાથે મોકલી આપીશ.”
આપ સ.અ.વ. ઝુહરની નમાઝથી ફારેગ થયા. નમાઝથી ફારેગ થયા પછી આપ પોતાની જમણી-ડાબી બાજુ જોવા લાગ્યા. ત્યાં સુધી કે આપની નજર હઝરત અબુ ઉબૈદા બિન જર્રાહ રદી. ઉપર જઈને રોકાઈ ગઈ. આપ સ.અ.વ.એ તેમને પોતાના પાસે બોલાવ્યા અને કહ્યું, “આ લોકોના સાથે જાવ અને તેમના દરમ્યાન ઇન્સાફ અને સત્યપૂર્વક ફેંસલો કરી આપો.”
અલ્લાહના રસૂલ સ.અ.વ.ના જીવન ચારિત્ર્યના આ પ્રસંગથી આપણને જાણવા મળે છે કે અલ્લાહના રસૂલ સ.અ.વ. પોતાના સાથીઓની તરબીયત અને તાલીમ માટે શું પદ્ધતિ અપનાવતા હતા. આ પ્રસંગથી એ વાત જાણવા મળે છે કે પ્રશંસનીય રસૂલ સ.અ.વ. પોતાના તમામ સાથીઓ વિષે પૂરેપૂરી જાણકારી ધરાવતા હતા. આપને એ પણ ખબર હતી કે તેમનામાંથી પ્રત્યેક કઇ બાબતમાં પ્રવિણ અને નિપૂણ તેમજ સશક્ત છે. જ્યારે આપ સ.અ.વ.એ પ્રતિનિધિમંડળથી કહ્યું હતું કે હું તમારા લોકો સાથે એક અડગ અને અમાનતદાર વ્યક્તિને મોકલીશ તો સહાબા રદી.ની ગર્દનો ઊંચી થવા લાગી હતી. દરેક વ્યક્તિ એ વાતનો અભિલાષી હતો કે તે આ ગુણોનો ધરાવનારો ગણાય. અને છેવટે આ ખાસ ગુણ હઝરત અબુ ઉબૈદા બિન જર્રાહ રદી.ના ફાળે આવ્યો.
આ પ્રકારના સ્પષ્ટ દેખાતા ગુણો અને વિશેષ ખાસિયતો હતી જેને આપ સ.અ.વ.એ કોઈને કોઈ સહાબાના અંદર શોધી રાખી હતી. જેથી કોઈ સિદ્દીકના ગુણથી માનવંત હતો. કોઈને ફારૃકનો ઇલ્કાબ મળેલો હતો. કોઈ ઉમ્મતનો અમીન હતો. કોઈની વિશેષતા એ હતી કે તે સૈફુલ્લાહ (અલ્લાહની તલવાર) હતો. કોઈ મોઅલ્લિમ (શિક્ષણશાસ્ત્રી) હતો. અત્રે આવા તો અનેકોનેક ગુણોથી આચ્છદિત હતો આ સહાબાઓ રદી.નો સમાજ.
અને આ ગુણો જે ઇલ્કાબોના સ્વરૃપે અલ્લાહના રસૂલ સ.અ.વ.એ વિવિધ સહાબાઓને અર્પણ કરી હતી તે ગુણો વાસ્તવમાં સંબંધિત સહાબાઓની નસેનસમાં વ્યાપેલા હતા. જેના કારણે આ ગુણો તેમની ખાસ ઓળખ બની ચૂક્યા હતા. અને જેના કારણે તેમની મહાનતા અને વ્યક્તિત્વના સ્પષ્ટ દેખાતા પાસાઓ ઉપર એવો પ્રકાશ પડતો હતો જેને હર કોઈ જોઈ શકતું હતું.
એક જ દૃષ્ટાંત જો લઈએ કે હઝરત ઉમર રદી.ને ફારૃક કેમ કહેવામાં આવ્યા. કેમકે સત્ય અને અસત્યની વચ્ચે અડીખમ ઉભા થઈ ગયા હતા. સત્ય-અસત્યમાં સ્પષ્ટ ભેદ ઊભો થઈ જતો હતો, તેમના પ્રત્યેક વાણી-વર્તનથી… અસત્યને ક્યારેય પણ જરાપણ સાંખી ન લેવું તે તેમનો સ્વભાવ બની ગયો હતો.
આ તમામ યોગ્યતાઓ અલ્લાહના રસૂલ સ.અ.વ.ના પ્રશિક્ષણની ખાસ પદ્ધતિના કારણે ઘડતર પામી હતી. એટલા માટે પ્રત્યેક વડીલ અને નેતૃત્વ પુરૃં પાડનાર માટે જરૂરી છે કે તે પોતાના પ્રશિક્ષણ આધિન વ્યક્તિઓના ગુણોને અને તેનામાં રહેલી શક્તિઓને ઓળખે અને પછી તે વ્યક્તિઓની યોગ્યતાઓથી બીજાઓને પણ પરિચિત કરાવે અને આમ તેનામાં રહેલા ગુણોને વધારે બળવત્તર બનાવીને લોકોપયોગી બનાવે.
કેટલાય એવા ગુણો અને યોગ્યતાઓની યાદી છે જેના વડે ઘણા મહાન વ્યક્તિત્વો વજૂદમાં આવ્યા. અને તેઓ દૃષ્ટાંત બની ગયા. તેમણે માનવ ઇતિહાસને અવનવા વળાંકો આપ્યા. આ જ પ્રકારે સફળ પ્રશિક્ષણ અને તરબીયતની પ્રક્રિયાનો ઉદ્ભવ થાય છે – જે લોકો પોતાના આધિન લોકોના પ્રશિક્ષણ અને ઘડતરના જવાબદાર છે તેમણે અલ્લાહના રસૂલ સ.અ.વ.ની તરબીયતની રીત પદ્ધતિ અને પ્રક્રિયાનું બારીકાઈથી નિરીક્ષણ કરવું જોઈએ – કરવું પડશે… અને તે મુજબ કાર્યાન્વિત થવું પડશે. તો જ વિવિધ ગુણો અને યોગ્યતા ધરાવતા આવાહકો મેળવી શકીશું. *