ઐતિહાસિક બાબરી મસ્જિદની શહાદતને ૨૬ વર્ષ વીતી ચૂક્યા છે. આ સંદર્ભે સેંકડો લોકોના મૃત્યુ નીપજ્યા અને અબજો રૃપિયાની બરબાદી થઈ. હિંદુ-મુસ્લિમ બન્ને કોમો વચ્ચે નફરતની ખાઈ વધુ ને વધુ ઊંડી થતી ગઈ. અને રાજકારણીઓએ પોતાના રાજકીય હેતુઓ સિદ્ધ કરવા માટે આ મુદ્દાનો ખૂબ જ ઉપયોગ કર્યો. હવે આ મામલો દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હેઠળ છે. અને ૬ઠ્ઠી ડિસેમ્બર ૨૦૧૭થી તેની સતત રોજેરોજ સુનાવણી શરૃ થવાની છે. જો કે સુપ્રીમ ર્કોર્ટે સરકારને પરસ્પર વાતચીત કે ચર્ચા-મંત્રણા દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાની પણ વિનંતી કરી હતી. પરંતુ મધ્યસ્થી કરનારા અગ્રણીઓ તેમાં નિષ્ફળ નીવડયા છે.
બાબરી મસ્જિદ-રામજન્મભૂમિ વિવાદનો અદાલત બહાર ઉકેલ લાવવના આર્ટ ઑફ લિવિંગના વડા શ્રી શ્રી રવિશંકરના પ્રયત્નો પણ સફળ થયા નથી. શ્રી શ્રી રવિશંકરે ઉકેલ લાવવા માટે રાજકીય તથા ધાર્મિક અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી પરંતુ તેના દ્વારા પણ કોઈ સ્વીકારપાત્ર ઉકેલ આવી શક્યો નથી. શ્રી શ્રી રવિશંકર અયોધ્યા પણ ગયા અને ત્યાંના સાધુ-સંતો સાથે પણ મુલાકાત કરી હતી, પરંતુ તે સહુએ તેમનું સૂચન ઠુકરાવી દીધું. સેન્ટ્રલ સુન્ની વકફ બોર્ડ, ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ અને બાબરી મસ્જિદ એકશન કમિટી જેવા સંગઠનોએ તો આ પ્રશ્ને શ્રી શ્રી રવિશંકર સાથે વાત કરવાથી પણ ઇન્કાર કરી દીધો. ભાજપના ભૂતપૂર્વ સાંસદ અને રામજન્મભૂમિ ન્યાય સમિતિના પીઢ અગ્રણી રામવિલાસ વેદાન્તીએ તો આ મામલામાં શ્રી શ્રીની ભૂમિકા પર જ વાંધો ઉઠાવ્યો. તેમનું કહેવું હતું કે શ્રી શ્રી રવિશંકર આ મામલામાં દખલગીરી કરનારા કોણ થાય છે? તેમનું કહેવું હતું કે જેલમાં અમે ગયા, લાઠીઓ અમે ખાધી અને અચાનક જ શ્રી શ્રી રવિશંકર મધ્યસ્થી બનીને સામે આવી ગયા!!! શ્રી શ્રી રવિશંકર ત્યારે કયાં હતા કે જ્યારે અમે આના માટે સંઘર્ષ કરી રહ્યા હતા? આ પ્રયત્નની નિષ્ફળતાનું મોટું કારણ આ રહ્યું કે વાતચીત આ મામલાના મહત્ત્વના પક્ષકારો સાથે થઈ રહી ન હતી, બલ્કે એવા લોકો સાથે થઈ રહી હતી કે જેમનો આ મામલા સાથે કોઈ જ સંબંધ ન હતો.
સુપ્રીમ કોર્ટે જ્યારે અદાલતની બહાર સમસ્યાનો ઉકેલ શોધવાની સલાહ આપી હતી તો તેમાં પણ આ જ કહેવામાં આવ્યું હતું કે આ મામલાના પક્ષકારો વચ્ચે જો આ અંગે કોઈ સર્વ-સંમતિ સધાય તો એ વધુ સારૃં છે. પરંતુ અહીં તો મામલો આ હતો કે આ મામલાના મહત્ત્વના પક્ષકારોની અવગણના કરવામાં આવી રહી હતી અથવા તો તેઓ પોતે આ વિષય પર વાતચીત કરવાથી ઇન્કાર કરી રહ્યા હતા, અને જ્યારે મહત્ત્વના પક્ષકારો જ વાતચીત કે મંત્રણામાં સામેલ ન હોય તો પછી સમજૂતીનો પ્રશ્ન જ ક્યાં ઉદ્ભવે છે? વાસ્તવમાં આ સમગ્ર માથાકૂટ શીયા વકફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીની હતી જેેઓ પોતાની ખુરશી બચાવવા માટે મંદિર નિર્માણમાં સહયોગ કરવાનો ડ્રામા કરી રહ્યા હતા, અને પોતાને મુસલમાનોના પ્રતિનિધિ તરીકે રજૂ કરી રહ્યા હતા. જો કે તેઓ તમામ મુસલમાનોના તો શું શીયા સંપ્રદાયનું પણ પ્રતિનિધિત્વ નથી કરતા. શીયા પર્સનલ લૉ બોર્ડના ચેરમેન મૌલાના ઝહીર અબ્બાસ રિઝવી અને અગ્રગણ શીયા આલિમ મૌલાના કલ્બે જવ્વાદે વસીમ રિઝવીની પોલ આ કહેતાં ખોલી દીધી કે જે અજ્ઞાત ફોર્મ્યુલા પર કરારનો દાવો કરવામાં આવી રહ્યો છે તે વાસ્તવમાં મુસલમાનોને બાબરી મસ્જિદ પ્રશ્ને પોતાને સુપરદ કરી દેવા માટે તૈયાર કરવાનો એક પ્રયાસ છે. જ્યારે કે આ પ્રશ્ને ખુદ સુપરદ કરી દેવાનો કોઈ પ્રશ્ન જ પેદા નથી થતો. તેમનું કહેવું હતું કે ઉત્તરપ્રદેશ શીયા વકફ બોર્ડ એ રાજ્ય સરકાર દ્વારા ઊભું કરાયેલ એક સંગઠન છે, અને તે દેશની સાથોસાથ કરોડો શીયાઓનું પણ પ્રતિનિધિત્વ નથી કરતું. અને ન જ વકફ બોર્ડનો કોઈ જવાબદાર કે જેનું કામ ધાર્મિક બાબતોનો વહીવટ વ્યવસ્થા કે દેખભાળ કરવાનું હોય છે, કોઈ ધાર્મિક ઇમારતને ભેટ તરીકે કોઈ પક્ષકારને આપી શકે છે.
આ અગ્રણીઓ આ પણ સ્પષ્ટ કરી દીધું કે તેઓ આ મામલામાં ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની સાથે છે; અને અયોધ્યામાં મસ્જિદ-નિર્માણની તરફેણમાં છે. આ મામલાના મહત્ત્વના પક્ષકારોનો શ્રી શ્રી રવિશંકરના મધ્યસ્થી અને સમાધાનના કોઈ પણ પ્રયાસથી અળગા થઈ ગયા બાદ લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ પણ વસીમ રિઝવીની હરકતો પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે જો આ સમસ્યાના ઉકેલ માટે આ મામલાના અસલ પક્ષકારો વાતચીત કે મંત્રણાઓ માટે પહેલ કરે છે અથવા તો સમાધાન માટે કોઈ ફોર્મ્યુલા પર વાતચીત અથવા તો સહમતિ દર્શાવે છે તો તો બરાબર છે, પરંતુ બિન-જરૂરી લોકો જેઓ આ મામલામાં પક્ષકાર પણ નથી, જો તેઓ કોઈ વાતચીત કરે છે તો તેનો કોઈ અર્થ નથી.
દેશમાં સત્તાધારી નરેન્દ્ર મોદી સરકારે બાબરી મસ્જિદ વિવાદના ઉકેલ માટેનો જ કોઈ પ્રયાસ ચાલુ રાખ્યો હોય તેમ લાગે છે. વાસ્તવમાં ૨૦૧૯ની સામાન્ય કે લોકસભાની ચૂંટણીમાં ભાજપે ૩૫૦ પ્લસનું લક્ષ્ય નક્કી કર્યું છે, આથી એ દિશામાં પાર્ટી કામ કરી રહી છે. અને ડિસેમ્બરમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં એક ખાસ સંપ્રદાયના મતોના ધ્રુવિકરણ માટેના હેતુથી પણ શ્રી શ્રી રવિશંકર મધ્યસ્થી માટે ઉત્તરપ્રદેશની મુલાકાતે પહોંચ્યા છે. અને તેમણે ત્યાંના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ મુલાકાત કરી છે, પરંતુ સમાધાનના આ પ્રયાસની નિષ્ફળતા બાદ આ વાત હવે પૂરી રીતે નક્કી થઈ ગઈ છે કે આ મામલાનો કોઈ બિન-અદાલતી ઉકેલ કે અમલ શક્ય નથી, અને સમસ્યાનો ઉકેલ સુપ્રીમ કોર્ટ જ રજૂ કરી શકે છે, જેને આ કેસના તમામ પક્ષકારો માનવા માટે તૈયાર છે.
રાજકીય સમીક્ષકોનું આ માનવું છે કે જેમ જેમ સંસદીય (લોકસભા) ચૂંટણીઓનો સમય નજીક આવતો જશે તેમ તેમ આ વિષયે રાજકારણ પણ ગરમાશે, અને ભાજપના ચૂંટણી ઢંઢેરામાં રામમંદિરનું નિર્માણ વ્હેલામાં વ્હેલી તકે કરાવવાની ખાત્રી આપવામાં આવી છે તો જે આધારે મતદારોના મત મેળવવામાં આવ્યા હતા તેમનું ધૈર્ય પણ હવે ખૂટતું જઈ રહ્યું છે. આથી આ અંગે રાજકારણ વધુ ગરમાશે અને આ ૬ઠ્ઠી ડિસેમ્બરે બાબરી મસ્જિદ શહાદતનું ૨૬મું વર્ષ છે. આ પ્રસંગે તો રાજકારણ હજુ વધારે ગરમાશે. આવનાર સમય જ બતાવશે કે બાબરી મસ્જિદ-રામમંદિર વિવાદનો ઉકેલ કેવી રીતે આવે છે???