જ્યાં સુધી આવી કોઈ બીજી ફિલ્મ નહીં બને ત્યાં સુધી આ તેના પ્રકારની અંતિમ ફિલ્મ છે. તેને અંતિમ ફિલ્મ કહેવાનું જોખમ ઉઠાવી શકાય છે. કદાચ જ કોઈ રાજકીય પક્ષ કોઈ ફિલ્મ નિર્માતાને આટલી જગ્યા આપે જ્યાંથી ઉભો થઈને તે પોતાના કેમેરામાં તેમના વિરોધાભાસને સામેલ કરી શકે. આ ફિલ્મ રાજકારણની પ્રક્રિયાની એક ઝાંખી પ્રસ્તુત કરે છે, જે દુર્લભ છે. ઘણાં દૂરના ઇતિહાસમાં જઈને નહીં પરંતુ ત્રણ ચાર વર્ષોના ઇતિહાસમાં જઈને જ્યારે “AN INSIGNIFICANT MAN”ના દૃશ્ય પડદા ઉપર ચાલે છે તો દર્શકોની અંદર પુસ્તકના પૃષ્ઠો ફરફર કરવા લાગે છે. આ ફિલ્મ એક દર્શકની રીતે પણ અને એક રાજકીય જીવ હોવાના લીધે પણ દર્શકને સમૃદ્ધ કરશે. આપણે છાપેલા લેખો વાંચતા રહ્યા છીએ પરંતુ સિનેેમાના પડદા ઉપર આ પ્રકારના જીવંત ચિત્રો ક્યારેય નથી જોયા. શક્ય છે કે સિનેમાની પરંપરામાં આવી ફિલ્મો આવી હોય જેનું મને જ્ઞાન ન હોય.!
ખુશ્બુ રાંકા અને વિનય શુક્લ જ્યારે આ ફિલ્મ બનાવી રહ્યા હતા ત્યારે તેમનાથી મળવાની તક મળી હતી. ત્રીસ વર્ષથી પણ ઓછી વયના આ યુવાન યુગલ દિવસ-રાત એક કરીને આમ આદમી પાર્ટી (AAP)ની રચનાની પ્રક્રિયા પોતાના કેમરામાં કંડારી રહ્યા હતા. કેદ તો ઘણા ચેનલોએ પણ કર્યા હતા પરંતુ બધાએ પોતાના ફુટેજને સ્વાહા કરી નાંખ્યા. ક્યારેય પરત ફરીને તે તસ્વીરોને ભેગી કરીને જોવાનો પ્રયત્ન નથી કર્યો. તેનું કારણ પણ છે. સૌથી પહેલા તે મીડિયા પાસે આ કરવાની સમજ અને યોગ્યતા જ નથી. પાછળથી લોકોની અછત અને સ્ત્રોતોના અભાવ પણ શામેલ થઈ જાય છે.
આમ આદમી પાર્ટી નવી બની રહી હતી, રાજકારણની જૂની વ્યવસ્થાને પડકારી રહી હતી અને આપવાનો દાવો કરી રહી હતી, કદાચ આ જ જોશમાં પાર્ટીને અંદર આવીને ખુશ્બુ અને વિનયને શૂટ કરવાની તક આપી હશે. જેટલો પણ અને જ્યાં તક મળી, ત્યાં આપ રાજકીય પ્રક્રિયાને ખૂબ નજીકથી જોઈ શકો છો. બીજા પક્ષો આટલી હિંમત ક્યારેય નહીં કરે. આ ફિલ્મને જોઈને આમ આદમી પાર્ટીના નેતા અને સમર્થકોને અસ્વસ્થતા થઈ શકે પરંતુ એટલી પણ નહીં થાય કે તેઓ આ ફિલ્મથી જ દૂર રહેવા લાગે. આ ફિલ્મ તેમના ઇરાદાને મજબૂત પણ કરશે પરંતુ શરૃઆતમાં ધીમે-ધીમે કાંટા પણ ભોકે છે. હંસાવે છે અને સાથે જ રુદન પણ કરાવે છે. આ ફિલ્મના ઘણા પ્રસંગો ખૂબ હસાવે છે. તમે સ્વયં પર, મીડિયા પર અને નેતાઓ ઉપર પણ હસી શકો છો.
અરવિંદ કેજરીવાલ આ ફિલ્મનું મુખ્ય પાત્ર છે. એક સામાન્ય વ્યક્તિ. આ ફિલ્મ તેઓને હિરો કે સુપરહિરોની નજરથી નથી જોતી. એક કેમરો છે જે ચુપચાપ તેઓને જોયા કરે છે. ઘૂર્યા કરે છે. તે જુએ છે કે એક સામાન્ય વ્યક્તિ રાજકારણમાં પગ મૂકી રહ્યો છે, થોડો ડગુમગુ થાય છે, પછી સ્થિરતા પ્રાપ્ત કરે છે અને દિગ્ગજોના અહંકારને પરાસ્ત કરે છે. કેવી રીતે તેના સિદ્ધાંતો અને વર્તણુંક એક બીજા સાથે ટકરાય છે. અરવિંદ કેજરીવાલની આસ-પાસ કેવી રીતે વિરોધાભાસ ખીલી રહ્યા છે, તે કેવી રીતે નિકળે છે અને તેનો શિકાર બની જાય છે. તેને ખુશ્બુ અને વિનયે ખૂબ સુંદર રીતે પોતાના કેમરામાં કેદ કર્યા છે. તે બધાની વચ્ચે અરવિંદ કેજરીવાલ કેવી રીતે ટકી રહે છે, નેતા હોવાની પોતાની દાવેદારી ક્યારેય છોડતા નથી. કેમેરાનો ક્લોઝ અપ તેમના ઇરાદાને પકડે છે. હારતા જુએ છે અને પછી જીતતા પણ. જનતાની સામે જતાં પહેલા સ્ટેજની પાછળ નેતાનો ભાવ શું હોય છે, તે કઈ વાતોને સાંભળે છે અને જનતાની સામે કેવી રીતે પ્રસ્તુત કરે છે, આ બધી વસ્તુઓ જોઈને તમે રોમાંચિત થઈ શકો છો. નેતા હોવાનું કૌશલ્ય શું હોય છે તેનાથી તમે પરિચિત થશો.
આ બધી વસ્તુઓ તમે બીજા પક્ષોમાં અથવા હવે આમ આદમી પાર્ટીમાં રહીને પણ નથી જોઈ શકતા. ખરેખર તમે આ ફિલ્મમાં ફકત અન્ના આંદોલનના યુગની નજર અને સ્મૃતિ નથી જોઈ શકતા. યોગેન્દ્ર અને પ્રશાંતનું થઈ જવું, કુમાર વિશ્વાસથી અંતર વધી જવું… આ બધી વાતો તો નથી પરંતુ જોઈને લાગે છે કે આ બધા જુદા થઈ જશે અથવા કરવામાં આવશે. તિરાડ ફકત અંદરથી નહોતી આવી રહી, બહારથી પણ ઘા મરાઈ રહ્યા હતા. જેથી આ નવું સંગઠન ઉભરતા પહેલાં જ તૂટી જાય. આજ પર્યંત આ પ્રક્રિયા ચાલુ છે અને આગળ પણ ચાલુ જ રહેશે.
આ ફિલ્મમાં મીડિયાની અંદર મીડિયાનું વિશ્વ દેખાય છે. આમ આદમી પાર્ટી પોતાનું મીડિયા બનાવી રહી હતી તો મીડિયા પણ આમ આદમી પાર્ટીનું નિર્માણ કરી રહી હતી. બન્ને પોતપોતાની ધારથી એકબીજાને કાપી રહ્યા હતા, કંડારી પણ રહ્યા હતા. તે જ સમયે મીડિયા આમ આદમી પાર્ટીને કચડવા માટેનું હથિયાર પણ બને છે. તે જુના પક્ષો સાથે ઉભેલું દેખાય છે. આ બધુ એટલી ઝડપથી બદલાય છે કે તમારી સ્મૃતિને નિરાંતે રાખવામાં નિષ્ફળતા મળે છે. ચૂંટણીના સર્વે આવે છે અને નકારી કાઢે છે, તેમના આવવા અને પટકાઈ જવાની વચ્ચે એંકર અથવા રિપોર્ટર કેવી રીતે કેમરાની સામે નિઃશસ્ત્ર અને નગ્ન ઉભો છે, ખુશ્બુ અને વિનયનો આ બધું પકડવા માટે આભાર પ્રકટ કરવો જોઈએ. આ ફિલ્મ બતાવે છે કે કેવી રીતે મીડિયા પણ પોતાના સમયના રાજકારણને પકડવામાં ખોખલું લાગે છે. ખંડેરોની જેમ તેઓ જર્જહિત થઈને પડી જાય છે. એંકરોના શબ્દોમાં નાટ્યાત્મક રીતે ફેરફાર થવા લાગે છે. આ પ્રક્રિયામાં તેઓ દર્શકો ઉપર એક કૃતજ્ઞતા કરે છે. પોતે જોકર લાગે છે અને દર્શકોને ખૂબ હસાવે છે. પછી તે જ મીડિયા તમારી વિરુદ્ધ બીજા પક્ષોનું શસ્ત્ર બની જાય છે. આ ફિલ્મ બધાને હસાવે છે. દર્શકોને, આપના કાર્યકર્તાઓને, સમર્થકોને, મતદારોને, વિરોધીઓને અને મીડિયાને પણ.
આ ફિલ્મ શરૃઆતથી લઈને અંત સુધી અરવિંદ કેજરીવાલને નાયક કે ખલનાયકના ચશ્માથી નથી જોતી, પરંતુ તે સમયનું મીડિયા અને હાલનું મીડિયા કરે છે. માત્ર એક કેમરો છે જે શાંત રહીને જુએ છે કે શું આ આમ આદમી સત્તામાં સ્થિર ખેલાડીઓને હરાવી શકે છે. આ પ્રક્રિયામાં તે પોતે પણ હારે છે પરંતુ હરાવી પણ દે છે. વીજળી અને પાણીનું બિલ અડધા કરવાનો વાયદો પુરો કરે છે. મુખ્યમંત્રી કેજરીવાલને આ ફિલ્મ જોવી જોઈએ. ટૉનિકનું કામ કરશે. એક રાજકીય પક્ષ આમ પણ રાત-દિવસ પોતાની ટીકાઓથી ઘેરાયેલો રહે છે, તેમાં જ જીવે છે અને મરે છે પછી આ ફિલ્મની સાથે પણ તેને જીવવું-મરવું જોઈએ. આ ફિલ્મથી ઉત્પન્ન થયેલ નોસ્ટાલ્જીયા ‘આપ’ના નેતાઓને પણ હસાવશે, રુદન કરાવશે અને મૌન ધારણ કરાવશે. આવી તક ફરી નહીં મળે.
આ ફિલ્મમાં યોગેન્દ્ર યાદવ પોતાનામાં એક બીજા નાયક તરીકે દેખાય છે. ફિલ્મની એડિટિંગ તેને હંમેશા અરવિંદથી દૂર બીજી દિશામાં રાખે છે. જીવંત ફુટેજની એડિટીંગનું કમાલ જુઓ એવું લાગે છે કે ફિલ્મ આગળ થનારા ઘટનાક્રમનો દસ્તાવેજ પ્રસ્તુત કરે છે. યોગેન્દ્રથી છુટકારો મેળવવા અથવા બહાર કાઢવાનો માર્ગ શોધી રહ્યો હોય. ખુશ્બુ અને વિનયે ફિલ્મની એડિટિંગ એવી રીતે કરી છે કે બન્ને એક બીજાથી અલગ જ ચાલે છે. રાજકારણમાં જે નવું થાય છે તેને નૈતિકતા જ સૌથી પહેલા મારે છે. નાની-નાની નૈતિકતાઓ તેમની મોટી પરિક્ષા લઈ લે છે. જ્યારે સ્થિર પક્ષો એ જ નૈતિકતાઓનો ધૂમાડો ઉડાવી દે છે. કરી લો જે કરવુ હોય, અમે જ છીએ અને અમે જ રહીશું.
AN INSIGNIFICANT MAN ભારતના સિનેમેટિક ઇતિહાસની એક જાદુઈ ફિલ્મ છે. તેમાં કોઈ પણ કલાકાર નથી બલ્કે જે વાસ્તવિક પાત્ર છે તે જ કલાકારની ભૂમિકામાં છે. આમ આદમી પાર્ટી આ વાત ઉપર ગર્વ લઈ શકે છે કે તે પોતાની અંદર બનેલી ઘટનાઓની નોંધ લેવા માટે એક ફિલ્મકારને સ્થાન આપ્યું. હવે થઇ શકે કે તેઓ એવું ન કરે કારણ કે અન્ય પક્ષ આમ કરવા માંગતા નથી, તો પણ એક પ્રયોગની રીતે જ તેમના માટે આ એક મુલ્યવાન દસ્તાવેજ તો છે જ. અરવિંદ કેજરીવાલ જ્યારે આંદોલનકર્તાથી નેતા બની રહ્યા હતા ત્યારે પરિસ્થિતિ અને વ્યાવહારિકતાઓ ઉપર પકડ રાખવાના પ્રયત્નોમાં તે કેવા વિરોધાભાસનો શિકાર થઈ રહ્યા હતા, તેનો જીવંત દસ્તાવેજ છે અને આ ફિલ્મ તેમના વિરુદ્ધ નહીં બલ્કે તેમની આગળની યાત્રા માટે એક સારી ડિક્શનરી છે. આ વાત યોગેન્દ્ર યાદવ, કુમાર વિશ્વાસ, પ્રશાંત ભૂષણ અને શાઝિયા ઇલ્મી ઉપર પણ લાગુ થાય છે. આ ફિલ્મ રાજકારણનો પ્રમાણિક દસ્તાવેજ છે આ કહેવાથી થોડુ બચીશ, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તે પ્રમાણિક દસ્તાવેજ છે.
ખુશ્બુ અને વિનયે પોતાના મહીનાઓના ફુટેજથી જે પસંદ કરેલ છે, તેના ઉપર આજનો સંદર્ભ પ્રભુત્વ ધરાવે છે. તે હજાર કલાકના ફૂટેજથી દોઢ કલાકની ફિલ્મ બનાવવામાં આવી છે. દેખીતી રીતે નેવું ટકાથી વધારે કટ-ઓફ કરવામાં આવ્યા છે. ફિલ્મના બધા ફૂટેજ વાસ્તવિક છે પરંતુ એડિટિંગમાં એક સિનેમેટિક કલ્પનાનું પ્રભુત્વ છે. ઘણા દૃશ્યો શાનદાર છે. કેમેરાનો કમાલ એવો છે કે તમે દિગ્મૂઢ થઈ જશો. હું ફિલ્મ વિશે બધું લખવા માંગતો નથી, પરંતુ આવી ફિલ્મ તમને ફરી જોવા કદાચ જ મળે, તેથી જોઈ લેજો. *
/ (સાભારઃ naisadak.org)
અનુવાદ: રાશિદહુસૈન શેખ