SIO દ્વારા રમખાણગ્રસ્ત ખંભાતની મુલાકાત
આણંદ, ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૦ જ્યારે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને અહમદાબાદ યુએસએના પ્રમુખ ટ્રમ્પના ભારત પ્રવાસ પર મોટેરા સ્ટેડિયમમાં “નમસ્તે ટ્રમ્પ”ના ભવ્ય સમારોહમાં વ્યસ્ત હતું બરાબર તે જ સમયે ગુજરાતના આણંદ જિલ્લાનું એક સુંદર ગામ ખંભાતમાં હિન્દુત્વ ભીડે મુસલમાનો પર ખરાબ રીતે હુમલો કર્યો અને ખંભાતનો એક વિસ્તાર અકબરપુરા પૂર્ણ રીતે બાળી નાખવામાં આવ્યો.
“યુવાસાથી” સાથે વાત કરતાં ત્યાંના એક રહીશે જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં અહીંયા ત્રીજી વખત હુમલો-રમખાણ થયો, હુલ્લડખોરોનું એક ટોળું આવે છે અને ઘરોને બાળીને, લૂંટ કરીને ચાલ્યું જાય છે. અકબરપુરા વિસ્તાર જ્યાં લગભગ ૪૦ થી ૫૦ મકાનો બાળી નાખવામાં આવ્યા, જ્યાં એક મકાન તો એવું છે જેને ૧ વર્ષમાં ત્રીજી વખત બાળવામાં આવ્યું.
સમગ્ર ખંભાતમાં લગભગ ૧૨૦ મકાન પૂરેપૂરા બાળી નાખવામાં આવ્યા છે, સાથે જ ૪૫ દુકાનો, ૨ મસ્જિદો અને ૩ દરગાહોને પણ બાળી નાખવામાં આવી છે. ત્યાંની એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે ઘરો અને દુકાનોની સાથે સાથે અમારી બકરીઓને પણ બાળી નાખવામાં આવી.
આ હુમલામાં કોઈનો જીવ તો નથી ગયો પરંતુ સેંકડો લોકો ઘાયલ થયા જેમાં કેટલાક લોકો ગંભીર રૂપે ઘાયલ છે. આ સમગ્ર ઘટનામાં લગભગ ૫ કરોડ રૂપિયાથી પણ વધારે નુકસાન થયું છે.
સ્થાનિક લોકો મુજબ પોલીસે અત્યાર સુધી ૧૧૫ લોકોની ધરપકડ કરી છે, જેમાં ૫૫ હિંદુ છે અને ૬૦ મુસ્લિમ છે. આ સમગ્ર ઘટનામાં પોલીસના વ્યવહાર પર પણ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે, આ રમખાણ પાંચ કલાક સુધી સળંગ ચાલતું રહ્યું તે દરમ્યાન પોલીસ સાથે વારંવાર સંપર્ક કરવામાં આવ્યો પરંતુ પોલીસ ઘટના સ્થળે પહોંચી ન શકી.
ઈકબાલ ભાઈ (નામ બદલી નાખ્યું છે) જે ગંભીર રૂપે ઘાયલ છે, તેમણે જણાવ્યું કે મને ત્રણ દિવસ ત્યાં રાખવામાં આવ્યો. હજુ મારી હાલતમાં સુધાર પણ ન’હોતો આવ્યો અને મને ત્યાંથી રજા આપવાનું કહેવાયું. પોલીસ હોસ્પિટલ પહોંચી અને મને ત્યાંથી ડાયરેક્ટ જેલમાં લઈ જવામાં આવ્યો અને ત્રણ દિવસ સુધી મને એકલો મૂકી દીધો; ન જમવાનું પૂછવામાં આવ્યું, ન કંઈ બીજું. ખુદા ખુદા કરીને પાણી આપવામાં આવતું. મને આ ગંભીર ઘાયલ અવસ્થામાં પણ જેલમાં યાત્નાઓ સહન કરવી પડી.
અત્યારે ખંભાતમાં પુનર્વસન અને રાહતનું કાર્ય શરૂ થઈ ચૂક્યું છે. રમખાણ પીડિત લોકો માટે ત્રણ કેમ્પ બનાવવામાં આવ્યા છે જેમાં દારુલ ઉલૂમ અનવારે મુસ્તુફા, ત્રણ દરવાજા જુમા મસ્જિદ અને કંસારી સામેલ છે.
સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા ના રાષ્ટ્રીય મહાસચિવ સૈયદ અઝહરુદ્દીનની આગેવાનીમાં એક પ્રતિનિધિ મંડળ 2 માર્ચે ખંભાત પહોંચ્યું. પ્રતિનિધિમંડળમાં એસઆઈઓ ગુજરાતના અધ્યક્ષ ડો. સાકિબ મલીક અને સચિવ જાવેદ કુરૈશી સામેલ હતા. આ અવસરે પ્રતિનિધિમંડળે ત્યાંના આગેવાનો અને રહીશો સાથે વાતચીત કરી, રમખાણ ગ્રસ્ત વિસ્તાર અને કેમ્પોની મુલાકાત લીધી.
“યુવાસાથી” સાથે વાત કરતા સૈયદ અઝહરુદ્દીને કહ્યું કે અહીં તાત્કાલિક ધોરણે હેલ્થ માટે ડોક્ટર્સ, લીગલ કાર્યવાહી માટે વકીલ, ફેક્ટ ફાઇન્ડિંગ માટે રિસર્ચ વર્કર્સ અને લોકોના મનોબળને કાયમ રાખવા માટે કાઉન્સેલિંગ સેન્ટરની જરૂરત છે. તેમણે અપીલ કરી કે લોકો આ કામ માટે આગળ આવે અને સહયોગ કરે.