Sunday, September 8, 2024
Homeમનોમથંનઇસ્લામોફોબિયા અને આપણી પ્રતિક્રિયા

ઇસ્લામોફોબિયા અને આપણી પ્રતિક્રિયા

ઇસ્લામોફોબિયા શબ્દ હવે આપણા માટે અજાણ રહ્યો નથી. ઇતિહાસથી ખબર પડે છે કે વૈશ્વિક રાજકારણમાં વર્ચસ્વ ઊભું કરવા માટે ખાસ કરીને મધ્યપૂર્વ (Middle East) પર અંકુશ રાખવા માટે પશ્ચિમી બુદ્ધિજીવીઓ અને રાજકારણીઓએ ઇસ્લામ અને મુસલમાનો વિરુદ્ધ જબરદસ્ત ઝુંબેશ આદરી. ૯/૧૧નો હુમલો હોય કે પછી War on Terror પુકાર, આતંકવાદને નાબૂદ કરવાના નામે સંપૂર્ણપણે ઇસ્લામ અને મુસલમાનોને નિશાન બનાવવામાં આવ્યા. જિહાદ જેવી પરિભાષાની ખોટી રીતે સમજૂતી કરવામાં આવી. અને ઇસ્લામને એક અંતિમવાદી ધર્મ  (Redicalist) અને મુસ્લિમોને અતિપ્રતિક્રિયાવાદીની જેમ રજૂ કરવામાં આવ્યા. મીડિયા,પુસ્તકો, શિક્ષણસંસ્થાનો, જાહેરસભાઓ અને એકાદમિક કોન્ફરેન્સના માધ્યમો દ્વારા ઇસ્લામ ઉપર બિનજરૂરી ટિપ્પણીઓ કરવામાં આવી અને સમગ્ર વિશ્વમાં એક એવું વાતાવરણ ઊભું કરી દીધું કે દરેક વ્યક્તિએ આ વાતને સ્વીકારી લીધી કે દરેક મુસ્લિમ આતંકવાદી નથી હોતો પરંતુ દરેક આતંકવાદી મુસ્લિમ હોય છે.

પશ્ચિમી બુદ્ધિજીવીઓ અને રાજકારણીઓએ ઇસ્લામની છબીને દુષ્ટ કરવા માટે ખોટા પ્રોપેગંડા ઘડ્યા, તેના કારણે લોકોમાં ઇસ્લામ પ્રત્યે જે ગેરસમજ અને ભય ઊભા થયા તેમને ઇસ્લામોફોબિયા કહેવામાં આવ્યું છે. વાસ્તવમાં ફોબિયા તે ડરને કહેવામાં આવે છે જેની કોઇ વાસ્તવિક્તા હોતી નથી, પરંતુ લોકોમાં ફેલાવવામા આવે છે. ઇસ્લામની સાથે પણ આ જ ષડ્‌યંત્ર કરવામાં આવ્યું કે ઇસ્લામના સાચા શિક્ષણને છુપાવીને તેનાથી ઊલ્ટું બનાવીને લોકો સમક્ષ પહોંચાડવામાં આવ્યું અને મોટા પ્રમાણમાં  ઇસ્લામ અને મુસલમાનો વિરુદ્ધ ફોબિયા ઊભું કરવામાં આવ્યું.

આ ફોબિયાના કારણે વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્તરે એક મોટો સમૂહ ઊભો થયો. આપણા દેશમાં પણ મુસ્લિમોને પોતાના દુશ્મન સમજવાવાળાઓની સંખ્યા વધતી ગઈ. રમખાણો, મોબલિંચિંગ, આક્ષેપો, મુસ્લિમોને ખોટા નામથી સંબોધવા વિ. આ બધી જ સમસ્યાઓની પાછળ ઘણા-ખરા રાજકીય પરિબળો અને લાભ હોઇ શકે પરંતુ એનું મૂળ કારણ (Root Cause) ઇસ્લામોફોબિયા જ છે.

પ્રશ્ન આ છે કે આનો ઉકેલ શું છે? આવી સ્થિતિમાં આપણી પ્રતિક્રિયા શું હોવી જોઇએ? આ પ્રશ્નના સંદર્ભમાં મુસ્લિમોમાં ત્રણ પ્રકારના લોકો પેદા થાય છે.

એક પ્રકારના લોકો તે છે જેઓ આ સમસ્યાઓથી આંખ આડા કાન કરે છે. સામાજિક સમસ્યાઓથી અલગ રહીને કાં તો પોતાની વ્યક્તિગત ધાર્મિકતામાં ગુમ રહે છે, અથવા તો જીવનની મોજમાં મસ્ત રહે છે. આ પ્રકારની પ્રતિક્રિયાના મૂળ પ્રેરકબળ સ્વાર્થવૃત્તિ અને ભય છે.

બીજા પ્રકારના લોકો તે છે જેઓ આવી પરિસ્થિતિથી ઘણા નિરાશ છે. તેઓ હૃદયમાં દર્દ પણ રાખે છે અને આ પરિસ્થિતિને બદલવા માટે ચિંતિત પણ છે, પરંતુ પ્રતિક્રિયાવાદના ભાગરૂપે આ સમૂહ તે જ કાર્ય કરી રહ્યો હોય છે જે વિરોધીઓ કરી રહ્યા છે. અહિંયા પણ મ્હેણા-ટોણા, આક્ષેપબાજી, ઇંટનો જવાબ પત્થરથી આપવું અને પોતાના વિરોધીઓને પોતાના દુશ્મન સમજી લેવા વિ. જેવું અતિપ્રતિક્રિયાવાદી વલણ અપનાવવામાં આવે છે. કોઇ સ્પષ્ટ રૂપરેખા, નૈતિક મૂલ્યો અને ઇસ્લામી સિંદ્ધાંતો દૃષ્ટિ સમક્ષ હોતા નથી, બલ્કે માત્ર ભાવનાત્મક વલણના આધારે તમામ સંઘર્ષ કરવામાં આવે છે.

ત્રીજા પ્રકારના લોકો તે છે જેઓ આ પરિસ્થિતિમાં ઇસ્લામોફોબિયાથી મુકાબલો કરવા માટે અંબિયાઇ કાર્ય-પદ્ધતિ અપનાવે છે, જેને ઇસ્લામી કે અદલ પર આધારિત વલણ પણ કહી શકાય. કુઆર્ન મજીદમાં અંબિયાનો જે ઇતિહાસ વર્ણવામાં આવ્યું છે તેનાથી ખબર પડે છે કે ઇસ્લામોફોબિયા એ માત્ર આજના યુગની અજ્ઞાનતા નથી બલ્કે એક પ્રાચીન અજ્ઞાનતા  છે. દરેક યુગમાં જ્યારે ઇસ્લામની દા’વત રજૂ કરવામાં આવી ત્યારે તે સમયે વિરોધીઓ ઇસ્લામોફોબિયાને ફેલાવવાનું કામ કરતા હતા. આપણા માટે કુઆર્નના આ અંબિયાઇ ઇતિહાસમાં શીખ આ છે કે આપણે તે સિદ્ધાંતો અને માર્ગદર્શનને સમજીએ જે નબીઓ અ.સ.એ ઇસ્લામોફોબિયાને ખત્મ કરવા માટે અપનાવ્યા અને તત્કાલીન પરિસ્થિતિમાં તેના પર અમલીકરણ કેવી રીતે થઇ શકે તેના માટે ચિંતન કરીને એક રૂપરેખા બનાવીએ, અને તે પ્રમાણે અમલના મેદાનમાં કૂદી પડીએ.

અત્યારે મોકો નથી કે આપણે વિસ્તારપૂર્વક પ્રતિક્રિયાનું આંકલન કરીએ, એટલે કે કુઆર્ન તથા સુન્નત મુજબ ઇસ્લામોફોબિયાના સંદર્ભમાં આપણી પ્રતિક્રિયા શું હોઇ શકે તેના અમુક પાયાના સિદ્ધાંતો અહિંયા પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે, જે વિસ્તૃત રૂપરેખા બનાવવા માટે કારગર સાબિત થશે.

પહેલું કામ જે આ સંદર્ભે આપણે કરવું જોઇએ તે આ છે કે આપણે પ્રેમના સંદેશને ફેલાવીએ. પ્રેમ માત્ર જબાનથી જ નહીં પરંતુ અમલથી પણ. આપણી વાતો, આપણા પ્રવચનો, આપણા કાર્યક્રમો સલામતી અને પ્રેમનો સંદેશ આપવાવાળા હોવા જોઇએ, તે અહીં સુધી કે આપણા વિરોધીઓથી પણ આપણું વલણ એવું હોવું જોઇએ કે આપણું અમલ આ વાતની સાક્ષી બને કે આપણે પ્રેમ, ભાઇચારા અને શાંતિના દાઇ (નિમંત્રક) છીએ. કુઆર્ન કહે છે “અને હે પયગંબર ! ભલાઈ અને બૂરાઈ સમાન નથી. તમે બૂરાઈને તે ભલાઈથી દૂર કરો જે સર્વોત્તમ હોય. તમે જોશો કે તમારા સાથે જેની શત્રુતા હતી, તે આત્મીય મિત્ર બની ગયો છે.” (સૂરઃ હા-મીમ અસ્‌-સજદહ-૩૪)

બીજું કામ એ છે કે આપણે દરેક ક્ષેત્રે ઇસ્લામનું સાચું શિક્ષણ લોકો સુધી પહોંચાડીએ જેથી લોકોમાં જે ઝેર ઇસ્લામ સંબંધિત ભરવામાં આવ્યું છે અને જે ગેરસમજાે ફેલાવવામાં આવી છે તે લોકોના મન-મસ્તિષ્કથી દૂર થાય. આ કાર્ય આપણે વિવેકપૂર્વક અને સારી રીતે કરવું પડશે, જે રીતે કુઆર્ને ફરમાવ્યું છે કે “હે નબી ! પોતાના રબ (માલિક અને પાલનહાર)ના માર્ગ તરફ બોલાવો હિકમત (વિવેક-બદ્ધિ અને તત્ત્વદર્શિતા) અને ઉત્તમ શિખામણ સાથે અને લોકો સાથે ચર્ચા અને સંવાદ કરો એવી રીતે જે શ્રેષ્ઠ હોય. તમારો રબ જ વધુ સારી રીતે જાણે છે કે કોણ તેના માર્ગથી ભટકી ગયો છે અને કોણ સન્માર્ગ ઉપર છે.” (સૂરઃ નહ્‌લ-૧૨૫)

ત્રીજું કામ જે બહુ જ અગત્યનું છે અને ખાસ કરીને ભારત જેવા બહુધર્મીય સમાજમાં બહુ જરૂરી પણ છે કે “ જે કાર્યો સદાચાર અને તકવા (ઈશપરાયણતા અને સંયમ)ના છે તેમાં સૌના સાથે સહયોગ કરો ” (સૂરઃ માઇદહ-૨)ના કુઆર્ની સિદ્ધાંત હેઠળ દેશના બીજા ન્યાયપ્રિય અને ઇન્સાનદોસ્ત સમૂહ  સાથે મળીને જનસેવાનું અને જુલ્મ અને અન્યાયને નાબૂદ કરવાનું કાર્ય કરવામં આવે. આવા લોકોથી મળીને જ્યારે આપણે કાર્ય કરીશું ત્યારે એક બાજુ તો આપણું શિક્ષણ અને આપણા અમલને જોઇને તેઓ ઇસ્લામની સાચી છબીથી વાકેફ થશે, અને બીજી બાજુ સમાજનો એક મોટો સમુદાય જે આપણને આવી રીતે એકતા અને ભાઇચારાથી નિઃસ્વાર્થ કાર્ય કરતાં જોઇ રહ્યા છે તેનાથી હૃદય પણ આપણા માટે નર્મ થશે. તેઓ આપણા આ એકતા અને સમાનતાના બોધથી જરૂર પ્રભાવિત થશે. જેવી રીતે સીરતના અધ્યયનથી આપણને ખબર પડે છે કે વ્યક્તિ,કબીલો અને સમગ્ર આરબ સમાજ અલ્લાહના રસૂલ સલ્લ. અને તેમના સહાબાઓ રદિ.ના અમલથી એટલો પ્રભાવિત થઇ ગયો કે ન માત્ર તેમનો ઇસ્લામોફોબિયા દૂર થયો, બલ્કે તેઓ પોતે ઇસ્લામને અંગીકાર કરીને ઇસ્લામના દાઇ બની ગયા.

આ ત્રણ બુનિયાદી કાર્ય એટલે કે પ્રેમ અને ભાઇચારાના પૈગામને ફેલાવવું, ઇસ્લામનું સાચું શિક્ષણ લોકો સમક્ષ પહોંચાડવું અને તેના પર અમલ કરવું અને દેશના સદાચારી લોકો સાથે મળીને જુલ્મ અને અન્યાય સામે આવાજ ઉઠાવવો. જો આપણે ઇસ્લામોફોબિયા સામે આવી પ્રતિક્રિયા અપનાવીશું અને વ્યક્તિગત કે સામૂહિક રીતે સંપૂર્ણ તાકાતથી અને ધ્યાનકેન્દ્રીત કરીને આ કાર્ય કરીશું તો કા’બાને આ સનમખાનાથી પાસબાં ચોક્કસ મળશે.   


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments