Friday, December 27, 2024
Homeમાર્ગદર્શનમાનવતાનો આદર્શ

માનવતાનો આદર્શ

રમઝાન સંદેશ – 8

મનુષ્યના જીવન કલ્યાણ અને તેની ભલાઈ અને ખરા ખોટાના પ્રમાણ માટે દોરવણી આપવા એક આદર્શ માપદંડની જરૂર છે. આ આદર્શ વાસ્તવિક કે વ્યવહારિક હોવું જોઈએ, અને તે કોઈનું જીવન બની ચુક્યું હોય. તેનું વ્યક્તિત્વ એટલું સરળ, શુદ્ધ, પ્રમાણિક અને અનુકરણીય હોય કે તેના પ્રેમમાં પડી તેને આદર્શ સ્વીકારવા ઘેલા થવાનુંય મન થઇ જાય.

ઇતિહાસમાં એવા અસંખ્ય મહાપુરુષો થયા છે. આવા મહાપુરુષો પર ઈશ્વરની અસીમ કૃપા વરસે. પરંતુ એ બાબત નકારી શકાય તેમ નથી કે સમયના વહેણમાં તેમનું જીવન અને શિક્ષણ સુરક્ષિત રહ્યા નથી. આ મહાન વિભુતીઓમાંથી એકનું સંપૂર્ણ જીવન આપણે ઇતિહાસના પ્રકાશમાં જોઈ શકીએ છીએ. તેમનું અંગત જીવન, સામાજિક જીવન, તેમજ રાજનીતિક જીવનની એકે એક વાત સ્પષ્ટ, પ્રકાશિત અને સુરક્ષિત છે. અ પ્રકાશ પુંજ મનુષ્ય જાતિનો અમૂલ્ય ખજાનો છે.આ મહાન વ્યક્તિ એટલે હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ.

તેમના જીવનની એક ઝલકઃ

હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમનો જન્મ ઈ. સ. ૫૭૧મા અરબસ્તાનના મક્કા નામના શહેરમાં થયો હતો. બાળપણથી જ તેઓ એવા વિનમ્ર હતા કે બધા પરિવારનાં સ્નેહીજનો અને નગરજનો પણ તેમનો આદર કરતા . તેમની સત્યપરાયણતા અને સદાચારની ચારે દિશામાં ચર્ચા થતી. બાળપણમાં તેઓ ઘેટાં બકરા ઉછેરવાનું કાર્ય કરતાં. યુવાન થતાં વેપાર કરવા લાગ્યાં. હઝરત ખદીજા(રદી.) નામના એક વિધવા સન્નારીનો વ્યાપારિક માલ-સામાન ઊંટો પર લઈને દેશ-પરદેશમાં વેપાર કરવા લાગ્યા. તેમની ઈમાનદારી અને સદાચારથી પ્રભાવિત થઈને તે સન્નારીએ અપની આગળ વિવાહનો પ્રસ્તાવ મુક્યો, જેનો આપે સ્વીકાર કર્યો.

આપ તે સમયના સામાજિક દુર્ગુણો અને લોકોની વેદનાથી ખૂબ જ દુઃખી થઈ જતાં. આપ એક ગુફામાં જઈને ઈશ્વરનું ધ્યાન ધરતા અને સમાજને તેના દુર્ગુણોમાંથી મુક્તિ અપાવવા પ્રાર્થનાઓ કરતા. તે જ ગુફામાં તેમને ઈશ્વરનો સત્ય-પ્રકાશ પ્રાપ્ત થયો. તેમને મનુષ્યના કલ્યાણ માટે તેમના ઉપર કુઆર્નશરીફ અવતરિત કર્યું. ઈશ્વરના આદેશ અનુસાર તેઓ મનુષ્યોને માર્ગદર્શન આપવા લાગ્યા. સમાજના સ્વાર્થી અને સ્થાપિત હિતોવાળા લોકોએ તેમનો સખત વિરોધ શરૂ કર્યો. સજ્જન અને ઉપેક્ષિત વર્ગના લોકોએ તેમનું શિક્ષણ ગ્રહણ કર્યું. મક્કાના દુષ્ટ લોકોનો વિરોધ વધતાં તેમને પોતાના થોડાં અનુયાયીઓ સાથે પોતાનો દેશ છોડવા વિવશ થવું પડ્‌યું. દૂરના મદીના નામના શહેરમાં તેમણે શરણ મેળવી. મક્કાવાસીઓએ ત્યાં પણ તેમને હેરાન કરવાનું ચાલુ રાખ્યું. તેમની ઉપર મક્કાવાસીઓએ લશ્કરી હુમલા પણ કર્યા. કેટલાક યુદ્ધો થયાં છતાંય હઝરત મુહમ્મદ પયગમ્બર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહેબે તેમની સાથે દયાભાવથી વ્યવહાર કર્યો. જ્યારે મક્કામાં દુકાળ પડ્‌યો ત્યારે તેમણે મદીનાથી ઊંટો ઉપર લાદીને અનાજ મોકલ્યું. આમ ઇસ્લામી શિક્ષણનું પ્રચારકાર્ય ચાલતું રહ્યું. જ્યારે અરબસ્તાનમાં ચારે બાજુએ ઇસ્લામ ધર્મ ફેલાઈ ગયો અને મક્કાનાં મોટાભાગના લોકો પણ મુસલમાન બની ગયા ત્યારે તેમણે મક્કા ઉપર ફતેહ મેળવી. આમ હઝરત મુહમ્મદ પયગમ્બર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના વતનમાં પાછા ફર્યા. આ એવો સમય હતો જ્યારે આપ પોતાના દુશ્મનો પાસેથી તેમના કૃત્યોનો સંપૂર્ણ બદલો લઈ શક્યા હોત. પરંતુ આપે આપના દુશ્મનો, દુષ્ટો અને અત્યાચારીઓને માફ કરી દીધા.

હઝરત મુહમ્મદ સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જીવન-પદ્ધતિનો સારાંશ એ જ છે કે લોકો સત્યના માર્ગે ચાલવાની શક્તિ, ઈશ્વર ઉપર આસ્થા, તેના પ્રત્યે સંપૂર્ણ સમર્પણ ભાવના અને તેનો ડર રાખી જીવે, ઈશ્વર ન્યાયી રીતે માણસનાં કાર્યોનું ઇનામ આપનાર છે. હકીકત એ છે કે ઈશ્વરમાં શ્રદ્ધા અને પારલૌકિક જીવનની ધારણામાં આસ્થા વિના માણસમાં સ્થાયી સ્વરૂપે ઉત્તમ ગુણોનો વિકાસ થવો સંભવિત નથી. આજે આપણી સૌથી મોટી જરૂરિયાત એ વાતની છે કે ઇસ્લામના આ શિક્ષણને ફરીથી અપનાવવામાં આવે, જે જીવનને સત્યના માર્ગે લઈ જઈ શકે છે. તે સિવાય માણસજાત દુઃખો અને પીડાઓથી મુક્ત થઈ શકશે નહિં.


રજૂઆતઃ ઈસ્લામ દર્શન કેન્દ્ર, જૂનાગઢ (કોન્ટેક્ટ નંબર- ૯૭ર૭ર૧૦૭૬૮)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments