રમઝાન સંદેશ – 9
• સંપૂર્ણ સૃષ્ટિનો સર્જનહાર એક ઈશ્વર છે. તે અત્યંત દયાવાન છે અને કૃપાળુ છે. તેની જ ભક્તિ કરો અને તેની જ આજ્ઞાઓ માનો.
• ઈશ્વરે માણસજાત પર અસંખ્ય ઉપકાર કર્યા છે. ધરતી અને આકાશની બધી જ શક્તિઓ માણસજાતની સેવામાં ઈશ્વરે લગાડી છે. તે ધરતી અને આકાશનો માલિક છે. એકમાત્ર તે જ પૂજવાલાયક તમારો ઈશ્વર છે.
• ઈશ્વર-સ્મરણથી આત્માને શાંતિ મળે છે અને હૃદયનો ભાર હળવો થાય છે.
• “હું કોઈ નિરાળો કે વિશિષ્ટ રસૂલ (સંદેશવાહક) નથી. મારી પહેલાં સંસારના માર્ગદર્શન માટે અનેક સંદેશવાહકો આવી ગયા છે. તમે પોતે તમારા ધર્મગ્રંથોમાં જોઈ લો, અથવા કોઈની પાસેથી જાણી ખાતરી કરી લો.”
• “મને એટલા માટે મોકલવામાં આવ્યો છે કે નૈતિક મૂલ્યો અને ઉત્તમ આચારને વિકાસની ચરમસીમા સુધી પહોંચાડી દઈ શકું.”
• “હું લોકો માટે રહેમત (કૃપા) બનાવીને મોકલવામાં આવ્યો છું. તમે લોકો માટે સરળતા ઊભી કરો, મુશ્કેલીઓ નહી.”
• “માતા-પિતાની સેવા કરો. તેમની આગળ ઊંચા અવાજે વાત ન કરો. તેમણે તમારા ઉપર પુષ્કળ ઉપકારો કર્યા છે. તેથી તમે તેમની આગળ આજ્ઞાંકિત બનીને રહો.
• આખી માનવજાત એક જ ઈશ્વરે પેદા કરી છે. તમે સૌ એક જ માતા-પિતાના સંતાન છો. લોકો વચ્ચે રંગ, જ્ઞાતિ, ભાષા કે પ્રાદેશિકતાના નામે ભેદભાવ ઊભા કરવા તે ઘોર અન્યાય છે. બધા જ મનુષ્યો આદમનાં સંતાન છે. તેમને પ્રેમ કરો, ઘૃણા ન કરો. તેમને શ્રધાળુ બનાવો, નિરાશાથી બચાવો.
• તમે ધરતીવાળાઓ ઉપર દયા કરો. ઈશ્વર તમારી ઉપર દયા વરસાવશે.
• તે માણસ બધાથી સારો છે જે પોતાના ઘરની વ્યક્તિઓ અને પાડોશીઓ માટે સારો છે.
• સ્ત્રીઓ, ગુલામો અને અનાથ બાળકો ઉપર સવિશેષ દયા કરો.
• જે માણસ પોતાના પુત્ર-પુત્રીઓ વચ્ચે ભેદભાવ ન કરે અને પુત્રીઓનું સારી પેઠે પાલન-પોષણ કરે અને તેમના શિક્ષણની યોગ્ય વ્યવસ્થા કરે તે સ્વર્ગમાં જશે.
• જે વડીલોનો આદર અને પોતાનાથી નાની ઉંમરનાને પ્રેમ નથી કરતો તે અમારામાંનો નથી.
• ચીજ-વસ્તુઓમાં ભેળસેળ ન કરો. તોલવામાં ઓછું ન આપો. વેપારમાં છેતરપિંડી ન કરો. જે છેતરપિંડી કરે છે તે અમારામાંનો નથી.
• બજારભાવ ઊંચા લાવવા વસ્તુઓનો સંગ્રહ ન કરો. આવું કરનારા કઠોર સજાને પાત્ર છે.
• રસ્તા ઉપર કષ્ટદાયક વસ્તુઓ કાંટા, પથ્થર વગેરે દૂર કરી દો. ધરતી ઉપર નમ્ર બની ચાલો, ઘમંડથી નહિ.
• સત્ય અને ન્યાય માટે સાક્ષી આપો–તેના કારણે તમને કે તમારા કુટુંબીજનોને હાનિ થતી હોય તો પણ.
• અન્યાય વિરૂદ્ધ ઝઝૂમનાર ઈશ્વરને પ્રિય હોય છે.
• જરૂર કરતાં વધારે કોઈ પણ ચીજનો ઉપયોગ ન કરો. પાણીનો દુરૂપયોગ ન કરો – તમે નદી કિનારે હોવ તો પણ.
• તમારા શરીર, વસ્ત્રો અને ઘર સ્વચ્છ અને ચોખ્ખાં રાખો. જ્યારે ઊંઘમાંથી ઊઠો ત્યારે સૌ પ્રથમ તમારા હાથ ધોઈ નાંખો. તમને ખબર ન પડે ઊંઘમાં તમારા હાથ ક્યાં ક્યાં પડ્યા હશે.
રજૂઆતઃ ઈસ્લામ દર્શન કેન્દ્ર, જૂનાગઢ (કોન્ટેક્ટ નંબર- ૯૭ર૭ર૧૦૭૬૮)