Friday, November 22, 2024
HomeમનોમથંનCOVID-19 : માન્યતાઓનું આકલન

COVID-19 : માન્યતાઓનું આકલન

આ સમયે સમગ્ર વિશ્વ એક મહામારી હેઠળ છે. આ મહામારીને કોવિડ-૧૯ના નામથી ઓળખવામાં આવે છે. ડિસેમ્બર ૨૦૧૯માં ચીનના વુહાન શહેરથી શરૂ થયેલ આ મહામારી ઠેર ઠેર સમગ્ર વિશ્વને પોતાની પકડમાં લઈ ચુકી છે. અત્યારે આ મહામારી વિશ્વના ૧૮૦ દેશોમાં ફેલાઈ ગઇ છે. જેમ જેમ આ મહામારી ચીનથી બીજા દેશોમાં ફેલાતી ગઈ તેમ તેમ આ મહામારીના સંદર્ભે વિવિધ બાબતો ચર્ચિત થતી ગઈ, અને પછી મીડિયા અને સોશ્યલ મીડિયામાં અફવાહો અને વાસ્તવિકતાનો મિશ્ર પ્રવાહ પ્રકાશિત થવા લાગ્યો. જનતામાં પણ આ મહામારીને લઈને અસમંજસ અને ચિંતા ઊભી થવા લાગી. આ મહામારી વિશે જેટલી પણ માન્યતાઓ અને અફવાઓ સામે આવી છે તેને અહીંયા લખવું શક્ય નથી અને તેની જરૂર પણ નથી. પરંતુ આ બધી બાબતોમાં કેટલીક એવી વાતો છે જેની વિશ્વએ નોંધ લીધી અને આ બાબતો બહુ ચર્ચામાં પણ રહી. તે નીચે પ્રમાણે છે.

કોવિડ-૧૯ને લઈને ૧૭ માર્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટિ્‌વટ કર્યું જેમાં તેઓએ કોવિડ-૧૯ને ચીની વાયરસ કહ્યું હતું. પરંતુ ચીનએ આ બાબતને નકારી કાઢી અને કહ્યું કે અમેરીકા પોતાની મર્યાદામાં રહીને વાત કરે અને જુઠ્ઠાણું ફેલાવાનું બંદ કરે. WHOએ આ વાયરસ માટે કહ્યું હતું કે એને કોઈ ખાસ ક્ષેત્રથી જોડવું યોગ્ય નથી. આ વાયરસને કોવિડ-૧૯નું નામ WHOએ જ આપ્યું. અમેરિકી પ્રમુખના આ આરોપ પછી ચીનના વિદેશ મંત્રાલયના સ્પીકરે જવાબી હુમલો કરતાં કહ્યું કે આ મહામારી અમેરીકી બીમારી છે જે ચીનમાં ઓક્ટોબરમાં વુહાનમાં આવેલા અમેરિકી સૈન્ય દ્વારા ફેલાઈ છે. જાકે આ સંબંધે કોઈ પણ પુરાવો હજી સુધી રજૂ કરવામાં આવ્યો નથી. એ જ રીતે અમેરિકી સેનેટર ટોમ કોઈને શંકા વ્યક્ત કરી હતી કે, શક્ય છે કે કોરોના વાઇરસ ચીનનું જૈવિક હથિયાર હોય જેણે વુહાન લેબમાં વિકસિત કરવામાં આવ્યું હોય. પછીથી તેણે પોતાના આ નિવેદનને પાછું લઈ લીધું. પરંતુ આ અને આવી કેટલીક બાબતો કોવિડ-૧૯ના સંબંધમાં ફેલાઈ ચૂકી છે. Pew Research Centerના અભ્યાસ અનુસાર અમેરિકાનાં એક તૃતીયાંશ લોકો એવું માને છે કે કોવિડ-૧૯ કોઈ ષડયંત્ર રૂપે લેબમાં તૈયાર કરવામાં આવ્યો છે તે પ્રાકૃતિક રીતે ફેલાયેલ નથી.

અહીંયા ભારતીય મીડિયાએ પણ ચીન વિરુદ્ધ મોરચો ખોલી નાખ્યો. ભારતમાં કોરોના વાયરસ ફેલાવવાના કારણે અહીંયા પણ મીડિયા અને સોશ્યલ મીડિયા ઉપર તિવ્ર ગતીએ આ વાયરસ ટ્રેન્ડ કરવા લાગ્યો. લોકોએ ચીનની બેજવાબદારી ઉપર પર પ્રશ્નો ઊભા કર્યા. ૨૫ માર્ચે ભારતમાં લોકડાઉન થયા પછી ટિ્‌વટર પર આ વાયરસને ચીની વાયરસ કહેવામાં આવ્યું, જો કે ૨૪ માર્ચે પોતાની ટ્‌વીટમાં ભારતના ચીની રાજદૂત સુવેન વેડિંગએ કહ્યું કે ભારતીય વિદેશી મંત્રી એસ. જયશંકરે તેના ચીની સમકક્ષ વાંગ ઇ સાથે ફોન પર વાત કરી છે જેમાં જય શંકરે સહમતી વ્યક્ત કરી હતી કે ભારત આ વાયરસને ચીની વાયરસ કહેશે નહીં. પરંતુ જનતા જે રીતે આ વાયરસથી પીડાઈ રહી હતી તેનો ગુસ્સો ક્યાંક તો ફૂટવાનો હતો. આમ ઇન્ડિયા ટુડેના એન્કર શિવ અરુરએ ચીન ઉપર વાઇરસ તૈયાર કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે હવે ચીન બીજા દેશોને દવાઓ અને Personal Protective Equipment (PPE) વેચીને પૈસા કમાશે. આ જ રીતે દૈનિક જાગરણ અને બીજા ઘણા ટિપ્પણી કરનારાઓએ ચીનને જવાબદાર ઠેરવ્યા અને વુહાન શહેરમાં સ્થાપિત લેબને નિશાના બનાવીને વિવિધ પ્રશ્નો ઉભા કર્યા.

વિશ્વભરમાં ચીન ઉપર આરોપ-પ્રત્યારોપનો મામલો ચાલી રહ્યો હતો અને ભારતીય મીડિયા પોતે આમાં સામેલ હતું કે તરત જ દિલ્હીના નિઝામુદ્દીનના કિસ્સાએ જોર પકડ્યું. અને ધીરે ધીરે ભારતના મુખ્ય પ્રવાહના મીડિયા દ્વારા એક કોમવાદી રમત શરૂ કરવામાં આવી. જેના કારણે દેશભરમાં કોરોના વાયરસને ફેલાવાનું કારણ તબલીગી જમાઅતના લોકો છે તેવું પ્રતિત કરાવવામાં આવ્યું.

અત્યાર સુધી આપણે કોવિડ-૧૯ના સંબંધમાં જે માન્યતાઓ (Theories) વિશ્વમાં અને આપણા દેશમાં ચાલી રહી હતી તેના પર એક નજર નાંખી છે. આ બધી જ માન્યતાઓ હજુ સુધી કોઈ ઠોસ પુરાવાથી સાબિત થઇ નથી. બલ્કે માત્ર અફવાઓ અને શંકાના આધાર પર વહેતી થઇ હતી. પરંતુ ઠેર ઠેર એની માઠી અસરો સમાજમાં આપણને જોવા મળી. આ માન્યતાઓ સિવાય ધાર્મિક જૂથો અને નાસ્તિક લોકો તરફથી પણ આ મહામારી સંદર્ભે વિવિધ વાતો સામે આવી. ઇઝરાયલના સ્વાસ્થ્ય મંત્રી ‘યાકો લિટઝમને’ કહ્યું કે, “અમે દુઆ કરીએ છીએ અને ઉમ્મીદ છે કે ઘાટીનો મસીહા બહાર નીકળશે, કેમકે આ સમય આપણી સ્વતંત્રર્તાનો છે, મને આશા છે કે મસીહા ઘાટીમાંથી આવશે અને આપણા બધાને બચાવશે જેવી રીતે ખુદાવંદએ આપણને હિજરતના સમયે બચાવ્યા હતા. મસીહા આવશે અને આપણને બધાને બચાવશે” આ વાત તેમણે કોવિડ-૧૯ના પરિપેક્ષ્યમાં કહી હતી.

વાસ્તવિકતા આ છે કે આ મહામારીથી જે પરિસ્થિતિ વિશ્વભરમાં પેદા થઈ છે તેમાં બિલકુલ શક્ય છે કે આ પ્રકારની વિવિધ માન્યતાઓ સામે આવે. લોકો આ મહામારીને પોત પોતાના દ્રષ્ટિકોણથી જુએ છે. આમ કોઈ તેને રાજનૈતિક રંગ આપે છે, કોઈ કોમવાદી રંગ તો કોઈ ત્રીજા પ્રકારની વાત કરે છે. પરંતુ જેટલી પણ માન્યતાઓ આપણી સમક્ષ આવી છે તેમાં કેટલું સત્ય છે એ કોઈને ખબર નથી, અને કોઈ જાણવા ઈચ્છતુ પણ નથી.

આ મહામારીના સંબંધે અત્યાર સુધી કંઈક સત્ય હકીકત છે તો માત્ર આ કે આ એક પ્રાકૃતિક મહામારી છે. જે ધીરે ધીરે વિશ્વભરમાં એકબીજાના સંપર્કમાં આવવાથી ફેલાઈ છે. પરંતુ આ મહામારીએ બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે કે આખરે શું થઈ રહ્યું છે, એટલે જ બીજી માન્યતાઓ સાથે એક ઘટના એવી પણ બની કે ઇશ્વરનો ઇન્કાર કરનારા લોકોએ ધાર્મિક લોકોને અને ખાસ કરીને ઇસ્લામની ટીકા કરવાનું શરૂ કર્યું. ખુદાના અસ્તિત્વ ઉપર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો કે તે કેવો ખુદા છે જે બધા મનુષ્યોને અને તે લોકોને પણ જે તેને માને છે મુશ્કેલીમાં મૂકી દીધા અને હવે એનો ઉકેલ પણ નથી કરતો.!.. આવી ટીકા-ટિપ્પણીઓ કરવામાં આવી.

જ્યારે કે ઇસ્લામનું આ વિશે સ્પષ્ટ વલણ છે. ઇસ્લામી વિચારધારા મુજબ દુનિયામાં કોઈ પણ આફત રબના તરફથી એક પરીક્ષારૂપી હોય છે, અલ્લાહે આ દુનિયાના કારખાનાને જે આધાર ઉપર ઊભું કર્યું છે તે આધાર પરીક્ષા છે, જેથી તે જોઈ લે કે મનુષ્યોમાં કોણ છે જે આવી પરિસ્થિતિમાં પણ નેકી ઉપર કાયમ રહે છે. રહી આ વાત કે ખુદા તેમના અનુયાયીઓને પણ કેમ આ પરિસ્થિતિમાં મૂકી દીધા તો આ પ્રશ્ન જ પાયાવિહોણો છે કારણ કે ખુદાએ જ્યારે આ સમગ્ર વિશ્વ અજમાયશ માટે બનાવ્યુ છે તો તેમાં મુસ્લિમોને જુદા રાખવાનો સવાલ જ ઊભો થતો નથી. સામાન્ય રીતે રબની સુન્નત (તરીકો) આ છે કે તે આ વિશ્વમાં માનવીય આધાર ઉપર નિર્ણયો કરે છે, જેવી રીતે અહીંયા તેની કૃપા બધા માટે સમાન છે તેવી જ રીતે તેની અજમાયશ પણ બધા માટે સમાન છે. ખુદાના અનુયાયીઓ અને તેનો ઇનકાર કરનારાઓ વચ્ચે વાસ્તવિક નિર્ણય પરલોકમાં થશે. આવી પ્રાકૃતિક આપત્તિઓ જેમાં માનવી સંપૂર્ણપણે વિવશ થઈ જાય અને તેમને પોતાની વિવશતાની અનુભૂતિ થવા લાગે તો આ પરિસ્થિતિ ખરેખર કોઈ મોટી શક્તિની મોજૂદગીની દલીલ છે અને તે શક્તિ ખુદાની છે. એટલે ઇશ્વરના અસ્તિત્વનો ઇન્કાર કરનારા લોકોએ બિનજરૂરી ટીકા ટિપ્પણીઓ કરવાના બદલે આ હકીકત પર વિચાર કરવો જોઈએ અને પોતાના હૃદયની અવાજ સાંભળી ઇશ્વરની અપાર શક્તિઓને અનુભવવી જોઈએ. અને જે લોકો ખુદાને માને છે તેવા લોકોએ આવી પરિસ્થિતિમાં વધુમાં વધુ ખુદાથી ગાઢ સંબંધ સ્થાપિત કરવો જાઈએ કેમ કે ખરેખર તે જ આ મહામારીથી આપણી રક્ષા કરી શકે છે.

(તંત્રી લેખ તા. 1 મે, 2020)


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments