SIO Indiaના રાષ્ટ્રીય અધ્યક્ષ લબીદ શાફીએ જણાવ્યું કે , બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા સ્વીકારવામાં આવેલ નવી શિક્ષણ નીતિ (NEP)નો સુધારેલો ડ્રાફ્ટ ગેર-સંધીય બંધારણીય વિરોધી અને ભારતમાં શિક્ષણના વેપારીકરણનું લાઇસન્સ છે.
SIO India દ્વારા બુધવારે દ્વારા જારી કરાયેલ નિવેદનમાં જણાવ્યું છે કે સંગઠને માનવ સંસાધન વિકાસ મંત્રાલયને વિગતવાર સલાહ અને સૂચનો રજૂ કર્યા હતા, જેમાં શિક્ષણને લગતા વિવિધ મુદ્દાઓ જેવા કે શિક્ષણનું ભગવાકરણ , કેન્દ્રીયકરણ અને વ્યવસાયીકરણનો સમાવેશ હતો, પરંતુ મોટાભાગના મહત્ત્વના સૂચનો સરકાર દ્વારા અવગણવામાં આવ્યા છે તેવું NEPના નવા સંસ્કરણ પરથી પ્રતીત થાય છે .
લબીદ શાફીએ ઉમેર્યું હતું કે , આ નીતિ શિક્ષણના વધતા જતા વ્યાપારીકરણ તરફ ખૂબજ વિરોધાભાસી અભિગમ અપનાવે છે , ડ્રાફ્ટ ‘ પ્રજાસારું’ શિક્ષણ અભિગમની સાક્ષી આપવાની વાત કરે છે, તો બીજી તરફ તે શિક્ષણના વ્યાપારીકરણને મંજૂરી આપે છે . તે હાલના વેપારીકરણને લગતા પરિબળો સમક્ષ ઢાલ બનવામાં નિષ્ફળ જાય છે અને બીજી તરફ સક્રીય રીતે શિક્ષણના માર્કેટ મોડલની ભલામણ કરે છે .
સંગઠનનું માનવું છે કે આ નીતિ ભારતના લોકો , તેમના બહુસાંસ્કૃતિક અને વૈવિધ્ય ઇતિહાસની ઇરાદાપૂર્વક અવગણના કરી, સંસ્કૃત અને તેના વ્યાપક સાહિત્યના અભ્યાસના નામે શિક્ષણના ભગવાકરણ માટે રસ્તો કરી રહી છે. આ ડ્રાફ્ટ ભારતના લઘુમતી , જ્ઞાનના ઉત્પાદનમાં તેમના વિદ્વાનોનો ફાળો અને તેમની સંસ્કૃતિની અવગણના કરી ભારતના બંધારણીય મૂલ્યો સ્વતંત્રતા , સમાનતા અને વિવિધતાની અવહેલના કરી રહી છે જે ખૂબ જ તિરસ્કારને પાત્ર છે . કોઈ એક ભાષા ઉપર ભાર આપવો અને તેને લાદવી એ બાંધરણના વિરુદ્ધ અને ભારતના સંઘીય માળખાને નુકસાન પહોંચાડનારું છે.
વિદ્યાર્થી સંગઠને એમ પણ દલીલ કરી છે કે રાષ્ટ્રીય શિક્ષણ આયોગ (આરએસએ), રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (એનટીએ) અને રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશન (એનઆરએફ) જેવી કેન્દ્રીય સંસ્થાઓની રચનાની નીતિ અને તેને એક આદેશ હેઠળ લાવવું ભારતીય સંઘના સંઘીય બંધારણની વિરુદ્ધ છે કારણ કે શિક્ષણએ રાજ્ય અને સંઘ બંનેનો વિષય છે. શાફીએ કહ્યું હતું કે આવી વધુ સશક્ત કેન્દ્રીય સંસ્થાઓ શાસક પક્ષોની રાજકીય અભિવ્યક્તિનો શિકાર બનશે.
જ્યારે નીતિ સમાનતા અને સર્વ સમાવેશના આદર્શોને સેવા પૂરી પાડવાની વાત કરે છે ત્યારે તે સમાજના પછાત વર્ગો માટે પૂરતી તકોની ખાતરીના કોઈ નક્કર પગલાં ભરવામાં નિષ્ફળ જાય છે કારણ કે તેમાં આરક્ષણની નીતિ પ્રત્યે સ્પષ્ટ પ્રતિબદ્ધતા નથી. નીતિ નિર્માતાઓએ આઈઆઈટી, આઇઆઇએમ અને કેન્દ્રીય યુનિવર્સિટીઓ જેવી સંસ્થાઓ સહિતની તમામ ખાનગી તથા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં આરક્ષણ વધારવાની માંગની પણ સંપૂર્ણ અવગણના કરી છે , એમ લબીદ શાફીએ ઉમેર્યું હતું.