Sunday, October 6, 2024
Homeપયગામઈદુલ અઝ્‌હાનો સંદેશ

ઈદુલ અઝ્‌હાનો સંદેશ

મુસલમાનોના મહત્ત્વના બે જ પર્વ છે તેમાંનો એક ઇદુલ અઝ્‌હા છે. ઝૈદ બિન અરકમથી એક હદીસ વર્ણવાઈ છે જેનો ભાવાર્થ છે કે હઝરત મુહમ્મદ સ.અ.વ.થી પૂછવામાં આવ્યું કે કુર્બાની શું છે તો આપ સ.અ..વ.એ ફરમાવ્યું કે તે તમારા બાપ ઈબ્રાહીમ અલે.ની સુન્નત છે. પૂછવામાં આવ્યું કે તેનો બદલો શું છે? આપ સ.અ.વ. એ કહ્યું જાનવરના ચામડામાં જેટલા વાળ હોય છે તે દરેકના બદલામાં એક નેકી. અને આપ સ.અ.વ એ ફરમાવ્યું કે કુર્બાનીના દિવસે અલ્લાહને જે અમલ સૌથી વધુ પ્રિય છે તે જાનવરનું લોહી વહેવડાવવું છે. તેથી ફિકહવેત્તાઓના નજીક દરેક સાહબે માલ ઉપર કુર્બાની વાજિબ છે. જેમ નમાઝ, રોઝા, હજ્જ વગેરે અલ્લાહનીઇબાદતની વિવિધ રીતો છે એ જ રીતે કુર્બાની પણ અલ્લાહની ઈબાદતનું એક સ્વરૂપ છે. કુઆર્નમાં અલ્લાહ ફરમાવે છે કે “અલ્લાહને યાદ કરો જે રીતે તેણે હિદાયત આપી છે.” એટલે કે દરેક ઈબાદતની એક પધ્ધતિ છે તેને તે જ રીતે અને નિર્ધારિત સમય મર્યાદામાં જ પૂર્ણ કરવી જોઈએ. આ જ રીતે અલ્લાહથી પ્રેમ અને આજ્ઞાપાલનનો દાવો સાર્થક કરી શકાય.

કોઈ પણ આદેશપાલનનું એક ભૌતિક સ્વરૂપ હોય છે અને એક તેનો આત્મા. દા.ત. હેલ્મેટ પહેરવાનો કાયદો. તેનો ભૌતિક રૂપ આ છે કે વ્યક્તિ ગાડી પર સવાર થાય તો હેલ્મેટ પહરે, પરંતુ આ કાયદાનો આત્મા જીવનની સુરક્ષા છે. હેલ્મેટ પહેરવાનો અર્થ એ નથી કે તમે ઈચ્છો તે રીતે ગાડી ચલાવી શકો. તમારે સલામત ડ્રાઇવિંગ તો કરવી જ પડશે.તે જ રીતે અમુક લોકો જે વાહિયાત દલીલ રજૂ કરે છે કે કુઆર્ન મુજબ અલ્લાહને લોહી અને માંસ નથી પહોંચતા અને માત્ર તક્વા જ પહોંચે છે તો આ ધ્યેય સદ્‌કા કરીને પણ પ્રાપ્ત કરી શકાય. કુઆર્નમાં છે કે નેકી આ નથી કે તમારા ચહેરા પૂર્વ બાજુ હોય કે પશ્ચિમ બાજુ, નેકી આ છે કે તમે તમારા પ્રિય માલ અનાથો, જરૂરતમંદો, મુસાફરો,……(સૂરઃ બકરાહ-૧૭૨) તેનો અર્થ આ નથી કે તમે ઈચ્છો તે બાજુ મોઢંુ કરી નમાઝ પઢી લો; કેમ કે પૂર્વ -પશ્ચિમ બંને અલ્લાહના જ છે( સૂરઃ રહમાન). બલ્કે આદેશ ઉપર અમલ કરવાની તાકીદ અને આદેશની રૂહને જીવંત રાખવાની વાત છે.આ જ રીતે સફરે હજ માટે કહ્યું કે ભાથું સાથે લઇ લો અને શ્રેષ્ઠ ભાથું તકવો છે. અર્થાત્‌ માત્ર સફર માટે સાધન-સામગ્રી સાથે લઇ લેવાના આદેશ સાથે કહ્યું કે આ સફરની શ્રેષ્ઠ સામગ્રી તકવા છે, તેના ઉપરથી નજર ન હટી જાય.

એક વ્યક્તિ એક સમયમાં વિવિધ સંબંધોમાં જોડાયલી હોય છે. તે કોઈકનો ભાઈ છે કોઈક્નો પુત્ર, કોઈકનો પતિ છે, તો કોઈનો પિતા.તેણે એક જ સમયમાં બધાના હકોની અદાયગી કરવાની છે. હવે તે તેમાં જેટલો ખરો ઊતરશે તેનું વ્યક્તિત્વ તેટલું પૂર્ણ ગણાશે. આના સિવાય તે કોઈનો પાડોશી છે, તો કોઈનો મિત્ર પણ છે, તેણે વ્યક્તિત્વને પરિપૂર્ણ કરવા માટે બધાના અધિકારો આપવા પડશે.એક રીતે એક માનવ તરીકે તેના ચાર પ્રકારના સંબંધો છે. પ્રથમ છે તેનો પોતાની જાત સાથે, બીજો સગા-સંબંધીઓ અને બીજા માનવો સાથે, ત્રીજો પ્રકૃતિ સાથે અને ચોથો પોતાના સર્જનહાર સાથે. હવે માનવ તરીકે તે બધા પ્રત્યે પોતાની ફરજ અદા કરશે તે માનવતાની રૂએ તેટલો પૂર્ણ ગણાશે. આમાં સૌથી વધુ મહત્ત્વ માનવનો સંબંધ સર્જનહાર સાથે છે કેમકે સંબંધના સ્વરૂપમાં બીજી બધી ભેટો તેણે જ આપેલી છે.

એક બીજી વસ્તુ આ કે આ કોઈનો હક બીજાને આપી શકાય નહિ, દા.ત. પોતાના બાળકોને ભૂખ્યા રાખી પાડોશીને જમાડવું યોગ્ય નથી, પત્નીની જરૂરિયાત પૂર્ણ કરવાના બદલે બીજા લોકોની સેવા કરવી. તેણે પોતાની હૈસિયત મુજબ બધાને સાચવવા પડશે. આ જ રીતે કુર્બાની ન કરી સદ્‌કો કરવો એ એક પ્રકારે અલ્લાહના હકનું હનન છે. જે રીતે એક અવિવાહિત પુરૂષ પત્નીના હકો વિશે ગંભીર નથી હોતો, અને નિઃસંતાન વ્યક્તિ સંતાનના હક્કોને વ્યવહારિક રૂપે નથી સમજી શકતી તેવી જ રીતે એક નાસ્તિક વ્યક્તિ પણ અલ્લાહ સાથેના સંબંધને સમજી શકતી નથી. કુર્બાનીનું અમલ એ જ વ્યક્તિ કરી શકે જે અલ્લાહ ઉપર ઈમાન ધરાવતી હોય, તેને પ્રેમ કરતી હોય ને તેના આજ્ઞાપાલનમાં પોતાનું સર્વસ્વ આપી દેવા તૈયાર હોય.

વ્યક્તિ માલ-મિલકતની કુર્બાની આપી શકે, આગળ વધીને પોતાની જાનને ન્યોછાવર કરી શકે, પરંતુ રોજિંદા જીવનમાં પોતાની ઈચ્છાઓ અને ભાવનાઓની કુર્બાની આપવી મુશ્કેલ છે.અલ્લાહની પસંદ- નાપસંદને પોતાના જીવનનું માપદંડ બનાવવું ખૂબ જ અઘરું છે. કુર્બાની વ્યક્તિને આના માટે જ તૈયાર કરે છે. દુનિયામાં બે કારણે પશુની કતલ કરવામાં આવે છેઃ એક છે શિકાર માટે અને બીજું છે ખાવા માટે. કુર્બાની તેનાથી ઉપર ઊઠીને માત્ર અલ્લાહની પ્રસન્નતા ખાતર પશુને હલાલ કરવાનું નામ છે.માંસ વિ. તો તેને અલ્લાહની કૃપાથી મળે છેઃ બની ઇસરાઇલને એ પરવાનગી ન’હોતી મળી.આ ફરજની અદાયગી કુઆર્નની આ આયતને સાર્થક ઠેરવે છે કે “ મારી નમાઝ, મારી કુર્બાની, મારૂં જીવન અને મારૂં મૃત્યુ બધું જ અલ્લાહ માટે છે.” આ જ આયત પઢીને પશુને કુર્બાન કરવામાં આવે છે.

અલ્લાહે માનવને પોતાનો ખલીફા(નાયબ) બનાવીને મોકલ્યો છે. તેની જવાબદારી છે કે જમીન પર તેના આદેશોની સ્થાપના માટે સંઘર્ષ કરે. જયારે વ્યક્તિ આ માર્ગ પર ચાલશે ત્યારે તેને વિવિધ પ્રકારની કુર્બાની આપવાનો સામનો કરવો પડશે. ઇબ્રાહીમ અલે.નું જીવન તેનું સુંદર ઉદાહરણ છે; કે અલ્લાહના દીનને સર્વાચ્ચ કરવા માટે પ્રચાર પ્રસાર અને સત્ય પર અડગ રહ્યા. તેમને વિવિધ પરીક્ષાઓમાંથી ગુજારવું પડ્યું, અને જયારે આપ તમામ અજમાયશોમાં સફળ થઇ ગયા ત્યારે અલ્લાહે તેમને દુનિયાના ઇમામ બનાવી દીધા. દીનની સ્થાપના માટે સતત સંઘર્ષ કરવા માટે કુર્બાની આપણને તૈયાર કરે છે. અને આ જ આપણા ઈમાનની સત્યતાનું પ્રતીક છે જેમ કે કુઆર્નમાં ફરમાવ્યું,”હકીકતમાં ઈમાનવાળા તો તે લોકો છે જેઓ અલ્લાહ અને તેના રસૂલ પર ઈમાન લાવ્યા, પછી તેમણે કોઈ શંકા ન કરી અને પોતાના પ્રાણ અને ધનથી અલ્લાહના માર્ગમાં જિહાદ (તનતોડ પ્રયાસ, સંઘર્ષ) કરી, તેઓ જ સાચા લોકો છે.”(સૂરઃહુજુરાત-૧૫)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments