એક વર્ષ પૂર્વે (ઓક્ટોબર ૧૦, ૨૦૧૯) આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે ભારતમાં રહેનારા મુસ્લિમ, હિન્દુઓના લીધે દુનિયામાં સૌથી વધુ સુખી છે. હવે તે એક પગલું આગળ વધી કહી રહ્યા છે કે જો મુસ્લિમ ક્યાંય પણ સંતુષ્ટ હોય તો તે ફક્ત ભારતમાં. આગળ વધતાં કહ્યું કે, “જો દુનિયામાં એવો કોઈ દેશ છે જેમાં તે વિદેશી ધર્મ – જેમના માનવાવાળાઓએ ત્યાં શાસન કર્યું હોય – હવે વિકસી રહ્યા છે તો તે ભારત છે.” આટલું જ નહીં, તે આગળ કહે છે, “આપણું બંધારણ આ નથી કહેતું કે ફક્ત હિન્દુ જ અહીં રહી શકે છે તથા અહીંયા ફક્ત હિન્દુઓની વાત જ સાંભળવામાં આવશે અને જો તમને અહીં રહેવું હોય તો હિન્દુઓની ઉચ્ચતાનો સ્વીકાર કરીને રહેવું પડશે. અમે તેમને રહેવા માટે જગ્યા આપી. આપણા દેશની આ જ પ્રકૃતિ છે અને આ પ્રકૃતિનું નામ હિન્દુ છે.” એક ઇતિહાસકારનું રૂપ ધારણ કરીને તેમણે એમ પણ કહ્યું કે “અકબર વિરુદ્ધ લડાયેલા યુદ્ધમાં રાણા પ્રતાપની સેનામાં મુસલમાન પણ શસામેલ હતા. આ એ વાતનું જીવંત ઉદાહરણ છે કે જ્યારે પણ ભારતની સંસ્કૃતિ પર હુમલો થયો છે ત્યારે બધા ધર્મોના માનવાવાળાઓએ એક થઈને મુકાબલો કર્યો.” તેમણે રામ મંદિરને આપણા દેશના રાષ્ટ્રીય મૂલ્યો અને ચરિત્રનું પ્રતિક ગણાવ્યું.
આ બધી વાતો આરએસએસ, જે દેશની અંદર અને દેશના બહાર પણ હિન્દુ સંપ્રદાયવાદનો સંરક્ષક છે, ની આલોચનાને ભટકાવવાનો પ્રયાસ છે. પાછલા કેટલાક દશકોમાં મુસ્લિમોની સ્થિતિમાં સતત પતન જોવા મળે છે. આ પતન માટે રામ મંદિર આંદોલન દરમ્યાન નીકાળવામાં આવેલી યાત્રા, ગૌમાંસના નામ પર લીંચિંગ, લવ જેહાદના નામ પર દેવામાં આવતી ધમકીઓ અને ઘરવાપસીનું અભિયાન જવાબદાર છે. હાલમાં જ લોકતાંત્રિક રીતે ચલાવવામાં આવેલ શાહીન બાગ આંદોલનનનો ઉપયોગ મુસ્લિમોને આતંકીત કરવા માટે કરવામાં આવ્યો. આ આંદોલન પછી થયેલી હિંસામાં મોટી સંખ્યામાં મુસ્લિમોના જીવ ગયાં અને તેમના ધાર્મિક સ્થળો અને સંપતિને ભારે નુકસાન પહોંચ્યું. સાંપ્રદાયિકતાને આજે નબળાં વર્ગોને પીડા પહોંચાડનારી વિચારધારાના રૂપમાં જોવામાં આવે છે અને આથી હવે શ્રી ભાગવત ભારતીય બંધારણને યાદ કરે છે. ભાગવત એ બંધારણને યાદ કરે છે જેની સંઘ પરિવારના નેતાઓએ હંમેશા નિંદા કરી છે અને તેને આપણા દેશ માટે અયોગ્ય ગણાવ્યું છે. કેમ કે તેનો આધાર વિદેશી મૂલ્ય છે. તેનાથી અવળું, શાહીન બાગ આંદોલનનો મુખ્ય આધાર ભારતીય બંધારણનું આમુખ હતું.
શું આ વાત થી ઇનકાર કરી શકાય છે કે ભારતીય બંધારણ બહુલવાદી અને લોકતાંત્રિક ભારત ઈચ્છે છે, જ્યારે કે આરએસએસ ભારતને એક હિન્દુરાષ્ટ્ર બનાવવા માંગે છે. ભારતીય બંધારણની નજરમાં કોઈ ધર્મ ન તો વિદેશી અને નજ દેશી છે. બધા ધર્મ સમાન છે અને આથી બંધારણ દેશના પ્રત્યેક નાગરિકને કોઈ પણ ધર્મને માનવા અને તેનો પ્રચાર કરવાનો અધિકાર આપે છે. આપણું બંધારણ આપણાને આ સ્વતંત્રતા પણ આપે છે કે આપણે કોઈ પણ ધર્મને ન માનીએ.
આરએસએસ સરસંઘચાલક કદાચ આ નથી જાણતા કે સ્વતંત્રતા આંદોલન દરમ્યાન રાષ્ટ્રીયતા અને ધર્મની વચ્ચે કોઈ સંબંધ નહોતો. આપણા દેશના સ્વતંત્રતાના આંદોલનમાં વિભિન્ન ધર્મોનાં માનવાવાળા અને કોઈ પણ ધર્મને ન માનવાવાળાઓ ખભેથી ખભો મેળવીને ઊભા રહ્યાં હતાં. કદાચ સરસંઘચાલક આ પણ નહિ જાણતા હોય કે દક્ષિણ પૂર્વ એશિયાના અનેક દેશોમાં બૌદ્ધ ધર્મ, ત્યાંનો મુખ્ય ધર્મ છે. બૌદ્ધ ધર્મની ઉત્પત્તિ ભારતમાં થઈ હતી, પરંતુ આજે તે અન્ય દેશોનો મુખ્ય ધર્મ છે. ભાગવતના સંગઠનનો મુખ્ય વૈચારિક આધાર ઇતિહાસની સાંપ્રદાયિક વિભાવના છે. જ્યારે તે કહે છે કે ભારતીય સંસ્કૃતિની રક્ષા માટે મુસ્લિમોએ અકબર વિરુદ્ધ મહારાણા પ્રતાપનો સાથ આપ્યો હતો, ત્યારે તે ઇતિહાસની વિકૃત વ્યાખ્યાની પરાકાષ્ઠા કરી રહ્યા છે. રાણા પ્રતાપ કઈ રીતે ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતા હતાં? તે તો ફક્ત મેવાડના રાજા હતા. અકબર અને રાણા પ્રતાપની વચ્ચે થયેલા યુદ્ધને ભારતીય સંસ્કૃતિ સાથે શું લેવા દેવા? અકબર જ નહીં, બધા મુસ્લિમ રાજા, જેમણે આ દેશ પર શાસન કર્યું, તે આ દેશનો અભિન્ન ભાગ બની ગયા. ખાસ કરીને અકબર તો વિભિન્ન ધાર્મિક આસ્થાઓવાળા સમાજનો હિમાયતી હતો અને કદાચ આથીજ તેમણે સુલહ-એ-કુલ અર્થાત્ વિભિન્ન ધર્મોની સમરસતાના સિદ્ધાંતનું અનુસરણ કર્યું. હાકીમ ખાનસુર એક મુસ્લિમ હોવા છતાં પણ રાણા પ્રતાપની સેનાનો ભાગ હતાં, જે ભારતીય સંસ્કૃતિની રક્ષા કરી રહ્યા હતાં. પછી રાજા માનસિંહ, જે અકબરની ફૌજનું નેતૃત્વ કરી રહ્યા હતાં,તે કોની રક્ષા કરી રહ્યા હતાં?
ઇતિહાસના સંઘી અર્થઘટન અનુસાર, રાણા પ્રતાપ અને શિવાજી હિન્દુ રાષ્ટ્રવાદના હીરો છે. કદાચ હવે તેમને આ ખબર પડી હશે કે આ બંને રાજાઓની ફૌજમાં મુસ્લિમો હતા અને તેના પ્રતિદ્વંદ્વી મુસ્લિમ રાજાઓની ફૌજમાં હિન્દુ યોદ્ધા હતા. સત્ય પૂછવામાં આવે તો તેમની વચ્ચે થયેલા યુદ્ધોને ભારતીય સંસ્કૃતિની રક્ષા સાથે કોઈ લેવાદેવા નથી. વાસ્તવિકતા તો આ છે કે આ દરમ્યાન ભારતીય સંસ્કૃતિ ખૂબ જ વિકસી જેનો ઉલ્લેખ કરતાં જવાહરલાલ નહેરૂ એ તેને “ગંગા જમુના તહજીબ” દર્શાવી છે. (નેહરૂ મુજબ આ યુગ મૂલ્યવાન તેમજ સમન્વયનું શિખર હતો.) આ દરમ્યાન ભક્તિ અને સૂફી પરંપરાઓની જડો મજબૂત થઈ. આ બંને પરંપરાઓ જીવનના માનવીય મૂલ્યો પર ભાર આપે છે.
જ્યાં સુધી રામ મંદિરને રાષ્ટ્રીય મૂલ્યો અને સંસ્કૃતિનું પ્રતીક બતાવવાનો સવાલ છે, આપણે ડો. ભીમરાવ આંબેડકરની “રીડલ્સ ઓફ રામ એન્ડ કૃષ્ણ”ને યાદ કરવી જોઈએ. શૂદ્ર શંબૂકની હત્યા રામે ત્યારે કરી જ્યારે તે તપસ્યા કરી રહ્યો હતો, બાલીને સંતાઈને મારવું અને પોતાની ગર્ભવતી પત્નીને ફક્ત શંકાના આધાર પર ઘરમાંથી બહાર નીકાળવા માટે પેરિયારે રામની જબરદસ્ત આલોચના કરી છે. ભારતીય રાષ્ટ્રવાદનું વાસ્તવિક પ્રતીક સ્વતંત્રતાનું આંદોલન અને ભારતીય બંધારણ છે. ભારતીય બંધારણ ધર્મ, જાતિ, ક્ષેત્ર અને ભાષાના ભેદ વગર બધાને સમાન નાગરિક અધિકાર આપે છે. અસલ સમસ્યા આ છે કે સાંપ્રદાયિક ચિંતન મુજબ ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે અને ઈસાઈ તથા મુસ્લિમ વિદેશી છે. આરએસએસના પૂર્વ સરસંઘચાલક ગોલવલકર તેમના પુસ્તક “બંચ ઓફ થોટ્સ” માં તેઓને દેશના આંતરિક દુશ્મન માને છે.
આમ કહેવું કે ભારતીય મુસ્લિમ, હિન્દુઓના કારણે દુનિયામાં સૌથી વધુ પ્રસન્ન અને સંતુષ્ટ છે એ એક મજાક સિવાય બીજું કશું નથી. રોજબરોજ તેમના વિરુદ્ધ વધતી જતી હિંસા, તેમનાજ વિસ્તારોમાં સંકોરાઈ જવું અને તેમના રાજનૈતિક પ્રતિનિધિત્વમાં સતત કમી એક બીજી જ ખની કહી રહી છે. આ બધાની વચ્ચે મીડિયાનો એક ભાગ મુસ્લિમ સમુદાયને કોરોના જેહાદ કરવાવાળા કોરોના બોમ્બ જણાવે છે અને આ ક્રમમાં સુદર્શન ચેનલ સિવિલ સર્વિસમાં તેમનાં ચાર ટકા પ્રતિનિધિત્વને જામિયા જિહાદ અને ભારતની સિવિલ સર્વિસ પર કબ્જો જમાવવાનું ષડયંત્ર જણાવે છે.
ભારતીય મુસલમાનોને દુનિયામાં સૌથી વધુ સુખી અને સંતુષ્ટ બતાવવું મુસીબતોમાં ઘેરાયેલા આ સમુદાયના ઘા પર મીઠું રગડવા જેવું છે. આ સમુદાય બંધારણીય મૂલ્યોના આધાર પર પોતાનું જીવન જીવવાનો પ્રયાસ કરી રહ્યો છે, જેમ કે શાહીન બાગ આંદોલનથી તદ્દન સ્પષ્ટ છે.