કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને 4 જિલ્લામાં “ટ્રિપલ લોકડાઉન” લગાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં તિરૂવનંતપુરમ, ત્રિશૂર, અર્નાકુલમ અને મલપ્પુરમનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં કોરોનાના કેસો વધતાં તેના પર નિયંત્રણ લાવવા માટે ટ્રિપલ લોકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
હાલમાં કેરળમાં 16 મે સુધી જે લોકડાઉન હતું, તેને વધારીને 23મી મે સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું છે.
તો આવો જાણીએ કે આ “ટ્રિપલ લોકડાઉન” શું છે?
ટ્રિપલ લોકડાઉનમાં ત્રણ સ્તર પર લોકોને ઘરોમાંથી બહાર નિકળવા માટે મનાઈ કરવામાં આવે છે અને તેની પર સખ્તાઇથી નજર રાખવામાં આવે છે. પોલિસકર્મી મોટરસાયકલ પર પેટ્રોલિંગ કરે છે તથા ડ્રોન દ્વારા પણ દેખરેખ રાખવામાં આવે છે. આ સાથે જ પોલીસ લોકોની મંજૂરીથી મોબાઈલ એપનો પણ ઉપયોગ કરે છે. જેના દ્વારા લોકોની મૂવમેન્ટ પર નજર રાખવામાં આવે છે અને gpsની મદદથી તેનું લોકેશન જોવામાં આવે છે.
લોકડાઉન – 1
લોકડાઉન-1માં લોકોની અવર-જવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે અને તેમને ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવે છે. તે સમયે અનાજ કરિયાણા, શાકભાજી અને દવાઓની દુકાનો ખુલ્લી રાખવામાં આવે છે તથા જરૂરી સામાન માટે લોકો હેલ્પલાઈન નંબર પર ફોન કરીને સામાન મંગાવી શકે છે. જે લોકો બહાર નિકળે છે તેમની પાસે અધિકૃત ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે. જેમાં સ્પષ્ટ લખેલું હોય કે તેમનું ઘરની બહાર નીકળવું શા માટે જરૂરી છે. આ ડોક્યુમેન્ટ જોયાં બાદ જ પોલીસ તેમને ઘરની બહાર નીકળવાની પરવાનગી આપે છે. જે લોકો લોકડાઉનના નિયમોનું પાલન નથી કરતાં તેમના વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને દંડ પણ કરવામાં આવે છે.
લોકડાઉન-2
લોકડાઉન-2 દરેક જગ્યાઓ પર નથી લાગતું. જે જિલ્લાઓમાં કે શહેરોમાં કોરોનાના કેસો વધારે છે, ફક્ત ત્યાં જ લોકડાઉન-2 લગાવવામાં આવે છે. જે લોકો તેનું ઉલ્લંધન કરે છે તેમના વિરૂદ્ધ ફરિયાદની ચેતવણી આપવામાં આવે છે.
લોકડાઉન-3
લોકડાઉન-3 હેઠળ કોરોના સંક્રમિત દર્દીઓના ઘર પર સતત નજર રાખવામાં આવે છે. પોલીસ ઓફિસર અહીં સુનિશ્ચિત કરે છે કે કોરોના સંક્રમિત લોકો અને તેમના પરિવારના કોઈ પણ સદસ્યો ઘરની બહાર ન નિકળે.
આ ટ્રીપલ લોકડાઉનનો સૌપ્રથમ ઉપયોગ કેરળ રાજ્યનાં કસરાગોદ જિલ્લામાં કરવામાં આવ્યો હતો, જેના લીધે અહીં ત્રણ સપ્તાહમાં કોરોનાના કેસો 94 ટકા જેટલાં ઘટી ગયાં હતાં.