Sunday, April 21, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપશરીઅતના ઇસ્લામી કાનૂન હેઠળ મુસ્લિમ મહિલાનો તલાકનો હક્ક: કેરળ હાઈકોર્ટના તાજેતરના ચુકાદાનું...

શરીઅતના ઇસ્લામી કાનૂન હેઠળ મુસ્લિમ મહિલાનો તલાકનો હક્ક: કેરળ હાઈકોર્ટના તાજેતરના ચુકાદાનું વિશ્લેષણ:

કેરાલા  હાઈકોર્ટના બે  ન્યાયાધીશોની બેન્ચ દ્વારા  તાજેતરમાં ‘એક્સ’  વિરુદ્ધ  ‘વાય’ના શીર્ષક હેઠળ  આપવામાં  આવેલ મુસ્લિમ મહિલાના અદાલતનો આશ્રય લીધા વિના  છૂટાછેડા (ખુલા) મેળવવાના   હક્કને માન્યતા આપતા  ચુકાદાને બહોળી પ્રસિદ્ધિ મળી છે. આ ચુકાદાને અમુક વર્ગોએ એક પ્રગતિશીલ  ચુકાદા તરીકે વધાવ્યો છે  એટલુજ નહીં તેનાથી વધુ તેને ઇસ્લામી શરીઅતમાં  સ્ત્રી-પુરુષ સમાનતા સ્થાપનાર તરીકે પણ વધાવી લીધો છે. દેખીતી રીતેજ આ ચુકાદાને ભારતમાં સુન્ની બહુમતિ ધરાવતી હનફી અને શાફઈ  સંપ્રદાયોમા વ્યાપક ચલણ  ધરાવતી ત્રણ તલાકની પ્રથા અને તેને અનુલક્ષી કાયદાની સાથે પણ જોડવામાં આવ્યો છે.

આ બાબતે મારુ મંતવ્ય એવો છે કે આ ચુકાદાની ત્રણ તલાકના ચુકાદા સાથે સરખામણી કરવી સદંતર અસ્થાને છે, કારણ કે આ ચુકાદો ઇસ્લામી શરીઅતના કાયદાની  લાંબા સમયથી ચાલી આવતી એ સ્થિતિનો  પુનરુચ્ચાર જ કરે છે જેમાં મુસ્લિમ મહિલાને પોતાના લગ્નનો છૂટાછેડા અદાલતની બહાર  કોર્ટ, કાઝી કે ન્યાય નિર્ણય કરનારી કોઈ  સંસ્થાના હસ્તક્ષેપ વિના  કરવાનો  સમાન હક્ક પ્રસ્થાપિત કરે છે. આ કાયદાના  પુનરોચ્ચારની જરૂરિયાત એક ખૂબ ટેકનિકલ બાબતમાંથી ઊભી થઈ હતી.

કેરાલા હાઈકોર્ટના  એક સિંગલ જજની  બેન્ચના ચુકાદો જેનું શીર્ષક  કે સી મોઈન વિરુદ્ધ નફીસા છે તેમાં એમ ઠરાવવામાં આવ્યું હતું કે  મુસ્લિમ મહિલા માટે છૂટાછેડા મેળવવાની એક માત્ર પદ્ધતિ  મુસ્લિમ લગ્નના વિચ્છેદના કાયદા, ૧૯૩૯ની ની કલમ-૨(૧૯૩૯નો કાયદો)  છે. જો કે તે ચુકાદાની હકીકતો  અને સંજોગો તદ્દન જુદા છે.

ઈ.સ.૧૯૭૬ના આ ચુકાદાનું પરિણામ એ    આવ્યું કે  મુસ્લિમ મહિલાને  મુસ્લિમ પર્સનલ લો, શરીઅત એપ્લિકેશન એક્ટ,૧૯૩૭ (૧૯૩૭નો કાયદો) હેઠળ કોર્ટ કે કાઝીનો આશ્રય કે હસ્તક્ષેપ લીધા વિના છૂટાછેડા મેળવવાની જે પદ્ધતિ ઉપલબ્ધ હતી  તેનો હક્ક બંધ કરી દેવામાં આવ્યો. આ બાબત સવિશેષ કેરાળા રાજ્યમાં અમલી બન્યુ અને આનું પરિણામ એ આવ્યું  કે  ખુલા  અને મુબારાતની  જે રાહત મુસ્લિમ મહિલાઓને ઉપલબ્ધ હતી એ  આપવાનો કોર્ટો દ્વારા ઇન્કાર કરવામાં આવ્યો. તેથી આ  અંગે  મહિલાઓએ કેરાલા હાઈકોર્ટનો આશ્રય લેવો પડ્યો.

આ સંપૂર્ણ વિવાદની  વિશદ સમજ  મેળવવા માટે  ઇસ્લામી કાયદા-શરીઅતમાં લગ્ન, લગ્ન સંબંધ  અને  તલાકની વિભાવના-concept-ની સ્પષ્ટ સમજ મેળવી લેવી જરૂરી છે. કુર્આનમાં પતિ અને પત્ની નું વર્ણન એકબીજાના   પોષાક  તરીકે કરવામાં આવ્યું છે.(કુર્આન ૨:૧૮૭). આમ પતિ અને પત્નીનાં સંબંધો અતિ  પવિત્ર ઠરાવવામાં આવ્યાં છે. તેઓ એકબીજાના દોષ ઢાંકે છે  અને એકબીજાનું રક્ષણ પણ કરે છે. કુર્આનમાં પતિ-પત્નીના સંબંધોની આ ભાવના-spirit-વિષેની ઘણી આયતો  છે. જેમાં પરસ્પરના  હક્કો અને જવાબદારીઓની જોગવાઈ કરવામાં આવી છે અને પતિ-પત્ની બન્ને તેનું જતન  કરે એ બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. જો કે એ  બાબત પણ સ્વાભાવિક છે કે આ સંબંધો કેટલાક કિસ્સાઓમા આનંદપૂર્ણ નથી રેહતા અને બન્ને અથવા કોઈ એક માટે  ત્રાસદાયક બની જાય છે. આવી પરિસ્થિતિમાં તલાક અને છૂટાછેડાના વિકલ્પની જોગવાઈ કુર્આનમાં અલ્લાહ તઆલાએજ કરી છે. જ્યારે અન્ય ધર્મોમાં તલાકની જોગવાઈ ઘડાયેલા કાયદાઓ દ્વારા કરવામાં આવેલી છે. તેથી ઇસ્લામમાં  તેનું નિયંત્રણ/નિયમન જે  પધ્ધતિ અને રીત દ્વારા થાય છે તે શરીઅત તરીકે ઓળખાય છે જે કુર્આન અને હદીસ ઉપર આધારિત છે. અને તેનું  ઇસ્લામી કાનૂનના  વિવિધ ફિકહી સંપ્રદાયો -school of thought-માંથી તારવેલ સામાન્ય સિદ્ધાંતો વડે  નિયમન થાય છે. ઈ.સ.૧૯૩૭ના કાયદા  દ્વારા પણ  તેને માન્યતા પ્રાપ્ત થયેલ છે. લગ્નના ગુપ્ત, અંગત અને અતિ પવિત્ર કે અનુલ્લંઘનીય સ્વરૂપને  ઇસ્લામી કાનૂને  અસાધારણ મહત્ત્વ  આપ્યું છે. તેથી ફસ્ખ–એ–નિકાહ સિવાયના છટાછેડા લેવાના તમામ સ્વરૂપો અદાલતના કાર્યક્ષેત્રની બહાર રાખવામાં આવ્યાં છે. આના કારણે પતિ-પત્ની માટે  એકબીજાથી  છૂટા  થવાનું  સરળ બને છે, કારણ કે તેઓ   રાજ્ય અથવા  ન્યાયતંત્રનો આશ્રય લીધા  વિના  પોતાના લગ્ન સંબંધનો  અંત આણી શકે છે પરંતુ આમાં  એક અપવાદ ફસ્ખ–એ–નિકાહ છે. આમ ઇસ્લામી  કાનૂન  પ્રમાણે છૂટાછેડા લેવાની ચાર મહત્વની પધ્ધતિઓ છે જેને  ૧૯૩૭ના શરીઅત એક્ટમાં પણ  માન્ય રાખવામાં આવી છે. અહીં નીચે તેની સ્પષ્ટતા-સમજૂતી આપી છે જેથી સમજવામાં સુગમતા રહે:

(૧) તલાક: પતિ દ્વારા આપવામાં આવતી તલાક જે પતિ દ્વારા પત્નીને તલાકના શબ્દો ઉચ્ચારવાથી  અમલી બને છે. આ ઉચ્ચારણ  સક્ષમ સાક્ષીઓની હાજરીમાં કરવામાં આવેલ હોવું જોઈએ.

(૨)ખુલા: પત્ની દ્વારા  મેળવેલ છૂટાછેડા: આ પ્રકારના છૂટાછેડા માટે પત્ની મહેર અને/અથવા વળતરની પરત સોંપણી અને/અથવા નિયત  કરાયેલ બીજી શરતોનું પાલન કરવાની શરતે છૂટાછેડા મેળવી શકે છે.

(૩) મુબારત: પતિ-પત્ની બન્નેની પરસ્પરની  સંમતિથી છૂટાછેડા મેળવી શકે છે.

(૪)ફસ્ખ–એ–નિકાહ: (વિચ્છેદ, breaking the bond of marriage) લગ્ન રદ કરવા અથવા જ્યારે પતિ ખુલા આપવા માટે સંમત થતો ન હોય ત્યારે પત્ની કાઝી/સક્ષમ અદાલતનો આશ્રય લે  અથવા જ્યારે પત્ની એવા કારણસર છૂટાછેડા લેવા માંગતી હોય જેની ૧૯૩૯ના કાયદામાં પણ જોગવાઈ થયેલ છે.

મુસ્લિમ મહિલા જો  પોતાના લગ્નવિચ્છેદ કરવા માંગતી હોય તો તેના માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. આમ છતાં ૧૯૭૬ના ચુકાદામાં એમ ઠરાવવામાં આવ્યું હતું કે  મુસ્લિમ મહિલા પોતાના પતિથી  ૧૯૩૯ના કાયદા હેઠળ (જેમા  ચોક્કસ કારણો સબબ જ છૂટાછેડા મેળવવાની જોગવાઈ છે) તેજ કારણો આધીન છૂટાછેડા મેળવી શકે, અને આ સિવાય બીજ કોઈ રીતે છૂટાછેડા  મેળવવાની તેને છૂટ નથી. અહીં એ બાબત તરફ ધ્યાન દોરવાનું જરૂરી જણાય છે કે  ૧૯૩૯નો કાયદો ફસ્ખ–એ–નિકાહ મારફત છૂટાછેડાનો લેવા પૂરતો હતો અને છે, કારણકે છૂટાછેડાના બીજા તમામ સ્વરૂપો ૧૯૩૭ના કાયદા મુજબ  ઉપલબ્ધ હતાજ અને છે. આમ ૧૯૭૬ના ચુકાદાના કારણે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ કે  કોર્ટનો આશ્રય લીધા વિના ૧૯૩૭ ના કાયદા હેઠળ ઉપલબ્ધ  ખુલા એટલેકે પત્ની દ્વારા મેળવેલ છૂટાછેડા અને મુબારાત-પતિ-પત્નીની પરસ્પરની સંમતિથી મેળવેલ છૂટાછેડા મેળવવા-કોર્ટનો આશ્રય લીધા વિના ગેરકાનૂની બની ગયું. હવે આ પરિસ્થિતિનો હાલમા આવેલ કેરાલા હાઇકોર્ટના  ચુકાદાના કારણે અંત આવેલ છે. કારણ કે ૧૯૭૬ ના ચુકાદાને ગેરકાયદેસર ઠરાવેલ છે. તેથી એમ ઠરાવવામાં આવ્યું છે કે  પત્નીને ખુલા કોર્ટના હસ્તક્ષેપ વિના પણ  મળી શકે છે, માત્ર તેની શરતોનું પાલન થયેલ હોવું જોઈએ. હાઈકોર્ટે વધુમાં ઠરાવ્યું છે કે  એક વાર જો ખુલા અમલી બની જાય તો  ફેમિલિ કોર્ટ કે બીજી કોઈ સક્ષમ અદાલત  ખુલાને સીધે સીધા માન્ય કરવા બંધાયેલી છે અને તેની  યોગ્યતા  બાબતે  કોઈ પણ પ્રકારની  તપાસ કે  પૂછપરછ વિના  હુકમનામું કરી શકે છે કે અને ચુકાદો આપી શકે છે. આ માટે હાઈકોર્ટે કુર્આન અને હદીસની આયતો અને આદેશોનો આધાર લીધો છે જેમાં તલાક અને છૂટાછેડાની ચર્ચા કરવામાં આવી છે. આ ઉપરાંત આપ સલ્લ.અ.વ.ની એ  જાણીતી  હદીસ જે મુસ્લિમ  મહિલાના  ખુલાના હક્ક અંગે છે તેનો પણ આધાર લેવામાં આવ્યો છે. કુર્આન અને હદીસની આયતો અમે નીચે રજૂ કરી છે:

“તલાક  અપાયેલી  મહિલાઓ પુન: લગ્ન  કરી શકે એ પહેલાં  તેમણે ત્રણ  માસિક ૠતુચક્ર  સુધી  ફરજિયાતપણે રાહ જોવાની રહેશે.તેમના માટે એ કાયદેસર -હલાલ-નથી  કે તેઓ એને  છુપાવે જેનું અલ્લાહે એમના ગર્ભમાં સર્જન કર્યું છે. જો કોઈ ખરેખર અલ્લાહ અને  અંતિમ દિવસમાં માન્યતા ધરાવતી હોય.અને તેમના  પતિઓનો  અધિકાર સુરક્ષિત છે કે તેઓ  એમને એ ગાળામાં  પાછી લઈ  લે જો તેઓ સમાધાન ઇચ્છતા હોય. મહિલાઓને પણ પુરુષો જેવા જ અધિકારો છે ન્યાયપુર:સર.જોકે પુરુષોની એમની ઉપર એક  દરજ્જો વધારાની જવાબદારી  છે અને અલ્લાહ સર્વશક્તિમાન  અને સૌથી વધુ  ડહાપણશાળી છે.”(કુર્આન. ૪:૨૨૮)

તલાક બે વખત પરત લઈ શકાય છે પરંતુ  ત્યાર બાદ પતિએ  પોતાની પત્નીને  પોતાની સાથે સંમાનપૂર્વક રાખવી જોઈએ. અથવા તો  તેનાથી  સૌજન્યપૂર્વક છૂટા  પડી જવું જોઈએ.પતિઓ માટે એ કાયદેસર નથી કે  તેમણે પત્નીઓને મહેર  તરીકે જે  કાંઈ આપેલ હોય એમાંથી કોઈ પણ વસ્તુ  પાછી લઈ લે,સિવાય કે જયારે તેમને  એ આશંકા હોય કે તેઓ અલ્લાહે  નિયત કરેલ  મર્યાદાઓનું પાલન નહીં કરી શકે. તો પત્ની તલાક મેળવવા માટે પોતાના  પતિને નુકસાનીની ભરપાઈ પેટે  વળતર ચૂકવે તો  એમાં તેની ઉપર કોઈ દોષ આવતો નથી.આ અલ્લાહે  નિયત કરેલી મર્યાદાઓ છે.તેથી  એનું ઉલ્લંઘન  ન કરો  અને જે કોઈ  અલ્લાહની મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે તેઓ સાચેજ  ખોટું કરનારાઓ છે.” (કુર્આન,૪:૨૨૯)

ઇબ્ને અબ્બાસે રિવાયત કરી છે કે  સાબિત બિન કૈસના પત્ની  પયગંબર સાહેબ પાસે આવ્યાં અને કહ્યું,”હે અલ્લાહના રસૂલ!હું  સાબિતને તેના ચારિત્ર્ય ની ખામી કે તેના ધર્મની ખામી માટે  દોષ નથી આપતી  .પણ હું મુસ્લિમ  હોવાના કારણે  બિનઇસ્લામી  પધ્ધતિએ વર્તન કરવાને નાપસંદ કરું છું. આ સાંભળી અલ્લાહના પયગંબરે  એમને કહ્યું,”શું  તમે એ વાડી  પરત આપી દેશો  જે તમારા પતિએ તમને  આપી છે (મહર તરીકે).એણે કહ્યું,”હા”.પછી અલ્લાહના પયગંબરે સાબિતને કહ્યું,” ઓ સાબિત !તમે  પોતાની વાડી પરત સ્વીકારી લો  અને એને  તરત જ તલાક આપી દો.”(સહીહ બુખારી ગ્રંથ-૬૩,હદીસ નંબર-૧૯૭)

 તેથી  ઉક્ત બાબતો  ધ્યાને લઈ હાઈકોર્ટે  ઇસ્લામમાં તલાક અને છૂટાછેડાના સ્વરૂપો  અને તેના  કારણો વચ્ચેના  દેખીતા  તફાવતનો સ્વીકાર કર્યો છે. અને એમ પણ ઠરાવ્યું છે કે  ૧૯૩૯નો કાયદો માત્ર  ઇસ્લામી  કાયદા હેઠળ મુસ્લિમ પત્ની દ્વારા મેળવામાં આવતા ફસ્ખ–એ–નિકાહના કારણો  માટેની જોગવાઈ  કરે છે. જ્યારે  ૧૯૩૭ નો  કાયદો તલાક અને છૂટાછેડાના  સ્વરુપ/રીતો માટેની જોગવાઈ કરે છે. તેથી એમા એમ ઠરાવ્યું છે  કે પત્ની ખુલા કોઈ પણ  કોર્ટના  હસ્તક્ષેપ વિના મેળવી શકે છે, શરત એટલી જ કે એના માટેની જરૂરી શરતો સંતોષાતી હોવી જોઈએ. હાઈકોર્ટે વધુમા એમ પણ જણાવ્યું છે  કે ખુલા અમલી બની જાય છે અને ફેમિલી કોર્ટ કે  કોઈ અન્ય સક્ષમ કોર્ટની એ જવાબદારી બને છે કે એ સીધેસીધી  ખુલાને માન્ય  રાખે  અને એ  મતલબનું હુકમનામું   કે જજમેન્ટ આપે.   અને એમ કરવા માટે ખુલાના કારણોની તપાસ  કે  ખુલાના  વાજબીપણા  અંગેની પૂછપરછમાં પડવાની જરૂર  નથી. આ ઉપરાંત કોર્ટે એમ પણ  ઠરાવ્યું છે કે  આવીજ રીતે મુબારાતમા પણ અમલી બની જાય છે અને આ માટે પણ ખુલા જેવોજ અભિગમ  અપનાવવો જોઈએ.

આમ, વર્તમાન ચુકાદા વડે   હાઈકોર્ટે  ઇસ્લામી કાનૂન મુજબની સાચી પરિસ્થિતિ પુન: સ્થાપિત કરેલ છે જે ઈ.સ.૧૯૭૬ના ચુકાદાના એક વિચલનથી ખલેલ પડ્યો હતો. સ્ત્રી અને પુરુષ  વચ્ચે ન્યાયપૂર્ણ સંબંધો અને  લગ્નની ગુપ્તતા  પ્રશિષ્ટ–classical ઇસ્લામી કાનૂન નો હંમેશથી એક અંગભૂત ભાગ રહ્યો છે. તેના આધુનિક અર્થઘટનોમાં પણ આ  બાબતનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

આમ છતાં ચુકાદાના કેટલાક  સૂક્ષ્મ પાસાં પણ છે જેમાં ખુલાના કાયદાની સમજૂતીમાં  અચોક્કસાઈ પ્રવેશી ગઈ છે. દાખલા તરીકે એમ  ઠરાવાયું છે કે ખુલા માટે પતિની સંમતિ જરૂરી નથી અને પત્ની તેને એકતરફી રીતે અમલમાં મૂકી શકે છે. અહીં અમે નમ્રપણે  જણાવીશું કે  આ અર્થઘટન સામે પ્રશ્નો ઉઠાવી શકાય છે, કારણકે ખુલા અમલી ત્યારેજ બને છે જ્યારે પતિ  એને અમલી બનાવવાની સંમતિ આપે. આ ઉપરાંત ઇસ્લામી શરીઅતના કલાસિકલ-પ્રશિષ્ટ  સ્ત્રોતોના   અર્થઘટનમાં  (કુર્આન અને હદીસ) એંગ્લોઇન્ડિયન અર્થઘટનના કારણે સ્ત્રોતોની સાંકળ તૂટી જાય છે જેમાં ઇજમાઅ (ધાર્મિક વિદ્વાનો વચ્ચે પ્રવર્તતી સર્વસંમતિ), ઇજતેહાદ (વિદ્વાનો દ્વારા પરસ્પરની દલીલો અને ચર્ચા આધારે સ્વતંત્ર નિર્ણય ઉપર આવવાની પ્રક્રિયા) અને કિયાસ (Analogical deduction) નજરઅંદાજ થાય છે. આ તો કોમન લોની પદ્ધતિમાં સંસ્થાનવાદી શાસન દરમિયાન સંહિતાનું સ્વરૂપ અપાયેલ  મુસ્લિમ કાયદામાં રહેલ  વર્ષો જૂના વિરોધાભાસને છે.

આ લેખનું સમાપન કરતાં એટલું જરૂર કહી શકાય કે  કેરાલા હાઈકોર્ટેનો આ ચુકાદાો યોગ્ય રીતે જ   વધાવી લેવા જેવો છે, કારણકે એ મુસ્લિમ શરીઅત અંગેની વર્ષો જૂની સ્થિતિનું પુન: સ્થાપન કરે છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે  મુસ્લિમ મહિલા દ્વારા કોર્ટનો આશ્રય લીધા વિના  ખુલા મેળવવાના અધિકારનું આ ચુકાદાથી પુન:સ્થાપન થાય છે. જે કાયદાકીય પરિસ્થિતિ ઇસ્લામી શરીઆતમાં છેલ્લા ૧૪૦૦ વર્ષથી પ્રવર્તતી આવેલ છે.

(લેખક ગુજરાત હાઈકોર્ટમાં પ્રેકટિસ કરે છે.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments