નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨નો બજેટ પ્રસ્તુત કરતાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે રાષ્ટ્રીય મુદ્રિકરણ પાઇપલાઇન યોજના વિશે ચર્ચા કરી હતી. જેમાં રેલ્વે, એરપોર્ટ, રોડરસ્તા, ઉર્જા પરિવહન તથા અન્ય જાહેર ક્ષેત્રની કંપનીઓ, ખાનગી કોર્પોરેટ્સને વેચી ૬ લાખ કરોડ ઊભા કરવાની વાત કરી હતી. એમ તો કેટલાક રેલ્વે પ્લેટફોર્મ અને એરપોર્ટ અદાણી દ્વારા ખરીદી પણ લેવામાં આવ્યું છે પરંતુ હવે લોકો સમક્ષ આ યોજના નીતિ આયોગ દ્વારા સવિસ્તાર મૂકવામાં આવી છે તો લોકોમાં આશ્ચર્ય અને કુતૂહલનું મોજું ફરી વળ્યું છે કે દેશની સંપત્તિનું વેચાણ!
રાજ્યની માલિકી હેઠળના ૧૩ ક્ષેત્રોના ખાનગીકરણમાં રોડરસ્તાઓ (આશરે ૨૨,૭૦૦ કિ.મી.)ને વેચી દેવામાં આવશે જેના દ્વારા ૧.૬૦ લાખ કરોડ ઊભા કરવામાં આવશે. આ રોડ રસ્તાઓમાં ૨૨ ટકા હિસ્સો નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાનો છે. ૪૦૦ કરતા વધુ રેલ્વે સ્ટેશન, ૯૦ પેસેન્જર ટ્રેનને પણ વેચી દેવામાં આવશે. આ સંપત્તિની હરાજી દ્વારા ૧.૫૨ લાખ કરોડ રૂપિયા ઊભા કરવાનો અંદાજ છે. ૨૫ એરપોર્ટ અને બીજી એરપોર્ટની સંપત્તિનું ખાનગીકરણ કરવામાં આવશે જેની કીંમત અંદાજે ૨૦,૭૮૨ કરોડ આંકવામાં આવી રહી છે. હાલમાં એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા ૧૩૭ એરપોર્ટનું સંચાલન કરે છે, જેમાં ૨૪ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ૧૦ કસ્ટમ એરપોર્ટ અને ૧૦૩ ડોમેસ્ટીક એરપોર્ટનું સમાવેશ થાય છે. ઉર્જા પરિવહન સંપત્તિ પણ વેચી દેવામાં આવશે. જેના દ્વારા ૪૫ હજાર કરોડ ઊભા કરવામાં આવશે. કોલસાની ખાણોને ૨૮,૭૪૭ કરોડમાં વેચવાની યોજના છે. તેમજ ટેલીકોમ સંપત્તિ જેમાં બીસીએલએલ અને એમટીએનએલ નો સમાવેશ થાય છે, ૩૫૧૦૦ કરોડમાં વેચવાનો અંદાજ છે. જ્યારે શીપીંગ સંપત્તિ ૧૨૮૨૮ કરોડમાં વેચવામાં આવશે.
અને હાં, હજી લિસ્ટ બાકી છે… અનાજનો સંગ્રહ જ્યાં થાય છે તે વેરહાઉસીંગ સંપત્તિને ૨૮૯૦૦ કરોડમાં, ખેલના મેદાન ૧૧૪૫૦ કરોડમાં વેચવાનો અંદાજ છે. (આ ખેલના મેદાનમાં જવાહરલાલ નહેરૂ સ્ટેડિયમનો સમાવેશ થાય છે.)
હવે વિચારવા જેવું છે કે આ બધી સંપત્તિ અદાણી, રીલાયન્સ, ટાટા, બિર્લા, હિન્દુજા વિગેરે કોર્પોરેટ જાયન્ટની પાસે જશે તો તેઓ આમ જનતાને ઉપયોગ કરવા દેવાની કેટલી કિંમત વસૂલ કરશે.! હાલમાં લોકો જે સેવાનો લાભ જે કિંમતે લઈ રહ્યા છે તે સેવાની કિંમત ખૂબ વધી જશે.
આ યોજનાને અમલી બનાવવા માટે સૌથી મોટો અવરોધ કર્મચારી સંઘને વિશ્વાસમાં લેવાનો હશે. કારણકે હાલમાં તેઓ જે પગાર ભથ્થા અને સુવિધાઓ સરકારી કર્મચારી તરીકે ભોગવી રહ્યા છે તે ખાનગી કર્મચારી તરીકે તો નહીં જ હોય. દેશની બહુમતિ પ્રજા બિલ્કુલ ખામોશ છે. કારણ કે મોદી સરકાર દ્વારા મંદિરનો વાયદો કરવામાં આવ્યો હતો, હિન્દુરાષ્ટ્રનો વાયદો કરવામાં આવ્યો હતો, અને લઘુમતીઓને દબાવવાનો વાયદો કરવામાં આવ્યો હતો.. તો તે તમામ કાર્યો તો પૂર્ણ કરવામાં આવી જ રહ્યા છે.! દેશની બહુમતી પ્રજાએ સાંપ્રદાયિક માનસિકતાથી બહાર આવવું જ પડશે. નહીં તો તેમને મોંઘવારી, બેકારી, બેરોજગારી અને ગરીબોનો ચતુષ્કોણીય માર્ગ સહન કરવો પડશે.