Saturday, July 27, 2024
Homeઓપન સ્પેસઇસ્લામી શાસન વ્યવસ્થા ખિલાફતના વિરુદ્ધ દુષ્પ્રચાર કેમ ?

ઇસ્લામી શાસન વ્યવસ્થા ખિલાફતના વિરુદ્ધ દુષ્પ્રચાર કેમ ?

અફઘાનિસ્તાનમાં ઝડપથી બદલાતા ઘટનાક્રમના સંદર્ભમાં આપણા દેશમાં મીડિયા અને સોશિયલ મીડિયા પર એ જાેવા અને સાંભળવા મળી રહ્યું છે કે તાલિબાનની અફઘાનિસ્તાનમાં સફળતા પછી ઇસ્લામી શાસન વ્યવસ્થાની અવધારણા જેને ખિલાફત કહેવામાં આવે છે ને બળ મળશે. ઇસ્લામી શાસન વ્યવસ્થાની આ અવધારણાને નકારાત્મક રીતે રજૂ કરવામાં આવે છે. આનો એ રીતે દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે, જાણે આ એક એવી શાસન વ્યવસ્થા છે જે માનવજાતિ અને તેના માનવાધિકારો માટે ઘાતક છે. જ્યારે કે વાસ્તવિકતા તદ્દન ભિન્ન છે.

જાે કે, આપણે એ દાવો નથી કરી શકતા કે તાલિબાને અફઘાનિસ્તાનમાં આનાથી પહેલાં જે શાસન ચલાવ્યું હતું તે ઇસ્લામી શાસન વ્યવસ્થાને અનુરૂપ હતું અથવા હવે ભવિષ્યમાં જે પ્રકારની શાસન વ્યવસ્થા તે ચલાવશે તે ઈસ્લામી શાસન વ્યવસ્થા મુજબ જ હશે, પરંતુ જે લોકો ખિલાફતના સંદર્ભમાં વ્યર્થ વાતો કરે છે અથવા મનઘડત આક્ષેપો લગાવે છે. તેઓ કયાં તો તેને ખરી રીતે જાણતા નથી અથવા જાણવા ઈચ્છતા નથી અથવા એમ પણ હોઈ શકે છે કે તેઓ પોતે પણ ઇસ્લામી શાસન વ્યવસ્થાના વિરુદ્ધ દુષ્પ્રચારનો ભાગ હોય. એટલા માટે આપણે ઈસ્લામી શાસન વ્યવસ્થા ‘ખિલાફત’ને સમજવા માટે ઇસ્લામી શાસન વ્યવસ્થા અને તેના ઇતિહાસ ઉપર એક નજર નાંખવી જરૂરી છે.

ઇસ્લામી ઈતિહાસમાં જાે ઈ.સ.પ૭૧થી ૭પ૦ સુધીના જમાના પર નજર નાંખીએ તો જાણવા મળે છે કે પ્રથમ તબક્કો હઝરત મુહમ્મદ સ.અ.વ.નો રિસાલતનો તબક્કો હતો. જેમાં ઇસ્લામી રાજ્ય વ્યવસ્થાનો પાયો નંખાયો છે. જેને આપણે મદીનાની રાજ્ય સરકાર કહી શકીએ છીએ. બીજાે તબક્કો ખુલફાએ રાશેદીનનો ૬૩ર ઈ.સ.થી ૬૬૧ સુધી રહ્યો. જેમાં હઝરત અબૂબક્ર રદિ., હઝરત ઉમર રદિ., હઝરત ઉસ્માન રદિ., હઝરત અલી રદિ. અને ૬ મહિનાની ખિલાફત હઝરત હસન રદિ.ની રહી. ખુલફાએ રાશેદીનનો અર્થ સીધા રસ્તા પર ચાલનારી ખિલાફત. જેની રાજનૈતિક અને સામાજિક વ્યવસ્થાના આધારો તે જ હતા જે પયગંબરના યુગમાં હઝરત મુહમ્મદ સ.અ.વ.ના હતા.

આ સત્યમાર્ગ ખલિફાઓના જમાનામાં પણ દુનિયાના દરેક દેશમાં બાદશાહત કાયમ હતી, પરંતુ ખુલફાએ રાશેદીનની રાજકીય વ્યવસ્થા આ બધાથી અલગ હતી અને બાદશાહત સાથે તેનો દૂર-દૂર સુધી કોઈ સંબંધ ન હતો. ખલિફાને રાજ્યના શાસક હોવાની હૈસિયતથી તમામ અધિકારો હતા, પરંતુ તે બે બાબતોનો પાબંદ હતો. એક ઇસ્લામી કાનૂનની પાબંદી અને બીજી સલાહ આપવા યોગ્ય લોકોથી ચર્ચા-વિચારણા કરવી. પરસ્પર સલાહ-મસ્લત અને પોતાનો મત જાહેર કરવાની સ્વતંત્રતા (ફ્રીડમ ઓફ સ્પીચ) પછી ખુલફાએ રાશેદીન ન માત્ર પોતાની રીતે ન્યાય કરતા હતા, બલકે પ્રાંતના શાસનકર્તાને પણ તેનો આદેશ આપતા હતા કે દરેક વાતનો નિર્ણય પરસ્પરની સલાહથી થાય. ઇન્સાફ માટે દરેક જગ્યાએ અદાલતો કાયમ હતી, જજ સામે કેસ રજૂ કરવામાં આવતા હતા. સરકાર ધનવાનોથી ઝકાત પોતે ઉઘરાવતી અને તે રકમને જરૂરતમંદોની મદદ અને બીજા સદ્‌કાર્યોમાં ખર્ચ કરતી. ખુલફાએ રાશેદીનના ૩૦ વર્ષના યુગમાં સમાજ સુધારણાના મેદાનમાં જે કારનામા અંજામ આપવામાં આવ્યા, તેનાથી ઇસ્લામી ખિલાફત સમગ્ર દુનિયામાં એક મોટી શક્તિ બની ગઈ.

એક અંગ્રેજ ઈતિહાસકાર એસ.જી.વેલ્સએ લખ્યું છે , ‘ઇસ્લામને બીજી કૌમો પર વર્ચસ્વ એટલા માટે મળ્યું, કેમ કે તે પોતાના યુગમાં સૌથી સારી રાજનૈતિક અને સામાજિક વ્યવસ્થા ધરાવતો હતો. ખુલ્ફાએ રાશિદીનના યુગમાં યુદ્ધમાં વિજય, ન સિકંદરથી ઓછા હતા ન રોમનો અને ઈરાનીયનોથી ઓછા હતા, છતાં પણ આ વિજયોમાં કત્લેઆમ, હિંસાચાર, લૂંટફાટ અને સ્ત્રીઓની બેઈજ્જતી શામેલ ન હતી. બલ્કે એમ સમજીએ કે લુટારાઓ વિરુદ્ધ પોલીસની કાર્યવાહી હતી. આ યુગમાં નૈતિકતા અને શિક્ષણની દેખરેખ પણ સરકારનું કર્તવ્ય હતું. એટલા માટે બળાત્કાર, દારૂ, જુગાર જેવા સામાજિક ગુના કરનારઓને સજા આપવામાં આવતી હતી. તદઉપરાંત બિનમુસ્લિમોને પોતાના ધર્મ પર અમલ કરવાની સંપૂર્ણ આઝાદી હતી.

ખુલફાએ રાશેદીનની આ જ ખૂબીઓ અને મજબૂત કારનામાઓના કારણે આવનારી પેઢીઓ માટે એક આદર્શ અને અનુકરણીય નમૂનો બની ગઈ. એટલા માટે આજે પણ ઇસ્લામી જગતમાં તેની આ હૈસિયત યથાવત છે.

સન ૬૬૧માં ખુલ્ફાએ રાશિદીનના અંત પછી બાદશાહતનો યુગ શરૂ થઈ જાય છે. જેમાં બનૂ ઉમૈય્યાના પ્રથમ શાસક હઝરત મુઆવિયા હતા. બનૂ ઉમૈય્યાની આ ખિલાફત સન ૭પ૦ સુધી કાયમ રહી. આ બાદશાહત ક્ષેત્રફળની રીતે એટલી વિશાળ થઈ ગઈ હતી કે તેની તુલનામાં પોતાના સમયના ઈરાની અને રોમન સામ્રાજ્ય ખૂબ નાના લાગતા હતા. ઉમવી યુગમાં શાસકો પોતાની રીતે એવા જ હતા જેવા બીજા બાદશાહો હોય છે. તેઓ ખલિફા તો બિલકુલ ન હતા. તે યુગમાં જે ખરાબીઓ દેખાય છે તે એટલા માટે નહોતી કે તેઓ સારા મુસલમાન ન હતા અથવા તેમનો અકીદો મજબૂત ન હતો. બલ્કે તેનું ખરું કારણ બાદશાહતનું જાેર-જુલ્મવાળું શાસન હતું. જાે કે આ યુગમાં ન્યાય અને શિક્ષણ વ્યવસ્થા આલિમોના હાથમાં જ હતી. જેના કારણે જાેર-જુલ્મનું શાસન હોવા છતાં જ્યાં સુધી શકય થઈ શકયું અદાલતોને સ્વતંત્ર રાખવાના પ્રયત્નો કરવામાં આવ્યા, પરિણામે પ્રજાને યોગ્ય ન્યાય મળતો રહંયો.

આ યુગમાં જરૂરત આધિન અનેક નવા વિભાગો કાયમ કરવામાં આવ્યા. જેમ કે લેખનકાર્ય, ચીફ સેક્રેટરી- જેની પરવાનગી વગર કોઈ વ્યક્તિ ખલિફાથી મળી શકતો નહીં, આ જ યુગમાં ટપાલની વ્યવસ્થા કરવામાં આવી. તે સિવાય સમુદ્ર ફૌજનું ગઠન કરવામાં આવ્યું. જેનો એટલો વિકાસ થયો કે રોમન વિસ્તારમાં મુસલમાનો સૌથી મોટી શક્તિ બની ગયા. ઉમવી યુગમાં બાંધાકમના ક્ષેત્રે પણ ખૂબ વિકાસ થયો. જેનો ઉત્તમ નમૂનો કુતુબસ્સખરા જે બૈતુલમુકદ્દસમાં બાંધવામાં આવ્યો. જ્ઞાન-વિજ્ઞાનની વાત કરીએ તો પ્રથમ યુગમાં સહાબા ઉસ્તાદ એટલે કે નિપૂણ શિક્ષકો હતા. હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ રદિ., હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર રદિ., હઝરત આયશા રદિ., હઝરત અબૂ હુરૈરા રદિ., હઝરત જાબિર બિન અબ્દુલ્લાહ રદિ., હઝરત અનસ બિન માલિક રદિ. વગેરે શામેલ છે. બીજા યુગમાં તાબેઈને આ કામ અંજામ આપ્યું. જેમ કે સઈદ બિન મુસય્યબ, ઉરવાહ બિન જુબૈર, હસન બસરી, ઈમામ શાબી, ઇમામ ઝુહરી, ઇમામ કતાદા, ઈસા બિન ઉમર નહવી રહ. જેવા આલિમ હતા. ઈ.સ.૭૪૩માં હિસ્સામ બિન અબ્દુલમુલ્કના મૃત્યુ પછી આ શાસનનું પતન શરૂ થઈ જાય છે. અને ૭ વર્ષમાં ઈ.સ.૭પ૦માં બનુ ઉમૈય્યાના શાસનનો અબ્બાસી શાસન દ્વારા સંપૂર્ણ રીતે અંત આવી જાય છે.

એટલે ઇસ્લામી શાસન વ્યવસ્થા ખિલાફત બાબતે કોઈ ધારણા બનાવતા પહેલાં એ જરૂરી છે કે આપણે આ શાસન વ્યવસ્થાને તર્કોના આધારે કોઈપણ પૂર્વગ્રહ વગર સમજવાના પ્રયાસ કરીએ. જેનો આધાર તે તમામ પ્રશ્નો હોઈ શકે છે જે કોઈપણ સામાન્ય બુદ્ધિશાળી કે તર્કશીલ વ્યક્તિના મનમાં ઉભા થઈ શકે છે. જેમ કે, આ શાસન વ્યવસ્થા માનવતા માટે કેટલી હિતકારક છે ? સમકાલીન પરિસ્થિતિમાં આ કેવી રીતે પ્રાસંગિક હોઈ શકે છે ? સૌથી સારી લોકહિત અને કલ્યાણકારી શાસન વ્યવસ્થા હોવાના તેના દાવાના આધારો કયા છે ? સાથે આ શાસન વ્યવસ્થાના વિરુદ્ધ ખોટો પ્રચાર અને ખોટી ધારણાઓ વિકસિત થવા પાછળ કયા કારણો રહ્યા છે અને હજુ પણ છે ?


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments