જમાઅતે ઇસ્લામી હિંદે ચૂંટણીની રાજનીતિમાં મની પાવર, રાજકીય પક્ષોને ભંડોળ પૂરું પાડવામાં પારદર્શિતાના અભાવ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી
રાષ્ટ્રના રાજકારણમાં નાણાસત્તાના વધી રહેલા દુરુપયોગ અંગે જમાઅતે ઇસ્લામી હિંદ દ્વારા ગંભીર ચિંતા વ્યકત કરવામાં આવી છે. તેણે ભારતના ચૂંટણીપંચને અનુરોધ કર્યો છે કે તે એવા પગલાં લે, જેથી રાજકીય પક્ષોને દાન આપનારાઓ અંગે પારદર્શિતા જળવાય. તેમણે રાજકીય પક્ષોને પોતાના ચૂંટણી હિસાબો જાહેર જનતા સમક્ષ મૂકવા પણ અનુરોધ કર્યો છે.
વાચકો કદાચ જાણતા હશે કે એક દાયકામાં ઉમેદવારોના ચૂંટણી ખર્ચમાં ૧પ૦ ટકાનો જંગી વધારો થયો છે. ઈ.સ.ર૦૧રની વિધાનસભાની ચૂંટણીઓમાં ઉમેદવારો પોતાની ચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે રૂપિયા ૧૬ લાખનો ખર્ચ કરી શકતા હતા. હવે ર૦રરની ચૂંટણીઓ માટેની આ નાણાકીય મર્યાદા વધારીને રૂપિયા ચાલીસ લાખ કરવામાં આવી છે. વર્ષ ર૦૧૪ લોકસભા ચૂંટણી માટે આ મર્યાદા ૭૦ લાખ હતી જે વધીને હવે રૂા.૯પ લાખ થઈ જશે, અને હા, આમાં એ રકમનો સમાવેશ થતો નથી જે પક્ષ દ્વારા ખર્ચ કરવામાં આવે છે અને એની કોઈ સીલિંગ કે મર્યાદા નથી.
અત્યાર સુધી તો આપણે ચૂંટણી પંચ દ્વારા મુકત અને ન્યાયી ચૂંટણીઓ યોજવાના દાવાઓ સાંભળતા આવ્યા છીએ. પરંતુ કાયદામાં સુધારો કરીને તેમને ચૂંટણી બોંડ (Electoral Bonds) દ્વારા મળતા નાણા જાહેર કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
ભારતના ચૂંટણી પંચની માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટીને ઈ.સ.ર૦૧૯-ર૦માં ચૂંટણી બોંડ સ્વરૂપે રૂપિયા ૩,૪૩પ કરોડ પ્રાપ્ત થયા હતા જે મળેલ કુલ દાનના ૯પ ટકા હતા. જ્યારે કોંગ્રેસને દાનની માત્ર ૯ ટકા રકમ પ્રાપ્ત થઈ હતી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના આંકડા મુજબ રાજકીય પક્ષોએ ચૂંટણી બોન્ડના માધ્યમથી જે રકમ એકત્ર કરી છે એ ઈ.સ.ર૦રરમાં રૂા.૧૦,૭૯૧ કરોડ સુધી પહોંચી છે.
જમાઅતે ઇસ્લામી હિંદના ઉપપ્રમુખ પ્રોફેસર સલીમે ચૂંટણીના રાજકારણમાં નાણાના આ અપ્રમાણસર અને અપારદર્શક રોકડના વહેણને લોકશાહીના સ્વાસ્થ્ય માટે બિનતંદુરસ્ત ગણાવ્યું હતું. તેમણે સેન્ટર ફોર મીડિયા સ્ટડિઝના એક અભ્યાસને ટાંકીને
જણાવ્યું કે ઈ.સ.ર૦૧૯ની લોકસભાની ચૂંટણીઓનો ખર્ચ રૂા.પપ૪૦ કરોડ સુધી પહોંચી ગયો હતો. પ્રોફેસર સલીમે એ એ બાબતની પણ નોંધ લીધી હીત કે આ રકમનો ઉપયોગ ચૂંટણીઓ પછી વિરોધ પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો ટેકો ખરીદવા માટે પણ કરવામાં આવ્યો હતો.
પ્રોફેસર સલીમે એવી આશા પણ વ્યકત કરી હતી હતી કે એસોસિએશન ઓફ ડેમોક્રેટિટક રિફોર્મસ દ્વારા ચૂંટણી બોન્ડ અંગે દાખલ કરવામાં આવેલ અરજી અંગે સર્વોચ્ચ અદાલત સુનાવણી કરી રહી છે. તેનો ચુકાદો ન્યાય અને પારદર્શિતાની તરફેણમાં આપશે. આના કારણે આપણી લોકશાહી મજબૂત બનશે અને રાષ્ટ્રના રાજકારણમાં ચૂંટણી લડવા સમાન તકો તમામ પક્ષોને સાંપડશે.
આપણે એ પણ યાદ રાખવું જાેઈએકે ચૂંટણી પંચના આ આંકડા તો એ છે જે ચૂંટણીના ઉમેદવારો દ્વારા ચૂંટણી પંચે નક્કી કરેલ મર્યાદાને ધ્યાને રાખી રજૂ કરવામાં આવે છે. પરંતુ એમનો ખરેખર ખર્ચ તો આના કારતા કેટલોય વધારે હોય છે. એક મહત્ત્વના રાજકીય નેતાએ, જેઓ ઉમેદવારોના ચૂંટણી ખર્ચની કાયદાકીય બાબતોના સંચાલન સાથે સંકળાયેલા છે, જણાવ્યું હતું કે, અમે પહેલી વાર ચૂંટણી લડતા ઉમેદવારોને એ બાબતે ખાસ તાલીમ આપીએ છીએ કે તેઓ પોતાના હિસાબો કઈ રીતે રાખે, જેથી ચૂંટણી પંચના હસ્તક્ષેપને નિવારી શકાય. તેમણે એમ પણ જણાવ્યું હતું કે મોટાભાગના કિસ્સઓમાં ઉમેદવારોનો ખર્ચ નિયત મર્યાદા કરતાં વધી જતો હોય છે અને અમે આ વધારાના કરવામાં આવેલ ખર્ચને પક્ષ દ્વારા કરવામાં આવેલ ખર્ચ રીકે દર્શાવી એમાં સમાવી લઈએ છીએ.
આ તો મુકત અને ન્યાયી ચૂંટણીના અનેક પ્રશ્નો પૈકી માત્ર પ્રચાર ઝુંબેશના ખર્ચની વાત છે અને કહેવા ખાતર તો આ આદર્શ આચારસંહીતા પણ અમલમાં આવી જતી હોય છે, પરંતુ ચૂંટીઓમાં શાસક પક્ષને પોતાની સત્તા ટકાવી રાખવા માટે પોતાના માનીતા અધિકારીઓના પોસ્ટીંગ અને સમસ્યારૂપ અધિકારીઓને બિન મહત્ત્વની એ અસંવેદનશીલ જગ્યાઓ ઉપર મૂકવાની રીત-રસમો પણ જાણીતી છે.
આશા રાખીએ કે લોકો પોતાના પવિત્ર મતનો ઉપયોગ લોભ-લાલચથી પ્રેરાયા વિના બંધારણીય મૂલ્યો અને સવિશેષ તેના મૂળભૂત માળખાતંત્રને વફાદાર રહેતા પક્ષોની તરફેણમાં કરી પોતાની ફરજ અદા કરશે.