Saturday, July 27, 2024
Homeઓપન સ્પેસસામાજિક સૌહાર્દ અને આપણું મીડિયા

સામાજિક સૌહાર્દ અને આપણું મીડિયા

આજે આ વાતનું પુનરાવર્તન કરવાની જરૂરત નથી કે કેવી રીતે આપણા દેશના મોટાભાગના ખબરિયા ટીવી ચેનલો તથા ડિજિટલ સમાચાર માધ્યમો એક ખાસ હેતુથી સમાચારોની પસંદગી તથા તેના પર ચર્ચાઓ (Debates)નું આયોજન કરે છે. આ ચર્ચાઓના માધ્યમથી તેઓ સમાજને શું આપી રહ્યા છે ? આ પ્રશ્ન પણ એટલો જટિલ નથી કે આનો ઉત્તર એક સામાન્ય બુદ્ધિની વ્યક્તિ શોધી ન શકે. પાછલા બે વર્ષોમાં આ ત્રીજી વખત છે કે જ્યારે ભારતના સર્વોચ્ચ ન્યાયાલયે ગયા મહિને સમાચાર ચેનલો તથા સોશ્યલ મીડિયાનો હવાલો આપતાં કહ્યું કે આ નફરતભર્યા નિવેદનો આપણા સામાજિક તાણા-વાણા માટે ઝેર છે, અને આના માટે એક નિયામકતંત્ર બનાવવાની જરૂરત છે. ન્યાયાલયે કહ્યું કે ઘૃણા ભાષણો મુખ્ય પ્રવાહના મીડિયા ચેનલો કે સોશ્યલ મીડિયા દ્વારા આવી રહ્યા છે.

મીડિયાને લોકતંત્રનો ચોથો સ્તંભ એટલા માટે કહેવામાં આવે છે કે એક લોકતાંત્રિક અને ધર્મ-નિરપેક્ષ દેશમાં મીડિયાની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હોય છે, કેમ કે એવા દેશોમાં સમાચાર માધ્યમોનો હેતુ નિરપેક્ષ અને તટસ્થ રહીને સૂચનાઓ પીરસવાનો છે, નહીં કે કોઈ પક્ષીય ભાવનાથી કામ કરવું, પરંતુ તેઓ આ તકાદાને ભૂલી ગયા અથવા તો જાણી-જાેઈને ભુલાવી ચૂક્યા છે. આના કારણો પણ કંઈ છૂપા નથી. શાસક પક્ષ, જે કાયદા-કાનૂનો પર પાલન કરાવવાની જવાબદારી છે, તેના જ નેતા જાહેર મંચોથી નફરત ફેલાવનારા નિવેદનો આપવાથી ખચકાતા નથી.

ટી.વી. ચેનલો અને સોશ્યલ મીડિયા પર નફરત ફેલાવનારા પ્રસ્તુતિકરણો અને પક્ષપાતપૂર્ણ ચર્ચાઓ પીરસવાની વધતી જતી પ્રવૃત્તિઓ પર વિભિન્ન સામાજિક સંગઠનો દ્વારા લાંબા સમયથી વાંધો વ્યક્ત કરાવાતો રહ્યો છે. આજના સમયમાં ધાર્મિક સદ્‌ભાવનાને વધારવામાં મીડિયા એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે, પરંતુ આ ચિંતાનો વિષય બની રહ્યું છે કે આનાથી તદ્દન વિરુદ્ધ ટી.વી. ચેનલો પર રોજ સાંજે મંચ સજાવી દેવામાં આવે છે અને વચ્ચે હોય છે અગન-ગોળાનું ચિહ્ન આ કાર્યક્રમોના નામ પણ ખૂબ જ આક્રમક પ્રકારના હોય છે. જેમકે દંગલ, તાલ, ઠોકકે, આર-પાર અને કુરુક્ષેત્ર વિ. વિ.

પાછલા કેટલાક સપ્તાહોની જાે મીડિયા ચર્ચાઓ પર દૃષ્ટિપાત કરીએ તો ઇંગ્લેન્ડમાં પણ થઈ ગયું હિંદુ-મુસ્લિમ, સાધ્વી ઋતુંભરાના પ્રવાસને પરવાનગી ન મળી, પી.એફ.આઈ. દેશમાં આતંકવાદ ફેલાવી રહ્યો છે. ગત્‌ દિવસોમાં ઉત્તરપ્રદેશમાં મદ્રસાઓના સર્વેક્ષણ વિ. વિ. ટી.વી. ચેનલો માટે દેશના સૌથી મોટા સમાચાર બન્યા. અગાઉ જ્ઞાનવાપી મસ્જિદની અરજીને સુનાવણીની પરવાનગી મળવા પર ખબરિયા ચેનલોને કેટલાય સપ્તાહોનો મસાલો મળી ગયો હતો. આવી જ રીતે હિજાબ, સર તનસે જુદા, લવ જિહાદ, યુ.પી.એસ.સી જિહાદ અને ૮૦ વિરુદ્ધ ર૦ જેવા વ્યર્થના મામલાઓને ખૂબ ઉછાળવામાં આવ્યા. આ તો ફક્ત ઉદાહરણો છે. આ ઉપરાંત બાબરી મસ્જિદ કેસ અને કોરોના કાળ દરમ્યાન તબ્લીગી જમાઅત પ્રકરણને લઈને મીડિયાનું પ્રસ્તુતિકરણ કેટલું આક્રમક હતું એ બતાવવાની જરૂરત નથી.

પ્રશ્ન ઉદ્‌ભવે છે કે આપણા દેશના મીડિયા પાસે ઉઠાવવા માટે શું ફક્ત સાંપ્રદાયિક મુદ્દા જ બચ્યા છે ? મોંઘવારી, બેરોજગારી, કાનૂન-વ્યવસ્થા, શિક્ષણ તથા સ્વાસ્થ્ય જેવા જમીની મુદ્દા શા માટે આપણા મુખ્ય પ્રવાહના મીડિયાના વિમર્શથી બહાર થતા જઈ રહ્યા છે. કદાચ એટલા માટે કે જન-હિતથી સંકળાયેલ હોય એવા મુદ્દા આપણી વર્તમાન કેન્દ્ર સરકાર તથા રાજ્ય-સરકારો સાથે મેળ નથી ખાતા. ખેડૂતોની મુશ્કેલીઓ, મજૂરો-શ્રમિકોની આત્મ-હત્યાઓ, રુપિયા તથા અર્થ-વ્યવસ્થાની કથળતી સ્થિતિ, ટી.વી. ચેનલો પર અંતે શા માટે આમનું ગણ-ગણાટ પણ સાંભળવા નથી મળતું ?

વાસ્તવમાં આજે મીડિયાની ભૂમિકા સામાજિક સમરસતાને બગાડવા અને સકારાત્મક વિચારના સ્થાને સમાજને વિભાજિત કરનારા વિચારને વધારનારી થઈ ગઈ છે. આના દ્વારા ફક્ત સામાજિક અને ધાર્મિક ઉન્માદ જ ફેલાવાઈ રહ્યો છે એટલું જ નહીં બલ્કે રાજકીય સ્વાર્થ માટે પણ ખોટી માહિતીઓ ઘેર-ઘેર પીરસવામાં આવી રહી છે. આનાથી સમાજમાં હિંસાને પ્રોત્સાહન તો મળી જ રહ્યું છે, સાથે  જ લોકોના વિચારોને પણ નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આજે આ કહેવું ખોટું નહીં હોય કે સામાજિક સૌહાર્દ સામે મીડિયા તથા સોશ્યલ મીડિયા એક મોટો પડકાર બનીને ઊભો છે. વિશ્વસનીયતા અને ભરોસાના મામલામાં પણ મીડિયાની ભૂમિકા શંકાસ્પદ બનતી જઈ રહી છે.

પ્રશ્ન ઉદ્‌ભવે છે કે મીડિયાની આ દુર્ગતિ માટે દોષી કોણ છે ? શું ફકત સરકાર જ આના માટે જવાબદાર છે ? અથવા સરકાર, મીડિયા અને દર્શક ત્રણેય આ દુર્ગતિ માટે દોષી છે ? શું મીડિયા જે બતાવી રહ્યું છે, દર્શક વર્ગ એ જ જાેઈ રહ્યો છે ? અથવા દર્શકો જે જાેવા ઇચ્છે છે મીડિયા એ જ બતાવી રહ્યું છે ? મીડિયા પોતાની શક્તિઓનો દુરુપયોગ કરી રહ્યું છે, અથવા શાસનની અન્ય શક્તિઓ મીડિયાનો દુરુપયોગ કરી રહી છે ? જાે આ પ્રશ્નોના ઉત્તર શોધવાના પ્રયત્નો કરવામાં આવે તો મીડિયા અને પત્રકારત્વનો સ્પષ્ટ ભેદ પણ સામે આવી જશે.

આજે મીડિયા અને સોશ્યલ મીડિયા દ્વારા ઐતિહાસિક તથ્યો અને ઘટનાઓને પણ વિકૃત કરીને પ્રસ્તુત કરવામાં આવી રહી છે. મીડિયાનું આ વલણ એવું છે કે જેની હવે ઉપેક્ષા કરી શકાય નહીં. ખોટા વિચારોના પ્રસ્તુતિકરણ અને તેને લોકો સુધી પહોંચાડવાથી દેશની આંતરિક સુરક્ષા ભયમાં મુકાઈ જાય છે. મીડિયાની વર્તમાન ભૂમિકા અને સાર્વજનિક કે જાહેર મંચોથી વ્યક્ત કરાતા વિચારોથી સમાજમાં કટુતાની ભાવનાનો પ્રસાર થઈ રહ્યો છે. અલ્પકાલીન રીતે આનો લાભ કે નુકસાન પાર્ટી વિશેષનું તથા દેખાઈ રહ્યું છે, પરંતુ આને આટલા સુધી જ સીમિત રાખવાની આવશ્યકતા નથી, બલ્કે આને બહુલતાવાદી સંસ્કૃતિવાળા દેશ પર પડનારા દીર્ઘકાલીન પ્રભાવના સંદર્ભમાં પણ જાેવું જાેઈએ.

આજે મીડિયા જે નફરતના બી વાવી રહ્યું છે તેનો પાક અંતમાં દેશ અને સમાજે જ લણવો પડશે. સર્વોચ્ચ ન્યાયાલયે પોતાની તાજી ટિપ્પણીમાં કહ્યું છે કે આનાથી રાજકીય પક્ષો મૂડી બનાવે છે અને ટી.વી. ચેનલ તેમના માટે એક મંચનું કામ કરે છે.

અદાલતે આના માટે એક નિયામક તંત્ર બનાવવા પર પણ ભાર મૂક્યો છે. પરંતુ સરકાર જાે એવું તંત્ર બનાવવાની પહેલ કરે છે, તો તેનો સ્વરૂપ શું હશે, એ જાેવાની વાત હશે. મીડિયા સંસ્થાનો પ્રત્યે સરકારની દૃષ્ટિને લઈને પણ પ્રશ્નો ઉદ્‌ભવી રહ્યા છે.

સમાચાર માધ્યમો હજી સુધી સ્વનિયમન હેઠણ કાર્ય કરતા રહ્યા છે, હવે જાે તેમના પર સકંજાે કસવા માટે કોઈ તંત્રની આવશ્યકતા રેખાંકિત કરવામાં આવી રહી છે, તો તેમણે વિચારવાની જરૂરત છે કે અંતે તેઓ આ રીતે કેટલા દિવસો સુધી આવું પત્રકારત્વ કરતા રહેશે? સર્વોચ્ચ ન્યાયાલયની ટિપ્પણી દર્શાવે છે કે મીડિયાને આત્મ-અનુશાસનમાં રાખવા માટે બનેલા સંગઠનો પણ પોતાની ભૂમિકા નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે. આ ચિંતાની વાત છે. કેમ કે મીડિયાની સ્વાયત્તતા તેની સૌથી મોટી તાકત રહી છે. જાે ભવિષ્યમાં કોઈ નિયામક સંસ્થા બનાવવામાં આવે છે તો પરોક્ષ રીતે જ ભલે હોય, પરંતુ તેનાથી પણ તેની આઝાદી પ્રભાવિત થશે. બીજી બાજુ તમામ આલોચનાઓ છતાં મીડિયાનો એક વર્ગ, ‘લોકો જે જાેવા ઇચ્છે છે, એ જ અમે બતાવીએ છીએ’ની આડ લઈને નફરતભર્યા કાર્યક્રમો દેખાડે છે.

આવામાં સારૂં થશે કે મીડિયા ચેનલો પોતે જ પોતાના માટે કોઈ આચારસંહિતા બનાવે, કે જેથી સરકાર પોતે બનાવેલા નિયમો મુજબ મીડિયાને હાંકવાનું કામ ન કરી શકે. ‘તપાસ અને સંતુલન’નું કાર્ય સ્વયં તેમણે જ કરવું પડશે, આમાં જ સૌનું ભલું છે.

કોઈ પણ લોકતાંત્રિક સમાજ તથા દેશની સૌથી મોટી વિશેષતા આ હોય છે કે ત્યાં વૈચારિક સહમતિ અને અસહમતિને વ્યક્ત કરવાની આઝાદી એક અધિકારના રૂપમાં સ્વીકાર્ય હોય, પરંતુ આ અધિકારનો ઉપયોગ ખોટી રીતે ન થાય એ સુનિશ્ચિત કરવાની જવાબદારી સૌ પ્રથમ તેની જ છે જે પોતાના આ અધિકારનો ઉપયોગ કરી રહ્યો હોય. આ પણ સુનિશ્ચિત કરવાનું ખૂબ જ જરૂરી છે કે પ્રજાતંત્ર દ્વારા અપાયેલ સ્વતંત્રતાઓ તથા અધિકારોનો ઉપયોગ ક્યાંક પ્રજાતંત્રને જ ખતમ કરવા માટે થવા ન લાગે. બીજા શબ્દોમાં પડકાર આ છે કે પ્રજાતાંત્રિક વ્યવસ્થાની અંદર રહીને ઘૃણા ફેલાવનારી વિચારધારાઓનો કેવી રીતે સામનો કરવામાં આવે કે જેથી તે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે તેનો ઉપયોગ પ્રજાતંત્રમાં જ આગ ચાંપવા માટે ન કરી શકે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments