લે. મુહમ્મદ ફારૂક ખાં
આજના યુગને વૈજ્ઞાનિક યુગ કહેવામાં આવે છે. એવો યુગ કે જેમાં અંધવિશ્વાસ માટે કોઈ સ્થાન ન હોય, જેમાં દરેક વસ્તુને સમજીને અને તેને વ્યવહારની કસોટી પર ચકાસીને તેના વિષે કોઈ નિર્ણય લેવામાં આવે છે અને એ અંગે કોઈ પૂર્વાગ્રહ કે પક્ષપાતથી કામ લેવામાં નથી આવતું, પરંતુ આપણે જોઈએ છીએ કે આ વૈજ્ઞાનિક યુગમાં પણ એ બધું થાય છે જેની કલ્પના કોઈ અંધકાર યુગમાં જ કરી શકાય છે.
આજે કોઈને જાણવા અને તેને સમજવા માટે જે સુવિધાઓ અને સરળતાઓ ઉપલબ્ધ છે કદાચ આ અગાઉ ક્યારેક ઉપલબ્ધ ન રહી હોય, તેમ છતાં સત્યને નિષ્પક્ષ રીતે સમજવું અને તેને પોતાનું સમર્થન આપવું કંઈ સરળ કાર્ય નથી. આપણે એકબીજાથી એટલા ભયભીત અને બદગુમાન છીએ કે આપણને આ વિશ્વાસ જ નથી બેસતો કે જીવનમાં ક્યાંકથી કોઈ અવાજ એવો પણ સંભળાઈ શકે છે કે જેની પાછળ કોઈ ધોખેબાજી અને પોતાનો ખાનગી સ્વાર્થ કામ કરી રહ્યો ન હોય, બલ્કે એ ખૂબ જ પવિત્ર અને નિષ્કલંક હોય.
અહીં અમે ઇસ્લામ ધર્મ વિષે કંઈક કહેવા ઇચ્છીએ છીએ. ઇસ્લામ જેટલો સ્પષ્ટ, બુદ્ધિસંગત અને હૃદયને સ્પર્શનાર ધર્મ છે એટલો જ એ આજે અપરિચિત દેખાઈ રહ્યો છે. ઢગલાબંધ ગેર સમજણો અને શંકાઓ તેના વિષે પેદા કરી દેવામાં આવી છે. કેટલીય ભ્રામક અને ગુમરાહ કરનારી વસ્તુઓ તેની સાથે જોડી દેવામાં આવી છે. અને આ દુષ્પ્રયાસ આજથી નહીં બલ્કે સેંકડો વર્ષોથી ચાલુ છે. તેમ છતાં આ ઘોર અંધકારમાં પોતાના અને અન્યોના અંતરાત્માને પોકારવો એ આપણું કર્તવ્ય છે. આપણે નિરાશ થઈને બેસી નથી શકતા. ક્યારેક તો મનુષ્ય સ્વયં પોતાની જાતની નિકટ થશે, અને તેને સત્યનો અવાજ સંભળાશે. ઇસ્લામનો અવાજ અને મનુષ્યના અંતરાત્માનો અવાજ, બે નહીં અકે છે. મનુષ્ય જો પોતાના અંતરાત્માનો અવાજ સાંભળવામાં સક્ષમ થયો તો ઇસ્લામને સમજવો તેના માટે કંઈ મુશ્કેલ નહીં હોય.
ઇસ્લામનું અધ્યયન કેટલાય પાસાઓથી કરી શકાય છે. દા.ત. “માનવ-જીવનમાં ઇસ્લામની સાર્થકતા”, “સફળ-જીવન ઇસ્લામની દૃષ્ટિમાં”, “વિવિધ ધર્મોની વચ્ચે ઇસ્લામની વિશિષ્ટતા”, “માનવ-ચિંતન ઉપર ઇસ્લામનો પ્રભાવ”, “જીવનની નૈતિક માન્યતાઓ અને ઇસ્લામનું શિક્ષણ” વિ. વિ. અહીં અમે માત્ર ઇસ્લામના નૈતિક દૃષ્ટિકોણ વિષે કંઈક કહેવા ચાહીશું.
મનુષ્યમાં જોવા મળતી નૈતિક ચેતના આ વાતનું અકાટ્ય પ્રમાણ છે કે આને સમજવા માટે ભૌતિકવાદી દૃષ્ટિકોણ પર્યાપ્ત નથી. માનવી ભૌતિક તત્ત્વો સિવાય પણ કંઈક છે, અને એ કંઈક અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ જ અતિરિક્ત તેને સામાન્ય જીવ-જંતુઓથી અલગ એક વિશિષ્ટતા અર્પણ કરે છે. આ અતિરિક્ત આપણા ચિંતન માટે એવો આધાર સિદ્ધ થાય છે કે પરમાત્મા કે જગત-નિયંતાની ધારણા આપણા માટે પ્રત્યક્ષ સત્યનું રૂપ ધારણ કરી લે છે. ચેતના, વિશેષરૂપથી નૈતિક ચેતનાનો સ્ત્રોત કોઈ જીવંત સત્તા જ હોઈ શકે છે. નિર્જીવ પદાર્થ વિ.માં આનો સ્ત્રોત શોધવો સૌથી મોટી મૂર્ખતાની વાત હશે.
જીવન માટે નૈતિક ચેતના એ પવિત્ર સૂક્ષ્મ અને સુંદર ઉપહાર છે કે જેની તુલના અન્ય કોઈ પણ સુંદરતા સાથે નથી કરી શકાતી. આપણે જાણીએ છીએ કે નૈતિક ચેતનાનું ગાઢ અને વ્યાપક દૃષ્ટિકોણ આપણા જીવનના દરેક ક્ષેત્રને પોતાની સીમામાં લઈ લે છે. જીવનના કોઈ પણ પાસાને આની સીમાથી અલગ નથી કરી શકાતું.
આ આપણું નૈતિક કર્તવ્ય છે કે પોતાના સર્જનહાર ઈશ્વર પ્રતિ પોતાના કર્તવ્યોને સમજીએ અને જીવનમાં તેનું પાલન કરીએ. આપણે પ્રત્યેક અવસ્થા અને દરેક મામલામાં પોતાના દાયિત્વને જાણીએ અને કદાપિ તેની ઉપેક્ષા ન કરીએ.
ઇસ્લામના શિક્ષણની વિશેષતા પણ આ જ છે કે એ વિચારો તથા ધારણાઓથી લઈને વ્યવહારિક જીવનની નાની-મોટી દરેક વસ્તુને નૈતિક મૂલ્યોના પ્રકાશમાં જ જુએ છે. આ બુન્યાદી વાતને જો આપણે સામે રાખીએ તો ઇસ્લામી શિક્ષણ અને ઇસ્લામના નિર્દેશોનું મૂલ્યાંકન આપણા માટે ખૂબ જ સરળ થઈ જશે.
જીવનમાં નૈતિક દાયિત્વોનું નિર્વાહ કોઈ સરળ કાર્ય નથી. આના માટે આવશ્યક છે કે આપણા દૃષ્ટિકોણમાં વ્યાપકતા હોય અને આપણું હૃદય અત્યંત વિશાળ હોય આના વિના ન તો આપણે ઇસ્લામી શિક્ષણના મહત્ત્વનું અનુમાન કરી શકીએ છીએ અને ન તો એ શિક્ષણનું પાલન જ સારી રીતે શક્ય બની શકે છે.
એક વિશાળ અને ભવ્ય ભવનનો નકશો કોઈ કંગાળ તથા દરિદ્ર વ્યક્તિના મનમાં કદાપિ નથી આવી શકતો, અને ન તો ક્યારેક એ એવા ભવનના નિર્માણની વાત વિચારી શકે છે. આથી મનુષ્યની સફળતા માટે અનિવાર્ય છે કે એ કોઈ પણ પ્રકારની તંગદિલીનો ભોગ ન બને. કુઆર્ને સ્પષ્ટ શબ્દોમાં ઘોષણા કરી છે :
“હકીકત આ છે કે જે લોકોને હૃદયની તંગીથી બચાવી લેવામાં આવ્યા તેઓ જ સફળતા પામનારા છે.” (સૂરઃ હશ્ર, આયત-૯)
ઈશ્વરના પૈગમ્બર હઝરત મુહમ્મદ સ.અ.વ.નું આ કથન અત્યંત મહત્ત્વપૂર્ણ છે :
“આસ્થાવાન વ્યક્તિ (ઈમાનવાળા)માં બે વસ્તુઓ એકત્ર નથી હોઈ શકતી, કૃપણતા અને દુરાચરણ.” (અહમદ)
ઇસ્લામનું સમગ્ર શિક્ષણ માનવ-પ્રકૃતિની પરિચાયક છે. આથી એ આપણા માટે દુસાધ્ય અને અપ્રિય નથી હોઈ શકતી. આ અલગ વાત છે કે આપણે પોતાની પ્રકૃતિ અને પોતાના વાસ્તવિક સ્વભાવથી દૂર થઈ જઈએ, અને હિતકર વાતોને અહિતકારી સમજવા લાગીએ.
ઇસ્લામી શિક્ષણના અનુપાલનનો અર્થ વાસ્તવમાં પોતાના અંતરાત્મા અને પોતાના વ્યક્તિત્વને વિકસિત કરવાનો છે. આ ઉપરાંત આનો કોઈ બીજો અર્થ નથી થતો. ઇસ્લામી શિક્ષણનું અનુપાલન આપણા પોતાના સ્વાભાવિક ચારિત્ર્યને અનુકૂળ પણ છે અને આના જ અનુપાલનથી આપણા વ્યક્તિત્ત્વનું નિર્માણ, તેનું રક્ષણ અને તેનો વિકાસ પણ શક્ય છે.
મનુષ્યનું સંપૂર્ણ જીવન તેના ઈમાન અને તેની નૈતિકતાનું પરિચાયક હોય. આ જ ઇસ્લામમાં ઇચ્છિત છે. અલ્લાહ (ઈશ્વર)ના પૈગમ્બર હઝરત મુહમ્મદ સ.અ.વ.એ કહ્યું છે કે ઈમાન (અર્થાત્ આસ્થા સમ્મત નૈતિક માન્યતાઓ)ના સિત્તેરથી વધુ સ્તર (શાખાઓ) છે. તેમાં સૌથી ઊંચું સ્તર આ કહેવું છે કે : અલ્લાહ સિવાય કોઈ બંદગી અને ઉપાસનાને લાયક નથી અને તેે (સ્તરો)માં સૌથી નાનું સ્તર આ છે કે રસ્તામાંથી (કાંટા, પથ્થર વિ.) કષ્ટદાયક વસ્તુઓને ખસેડી દેવામાં આવે. લજ્જા પણ ઈમાનની શાખાઓમાંથી એક શાખા છે.” (બુખારી, મુસ્લિમ)
આપ સ.અ.વ.એ કહ્યું છે : “અલ્લાહ એ વ્યક્તિ પર દયા નથી કરતો જે લોકો પર દયા નથી કરતી.” (બુખારી, મુસ્લિમ)
સારાંશ આ છે કે ઇસ્લામમાં ધર્મ પરાયણ હોવા માટે ફક્ત આટલું જ પૂરતું નથી કે માણસ પોતાનો સંબંધ ઈશ્વર (અલ્લાહ) સાથે સારો રાખે, બલ્કે આના માટે આ પણ જરૂરી છે કે આપણા સંબંધ લોકો સાથે પણ સારા અને મધુર હોય. વાસ્તવમાં પરસ્પરના સંબંધોને સારા રાખવા અને તેમના હક્કોને ઓળખવાનું નામ ઇસ્લામ છે. કાશ ! દુનિયા આ સીધી-સાચી વાતને સારી રીતે સમજી શકતી. •••