Tuesday, February 10, 2026

પૈગંબર મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) સૌના માટે

(પુસ્તક ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો)
Homeબાળજગતમારો પ્રથમ રોઝો: એક પરિવર્તનની કથા

મારો પ્રથમ રોઝો: એક પરિવર્તનની કથા

  • માયલ ખૈરાબાદી

મારી ઉંમર લગભગ ૧૭ વર્ષની થઈ ચૂકી હતી, છતાં મેં ક્યારેય રોઝો રાખ્યો ન હતો. રોઝો રાખવો તો દૂરની વાત, હું તો રોજદારોને કહેતો કે, “તમે શું કામ ભૂખે મરો છો? શું તમારા ઘરમાં ખાવાનું નથી?” મારી આ વાત લોકોને જરાય પસંદ ન આવતી. છતાં કોઈ મારા પર ગુસ્સે થતું નહીં, બલકે મને સમજાવતા; પણ હું સમજવા તૈયાર જ ક્યાં હતો?

એક વખત મેં આ જ વાત મારા મિત્ર રહમતુલ્લાહને કહી. તે જાણતો હતો કે હું રોઝાની મજાક ઉડાવું છું. તેણે જવાબ આપ્યો, “તું જાતે રોઝો રાખીને જોઈ લે, તને આપોઆપ ખબર પડી જશે કે રોઝા ભૂખે મરવા માટે રાખવામાં આવે છે કે તેનું કોઈ બીજું કારણ છે.”

રહમતુલ્લાહ તો આમ કહીને જતો રહ્યો, પણ મને વિચારતો કરી ગયો. રાત્રે સૂતી વખતે તેની જ વાત યાદ આવતી રહી. મનમાં થયું, ‘ચાલ, જોઈ તો લઈએ રોઝો રાખીને શું થાય છે? છેવટે બધા લોકો રાખે જ છે ને, તો કંઈક તો ખાસ વાત હશે જ!’ વળી પાછું મનમાં આવ્યું કે, ‘અરે જવા દો, કોણ આખો દિવસ ભૂખ્યું રહે!’ આ અસમંજસમાં રહીને છેવટે મેં નક્કી કર્યું કે આવતીકાલે રોઝો રાખી જોઉં કે શું થાય છે.

મારા ઘરમાં માત્ર મા જ રોઝા રાખતી હતી. હું તો તેમની પણ મજાક ઉડાવતો, પણ તે તો માત્ર દુઆ જ કરતી કે અલ્લાહ મને રોઝા રાખવાની સદ્બુદ્ધી આપે. મેં મારી માને કહ્યું, “અમ્મીજાન! આજે મને પણ સહેરી માટે ઉઠાડજો, કાલે હું પણ રોઝો રાખીશ.” માને આ સાંભળીને નવાઈ પણ લાગી અને ખુશી પણ થઈ. તેમણે એમ તો ન પૂછ્યું કે આ અચાનક રોઝા રાખવાનો ઇરાદો કેમ કર્યો, પણ ઘણી દુઆઓ આપીને કહ્યું, “ભલે બેટા, જરૂર જગાડીશ.”

માએ ખરેખર મને સહેરીમાં ઉઠાડ્યો. મેં સહેરી ખાધી અને વિચાર્યું કે હવે સૂઈ જાઉં. ત્યારે મારી માએ કહ્યું, “બેટા, રોઝો રાખ્યો છે તો હવે રોઝાદારની જેમ રહે.” મેં પૂછ્યું, “તારો શું અર્થ છે?” માએ સમજાવ્યું, “બેટા, જ્યારે રોઝો રાખ્યો છે તો હવે થોડી વારમાં જ ફજરની અઝાન થવાની છે. વુઝૂ કરી લે અને ફજર સુધી કુઆર્ન પઢી લે, પછી નમાઝ પઢી લેજે.”

માની વાત માનીને હું ઊઠ્યો. વુઝૂ કર્યું. બાળપણ પછી ક્યારેય કુઆર્ન પઢ્યું ન હતું. અમુક જે યાદ હતું તે અને એક જગ્યાએ લાલટેન મૂકીને કુઆર્ન પઢવા લાગ્યો. કુઆર્ન સમજમાં તો નહોતું આવતું પણ મનમાં થતું હતું કે બસ, પઢતો જ જાઉં. એટલામાં અઝાન સંભળાઈ અને હું મસ્જિદે ગયો. ઘણા સમય પછી ફજરની નમાઝ પઢીને ખૂબ શાંતિ અનુભવાઈ.

ઘરે આવીને વિચારવા લાગ્યો કે હવે શું કરું? જો રોઝો ન હોત તો નાસ્તાની તૈયારી કરતો હોત. હજુ વિચારતો જ હતો ત્યાં દરવાજે ટકોરા પડ્યા. જોયું તો મનુ વાણિયો ઊભો હતો. તેને જોતા જ મારા હોશ ઊડી ગયા, કારણ કે હું તેનો કરજદાર હતો. તે ૧૧ રૂપિયા માંગતો હતો અને હું ખોટા વાયદા કર્યે જતો હતો. જોકે, પૈસા આપવાની મારી દાનત પણ નહોતી. મેં ફરીવાર ખોટો વાયદો કરીને તેને ટાળવાનો પ્રયત્ન કર્યો પણ તે માન્યો નહીં. માને આ વાતની ખબર પડી ગઈ. તેણે કહ્યું, “બેટા, રોઝો રાખીને જૂઠ ન બોલાય, ખોટા વાયદા ન કરાય. રોઝો રાખીને પણ જો જૂઠ અને ખોટી વાતોથી ન બચ્યા, તો રોઝાનો અર્થ જ શું? તો તો આ ખાલી ભૂખ્યા રહેવા જેવું જ થયું ને!”

“ભૂખે મરવાનું!” – અરે, આ શબ્દો તો હું રોજદારોને કહેતો હતો! મેં માને પૂછ્યું, “શું રોઝા એટલા માટે રાખીએ છીએ કે આપણે ખોટી વાતોથી બચીએ?” માએ જવાબ આપ્યો, “હા બેટા! રોઝા એટલા માટે જ રાખવામાં આવે છે કે ખોટી વાતોથી બચીને અલ્લાહને રાજી કરી શકાય.”

માની આ વાત હું થોડી સમજ્યો, થોડી ન સમજ્યો. હું ગુસ્સામાં હતો એટલે મારા મોઢામાંથી વાણિયા માટે ગાળ નીકળી ગઈ. આ સાંભળીને મારી માએ મને ખૂબ ધમકાવ્યો. પોતાની પાસેથી વાણિયાને પૈસા આપીને રવાના કર્યો અને મને કહ્યું, “વાણિયાને તેના પૈસા માંગવાનો હક હતો, તેં જૂઠા વાયદા કર્યા તો તેને ગુસ્સો આવે જ ને! મારે તેની ખરી-ખોટી સાંભળવી પડી, જ્યારે તું ઉલટો તેને ગાળો દઈને ધમકાવે છે! તો પછી રોઝો કેમ રાખ્યો છે?”

મેં મનમાં કહ્યું, ‘મા સાચું જ કહે છે.’ હું ચૂપ થઈ ગયો અને વિચારવા લાગ્યો કે આજે તો સારું થયું, અમ્માએ મારા અંદરના શૈતાનને દબાવી દીધો, નહીંતર હું તો આજે તેની સાથે ઝઘડો કરી બેસત.

દિવસ ચઢ્યો એટલે હું માને કહીને હાજી કરીમની દુકાને નોકરીએ જવા નીકળ્યો. હું આજે દુકાને વહેલો પહોંચ્યો તો હાજી સાહેબને પણ નવાઈ લાગી, નહીંતર દરરોજ મોડા આવવા બદલ ઠપકો સાંભળવો પડતો. તેમણે હસીને કહ્યું, “અરે ભાઈ! આજે તો તું ખૂબ વહેલો આવી ગયો! અને આજે ખાલી હાથે કેમ છે? લંચ બોક્સ ક્યાં છે?” મેં કહ્યું, “આજે મેં રોઝો રાખ્યો છે.” હાજી સાહેબને નવાઈ સાથે ખૂબ ખુશી થઈ.

હવે જ્યારે મેં રોઝો રાખ્યો હતો, તો જૂઠ શા માટે બોલું? હું રોજ દુકાનના ગલ્લામાંથી થોડા પૈસા ચોરી લેતો હતો. આજે પણ મનમાં વિચાર આવ્યો કે થોડા પૈસા કાઢી લઉં, પણ તરત જ માની વાત યાદ આવી કે રોઝો રાખીને પણ જો ચોરી અને ખોટી વાતોથી ન બચ્યા, તો એ રોઝો નથી પણ માત્ર ભૂખે મરવા જેવું છે.

મેં તે દિવસે દુકાનમાંથી એક રૂપિયો પણ ન કાઢ્યો. ચોરી ન કરવાના કારણે હું આજે ખૂબ જ હળવો અને નીડર અનુભવતો હતો. નહીંતર અગાઉ તો આખો દિવસ મનમાં ફાળ પડતી કે ક્યાંક હાજી સાહેબ જોઈ તો નથી ગયા ને!

બપોરે મને ભૂખ લાગી. મેં ક્યારેય રોઝો રાખ્યો ન હોવાથી ભૂખ સતાવવા લાગી. આ જ સમયે એક ગરીબ વિધવા સ્ત્રી તેના બે બાળકો સાથે દુકાને આવી અને રડતા રડતા કહેવા લાગી, “બાબુ, મારા આ બે લાલ (બાળકો) તદ્દન ભૂખ્યા છે, તમારા ખુદા માટે મને કંઈક આપો.” હાજી સાહેબે તેને થોડા પૈસા આપ્યા.

‘ભૂખ’નું નામ સાંભળીને મેં મનમાં વિચાર્યું – અરે, આ ભૂખ કેટલી સખત હોય છે! આ લોકો કેવી રીતે ભૂખ સહન કરતા હશે? મને આજે જીવનમાં પ્રથમ વાર ભૂખ્યા રહેવાનો અનુભવ થઈ રહ્યો હતો અને હવે મને તે ગરીબ સ્ત્રી પ્રત્યે સહાનુભૂતિ થવા લાગી. તે વખતે મારી પાસે થોડા પૈસા હતા. મેં તે સ્ત્રીને પાછી બોલાવી. તરત મનમાં વિચાર આવ્યો કે, ‘શું કરે છે? આટલા પૈસાની તો ઇફતારી આવશે!’ પણ મેં દિલની વાત ન માની, હું સમજી ગયો કે શૈતાન મને બહેકાવી રહ્યો છે. મેં તે પૈસા વિધવાને આપી દીધા. બિચારી ખૂબ દુઆઓ આપતી ગઈ. હાજી સાહેબ પણ નવાઈથી મારું મોઢું જોવા લાગ્યા. ત્યારે હું સમજી ગયો કે રોઝા ભૂખે મરવા માટે નહીં, પણ ભૂખ્યાઓની ભૂખ સમજવા માટે રાખવામાં આવે છે.

આખો દિવસ દુકાન પર કામ કર્યું, પણ આજે કોઈની સાથે બોલાચાલી ન થઈ. નહીંતર દરરોજ ગ્રાહકો સાથે કંઈક ને કંઈક તકરાર થતી જ. આજે મેં શૈતાનને બહાર આવવાની તક જ ન આપી.

સાંજે જ્યારે હું ઘરે જવા નીકળ્યો ત્યારે હાજી સાહેબે કહ્યું, “ઊભો રહે, આજે મારી સાથે જ ઇફતારી કરી લેજે. અને આ સામાન તારી મા માટે લેતો જા.” હાજી સાહેબે ફ્રૂટ, મીઠાઈ અને નમકીન વગેરે એક થેલીમાં ભરીને મને આપ્યા અને સાથે એક બોક્સ પણ આપ્યું. ઘરે આવીને મેં તે બોક્સ ખોલ્યું તો તેમાં મારા માટે બે જોડ નવા કપડાં અને જૂતાં હતાં! હું તેમની મહેરબાની જોઈ ખૂબ ખુશ થયો. મનોમન વિચાર્યું કે આ બધું રોઝાના કારણે જ તો નથી ને? માએ કહ્યું, “હા બેટા, અલ્લાહે હાજી સાહેબના દિલમાં તારા માટે મોહબ્બત નાખી દીધી.” મેં અલ્લાહનો આભાર માન્યો.

મગરેબની અઝાન પહેલાં હું હાજી સાહેબના ઘરે પહોંચ્યો. ત્યાં બીજા પણ લોકો હતા. મેં બધાની સાથે ઇફતાર કર્યો અને નમાઝ પઢી. જમીને ઘરે જવા નીકળ્યો ત્યારે હાજી સાહેબે રિક્ષા ભાડા માટે અલગથી પૈસા આપ્યા.

પૈસા ખિસ્સામાં મૂક્યા ત્યાં ફરી શૈતાન મનમાં આવ્યો – ‘હવે તો રોઝો પૂરો થઈ ગયો છે, પૈસા પણ છે, તો ચાલ સિનેમા જોવા જઈએ!’ હું સિનેમા તરફ જવા પણ લાગ્યો, પણ ત્યાં જ વિચાર આવ્યો કે ભલે અત્યારે રોઝો નથી, પણ રમઝાન મહિનો તો છે જ ને! આ મહિનો તો નેકી કમાવવાનો છે. શૈતાને ઘણો બહેકાવ્યો પણ મેં તેનું માન્યું નહીં અને સીધો ઘરે પહોંચ્યો.

ઘરે આવ્યો તો માએ કહ્યું, “બેટા, એક વધુ કામ કરી લે તો આજનો રોઝો પૂરો ગણાશે. મસ્જિદમાં જઈને ઈશાની નમાઝ અને તરાવીહ પઢી આવ.” હું મસ્જિદ ગયો. તરાવીહ પઢીને ઘરે આવ્યો ત્યારે મારું મન સતત કહી રહ્યું હતું કે કાલે હું ફરી રોઝો રાખીશ.

ખાટલા પર સૂઈને મેં આખા દિવસનો વિચાર કર્યો. મનુ વાણિયા સાથેની થોડી રકઝક સિવાય મેં કોઈ ખોટું કામ કર્યું નહોતું. હું મનમાં ને મનમાં હસવા લાગ્યો કે, “આજે તો મેં શૈતાનને પરાજીત કરી દીધો!”

બસ, આ જ મારો પ્રથમ રોઝો હતો. તે પછી આજ સુધી મારો એક પણ રોઝો છૂટ્યો નથી. હું અલ્લાહનો આભાર માનું છું કે તેણે મને સદ્બુદ્ધિ આપી. રોઝાથી મને જે શીખવા મળ્યું તે આ છે:

૧. રોઝા રાખવાથી બુરાઈ દૂર થાય છે.

૨. ગરીબો પ્રત્યે હમદર્દી જાગે છે.

૩. મન પર કાબૂ મેળવી શૈતાનને હરાવી શકાય છે.

૪. સૌથી મોટી વાત એ કે અલ્લાહને રાજી કરી શકાય છે.

હવે હું દુઆ કરું છું કે હું હંમેશા રોઝા રાખતો રહું અને તમે પણ આ પવિત્ર ફરજ અદા કરો.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments