Saturday, February 21, 2026

પૈગંબર મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) સૌના માટે

(પુસ્તક ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો)
Homeપયગામરમઝાન અને નૈતિકતા

રમઝાન અને નૈતિકતા

રમઝાનની વિશિષ્ટતાઓ જેટલી રજૂ કરીએ એટલી ઓછી છે. સાચું કહું તો આ મહિનો મનુષ્યની સંપૂર્ણ કાયાપલટ કરવા માટે પૂરતો છે. આપણે રમઝાનથી થતા બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસની ચર્ચા કરી ચૂક્યા છીએ; આજે હું વ્યક્તિત્વના વિકાસના ત્રીજા મહત્વપૂર્ણ પાસા ‘નૈતિકતા’ પર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરીશ.

આ હકીકતને સાબિત કરવાની જરૂર નથી કે માનવી એક સામાજિક અસ્તિત્વ ધરાવે છે. જ્યાં સમૂહ હોય છે ત્યાં કેટલાક નીતિ-નિયમોનું ઘડતર કરવું જ પડે છે. સમાજ વ્યક્તિના વિકાસ માટે પ્રયત્ન કરે અને વ્યક્તિ સમાજકલ્યાણને પોતાની નજર સમક્ષ રાખે; આ સમજણથી જ સમાજમાં સંતુલન ઊભું રહે છે.

નૈતિકતા એ સિદ્ધાંતો, મૂલ્યો અને ધોરણોનો સમૂહ છે જે માનવ વર્તનને માર્ગદર્શન આપે છે. તે શું સાચું અને શું ખોટું, શું સારું અને શું અનિષ્ટ છે તેની સમજ આપે છે અને સામાજિક સહઅસ્તિત્વ માટે મૂળભૂત આધાર પૂરો પાડે છે. નૈતિકતાના બે સ્વરૂપ છે:

સકારાત્મક નૈતિકતા: જેમ કે સાચું બોલવું, અમાનતની હિફાજત (રખેવાળી) કરવી, સેવા કરવી, દાન આપવું, પ્રેમ, દયા, કરુણા, ક્ષમા અને વિનમ્રતા દાખવવી વગેરે.

નકારાત્મક નૈતિકતા: જેમ કે અત્યાચાર કરવો, દગો આપવો, હિંસા આચરવી, કંજૂસાઈ, અન્યાય, લોભ, અહંકાર અને ઈર્ષા વગેરે.

સારા ગુણોને વિકસાવવાની વાત હોય કે દુર્ગુણોથી દૂર રહેવાની, બંને માટે ધૈર્ય (સબ્ર)નું મહત્વ અતિ વિશેષ છે. ધૈર્ય એ નૈતિકતાનો મૂળ ગુણ છે, જે અન્ય તમામ મૂલ્યોને જન્મ આપે છે. તે વ્યક્તિને કઠિન પરિસ્થિતિમાં શાંત રહેતા શીખવે છે અને સમાજમાં સકારાત્મક વર્તનને પ્રોત્સાહિત કરે છે.

દાખલા તરીકે, કોઈ વ્યક્તિ તમારા દિલને ઠેસ પહોંચાડે, તમારી સાથે અશિષ્ટ વર્તન કરે અથવા તમારો અધિકાર ઝૂંટવે, ત્યારે તમારી પાસે બે રસ્તા છે; એક તો તેની જ ભાષામાં વળતો જવાબ આપવો, અથવા બીજું, જતું કરીને (દરગુજર કરીને) મામલાને શાંતિથી પૂર્ણ કરવો. તમારામાં સહનશીલતા હશે તો જ તમે બીજો માર્ગ પસંદ કરશો. આ જ ધૈર્ય છે. ધૈર્યથી ક્ષમાભાવ ઉપજે છે, જે બીજાની ભૂલો સહન કરવાની શક્તિ આપે છે. તે સહાનુભૂતિ વિકસાવે છે અને બીજાના દુઃખને સમજી મદદ કરવાનો ભાવ પેદા કરે છે.

અલ્લાહની ઈબાદત માટે સમય કાઢવો પડે છે અને શ્રમ તથા ઈચ્છાઓનો ત્યાગ કરવો પડે છે. રોઝા રાખવા માટે ભૂખ-તરસ સહન કરવી પડે છે. ઝકાત અથવા સદકો આપવા માટે સંપત્તિમાં ઘટાડો સહન કરવો પડે છે. સંબંધોને સુધારવા માટે દિલ વિશાળ રાખવું પડે છે. આ બધું ધૈર્ય વગર શક્ય નથી. ધૈર્ય રાખનારનો દરજો અલ્લાહની નજરમાં ઊંચો હોય છે અને ધૈર્યવાન વ્યક્તિને આખિરતમાં ઉત્તમ બદલો મળે છે. ન્યાયની સ્થાપના કરવા માટે જુલમીઓ સામે અડગ રહેવાની શક્તિ પણ ધૈર્યથી જ મળે છે. દીન-પ્રચારના કાર્યમાં ટોણાં, અપમાન અને મજાક સહન કરીને પણ જે અડગ રહે, તે જ સાચો ધૈર્યવાન છે.

દુનિયામાં અશાંતિનું એક મોટું કારણ એ છે કે માણસ પોતાની પશુવૃત્તિઓના પોષણમાં તમામ સીમાઓ વટાવી દે છે. વૈભવી જીવનની લાલસા અને અતિશય લોભ હલાલ-હરામ કે સાચા-ખોતાનો ભેદ મટાડી નાખે છે. પરિણામે જુલમ, દગો, ભેળસેળ, હિંસા અને ષડયંત્રો જન્મે છે. બીજી બાજુ, જ્યારે કોઈ વ્યક્તિને છેતરાયાની લાગણી થાય છે ત્યારે તે પણ વળતા પ્રહારમાં ખોટા રસ્તે ચાલવા લાગે છે.

માત્ર બુદ્ધિ આધારિત નૈતિકતા ઘણી વાર લોભ અને ભય સામે નબળી પડી જાય છે. પરંતુ ઈશભય (તક્વા) અને કર્મફળના સિદ્ધાંત પર આધારિત નૈતિકતા માણસને અડગ રાખે છે. આનો અર્થ એ છે કે દરેક વ્યક્તિને પોતાના સારા કે ખરાબ કાર્યોનું ફળ દુનિયા અથવા આખિરતમાં મળશે જ.

વાણીનું નિયંત્રણ પણ નૈતિકતાનો મહત્વપૂર્ણ ભાગ છે. શબ્દો તો નિર્દોષ હોય છે, પરંતુ આપણે કેવી રીતે બોલીએ છીએ તેના આધારે તેનો પ્રભાવ પડે છે. દોસ્તીને દુશ્મનીમાં અને દુશ્મનીને દોસ્તીમાં ફેરવવાની શક્તિ જીભ પાસે છે. વિચારીને બોલવાની કળા પણ ધૈર્યથી જ આવે છે.

જાતીય ઈચ્છાઓ પણ માનવીમાં શક્તિશાળી આવેગ છે. ઈસ્લામે તેના કાયદેસર સંતોષ માટે લગ્નની વ્યવસ્થા આપી છે. પરંતુ જો તેના પર નિયંત્રણ ન હોય તો માણસ ગેરકાયદેસર અને અનૈતિક માર્ગે ચાલે છે. રોઝા જેવી ઈબાદત વ્યક્તિને પોતાની મનેચ્છાઓ પર કાબૂ રાખતા શીખવે છે અને નૈતિક ધૈર્ય પેદા કરે છે.

કુર્આનમાં ધૈર્ય (સબ્ર) રાખવાની ખાસ તાકીદ કરવામાં આવી છે. તમામ નબીઓમાં એક વિશેષ ગુણ ‘સબ્ર’ હતો. અલ્લાહ તઆલાએ હઝરત મુહમ્મદ (સ.અ.વ.) ને પણ કઠિન પરિસ્થિતિમાં ધૈર્ય રાખવાની હિદાયત આપી છે.

કુર્આનમાં આદેશ છે: “આ દોષથી મુક્ત તો તે જ લોકો છે, જેઓ ધૈર્યવાન અને સત્કર્મી છે; અને તેમના માટે ક્ષમા પણ છે અને મોટું વળતર પણ.” (સૂરા હૂદ: ૧૧)

અને અન્ય સ્થાને ફરમાવવામાં આવ્યું છે: “હે નબી! તમે ધૈર્ય રાખો, જેમ દૃઢનિશ્ચયી રસૂલોએ ધૈર્ય રાખ્યું.” (સૂરા અલ-અહકાફ: ૩૫)

ખોટું બોલવું, ચાડી કરવી (ચુગલી) – આ સામાન્ય સ્થિતિમાં પણ પાપ છે, પરંતુ રમઝાનમાં તેનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. રમઝાન માત્ર ભૂખ અને તરસથી રોકાઈ જવાનું નામ નથી. સાચા અર્થમાં રોજો સમગ્ર વ્યક્તિત્વનું સંયમ અને શુદ્ધિકરણ છે.

રોજો ફક્ત પેટનો નથી, પણ આંખનો પણ છે: જેનો અર્થ છે અશ્લીલ અને અનૈતિક દૃશ્યો જોવાથી બચવું.

કાનનો પણ રોજો છે: જેનો અર્થ છે ગંદી, અશ્લીલ અથવા ગીબત-ચુગલી જેવી વાતો સાંભળવાથી દૂર રહેવું.

જીભનો પણ રોજો છે: જેનો અર્થ છે જૂઠું બોલવું, ગાળો આપવી કે પરનિંદાથી બચવું.

હાથ અને પગનો પણ રોજો છે: જેનો અર્થ છે અન્યાય, હિંસા અથવા કોઈપણ ખોટા કાર્યથી દૂર રહેવું.

હઝરત મુહમ્મદ (સ.અ.વ.) એ ફરમાવ્યું: “જે વ્યક્તિ જૂઠ બોલવાનું અને ખોટા કર્મો કરવાનું ન છોડે, તો અલ્લાહને તેની ભૂખ અને તરસની કોઈ જરૂર નથી.” (સહિહ બુખારી-૧૯૦૩).

બીજી હદીસમાં છે: “રોજો ઢાલ છે. જ્યારે તમારામાંનો કોઈ રોઝેદાર હોય, તો તે અશ્લીલ વાત ન કરે અને ઝઘડો ન કરે. જો કોઈ તેને ગાળો આપે અથવા લડવા આવે, તો તે કહે, ‘હું રોઝેદાર છું.’” (સહિહ બુખારી-૧૮૯૪)

નૈતિકતા એ સંયમથી જ પ્રગતિ પામે છે, જે રમઝાનના રોઝાનું મુખ્ય ધ્યેય છે. કુર્આનમાં અલ્લાહ તઆલા ફરમાવે છે: “હે ઈમાનવાળાઓ! તમારા પર રોઝા ફર્ઝ કરવામાં આવ્યા છે, જેમ તમારાથી પહેલાના લોકો પર ફર્ઝ કરવામાં આવ્યા હતા, જેથી તમે પરહેઝગાર બનો.” (સૂરા અલ-બકરા: ૧૮૩)

આ આયત સ્પષ્ટ કરે છે કે રોઝાનો હેતુ તક્વા (પરહેઝગારી) પ્રાપ્ત કરવાનો છે. અને તક્વા એટલે માત્ર ખાવા-પીવાથી દૂર રહેવું નહીં, પરંતુ ઈન્દ્રિયો અને સ્વભાવ ઉપર નિયંત્રણ રાખવું.
રમઝાન આપણને શીખવે છે કે આપણે શરીરની સાથે મન, વિચાર, વાણી અને વર્તનને પણ શુદ્ધ રાખીએ. સાચો રોજો એ છે જે વ્યક્તિને નૈતિક રીતે ઉન્નત બનાવે અને તેને પાપોથી દૂર રાખે.

આથી સ્પષ્ટ થાય છે કે રમઝાન માત્ર ઉપવાસનો મહિનો નથી, પરંતુ નૈતિક પુનર્જાગરણનો મહિનો છે જે વ્યક્તિને અંદરથી મજબૂત, સંતુલિત અને ઉન્નત બનાવે છે.


📢 “યુવાસાથી સાથે જોડાવા માટે નીચેની વોટ્સએપ લિંક પર ક્લિક કરો.
🪀 https://chat.whatsapp.com/EmMuob0ts4l1k2C8KCVEsH

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments