મીનાબની હવામાં આજે પણ એ જ લહેર છે, પણ તેમાં વિસ્ફોટકની ઝીણી ગંધ ભળેલી છે. અને એ ગંધમાં એક પ્રશ્ન તરી રહ્યો છે: સભ્યતાની સૌથી મોટી પરીક્ષા યુદ્ધ જીતવું છે કે બાળકોને સુરક્ષિત રાખવા? જ્યારે નાની-નાની શબપેટીઓ એક હરોળમાં રાખવામાં આવે છે, ત્યારે ભૂ-રાજનીતિનો વિશાળ નકશો સંકોચાઈને એક માતાની હથેળી જેવડો બની જાય છે. અને એ હથેળી સામે ઇતિહાસની તમામ મહાસત્તાઓ પણ વામણી ભાસે છે.
મીનાબ કે તેહરાનના કોઈ પહોળા રસ્તા પર, કાળા વસ્ત્રોમાં ઉમટેલી ભીડ વચ્ચે હજારો મુઠ્ઠીઓ એકસાથે ઉંચી થયેલી છે. કેમેરાની ફ્રેમમાં સેંકડો ચહેરાઓ છે; ક્રોધ, શોક અને સંકલ્પની જ્વાળાથી ધગધગતા. સોશિયલ મીડિયા પર પ્રસારિત એક વીડિયો જણાવે છે કે, આ એ ૧૮૦ શાળાની બાળકીઓની સામૂહિક અંતિમ યાત્રાનું દ્રશ્ય છે, જેઓ અમેરિકન-ઈઝરાયેલી હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. વીડિયોની સાથે લખવામાં આવ્યું છે: “કોઈ પણ યુવાન રક્ત અનુત્તરિત નહીં રહે… અમેરિકાને મધ્ય-પૂર્વમાંથી રક્ત અને આત્માના જોરે ખદેડી મૂકવામાં આવશે.”
આ દ્રશ્યમાં માત્ર અંતિમ યાત્રા નથી, પણ એક રાષ્ટ્રનો ઉકળતો રોષ પણ દેખાય છે. મુઠ્ઠીઓની એ લય, જે શોકગીત અને યુદ્ધ-ઘોષની વચ્ચે ક્યાંક ધ્રૂજે છે, તે જણાવે છે કે મૃત્યુ ક્યારેય એકલું નથી આવતું; તે પોતાની સાથે સ્મૃતિ, આક્રોશ અને પ્રતિશોધના પડછાયા પણ લાવે છે.
ઈરાને કહ્યું છે કે શનિવારે કન્યાઓની પ્રાથમિક શાળા પર થયેલા હુમલામાં ૧૮૦થી વધુ બાળકીઓ અને સ્ટાફના સભ્યો એટલે કે શિક્ષકો માર્યા ગયા છે. આ દિલ હચમચાવી દેનારી ઘટના છે. હજારો લોકો અંતિમ યાત્રામાં ઉમટી પડ્યા છે. કાળી ચાદરોમાં લપેટાયેલી મહિલાઓ, સ્તબ્ધ ઉભેલા પુરુષો, હાથમાં ઝંડા અને નારાઓની ગુંજ: “ડેથ ટુ અમેરિકા”, “ડેથ ટુ ઈઝરાયેલ”, “નો સરેન્ડર.” શોક અહીં એક જાહેર ભાષા બની ગયો છે અને એ ભાષામાં આંસુ તથા આક્રોશ એકબીજામાં ઓગળી ગયા છે.
યુનાઈટેડ નેશન્સના ડેપ્યુટી સેક્રેટરી જનરલ રોઝમેરી ડીકાર્લોએ જણાવ્યું હતું કે તેઓ આ મોતના અહેવાલોથી વાકેફ છે અને અમેરિકન અધિકારીઓએ તપાસની ખાતરી આપી છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલયે “તાત્કાલિક, નિષ્પક્ષ અને વ્યાપક તપાસ”ની માંગ કરી છે. આંતરરાષ્ટ્રીય માનવીય કાયદો સ્પષ્ટ છે—કોઈપણ શાળા કે હોસ્પિટલ પર જાણીજોઈને હુમલો કરવો એ ‘યુદ્ધ અપરાધ’ની શ્રેણીમાં આવે છે. પરંતુ યુદ્ધનો ધુમાડો ઘણીવાર સત્યની રેખાઓને ધૂંધળી કરી દે છે.
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી દ્વારા નવી ખોદાયેલી કબરોની તસવીર શેર કરતા લખવામાં આવ્યું છે કે, “આ ૧૬૦થી વધુ માસૂમ બાળકીઓની કબરો છે.” શબ્દો માટી કરતા પણ ભારે હોઈ શકે છે; તે ઇતિહાસની છાતી પર મુકાયેલા પથ્થર સમાન બની જાય છે.
ઈઝરાયેલે કહ્યું છે કે તેને તે વિસ્તારમાં કોઈ હુમલાની જાણકારી નથી. જોકે, ઈઝરાયેલના હુમલાખોરોએ અગાઉ પણ શાળાઓ અને હોસ્પિટલો પર હુમલા કર્યા છે. યુદ્ધોમાં અવારનવાર પહેલા વિસ્ફોટ થાય છે, પછી તેનો ઇનકાર, ત્યારબાદ તપાસ અને અંતે કોઈ એક શબ્દની પસંદગી કરવામાં આવે છે: “દુર્ઘટના”, “કોલેટરલ ડેમેજ” કે “ખોટી ઓળખ.” પરંતુ જે વર્ગખંડોમાં હવે માત્ર તૂટેલી બારીઓ અને વેરવિખેર બેગ જ વધ્યા છે, ત્યાં શબ્દોની આ કૂટનીતિ ખૂબ જ નિરર્થક લાગે છે.
કોણ હતી એ બાળકીઓ? જાણે પતંગિયાની પાંખ પરનો ધૂળનો ઝીણો કણ. અહીં તેઓ જ્ઞાનના પતંગિયા હતા; હોમવર્ક લખતી, ભવિષ્યના શબ્દો શીખતી અને ગણિતના કોયડાઓ ઉકેલતી બાળકીઓ. હવે તેઓ સ્મૃતિનું એક પારદર્શક પડ બની ગઈ છે. બ્લેકબોર્ડ પર લખાયેલું કોઈ અધૂરું વાક્ય, કદાચ “મારો દેશ…”, હવે રાખમાં ઢંકાયેલું છે.
સોશિયલ મીડિયા પર પ્રસારિત વીડિયોમાં ઉઠતી મુઠ્ઠીઓ માત્ર પ્રતિકારનો સંકેત નથી; તે એ સામૂહિક આઘાતની મુદ્રા છે, જેમાં રાષ્ટ્ર પોતાની જાતને પુનઃવ્યાખ્યાયિત કરે છે. પરંતુ ઇતિહાસ જાણે છે કે દરેક વેર એક નવા શોકને જન્મ આપે છે. દરેક નારો ભવિષ્યના કોઈ અન્ય વર્ગખંડને અનાથ કરી શકે છે.
મીનાબની હવામાં આજે પણ એ જ લહેર છે, પણ તેમાં વિસ્ફોટકની ઝીણી ગંધ ભળેલી છે. અને એ ગંધમાં એક પ્રશ્ન તરી રહ્યો છે: સભ્યતાની સૌથી મોટી પરીક્ષા યુદ્ધ જીતવું છે કે બાળકોને સુરક્ષિત રાખવા? જ્યારે નાની-નાની શબપેટીઓ એક હરોળમાં રાખવામાં આવે છે, ત્યારે ભૂ-રાજનીતિનો વિશાળ નકશો સંકોચાઈને એક માતાની હથેળી જેવડો બની જાય છે. અને એ હથેળી પર ઇતિહાસની તમામ મહાસત્તાઓ પણ હારતી દેખાય છે.
એવું લાગે છે કે આ દેશે હિટલરનો માર્ગ અપનાવ્યો છે અને અમેરિકાનો હાથ આ વિનાશક શક્તિની પીઠ પર છે. માસૂમ બાળકીઓને નિશાન બનાવવી એ અત્યંત નિંદનીય અને પાપાત્માઓનું કૃત્ય છે.
ત્રિભુવન સોશિયલ મીડિયા પોસ્ટ પરથી… લેખ સૌજન્યઃ vimarsh.org
