ઈદનો તહેવાર:
દુનિયાભરના મુસલમાનો સતત 29 કે 30 દિવસો સુધી અલ્લાહની ઇબાદતમાં લાગેલા રહે છે અને રોઝા રાખે છે. રમઝાનના 29 કે 30 રોઝા પૂર્ણ થયા પછી સૂર્યાસ્ત સમયે બાળકોથી લઈને વડીલો સુધી અને સ્ત્રીઓથી લઈને પુરુષો સૌની નજર આકાશ તરફ ટકેલી હોય છે. શવ્વાલ (હિજરીનો 10મો મહિનો) એટલે કે ઈદનો ચાંદ નજર આવતાની સાથે જ પૂરા મુસ્લિમ સમાજમાં નવી ખુશીની એક લહેર દોડી જાય છે. અને બીજા દિવસે પૂરા અહતેમામ (આયોજન) અને ધામધૂમથી ઈદ મનાવવામાં આવે છે. આ એક પારંપરિક જશ્ન નથી પરંતુ એક એવો તહેવાર છે જેમાં ઇસ્લામી મૂલ્યોનું પ્રતિબિંબ નજર આવે છે. આ તહેવાર ન માત્ર ઇબાદત અને અલ્લાહનો શુક્ર અદા કરવાનો દિવસ છે, પરંતુ ઈદ ભાઈચારો, મહોબ્બત, વહદત (એકતા) અને ખુશીઓનો સંદેશ લઈને આવે છે. આ મુસલમાનોનો સૌથી મોટો તહેવાર છે, જેને મીઠી ઈદ પણ કહે છે.
“હઝરત અનસ રઝિયલ્લાહુ અન્હુ બયાન કરે છે કે રસૂલુલ્લાહ ﷺ મદીનામાં તશરીફ લાવ્યા અને ત્યાંના લોકોના અહીં બે દિવસ એવા હતા જેમાં તેઓ ખેલ-કૂદ કરતા હતા. આપે પૂછ્યું: “આ બે દિવસ શું છે?” તેમણે કહ્યું કે અમે દૌર-એ-જાહિલિયત (અજ્ઞાનતા કાળ) માં આ દિવસોમાં ખેલ-કૂદ કરતા હતા. તો રસૂલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું: “બેશક અલ્લાહ તઆલાએ તમને આના બદલે આનાથી શ્રેષ્ઠ બે દિવસ અતા કર્યા છે, યૌમ-એ-અઝહા (કુર્બાનીનો દિવસ) અને યૌમ-એ-ફિત્ર (ઈદ-ઉલ-ફિત્રનો દિવસ).” (અબૂ દાઊદ 1134)
ઈદની વાસ્તવિકતા:
દુનિયામાં ફેલાયેલા અનેક ફિતના (વિખવાદ) અને બગાડ, સાંપ્રદાયિક ભેદભાવ, ઊંચ-નીચ અને જાતિગત વ્યવસ્થાની પાછળ નફસની ઈચ્છાઓનો અતિરેક મુખ્ય કારણ છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે અલ્લાહ તઆલાએ આપણા નફ્સને આપણી સવારી બનાવી છે; એટલા માટે આપણે તેના પર સવાર થઈને પોતાની વાસ્તવિક મંઝિલ તરફ આગળ વધવાનું છે. આ વાસ્તવિક મંઝિલ શું છે? આ સ્વર્ગની પ્રાપ્તિ અને પોતાના પાલનહારની પ્રસન્નતા માટે વ્યક્તિગત અને સામૂહિક જીવનમાં તેની ઇબાદત અને તેનું આજ્ઞાપાલન છે. જે આત્મસંયમ વગર સંભવ નથી.
લગભગ 30 દિવસો સુધી બંદો અલ્લાહની પ્રસન્નતા માટે માત્ર હરામ જ નહીં, પરંતુ નિર્ધારિત સમય માટે હલાલ ચીજોથી પણ દૂર રહે છે. ઇબાદતો અને ભૂખ-તરસની તકલીફ સહન કરે છે. જે રીતે વિભિન્ન દેશો પોતાની સેનાઓને કે કોર્પોરેટ કંપનીઓ પોતાના કર્મચારીઓને પ્રશિક્ષણ (ટ્રેનિંગ) આપે છે, તેવી જ રીતે અલ્લાહ રબ્બુલ આલમીન રમઝાનના માધ્યમથી પોતાના બંદાઓને નફ્સ પર નિયંત્રણ મેળવવાની ટ્રેનિંગ આપે છે, જેથી તેઓ આખી જિંદગી હરામથી બચી શકે અને અલ્લાહ દ્વારા આપવામાં આવેલી સ્પષ્ટ શિક્ષાઓ મુજબ જીવન વ્યતિત કરી શકે. રમઝાનનો મહિનો આત્મસંયમ અને નફ્સ પર કાબૂ મેળવવાની એક શ્રેષ્ઠ વ્યવસ્થા છે. આ રીતે જોઈએ તો ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર પોતાના નફ્સ (ઈચ્છાઓ) પર વિજયનો ઉત્સવ છે, જે અલ્લાહ રબ્બુલ આલમીન પોતાના બંદાઓને ઈનામ સ્વરૂપે પ્રદાન કરે છે. અલ્લાહ પ્રત્યે સમર્પણ અને પ્રેમ વગર સમાજમાં ભાઈચારો સંભવ નથી. કારણ કે આ દ્રષ્ટિકોણ માનવોને પ્રેમ કરવાનું શીખવે છે.
ઈદનો મહિમા:
આ તહેવાર પોતાની અંદર એક વિશેષ અને અનોખી શાન રાખે છે. દુનિયામાં અન્ય જાતિઓ જે તહેવાર મનાવે છે, તેની પાછળ કોઈ ને કોઈ ઐતિહાસિક કારણ હોય છે. કોઈ તહેવાર જીતની ખુશીમાં મનાવવામાં આવે છે, તો કોઈ કોઈ મહાન વ્યક્તિત્વના જન્મદિવસની યાદમાં. પરંતુ ઈદ-ઉલ-ફિત્રની શાન આ બધાથી બિલકુલ નિરાળી છે. ઈદના દિવસે જે રીતિ-રિવાજો અપનાવવામાં આવે છે, તે અન્ય જાતિઓથી પૂરી રીતે અલગ છે. આ દિવસે ન તો ફટાકડા ફોડવામાં આવે છે, ન ડાન્સ પાર્ટીઓ અને નાચ-ગાન થાય છે અને ન જ અનાવશ્યક શોરબકોર કરવામાં આવે છે. તેના બદલે, એક મોમિન શુક્રાનાની નમાઝ અદા કરવા માટે વહેલી સવારે “અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, લા ઇલાહા ઇલ્લલ્લાહુ વલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર વલિલ્લાહિલ હમ્દ” ના નારા સાથે ઈદગાહ તરફ રવાના થાય છે. આ નારો માત્ર ઈશ્વરના એક હોવાની ઘોષણા નથી કરતો, પરંતુ આ અવધારણા પર પૂરી માનવતાને એક કડીમાં પરોવવાનું સ્પષ્ટ ઉદાહરણ છે.
નમાઝ-એ-ઈદનો સંદેશ:
નમાઝ દરમિયાન લોકો એક કતારમાં ઊભા રહે છે. અહીં કોઈ વી.આઈ.પી. લાઈન નથી હોતી. અને ન તો જાતિ-બિરાદરી કે ભાષાના આધારે કોઈ ભેદભાવ હોય છે. સૌ એક જ કતારમાં ઊભા રહે છે. જેને જ્યાં જગ્યા મળે છે, ત્યાં જ ઊભા રહીને અલ્લાહની બારગાહમાં માથું નમાવી દે છે. કેટલું સુંદર દ્રશ્ય હોય છે! અમીર હોય કે ગરીબ, કાળો હોય કે ગોરો, વૃદ્ધ હોય કે યુવાન, નાનો હોય કે મોટો – સૌ એક જ કતારમાં ઊભા હોય છે. આ દ્રશ્ય ઇસ્લામની સમાનતાનું જીવંત પ્રતીક છે. રંગબેરંગી વસ્ત્રોમાં તેઓ બાગના ફૂલો જેવું દ્રશ્ય પ્રસ્તુત કરે છે.
કુર્આનમાં અલ્લાહ ફરમાવે છે:
“એ લોકો! અમે તમને એક પુરુષ અને એક સ્ત્રીથી પેદા કર્યા અને તમને કોમો અને કબીલાઓમાં એટલા માટે વહેંચ્યા જેથી તમે એકબીજાને ઓળખો. નિશ્ચય જ અલ્લાહની નજીક તમારામાં સૌથી વધુ સન્માનિત તે છે જે સૌથી વધુ પરહેઝગાર (આત્મસંયમી) છે. નિસંદેહ અલ્લાહ બધું જ જાણનારો, ખબર રાખનારો છે.” (અલ-હુજુરાત – 13)
આને જ સ્પષ્ટ કરતા હજ્જતુલ વિદાના ઐતિહાસિક અવસર પર હઝરત મુહમ્મદ (સ.અ.વ.) એ ઇસ્લામના બુનિયાદી માનવાધિકાર, સમાનતા અને સામાજિક ન્યાયની જે ઘોષણા કરી હતી તેણે નસ્લ, રંગ, જાતિ, ભાષા કે પ્રાંત પર આધારિત ભેદભાવનો અંત આણી દીધો હતો. આપે ફરમાવ્યું: “કોઈ અરબને અજમી પર, કોઈ અજમીને અરબ પર, કોઈ ધોળાને કાળા પર અને કોઈ કાળાને ધોળા પર કોઈ શ્રેષ્ઠતા નથી, સિવાય કે તકવા (ધર્મપરાયણતા) ના આધાર પર.”
ગલે લગાવવાની રસમ:
લગા લિયા ઉન્હે સીને સે જોશ-એ-ઉલ્ફત મેં
ગરઝ કિ આ હી ગયા મુઝ કો પ્યાર ઈદ કે દિન
નમાઝ પછી લોકો એકબીજાને ઈદની મુબારકબાદી આપે છે. પોતાના હોય કે પારકા, ગીલા-શિકવા (મનદુઃખ) ભૂલાવીને એકબીજાને મળે છે અને દિલોને જોડે છે. ઈદનો દિવસ દુશ્મનીને દોસ્તીમાં બદલવાનો ઉત્તમ અવસર છે. જેમની સાથે સંબંધોમાં કડવાશ આવી ગઈ હોય, તેઓ પણ આ દિવસે સંબંધોને ફરીથી સુધારી શકે છે. આ રીતે સમાજમાં ભાઈચારાની વસંત – બહાર આવે છે.
ખુશીઓમાં ગરીબોને સામેલ રાખવા:
માત્ર ખુશી મનાવવી જ ઈદનો મતલબ નથી હોતો, પરંતુ ઈદનો મતલબ બીજાની સાથે ખુશીઓ વહેંચવી પણ છે. એટલા માટે જ આ દિવસે ગરીબ સંબંધીઓ, જરૂરિયાતમંદો, વિધવાઓ અને અનાથોને ફિતરો (સદકા-એ-ફિત્ર) આપવામાં આવે છે. આ પણ રોઝાના શુદ્ધિકરણ માટે એક પ્રકારનું દાન છે.
હઝરત ઇબ્ને અબ્બાસ રઝિયલ્લાહુ અન્હુમા બયાન કરે છે કે રસૂલુલ્લાહ ﷺ એ સદકા-એ-ફિત્રને ફર્ઝ (ફરજિયાત) ગણાવ્યું, જેથી રોઝાને લઘ્વ (નકામી વાતો) અને બેહૂદા કાર્યોથી પાક (શુદ્ધ) કરી શકાય અને મિસ્કીનો (ગરીબો) ને જમવાનું મળી શકે. જેણે આને નમાઝ (ઈદ) પહેલા અદા કરી દીધું, તો આ એવી ઝકાત છે જે કબૂલ કરી લેવામાં આવી છે; અને જેણે આને નમાઝ પછી અદા કરી, તો આ સામાન્ય સદકાઓમાંથી એક સદકો છે. (અબૂ દાઊદ 1609). સામાન્ય રીતે સમાજમાં ધનવાન અને ગરીબો વચ્ચે એક અંતર હોય છે, આનાથી તેમની વચ્ચે એક સેતુનું નિર્માણ કરવામાં આવે છે જેથી સમાજમાં પ્રેમ અને ભાઈચારો પેદા કરી શકાય.
ઈદની રસમોમાં ક્યાંક તેનો વાસ્તવિક સંદેશ કદાચ આજે ગુમ થઈ ગયો છે એટલા માટે જ કોઈ કવિએ કહ્યું છે:
જો ખો ગયા હમ સે અંધેરી રાતોં મેં
ઉસી કો ઢૂંઢને કે લિયે ઈદ આઈ હૈ.
આ પ્રકારે ઈદ-ઉલ-ફિત્ર માત્ર એક તહેવાર નથી, પરંતુ રમઝાનના પ્રશિક્ષણનું પરિણામ, આત્મસંયમનું ઈનામ, અલ્લાહનો આભાર વ્યક્ત કરવાનો અને ભાઈચારાનો દિવસ છે.
