દિલ્હીમાં મુસ્લિમ ઈતિહાસ પર આયોજિત બે દિવસીય હિસ્ટ્રી કોન્ફરન્સમાં નિષ્ણાતોનું સંબોધન
નવી દિલ્હી: ઈન્ડિયા હિસ્ટ્રી ફોરમના નેજા હેઠળ ઈન્ડિયા ઈસ્લામિક કલ્ચરલ સેન્ટર ખાતે આયોજિત બે દિવસીય ‘નેશનલ હિસ્ટ્રી કોન્ફરન્સ’નું સફળતાપૂર્વક સમાપન થયું. આ કોન્ફરન્સમાં દેશના વિવિધ ભાગોમાંથી આવેલા અગ્રણી બૌદ્ધિકો, ઈતિહાસકારો, શિક્ષણવિદો, સામાજિક કાર્યકરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કોન્ફરન્સનો ઉદ્દેશ્ય ભારતીય ઈતિહાસના સંશોધનાત્મક અભ્યાસને વેગ આપવો અને તેમાં મુસ્લિમોની ઐતિહાસિક ભૂમિકાને ઉજાગર કરવાનો હતો.
કોન્ફરન્સમાં અનેક અગ્રણી હસ્તીઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા, જેમાં સલમાન ખુર્શીદ, પ્રોફેસર અનીતા રામપાલ, પ્રોફેસર એન. સુકુમાર, પ્રોફેસર સલીમ એન્જિનિયર, ડૉ. રામ પુનિયાની, અબ્દુલ સલામ પુતગે, એસ.એમ. અઝીઝુદ્દીન હુસૈની, ડૉ. ઈશ્તિયાક હુસૈન, શાહિદ સિદ્દીકી અને પ્રોફેસર અજય ગુડાવર્તી વગેરેનો સમાવેશ થાય છે.
પોતાના સંબોધનમાં રામ પુનિયાનીએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણથી ચાર દાયકા દરમિયાન ભારતમાં ઈતિહાસને ખોટી રીતે રજૂ કરવાનું વલણ વધ્યું છે, જેના દ્વારા અમુક પસંદગીની ઐતિહાસિક ઘટનાઓનો ઉપયોગ નફરત ફેલાવવા માટે કરવામાં આવે છે. તેમણે કહ્યું કે વાસ્તવિકતા એ છે કે ભૂતકાળના યુદ્ધો મોટાભાગે સત્તા, સંસાધનો અને રાજકીય હિતો માટે લડવામાં આવ્યા હતા, ધર્મના આધારે નહીં. તેમણે ભાર મૂક્યો કે ઈતિહાસને સમજવા માટે તેનો ઊંડો અને નિષ્પક્ષ અભ્યાસ અનિવાર્ય છે.
અબ્દુલ સલામ પુતગેએ જણાવ્યું હતું કે, ભારતીય મુસ્લિમો આ જ ધરતીના સંતાન છે અને તેમને વિદેશી ગણાવવા એ ઐતિહાસિક તથ્યોથી વિપરીત છે. તેમણે DNA સંશોધનનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારતના વિવિધ વર્ગોના લોકોએ અલગ-અલગ સમયગાળામાં ઈસ્લામનો સ્વીકાર કર્યો હતો, જેનું મુખ્ય કારણ ઈસ્લામનો એકેશ્વરવાદ, આધ્યાત્મિકતા અને સમાનતાનો સંદેશ હતો.
પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે જણાવ્યું કે, માત્ર ભૂતકાળમાં જ નહીં પરંતુ આધુનિક ભારતના નિર્માણમાં પણ ભારતીય મુસ્લિમોનું અસાધારણ પ્રદાન રહ્યું છે. નફરત અને ગેરસમજ દૂર કરવા માટે આ સત્યને વારંવાર વિવિધ સંદર્ભો સાથે દેશવાસીઓ સમક્ષ લાવવાની જરૂર છે.
પ્રોફેસર એસ.એમ. અઝીઝુદ્દીન હુસૈનીએ ભારતીય ઈતિહાસમાં મુસ્લિમોની શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સેવાઓ પર વિગતવાર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે મુસ્લિમોએ માત્ર ધાર્મિક જ્ઞાન જ નહીં પરંતુ વિજ્ઞાન, તત્વજ્ઞાન અને સાહિત્યના ક્ષેત્રમાં પણ નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે.
ડૉ. ઈશ્તિયાક હુસૈને મધ્યકાલીન ભારતીય સમાજને સમજવાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે એ યુગમાં વિવિધ ભાષાઓ અને જ્ઞાન-વિજ્ઞાનનું આદાનપ્રદાન થયું, જેના કારણે સંસ્કૃતના અનેક મહત્વના ગ્રંથોનો સ્થાનિક ભાષાઓમાં અનુવાદ થયો. તેમણે વધુમાં ઉમેર્યું કે મુઘલ કાળમાં ફારસી રાજભાષા હોવા છતાં સંસ્કૃત અને અન્ય પ્રાદેશિક ભાષાઓને અવગણવામાં નહોતી આવી, પરંતુ તેમને પ્રોત્સાહન મળ્યું હતું.
પ્રોફેસર અનીતા રામપાલે પાઠ્યપુસ્તકોના મહત્વ વિશે વાત કરતા કહ્યું કે, શૈક્ષણિક સામગ્રી નવી પેઢીના વૈચારિક ઘડતરમાં પાયાની ભૂમિકા ભજવે છે. આપણે ગંભીરતાથી વિચારવું પડશે કે આપણે આવનારી પેઢીને કેવો ઈતિહાસ આપી રહ્યા છીએ, કારણ કે એ જ તેમના વિચારો અને સામાજિક સમજને આકાર આપે છે.
પ્રોફેસર સલીમ એન્જિનિયરે કહ્યું કે, દેશમાં અનેક સામાજિક બદીઓને દૂર કરવામાં અને સુધારાવાદી આંદોલનોના નિર્માણમાં ઈસ્લામિક શિક્ષાનો મહત્વનો ફાળો રહ્યો છે.
આ બે દિવસીય કોન્ફરન્સમાં વિવિધ યુનિવર્સિટીઓના સંશોધકોએ ભારતમાં ઈસ્લામ અને મુસ્લિમોની ઐતિહાસિક ભૂમિકા પર ૨૦થી વધુ સંશોધન પત્રો (Research Papers) રજૂ ર્યા હતા. સાથે જ પસંદગીના પુસ્તકો પર લેખકો સાથે ચર્ચાના વિશેષ સત્રો પણ યોજાયા હતા.
કોન્ફરન્સના અંતે તમામ સહભાગીઓએ એ વાત સ્વીકારી કે વર્તમાન સમયમાં ઈતિહાસને પૂર્વગ્રહ વગર, વૈજ્ઞાનિક અને સંશોધનાત્મક દૃષ્ટિકોણથી સમજવો જરૂરી છે. તેમણે આશા વ્યક્ત કરી કે આવા કાર્યક્રમોથી સમાજમાં પરસ્પર સંવાદ, સામાજિક સમરસતા અને સહિષ્ણુતા વધશે.



જારીકર્તા:
ઈન્ડિયન હિસ્ટ્રી ફોરમ
www.indianhistoryforum.com
