અમદાવાદમાં 70 વર્ષીય ઝહીર શેખના કસ્ટડીમાં થયેલા મૃત્યુના મામલે ગુજરાત હાઈકોર્ટે સોમવારે પોલીસની આકરી ઝાટકણી કાઢી હતી. વૃદ્ધે મૃત્યુ પહેલાં (ડેથબેડ પર) પોતાના પર હુમલો કરનાર પોલીસ અધિકારીઓના નામ આપ્યા હોવા છતાં, પોલીસે આ મામલે FIR નોંધવામાં ભારે આનાકાની કરી હતી, જેની સામે હાઈકોર્ટે સવાલો ઉઠાવ્યા છે.
ઝહીર શેખના પુત્ર તોફીક શેખ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન જસ્ટિસ ડી.એન. રેએ મૌખિક ટિપ્પણી કરી હતી કે, પોલીસ કઈ બાબતની તપાસ કરવી તે પોતાની રીતે નક્કી કરીને FIR નોંધવાનો ઇનકાર ન કરી શકે.
જસ્ટિસ રેએ અવલોકન કરતા કહ્યું કે, “પોલીસ પાસે તપાસ કરવાની સંપૂર્ણ સત્તા છે, પરંતુ તેનો અર્થ એ નથી કે પોલીસ એમ કહેવા લાગે કે, ‘હું જે ઈચ્છીશ તેની જ તપાસ કરીશ, પણ FIR તો નહીં જ નોંધું.'” આ સુનાવણી દરમિયાન ન્યૂઝ પોર્ટલ ‘મકતૂબ’ (Maktoob) પણ વર્ચ્યુઅલ માધ્યમથી હાજર રહ્યું હતું.
બીજી તરફ, પોલીસ વતી હાજર રહેલા સરકારી વકીલે દલીલ કરી હતી કે ફરિયાદી પક્ષ તપાસમાં સહકાર આપી રહ્યો નથી. તેમણે ઉમેર્યું કે, “આ અકસ્માત મોતનો મામલો હોવાથી BNSS ની કલમ 196 હેઠળ પોલીસે પહેલેથી જ પોતાની મેળે (સુઓ મોટો) ફરિયાદ નોંધી લીધી છે.”
પોલીસની આ દલીલ સામે સવાલ ઉઠાવતા જસ્ટિસ રેએ કહ્યું, “જો તમે હજી સુધી મૂળ ગુનાની FIR જ નથી નોંધી, તો તે તમને કેવી રીતે સહકાર આપે? તમે આખરે શેની તપાસ કરી રહ્યા છો? સામાન્ય રીતે FIRમાં જે આક્ષેપો હોય તેની તપાસ કરવાની હોય છે. આરોપોની વિગતો જાણવા માટે પહેલા તમારે FIR નોંધવી પડે, અને તેના આધારે જ આગળ તપાસ થઈ શકે.”
કોર્ટે ફરિયાદ નોંધવાનો ઇનકાર કરવાના પોલીસના આ વલણને “હઠાગ્રહભર્યું” (recalcitrant attitude) ગણાવીને તેની સખત ટીકા કરી હતી.
ન્યાયાધીશે ફરી ટકોર કરી કે, “ફરિયાદ નોંધવાની બાબતમાં પણ આવું હઠાગ્રહભર્યું વલણ દાખવીને એવું કહેવું કે ‘પહેલા હું મારી રીતે તપાસ કરીશ’, તે જરાય યોગ્ય નથી.” હવે આ મામલાની આગામી સુનાવણી 28 મે ના રોજ રાખવામાં આવી છે. અરજદાર તોફીક શેખ વતી એડવોકેટ રોબિન ભટ્ટ અને મુસાઈબ આઈ. શેખ કોર્ટમાં હાજર રહ્યા હતા.
કેસની પૃષ્ઠભૂમિ (Background)
પરિવારનો આરોપ છે કે ઝહીર શેખને પોલીસ કસ્ટડીમાં ક્રૂરતાપૂર્વક ટોર્ચર કરવામાં આવ્યા હતા, પરંતુ વેજલપુર પોલીસે તેમની આ ફરિયાદ નોંધી ન હતી. હાઈકોર્ટમાં દાખલ કરાયેલી આ અરજી દ્વારા પરિવાર માંગ કરી રહ્યો છે કે આ મામલે તાત્કાલિક FIR નોંધવામાં આવે અને શેખના મૃત્યુના સંજોગોની કોઈ સ્વતંત્ર એજન્સી દ્વારા નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવે.
અમદાવાદના મુસ્લિમ બહુલ વિસ્તાર જુહાપુરાના રહેવાસી ઝહીર શેખની ચાલુ મહિનાની શરૂઆતમાં વેજલપુર વિસ્તારમાં કથિત ગૌમાંસ જપ્તીના કેસમાં 16 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસ 5 મેના રોજ વેજલપુરના સોનલ સિનેમા રોડ નજીક કરાયેલા પોલીસ દરોડા સાથે જોડાયેલો છે. પોલીસે દાવો કર્યો હતો કે તેમણે જુહાપુરામાં નેહા ફ્લેટ્સ પાછળના ખુલ્લા મેદાનમાંથી અંદાજે 520 કિલોગ્રામ શંકાસ્પદ પશુ માંસ જપ્ત કર્યું હતું. પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળેથી ત્રણ મુસ્લિમ પુરુષો પકડાયા હતા, જ્યારે ઝહીર શેખ અને અન્ય એક આરોપી ત્યાંથી ભાગી છૂટ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ, શેખને પહેલા 16 મેના રોજ અટકાયતી પગલાં (પ્રિવેન્ટિવ ડિટેન્શન) હેઠળ પકડવામાં આવ્યા હતા અને બાદમાં પૂછપરછ કરીને 18 મેના રોજ પશુ કતલના કેસમાં તેમની સત્તાવાર ધરપકડ બતાવવામાં આવી હતી.
જો કે, પરિવારનો આક્ષેપ છે કે વૃદ્ધ ઝહીર શેખ ડાયાબિટીસના દર્દી હતા અને સ્વાસ્થ્ય સંબંધી ઘણી ગંભીર બીમારીઓ ધરાવતા હતા. પૂછપરછ દરમિયાન પોલીસ કસ્ટડીમાં તેમના પર ભારે અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. સંબંધીઓએ આક્ષેપ કર્યો છે કે લોકઅપમાં પોલીસ કર્મચારીઓએ તેમને ઢોરમાર માર્યો હતો, ગાળો દીધી હતી અને તેમની દાઢી ખેંચીને અપમાનિત કર્યા હતા.
શેખના અવસાન પહેલા અમદાવાદની SVP હોસ્પિટલમાં રેકોર્ડ કરાયેલો એક ‘ડાઇંગ ડિક્લેરેશન’ (મરણોન્મુખ નિવેદન)નો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે તેમના પુત્રએ જ રેકોર્ડ કર્યો હતો.
ન્યૂઝ પોર્ટલ ‘મકતૂબ’ સાથે વાત કરતા તોફીક શેખે આક્ષેપ કર્યો હતો કે પોલીસ તેમને અને તેમના પરિવારને સતત ધમકાવી રહી છે અને હેરાન કરી રહી છે.
તોફીકે કહ્યું, “તેમણે હજી સુધી અમારી FIR નોંધી નથી, છતાં તેઓ તપાસનું બહાનું કાઢીને વારંવાર અમારી પાસે મોબાઈલ ફોન અને ‘પુરાવા’ માંગવા આવી પહોંચે છે. જ્યારે ગુનાની એફઆઈઆર જ નથી થઈ, તો તેઓ કઈ વાતની તપાસ કરી રહ્યા છે? એટલું જ નહીં, અમે જ્યારે હાઈકોર્ટની કાર્યવાહી માટે ગયા, ત્યારે પોલીસે સ્ટેશનની બહાર ચાલી રહેલું અમારું પ્રદર્શન અને વિરોધ સેટઅપ પણ બળપૂર્વક હટાવી દીધું હતું.”
અમદાવાદ પોલીસે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા છે. બીજી તરફ, ન્યાયની માંગ સાથે પરિવારે એક અઠવાડિયું વીતી જવા છતાં હજુ સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
સૌજન્યઃ ગઝાલા અહમદ, મકતૂબ મીડિયા
