Tuesday, December 10, 2024
Homeઓપન સ્પેસશહાદતે ઈમામ હુસૈન (રદિઅલ્લાહુ ત્આલા અન્હુ)

શહાદતે ઈમામ હુસૈન (રદિઅલ્લાહુ ત્આલા અન્હુ)

શહાદતનો ઉદ્દેશ્ય

દર વર્ષે મુહર્રમ માસમાં કરોડો મુસલમાનો, શીઆ પણ અને સુન્ની પણ, ઇમામ હુસેન રદિ.ની શહાદત પર શોક અને દુઃખ પ્રદર્શિત કરે છે. પરંતુ અફસોસ છે કે શોકાતુર લોકોમાંથી ખૂબ જ ઓછા લોકો એ ઉદ્દેશ્ય તરફ ધ્યાન આપે છે, જેના માટે ઇમામે, ન કેવળ પોતાના પ્રિય પ્રાણ ન્યોછાવર કર્યા, બલ્કે પોતાના કુટુંબીજનોને કપાવી નાખ્યા. કોઈ વ્યક્તિની મજલૂમીની હાલતમાં શહાદત પર તેના પરિવારજનોનો, અને આ પરિવારથી પ્રેમ અને અકીદત (શ્રદ્ધા) કે હમદર્દી રાખવાવાળાઓનો શોક પ્રદર્શિત કરવો તો એક સ્વાભાવિક વાત છે. આવું દુઃખ અને શોક દુનિયાના દરેક પરિવાર અને તેનાથી સંબંધિતો તરફથી વ્યક્ત થાય છે, તેનું કોઈ નૈતિક મહત્ત્વ કે મૂલ્ય એના સિવાય વધારે નથી કે તે વ્યક્તિની સાથે તેના સગાવહાલાઓ અને પરિવારના હમદર્દોનો પ્રેમ એક પ્રાકૃતિક તકાદો છે. પરંતુ પ્રશ્ન એ છે કે ઇમામ હુસેન રદિ.ની એ કઈ વિશિષ્ટતા છે, જેના કારણે ૧૩૨૦ વર્ષ વીતી ગયા હોવા છતાં પણ દર વર્ષે તેમનો શોક તાજો થતો રહે ? જો આ શહાદત કોઈ મહાન ઉદ્દેશ્ય માટે નહોતી, તો ફક્ત વ્યક્તિગત પ્રેમ અને સંબંધના આધારે સદીઓ સુધી તેનો શોક જારી રહેવાનો કોઈ અર્થ નથી, અને સ્વયં ઇમામ (રદિ.)ની પોતાની નજરમાં આ કેવળ અંગત અને વ્યક્તિગત પ્રેમનું શું મૂલ્ય અને મહત્ત્વ હેાઈ શકે છે ? તેમને જો પોતાની જાત એ ઉદ્દેશ્યથી વધારે પ્રિય હોત તો તેને કુરબાન જ શા માટે કરતા ? તેમની આ કુરબાની અને બલિદાન તો સ્વયં એ વાતની સાબિતી છે કે તેઓ એ ધ્યેયને પોતાના પ્રાણથી પણ વધારે પ્રિય રાખતા હતા. તેથી જો આપણે એ ધ્યેય માટે કંઈ ન કરીએ, બલ્કે તેનાથી વિપરીત કાર્ય કરતા રહીએ, તો ફક્ત તેમની જાત માટે રોવું-ધોવું અને હાયવોય કરીને તથા તેમના કાતિલો ઉપર લાનત-ફિટકાર કરીને કયામતના દિવસે ન તો આપણે ઇમામ રદિ.થી દાદની આશા રાખી શકીએ છીએ અને ન એ અપેક્ષા રાખી શકીએ છીએ કે તેમનો અલ્લાહ આની કોઈ કદર કરશે.

હવે જોવું જોઈએ કે એ ધ્યેય શું હતો ? શું ઇમામ રદિ. કોઈ રાજપાટ માટે પોતાના હકનો દાવો કરી રહ્યા હતા, અને શું એના માટે જ તેમણે પોતાના પ્રાણની બાજી લગાવી ? કોઈ પણ વ્યક્તિ, જે ઇમામ હુસેન રદિ.ના પરિવારના ઉચ્ચ નૈતિક ચારિત્ર્યને જાણે છે, એવી બદગુમાની નથી કરી શકતો કે આ લોકો પોતાની જાત માટે સત્તા પ્રાપ્ત કરવા મુસલમાનોમાં ખૂનામરકી કરી શકતા હતા. જો થોડીવાર માટે પણ એ લોકોના દૃષ્ટિબિંદુને જ સાચો માની લઈએ, જેમના મતે આ પરિવાર રાજ્ય ઉપર પોતાના અંગત અધિકારનો દાવો ધરાવતો હતો, તો પણ હઝરત અબૂબક્ર રદિ.થી લઈને અમીર મુઆવિયા રદિ.સુધીનો પચાસ વરસનો આખો ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે સત્તા પ્રાપ્ત કરવા માટે લડવું અને ખૂનામરકી કરવી કદી તેમનો મસ્લક (નીતિ-રીતિ) નહોતો. તેથી નછૂટકે એમ માનવું પડશે કે મહિમાવાન ઇમામ રદિ.ની દૃષ્ટિ એ સમયે મુસ્લિમ સમાજ અને ઇસ્લામી રાજ્યના આત્મા તથા તેના મિજાજ અને તેની વ્યવસ્થામાં કોઈ મોટા ફેરફારની નિશાનીઓ જોઈ રહી હતી, જેને રોકવાની કોશિશ કરવી તેમના માટે જરૂરી હતું, ત્યાં સુધી કે આ માર્ગમાં લડવું પણ પડે, ન માત્ર જાયઝ (ઉચિત), બલ્કે ફર્ઝ (ધાર્મિક અનિવાર્યતા) સમજતા હતા.

રાજ્યનો મિજાજ, હેતુ અને બંધારણમાં ફેરફાર

એ ફેરફાર શું હતો ? સ્પષ્ટ છે કે લોકોએ પોતાનો ધર્મ નહોતો બદલી નાખ્યો. શાસક-વર્ગ સહિત તમામ લોકો અલ્લાહ અને રસૂલ તથા કુઆર્નને એવી જ રીતે માની રહ્યા હતા, જેવી રીતે પહેલાં માનતા હતા; રાજ્યનો કાનૂન પણ બદલાયો નહોતો,

અદાલતોમાં કુઆર્ન અને સુન્નત અનુસાર જ તમામ મામલાઓના નિર્ણયો બની ઉમૈયાના શાસન-કાળમાં પણ લેવામાં આવી રહ્યા હતા, જે રીતે તેમના સત્તારૃઢ થયા અગાઉ લેવામાં આવતા હતા, બલ્કે કાનૂનમાં ફેરફાર તો ૧૯મી સદી ઇસ્વીથી પહેલાં દુનિયાની કોઈ મુસ્લિમ હકૂમતોમાંથી કોઈના પણ કાળમાં નથી થયો. કેટલાક લોકો યઝીદના અંગત ચરિત્રને ખૂબ જ ખોલીને રજૂ કરે છે, જેનાથી એક આમ ગેરસમજ ઊભી થઈ ગઈ છે કે એ ફેરફાર જેને રોકવા માટે ઇમામ ઊભા થયા હતા, તે બસ એટલો જ હતો કે એક ખરાબ વ્યક્તિ સત્તાના આસન પર આવી ગયો હતો. પરંતુ યઝીદના ચરિત્ર અને વ્યક્તિત્વની જે ખરાબમાં ખરાબ કલ્પના રજૂ કરવી સંભવ હતી, તેને યથાવત માની લીધા પછી પણ એ વાત સ્વીકારવા લાયક નથી કે જો રાજ્ય-વ્યવસ્થા સાચી બુનિયાદો ઉપર કાયમ હોય તો કેવળ એક ખરાબ વ્યક્તિનું સત્તા પર આવી જવું કોઈ એવી મોટી વાત નથી હોઈ શકતી, જેના પર ઇમામ હુસૈન (રદિ.) જેવા સમજદાર અને બુદ્ધિશાળી તેમજ શરીઅતના ઇલ્મ (ધર્મશાસ્ત્ર)માં ઊંડી નજર રાખનાર વ્યક્તિ ધૈર્ય ગુમાવી બેસે. તેથી આ વ્યક્તિગત મામલો એ અસલ ફેરફાર નથી, જેણે ઇમામ (રદિ.)ને બેચેન કરી નાખ્યા હતા. ઇતિહાસના તલસ્પર્શી અભ્યાસ ઉપરથી જે વસ્તુ સ્પષ્ટ રૃપે આપણા સામે આવે છે, તે એ છે કે યઝીદની ઉત્તરાધિકારિતા અને પછી તેની રાજ-સત્તાથી વાસ્તવમાં જે ખરાબીની શરૃઆત થઈ રહી હતી, તે ઇસ્લામી રાજ્યના બંધારણ, તેના મિજાજ અને તેના ઉદ્દેશ્યનો ફેરફાર હતો. આ પરિવર્તનના તમામ પરિણામો જો કે એ સમયે સામે આવ્યા નહોતા, પરંતુ એક દીર્ઘદૃષ્ટિ ધરાવનાર વ્યક્તિ ગાડીની દિશા બદલાતાં જ જાણી શકે છે કે હવે તેનો માર્ગ બદલાઈ રહ્યો છે, અને જે રાહ પર આ વળી રહી છે તે છેવટે તેને ક્યાં લઈ જશે. આ જ દિશાની તબદીલી હતી, જેણે ઇમામ (રદિ.) જોઈ અને ગાડીને ફરીથી સાચા પાટા ઉપર લઈ જવા માટે પોતાની જાન લડાવી દેવાનો નિર્ણય કર્યો.

આડે રસ્તે ફંટાયા (Deviation)નું કેન્દ્ર-બિંદુ

આ વાતને સારી રીતે સમજવા માટે આપણે જોવું જોઈએ કે રસૂલુલ્લાહ (સ.અ.વ.) અને ખુલ્ફાએ રાશેદીનના નેતૃત્વમાં રાજ્યની જે વ્યવસ્થા ૪૦ વર્ષ સુધી ચાલતી રહી હતી, તેના બંધારણની વિશિષ્ટતા શું હતી અને યઝીદની ઉત્તરાધિકારિતાથી (સત્તાના આસને બેસવાથી) મુસલમાનોમાં જે બીજા પ્રકારની રાજ્ય-વ્યવસ્થાનો આરંભ થયો, તેનામાં કઈ ખાસિયતો બની ઉમૈયા અને બની અબ્બાસ અને તે પછીની બાદશાહતોમાં જાહેર થઈ. આની સરખામણી કરવાથી આપણે એ જાણી શકીએ છીએ કે આ ગાડી અગાઉ કઈ લાઈન પર ચાલી રહી હતી અને આ આડે ફ્ંટાયાના બિંદુ ઉપર પહોંચીને આગળ તે કઈ લાઈન પર ચાલી નીકળી; આ જ સરખામણીથી આપણે એ સમજી શકીએ છીએ કે જે વ્યક્તિનું રસૂલુલ્લાહ (સ.અ.વ.) અને સૈયિદા ફાતિમા રદિ. અને હઝરત અલી રદિ.ના ખોળામાં પાલનપો ષણ થયું હતું અને તેમનાથી પ્રશિક્ષણ મેળવ્યું હતું અને જેણે સહાબા રદિ.ની સર્વોત્તમ સોસાયટીમાં બાળપણથી વૃદ્ધાવસ્થા સુધીના તબક્કાઓ પસાર કર્યા હતા, તેઓ કેમ આડે ફંટાયાનું બિંદુ સામે આવતાં જ ગાડીને આ નવી લાઈન ઉપર જતી રોકવા માટે ઊભા થઈ ગયા અને કેમ તેમણે એ વાતની પણ પરવા ન કરી કે આ શક્તિશાળી ગાડીની દિશા બદલવા માટે તેના આગળ ઊભા થઈ જવાનું પરિણામ શું હેાઈ શકે છે ?

માનવીય બાદશાહીનો આરંભ

ઇસ્લામી શાસન-વ્યવસ્થાની પ્રથમ વિશિષ્ટતા એ હતી કે એમાં ફક્ત જબાનથી જ કહેવામાં નહોતું આવતું, બલ્કે દિલથી માનવામાં પણ આવતું હતું અને વ્યવહારિક વલણથી એ આસ્થા અને શ્રદ્ધાની પૂર્ણ સાબિતી આપવામાં આવતી હતી કે રાજ્ય અલ્લાહનું છે, નાગરિકો અલ્લાહની પ્રજા છે અને રાજ્ય આ પ્રજાના મામલામાં અલ્લાહ સમક્ષ ઉત્તરદાયી છે. રાજ્ય આ પ્રજાનું માલિક નથી અને પ્રજા તેની ગુલામ નથી. સત્તાધારીઓનું કામ સૌપ્રથમ પોતાની ગરદનમાં અલ્લાહની બંદગી અને ગુલામીની તોક નાખવાનું છે, પછી તેમની જવાબદારી છે કે અલ્લાહની પ્રજા ઉપર તેનો કાનૂન લાગુ કરે. પરંતુ યઝીદના શાસન-કાળથી જે માનવીય બાદશાહીનો મુસલમાનોમાં આરંભ થયો, તેમાં ખુદાઈ બાદશાહીની કલ્પના કેવળ મૌખિક કબૂલાત સુધી સીમિત રહી ગઈ, વ્યવહારૃ રૃપે તેણે એ જ વલણ અપનાવ્યું, જે હંમેશાથી દરેક માનવીય બાદશાહીનું રહ્યું છે; અર્થાત્ રાજ્ય બાદશાહ અને અને તેના કુટંુબીજનોનું છે અને તે પ્રજાના જાન-માલ અને ઇજ્જત-આબરૃ સૌનો માલિક છે. અલ્લાહનો કાનૂન આ બાદશાહતોમાં કાયમ થયો તો પણ ફ્કત પ્રજા ઉપર થયો. બાદશાહ અને તેના કુટુંબીજનો અને અમીર-ઉમરાવો અને સત્તાધીશો મોટાભાગે તેનાથી મુક્ત અને અપવાદિત જ રહ્યાં.

‘અમ્ર બિલ મઅ્રૃફ’ અને ‘નહી અનિલ મુન્કર’ના કર્તવ્યમાં ઢીલ

ઇસ્લામી રાજ્યનો ધ્યેય અલ્લાહની ધરતીમાં એવી નેકીઓ અને સદાચારોને સ્થાપિત કરવા અને તેને ફેલાવવાનો હતો, જે અલ્લાહને પ્રિય છે તથા એ બૂરાઈઓને દબાવવાનો અને મિટાવવાનો હતો જે અલ્લાહને નાપસંદ છે. પરંતુ માનવીય બાદશાહતની રીત અપનાવ્યા પછી રાજ્યનો ધ્યેય અન્ય દેશો ઉપર વિજય, પ્રદેશોને તાબે કરવા, ખંડણી અને ખિરાજ ઉઘરાવવા તથા દુનિયાના વૈભવ-વિલાસ સિવાય કંઈ ન રહ્યો. બાદશાહોએ અલ્લાહનું નામ બુલંદ કરવાની સેવા ક્યારેક જ, અને તે પણ ખૂબ ઓછી કરી. તેમના હસ્તે અને તેમના અમીર-ઉમરાવો અને અધિકારીઓ અને દરબારીઓના હાથે ભલાઈઓ ઓછી અને બૂરાઈઓ ખૂબ વધારે ફેલાઈ. ભલાઈઓના પ્રસાર અને બૂરાઈઓને રોકવા તથા દીનના પ્રચાર-પ્રસાર અને ઇસ્લામી વિદ્યાઓમાં સંશોધન અને સંકલન માટે, અલ્લાહના જે બંદાઓએ કામ કર્યું તેમને રાજ્યો તરફથી મદદ મળવી તો દૂર રહી, તેમનામાંથી મોટાભાગના લોકો સત્તાધારીઓના પ્રકોપમાં સપડાયેલા રહ્યા અને પોતાનું કામ તેઓ આ અવરોધો છતાં પણ કરતા રહ્યા. તેમની કોશિશોથી વિપરીત રાજ્ય તથા તેમના અધિકારીઓ અને સંબંધિતોના જીવન અને નીતિઓની અસરો મુસ્લિમ સમાજને નિરંતર નૈતિક પતન તરફ લઈ જતી રહી. હદ તો એ છે કે આ લોકોએ પોતાના હિતો અને સ્વાર્થ ખાતર ઇસ્લામના પ્રચાર-પ્રસારમાં પણ અવરોધ નાખવામાં સંકોચ ન કર્યો, જેનું સૌથી ખરાબ દૃષ્ટાંત બનૂ ઉમૈયાના શાસનકાળમાં નવમુસ્લિમો ઉપર જિઝયા લગાવવાના રૃપમાં જાહેર થયુ.

ઇસ્લામી રાજ્યનો આત્મા તકવા અને ખુદાતરસી (ઈશપરાયણતા) અને પરહેજગારી (સંયમ) હતો, જેનો સૌથી મોટો સાક્ષાત્ નમૂનો રાજ્યનો વડો હતો. રાજ્યના અધિકારીઓ અને ન્યાયધીશો અને સેનાપતિઓ બધા આ આત્મામાં મસ્ત હતા અને પછી આ જ આત્મા વડે આખા સમાજને રસ-તરબોળ કરતા હતા. પરંતુ બાદશાહીના રસ્તા ઉપર આવતાં જ મુસલમાનોના રાજ્યો અને તેમના શાસકોએ કૈસરો-કિસરા (તત્કાલીન ઈરાન અને રોમ)ની હકૂમતો જેવાં રંગ-ઢંગ અને ઠાઠ-માઠ અપનાવી લીધા. ન્યાયના સ્થાને જોર-જુલમનું વર્ચસ્વ વધતું ગયું. પરહેજગારી (અલ્લાહનો ડર અને સંયમ)ના સ્થાને દુરાચાર અને રાગરંગ તથા ઐશો-ઇશરત (ભોગ-વિલાસ)નું ચલણ શરૃ થઈ ગયું. હલાલ- હરામ (વૈધ-અવૈધ)ના ભેદથી શાસકોનું ચરિત્ર અને વ્યક્તિત્વ ખાલી થતું ગયું. રાજકારણનો સંબંધ નૈતિકતાથી તૂટવા માંડયો. અલ્લાહથી ડરવાને બદલે શાસકો અલ્લાહના બંદાઓને પોતાનાથી ડરાવવા લાગ્યા તથા લોકોના ઈમાન અને અંતરાત્માને જાગૃત કરવાને બદલે તેમને પોતાની બક્ષિસોની લાલચથી ખરીદવા લાગ્યા.

ઇસ્લામી બંધારણના મૂળભૂત સિદ્ધાંતો

આ તો હતો આત્મા અને મિજાજ તથા ધ્યેય અને દૃષ્ટિકોણમાં પરિવર્તન. આવું જ પરિવર્તન ઇસ્લામી બંધારણના મૂળભૂત સિદ્ધાંતોમાં દેખાઈ આવ્યું. આ બંધારણના સૌથી મહત્ત્વના સાત સિદ્ધાંતો હતા, જેમાંના પ્રત્યેકને બદલી નાખવામાં આવ્યા :

(1) મુક્ત ચૂંટણી :
ઇસ્લામી બંધારણનો પાયો એ હતો કે સરકારની સ્થાપના લોકોની મુક્ત સહમતિથી થાય. કોઈપણ વ્યક્તિ પોતાના પ્રયત્નો દ્વારા સત્તા પ્રાપ્ત ન કરે, બલ્કે લોકો પોતાના વિચારવિમર્શ દ્વારા શ્રેષ્ઠ વ્યક્તિને પસંદ કરીને સત્તા તેને સોંપી દે. ‘બૈઅત’ (વફાદારીનો વિધિસરનો જાહેર એકરાર, Homage) સત્તાનું પરિણામ ન હોય, બલ્કે તેનું કારણ હોય. બૈઅત મળવામાં માણસની પોતાની કોઈ કોશિશ કે કાવતરાની દખલ ન હોય, લોકો બૈઅત કરવા કે ન કરવાની બાબતમાં સંપૂર્ણપણે સ્વતંત્ર હોય. જ્યાં સુધી કોઈ વ્યક્તિને બૈઅત પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી તે સત્તા ઉપર ન આવે અને જ્યારે લોકોનો વિશ્વાસ તેના ઉપરથી ઉઠી જાય, તો સત્તા ઉપર તે ચોંટી ન રહે. ખુલફાએ રાશેદીન રદિ.માંથી પ્રત્યેક આ જ નિયમાનુસાર સત્તા ઉપર આવ્યા હતા. અમીર મુઆવિયા રદિ.ના મામલામાં પોઝિશન શંકાસ્પદ થઈ ગઈ. તેથી જ સહાબી હોવા છતાં તેમનો સમાવેશ ખુલફાએ રાશેદીનમાં કરવામાં ન આવ્યો, પરંતુ છેવટે યઝીદની ઉત્તરાધિકારિતા એ પરિવર્તનીય કાર્યવાહી સાબિત થઈ, જેણે આ નિયમને ફેરવીને મૂકી દીધો. તેનાથી પરિવારોની વારસાગત બાદશાહતોનો સિલસિલો શરૃ થયો, જેના પછી આજ પર્યંત ફરીથી મુસલમાનોને ચૂંટણી દ્વારા ખિલાફત તરફ પાછા ફરવાનું શક્ય બની શક્યું નથી. હવે લોકો મુસલમાનોના સ્વતંત્ર અને જાહેર વિમર્શ-વિમર્શથી નહીં, બલ્કે તાકાતથી સત્તાસ્થાને આવવા લાગ્યા. હવે બૈઅતથી સત્તા પ્રાપ્ત થવાને બદલે સત્તાથી બૈઅત પ્રાપ્ત કરવા લાગ્યા. હવે બૈઅત કરવા કે ન કરવામાં લોકો સ્વતંત્ર ન રહ્યા અને બૈઅતનું પ્રાપ્ત થવું એ સત્તા પર રહેવા માટેની શરત ન રહી. એક તો લોકોમાં હિંમત નહોતી કે જેના હાથમાં સત્તા હતી તેની બૈઅત ન કરે, પરંતુ જો તેઓ બૈઅત ન કરતા, તો પણ જેના હાથમાં સત્તા આવી ગઈ હતી તે સત્તા છોડવાનો નહોતો. આ બળજબરીપૂર્વકની બૈઅતને રદ ઠરાવવાનો કસૂર જ્યારે મનસૂર અબ્બાસીના સમયમાં ઇમામ માલિક રહ.એ કર્યો, તો તેમની પીઠ ઉપર કોરડા વરસાવવામાં આવ્યા અને તેમના હાથ ખભાથી ઉખેડી નાખવામાં આવ્યા.

(2) શૂરાઈ (સંસદીય) વ્યવસ્થા:
બીજો સૌથી મહત્ત્વનો નિયમ એ હતો કે રાજ્ય મંત્રણા અને વિચાર-વિમર્શથી ચલાવવામાં આવે અને વિચાર-વિમર્શ એ લોકોથી કરવામાં આવે જેમના જ્ઞાાન, તકવા (ધર્મ-નિષ્ઠા, ઈશપરાયણતા) અને જેમની સાચી અને યોગ્ય સલાહ ઉપર લોકોને ભરોસો હોય. ખુલફાએ રાશેદીનના સમયમાં જે લોકોને ‘શૂરા’ (સલાહકાર સમિતિ, સંસદ, છઙ્ઘદૃૈર્જિઅ ર્ઝ્રેહષ્ઠૈઙ્મ)ના સભ્યો બનાવવામાં આવ્યા, તેમને જો કે સામાન્ય ચૂંટણીઓ દ્વારા પસંદ કરવામાં નહોતા આવ્યા, પરંતુ આધુનિક યુગના દૃષ્ટિકોણની રીતે તેઓ નિયુકત કરવામાં આવેલ લોકો જ હતા; પરંતુ ખલીફાઓએ તેમને એ જોઈને સલાહકાર નહોતા બનાવ્યા કે તેઓ તેમની હા માં હા મિલાવવા તથા તેમના હિતોની સેવા માટે સૌથી યોગ્ય લોકો છે, બલ્કે તેમણે સંપૂર્ણ નિષ્ઠાથી અને નિઃસ્વાર્થપણે પ્રજામાંથી સૌથી સારા લોકોને પસંદ કર્યા હતા, જેમનાથી તેઓ સત્ય-વચન સિવાય બીજી કોઈ અપેક્ષા રાખતા નહોતા, જેમનાથી એ આશા હતી કે તેઓ દરેક મામલામાં પોતાના જ્ઞાાન અને અંતરાત્માના અવાજ પ્રમાણે તદ્દન સાચો અને પ્રમાણિક મત આપશે, જેમનાથી કોઈપણ વ્યક્તિ એ આશંકા નહોતો રાખતો કે તેઓ રાજ્યને ખોટા માર્ગે જવા દેશે. કદાચ તે વખતે દેશમાં આજકાલની રીત અનુસાર ચૂંટણીઓ પણ થતી તો સામાન્ય મુસલમાનો આ જ લોકોને પોતાના વિશ્વાસને યોગ્ય ઠેરવ્યા હોત; પરંતુ શાહી યુગના આરંભની સાથે જ ‘શૂરા’ (સંસદ)ની આ રીત બદલાઈ ગઈ. હવે બાદશાહો બળપ્રયોગ અને જુલમગારીથી તથા બેલગામ બનીને શાસન કરવા લાગ્યા. હવે રાજકુંવરો, ખુશામતખોર દરબારીઓ, સૂબાના ગવર્નરો અને લશ્કરી વડાઓ તેમની કાઉન્સિલના સભ્યો હતા. હવે એવા લોકો તેમના સલાહકાર હતા, જેમના માટે જો લોકમત લેવામાં આવે તો વિશ્વાસના એક મતની સામે ધિક્કાર અને ફિટકારના હજાર મત પડે અને આનાથી વિપરીત, એ સત્યનિષ્ઠ અને સત્યવાદી તથા જ્ઞાાની અને મુત્તકી (ધર્મનિષ્ઠ, અલ્લાહથી ડરવાવાળા) લોકો, જેમના ઉપર લોકોને વિશ્વાસ હતો, તેઓ બાદશાહોની નજરમાં કોઈપણ રીતે વિશ્વાસને લાયક નહોતા, બલ્કે તેમના અપ્રિય, પ્રકોપને લાયક અને સંદિગ્ધ લોકો હતા.

(3) અભિવ્યક્તિની સ્વતંત્રતા:
આ બંધારણનો ત્રીજો સિદ્ધાંત એ હતો કે લોકોને અભિવ્યક્તિની પૂરેપૂરી સ્વતંત્રતા હોય. ‘અમ્ર બિલ મઅ્રૃફ’ (ભલાઈની આજ્ઞાા આપવી) અને ‘નહિ અનિલ મુન્કર’ (બૂરાઈઓને રોકવી) ને ઇસ્લામે દરેક મુસલમાનનો અધિકાર જ નહિં, બલ્કે ફર્ઝ (અનિવાર્ય કર્તવ્ય) ઠેરવ્યું છે. ઇસ્લામી સમાજ તથા રાજ્યનું સાચા રસ્તે ચાલવાનો આધાર એ વાત પર હતો કે લોકોનો અંતરાત્મા અને તેમની વાણી સ્વતંત્ર હોય. તેઓ દરેક ખોટા કાર્ય માટે મોટામાં મોટા માણસને ટોકી શકે અને સાચી વાત નિઃસંકોચ કહી શકે. ખિલાફતે રાશેદામાં કેવળ એટલું જ નહિં કે લોકોનો હક્ક સંપૂર્ણપણે સુરક્ષિત હતો, બલ્કે ખુલ્ફાએ રાશેદીન તેને તેમનું કર્તવ્ય સમજતા હતા અને આ કર્તવ્યને અદા કરવામાં તેમની હિંમત વધારતા હતા. તેમની ‘મજલિસે શૂરા’ (સલાહકાર સમિતિ, સંસદ, છઙ્ઘદૃૈર્જિઅ ર્ઝ્રેહષ્ઠૈઙ્મ)ના સભ્યોને જ નહિં, બલ્કે કોમના દરેક વ્યક્તિને બોલવા અને ટોકવાનો તથા સ્વયં ખલીફાથી પૂછપરછ કરવાની પૂર્ણ આઝાદી હતી, જેના ઉપયોગ બદલ લોકોને ઠપકો અને ધાકધમકીથી નહીં, બલ્કે પ્રશંસા અને અભિનંદનથી નવાજવામાં આવતા હતા. આ સ્વતંત્રતા તેમના તરફથી કોઈ પ્રદાન કે બક્ષિશ નહોતી, જેના માટે તેઓ કોમ ઉપર પોતાનો ઉપકાર જતાવતા, બલ્કે આ ઇસ્લામે આપેલ એક બંધારણીય હક્ક હતો, જેનું સન્માન કરવું તેઓ પોતાની ફરજ સમજતા હતા અને તેનો ભલાઈ માટે ઉપયોગ કરવો પ્રત્યેક મુસલમાન ઉપર અલ્લાહ અને રસૂલ દ્વારા સોંપવામાં આવેલ એક અનિવાર્ય કર્તવ્ય હતું,જેને પૂરું કરવા માટે સમાજ અને રાજ્યના વાતાવરણને હંમેશા સાનુકૂળ રાખવું તેમની નજરમાં ખિલાફતના કર્તવ્યોમાંથી એક મહત્ત્વનો ભાગ હતો. પરંતુ બાદશાહી યુગનો આરંભ થતાં જ અંતરાત્માઓ ઉપર તાળાં મારી દેવામાં આવ્યા અને મોઢાં બંધ કરી દેવામાં આવ્યા. હવે નિયમ એ થઈ ગયો કે જબાન ખોલો તો તારીફ અને ગુણગાન માટે ખોલો, નહિં તો ચૂપ રહો, અને જો તમારો અંતરાત્મા એવો જબરજસ્ત છે કે સત્ય-વચન વિના તમે રહી શકશો નહીં, તો કેદ અથવા કતલ થવા માટે તૈયાર થઈ જાઓ. આ નીતિ ધીમે-ધીમે મુસલમાનોને નાહિંમત, કાયર, સ્વાર્થપરાયણ અને સમાધાનકારી બનાવતી ગઈ. જોખમ લઈને સાચું કહેનારાઓની સંખ્યા ઓછામાં ઓછી થતી ગઈ. ખુશામત અને જીહજૂરીનું મૂલ્ય માર્કેટમાં વધતું ગયું અને સત્યનિષ્ઠા અને સચ્ચાઈની કિંમત ઓછી થતી ગઈ. ઉચ્ચ કાબેલિયત ધરાવનાર ઈમાનદાર અને સ્વતંત્ર વિચારો ધરાવનારાં લોકોનો રાજ્યથી કોઈ સંબંધ ન રહ્યો અને પ્રજાની એ હાલત થઈ ગઈ કે શાહી ખાનદાનની હકૂમત બરકરાર રાખવા માટે તેમના દિલોમાં કોઈ લાગણી બાકી ન રહી. એકને દૂર કરવા માટે જ્યારે બીજો આવ્યો તો તેમણે વિરોધમાં આંગળી સુદ્ધા ન હલાવી અને નીચે પડવાવાળો જ્યારે નીચે પછડાયો તો તેમણે એક લાત ઓર મારીને તેને વધારે ઊંડા ખાડામાં ફેંકી દીધો. હકૂમતો આવતી અને જતી રહી, પણ લોકોએ પ્રેક્ષકથી વધારે આ આવન-જાવનના દૃશ્યથી રુચિ ન દાખવી.

(4) અલ્લાહ અને પ્રજા સમક્ષ ઉત્તરદાયિત્વ:
ચોથો સિદ્ધાંત, જે ઉપરના ત્રીજા સિદ્ધાંત સાથે જ અનિવાર્ય સંબંધ ધરાવે છે, એ હતો કે ખલીફા અને તેની હકૂમત અલ્લાહ અને પ્રજા બંનેની સામે જવાબદાર છે. જ્યાં સુધી અલ્લાહ સમક્ષ જવાબદારીનો સંબંધ છે, તેના ઊંડા અહેસાસથી ખુલફાએ રાશેદીન રદિ. પર દિવસનું ચેન અને રાતનો આરામ હરામ થઈ ગયો હતો અને જ્યાં સુધી પ્રજા સમક્ષ જવાબદારીની વાત છે, તેઓ હંમેશા દરેક સ્થળે પોતાને પ્રજા સમક્ષ જવાબદાર સમજતા હતા. તેમના રાજ્યનો એ નિયમ નહોતો કે ફક્ત મજલિસે શૂરા (કે પાર્લામેન્ટ)માં નોટિસ આપીને જ તેમનાથી પ્રશ્ન કરી શકાય છે. તેઓ દરરોજ પાંચ વખત નમાઝની જમાઅતમાં પોતાની પ્રજાનો સામનો કરતા હતા. તેઓ દર અઠવાડિયે જુમ્આની જમાઅતમાં પ્રજાની સામે પોતાની વાત મૂકતા અને તેમની વાતો સાંભળતા. તેઓ રાત-દિવસ કોઈ બોડીગાર્ડ વિના, કોઈપણ પ્રકારના ‘ખસી જાઓ-દૂર હટો’ના અવાજ વગર પ્રજાની વચ્ચે ચાલતા-ફરતાં હતા. તેમના ગવર્નમેન્ટ હાઉસ (અર્થાત્ તેમના કાચાં મકાનો)ના દરવાજા કોઈ પણ વ્યક્તિ માટે ખુલ્લા હતા અને કોઈપણ તેમને મળી શકતું હતું. આ તમામ પ્રસંગોએ દરેક વ્યક્તિ તેમનાથી પ્રશ્ન કરી શકતો હતો અને જવાબ માગી શકતો હતો. આ સીમિત ઉત્તરદાયિત્વ નહોતું, બલ્કે ખુલ્લું અને હંમેશાનું ઉત્તરદાયિત્વ હતું, અને તે પ્રતિનિધિઓના માધ્યમથી નહોતું, બલ્કે સમગ્ર પ્રજા સમક્ષ પ્રત્યક્ષ હતું. તેઓ પ્રજાની મરજીથી પ્રત્યક્ષ સત્તા ઉપર આવ્યા હતા અને પ્રજાની મરજી તેમને હટાવીને બીજો ખલીફા ગમે ત્યારે લાવી શકતી હતી, તેથી ન તો તેમને પ્રજાનો સામનો કરવામાં કોઈ ભય લાગતો હતો અને ન સત્તાથી વંચિત થવું તેમના માટે કોઈ જોખમ હતું કે તેનાથી બચવાની ક્યારેય તેમને ચિંતા કરવી પડતી. પરંતુ બાદશાહીનો યુગ આવતાં જ ઉત્તરદાયી રાજ્યનો દૃષ્ટિકોણ સમાપ્ત થઈ ગયો. અલ્લાહ સમક્ષ જવાબદારીનો વિચાર ચાહે જબાનો પર રહી ગયો હોય, પણ વ્યવહારમાં તેના ચિહ્નો ભાગ્યે જ નજરે પડતા. રહી વાત પ્રજા સમક્ષ જવાબદારીની, તો કોણ માતાનો ભડવીર હતો, જે તેમનાથી જવાબ માગી શકતો ! તેઓ પોતાની કોમના વિજેતાઓ હતા, પરાધીનોની સામે કયો વિજેતા ઉત્તરદાયી હોય છે ! તેઓ તાકાતથી સત્તા ઉપર આવ્યા હતા અને તેમનો નારો એ હતો કે જેનામાં તાકાત હોય તે અમારાથી સત્તા છીનવી લે. આવા લોકો પ્રજાનો સામનો ક્યાં કરે છે અને પ્રજા પણ તેમના નજીક ક્યા ફરકી શકે છે ? તેઓ નમાજ પણ અદા કરતા હતા તો સામાન્ય પ્રજા સાથે નહીં, બલ્કે સુરક્ષિત મસ્જિદોમાં, અથવા તો બહાર પોતાના વિશ્વાસુ અંગરક્ષકોના ટોળાંમાં, તેમની સવારીઓ નીકળતી હતી તો આગળ અને પાછળ સશસ્ત્ર ટુકડીઓ રહેતી અને રસ્તાઓ સાફ કરી દેવામાં આવતા, પ્રજા અને તેમનો આમનો-સામનો કોઈપણ જગ્યાએ થતો જ નહોતા.

(5) જાહેર ભંડોળ (બયતુલ-માલ) એક અમાનત:
ઇસ્લામી બંધારણનો પાંચમો સિદ્ધાંત એ હતો કે બયતુલ-માલ અલ્લાહની સંપત્તિ અને મુસલમાનોની અમાનત છે, જેમાં કોઈપણ વસ્તુ સાચી રીત સિવાય કોઈ બીજી રીતે આવવી ન જોઈએ અને જેમાંથી કોઈપણ વસ્તુ સાચી રીત સિવાય કોઈ બીજી રીતે જવી ન જોઈએ. ખલીફાનો હક્ક આ સંપત્તિમાં કેવળ એટલો જ છે, જેટલો કુઆર્ન અનુસાર માલે- યતીમ (અનાથની સંપત્તિ)માં તેના વાલી કે સંરક્ષકનો હોય છે કે, (જેઓ પોતાની અંગત આજીવિકાના સાધનો પોતાની જરૂરત અનુસાર ધરાવે છે, તેઓ આ માલમાંથી મહેનતાણું લેતાં શરમ કરે અને જેઓ વાસ્તવમાં જરૂરતમંદ હોય તેઓ એટલું મહેનતાણું લે, જેને દરેક સમજદાર માણસ ન્યાયી અને ઉચિત માને.) ખલીફા તેના એક પૈસાની આવક અને ખર્ચનો હિસાબ આપવા જવાબદાર છે અને મુસલમાનોને તેમનાથી હિસાબ માગવાનો પૂરેપૂરો હક્ક છે.

ખુલફાએ રાશેદીન રદિ.એ આ સિદ્ધાંતને પણ સંપૂર્ણ સચ્ચાઈ અને ઈમાનદારીપૂર્વક અમલમાં મૂકીને દેખાડયો. તેમના ખજાનામાં જે કંઈ પણ આવતું હતું તે બરાબર ઇસ્લામી કાનૂન અનુસાર આવતું હતું અને એમાંથી જે કંઈ ખર્ચ થતો હતો તે તદ્દન જાયઝ રસ્તે થતો હતો. તેમનામાંથી જેઓ સંપન્ન હતા તેમણે એક પૈસો પોતાની જાત માટે મહેનતાણાંના રૃપમાં વસૂલ કર્યા વગર માનદ્ સેવા કરી; બલ્કે પોતાની ગાંઠડીમાંથી કોમ માટે ખર્ચ કરવામાં પણ પાછી પાની ન કરી, અને જેઓ મહેનતાણાં વગર પૂર્ણકાલીન સેવકો નહોતા બની શકતા, તેમણે પોતાની જીવન-જરૃરિયાતો માટે એટલું ઓછું મહેનતાણું લીધું કે કોઈપણ સમજદાર વ્યક્તિ તેને ઔચિત્યથી ઓછું જ માનશે, વધારે છે તેવું કહેવાની હિંમત તેમનો દુશ્મન પણ કરી શકતો નથી. ઉપરાંત, આ કોષની આવક અને ખર્ચનો હિસાબ હંમેશા કોઈપણ વ્યક્તિ માગી શકતો હતો, અને તે દરેક સમયે દરેક વ્યક્તિને હિસાબ આપવા તૈયાર હતા. તેમને એક સામાન્ય માણસ ભરી સભામાં પૂછી શકતો હતો કે કોષમાં યમનથી જે ચાદરો આવી છે તે એટલી લાંબી-પહોળી નહોતી કે સાહેબનું આ લાંબુ પહેરણ બની શકે, આ વધારાનું કાપડ તમે ક્યાંથી લાવ્યા છો ? પરંતુ જ્યારે ખિલાફત બાદશાહીમાં પરિવર્તિત થઈ ગઈ, તો કોષ અલ્લાહ અને મુસલમાનોનો નહીં, બલ્કે બાદશાહની સંપત્તિ હતી. દરેક જાયઝ-નાજાયઝ (ઉચિત-અનુચિત) માર્ગેથી દોલત આવતી હતી અને દરેક જાયઝ-નાજાયઝ માર્ગમાં ખુલ્લેઆમ અને બેફામ રીતે વપરાતી હતી. કોઈની મજાલ નહોતી કે તેના હિસાબનો પ્રશ્ન ઉઠાવી શકે. આખો દેશ એક લૂંટમારનું દસ્તરખાન હતું, જેના ઉપર એક સામાન્ય કારકુનથી માંડીને રાજ્યના વડાઓ સુધી હકૂમતના બધા વિભાગો પોતાની સમજ પ્રમાણે હાથ મારી રહ્યા હતા અને મનમાંથી એ કલ્પના જ નીકળી ગઈ હતી કે સત્તા કોઈ વૈધ પરવાનો નથી, જેને લઈને આ લૂંટમાર તેમના માટે હલાલ હોય, અને પબ્લિકની સંપત્તિ કંઈ માંનું દૂધ નથી કે તેને હજમ કરતા રહે અને કોઈની સામે તેમને આનો હિસાબ આપવાનો ન હોય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments