અહમદાબાદ: ઇન્ટરેસ્ટ ફ્રી કો-ઓપરેટિવ માઇક્રોફાઇનાન્સ સોસાયટીઓની ગુજરાત કોઓર્ડિનેશન કમિટીની પ્રથમ ઐતિહાસિક બેઠક ૭ જૂન, રવિવારના રોજ સુફ્ફા હોલ, અહમદાબાદ ખાતે સફળતાપૂર્વક યોજાઈ ગઈ. રાજ્યભરમાં કાર્યરત આવી સોસાયટીઓ વચ્ચે પરસ્પર સંકલન, સહકાર અને સર્વાંગી વિકાસના ઉદ્દેશ સાથે ‘કોઓર્ડિનેશન કમિટી ઓફ ઇન્ટરેસ્ટ ફ્રી કો-ઓપરેટિવ માઇક્રોફાઇનાન્સ સોસાયટીઝ, ગુજરાત’ દ્વારા આ મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વ્યાજમુક્ત નાણાકીય વ્યવસ્થાના વિસ્તરણ અને સામાજિક સશક્તિકરણ પર વિશેષ ભાર મૂકાયો હતો.
કાર્યક્રમની શરૂઆત જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના પ્રદેશ પ્રમુખ ડૉ. મુહમ્મદ સલીમ પટીવાલા દ્વારા પ્રસ્તુત ‘તઝકીર બિલ કુર્આન’થી થઈ હતી, જેમાં તેમણે સામાજિક વિકાસ, પરસ્પર સહકાર અને નૈતિક તેમજ જવાબદાર આર્થિક વ્યવસ્થાના મૂલ્યો પર સવિસ્તાર પ્રકાશ પાડ્યો હતો. ત્યારબાદ, અહમદાબાદની અલબરાકાહ ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર કો-ઓપરેટિવ સોસાયટીના પ્રેસિડેન્ટ વાસીફ હુસેન શેખે સ્વાગત પ્રવચન આપ્યું હતું. તેમણે પોતાના ઉદ્ઘાટન સંબોધનમાં બેઠકના મુખ્ય હેતુઓ, રાજ્યસ્તરીય સંકલનની તાતી જરૂરિયાત અને ભવિષ્યના રોડમેપ અંગે ઉપસ્થિત પ્રતિનિધિઓને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મુખ્ય સત્રમાં દિલ્હીની સહુલત માઇક્રોફાઇનાન્સના નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ સીએ સૈય્યુમખાને “Building a Stronger Tomorrow Together” વિષય પર મહત્વપૂર્ણ વક્તવ્ય આપ્યું હતું, જેમાં તેમણે સંસ્થાકીય હેતુઓ, ભવિષ્યના પ્રોજેક્ટ્સ, પરસ્પર સહયોગ અને આ ક્ષેત્રમાં વિકાસની સંભાવનાઓ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. ત્યારપછીના ઓપન સેશનમાં વિવિધ સોસાયટીઓના પ્રતિનિધિઓએ સ્થાનિક સ્તરે કામગીરી દરમિયાન નડતી વહીવટી અને વ્યવહારિક સમસ્યાઓ તેમજ પડકારોની રજૂઆત કરી હતી, જેના નિવારણ માટે નિષ્ણાતો અને સહભાગીઓ વચ્ચે પ્રશ્નોત્તરી થઈ હતી અને આગામી વ્યાપક વ્યુહરચના અંગે મંથન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ, સહુલત માઇક્રોફાઇનાન્સ, દિલ્હીના જનરલ બોડી મેમ્બર અને સહુલત મોડાસાના પ્રેસિડેન્ટ ડૉ. ઇફ્તિખાર મલિકે “India: A Fertile Ground for Interest Free Co-operative Microfinance” વિષય પર પોતાનું મનનીય પ્રવચન આપતાં દેશમાં વ્યાજમુક્ત કો-ઓપરેટિવ માઇક્રોફાઇનાન્સ ક્ષેત્રે રહેલી વિપુલ તકો, જનસ્વીકાર્યતા અને તેના ઉજ્જવળ ભવિષ્ય અંગે સચોટ વિગતો રજૂ કરી હતી. આ શૈક્ષણિક કડીને આગળ ધપાવતા અલબરાકાહ સોસાયટી, અહમદાબાદના બોર્ડ મેમ્બર સોહેલ સાચોરાએ કેસ સ્ટડી અને પ્રેક્ટિકલ એક્સરસાઇઝ રજૂ કરી અનુભવ આધારિત આયોજન અને સંસ્થાકીય કાર્યક્ષમતા વધારવાના મહત્વના પાસાઓ શીખવ્યા હતા.
આ બેઠકમાં બે અત્યંત પ્રગતિશીલ નિર્ણયો લેવામાં આવ્યા હતા, જે અંતર્ગત રાજ્યભરની વ્યાજમુક્ત માઇક્રોફાઇનાન્સ સોસાયટીઓ વચ્ચે વધુ અસરકારક અને સંગઠિત કામગીરી માટે ટૂંક સમયમાં જ એક સેન્ટ્રલ ‘ફેડરલ સ્ટ્રક્ચર’ રચવામાં આવશે. આ સાથે જ, ચાલુ વર્ષના અંત સુધીમાં ગુજરાતભરમાંથી પ્રતિનિધિઓની એક વિશાળ બેઠક બોલાવવાનું નક્કી કરાયું છે, જેનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના દરેક જિલ્લાઓમાં આવી સોસાયટીઓની સ્થાપના અને તેનો વ્યાપ વધારવાનો રહેશે. ઉપસ્થિત સભ્યોએ આ પહેલને સમાજના આર્થિક સશક્તિકરણ તરફનું એક ક્રાંતિકારી પગલું ગણાવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અલબરાકાહ ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર સોસાયટીના બોર્ડ મેમ્બર જાવેદ અખ્તરે ખૂબ જ કુશળ અને પ્રભાવશાળી શૈલીમાં કર્યું હતું, જેને કારણે સમગ્ર આયોજન સમયબદ્ધ રીતે સંપન્ન થયું હતું. અંતમાં, ઉપસ્થિત પ્રતિનિધિઓએ રાજ્યસ્તરે મજબૂત સંકલન ઊભું કરી નૈતિક, ટકાઉ અને સમાજકેન્દ્રિત આર્થિક વ્યવસ્થાને વેગ આપવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને આભારવિધિ સાથે બેઠકનું સફળ સમાપન થયું હતું.

