Sunday, December 22, 2024

નવું જીવન

રહસ્ય કથા:

ઘોર અંધારુ હતુ. તે ત્રણેય એકી સાથે જકડાયેલા હતા. એવું લાગી રહ્યું હતું કે ત્રણેયને ખુબજ નાના પ્રેશર કૂકરમાં ઠોસી દીધા હોય. ઐયુબે જ્યારે પહેલી વખત આંખો ખોલી તો તેમને કંઇ સમજાયુ નહી. જાણે કે તેે સમગ્ર જગતમાં એકલો જ હોય. પરંતુ તે એકલો ન હતો. તેમણે અંધારામાં જોવાનો પ્રયાસ કર્યો તો તેણે જોયુ કે તેમની સાથે બીજા બે લોકો કૈદ છે. તમે લોકો કોણ છો? ઐયુબે પૂછ્યું. પરંતુ તેમને કોઇ જવાબ મળ્યો નહીં. હું તમારાથી સંબંધિત છું, ઐયુબે નજીકની બંધાયેલ વ્યક્તિને પૂછ્યું. ‘ઓહો, તો તમે પણ ભાનમાં આવી ગયા, ઐયુબે પાછળ વળીને જોયુ તેના માથા ઉપર કાળો તલ હતો. ચાલો કમસેકમ તમે તો બોલ્યા. પણ આ આટલો શાંત કેમ છે?’ ‘ભાઇ, આ મારાથી ન પુછો જ્યારથી આંખો ખોલી છે તેમને એમ જ જાવું છે. આમ જ પત્થરની જેમ બની રહે છે, ભાગ્યે જ બોલે છે…’ ‘સારૂ, તો તમે જ કહો તમે કોણ છો?’ ‘હું ‘ ‘કેમ, શું તમને ખબર છે કે તમે કોણ છો?’ પોતાની ચુપકીદી તોડતા ત્રીજી વ્યક્તિ બોલી. ચાલો, ઇશ્વરની કૃપા છે કે તમે કંઇક તો બોલ્યા. ઐયુબ મલકાયો. ‘ઇશ્વર, આ ઇશ્વર શું હોય છે? અને તમને શી ખબર કે કોઇ ઇશ્વર છે કે નહીં.’ માથા પર તલ વાળી વ્યક્તિએ ગુસ્સામાં પ્રશ્ન કર્યો. ‘ઇશ્વરનું અસ્તિત્વ તો જરૂર છે તે ન હોય એવું તો કઇ રીતે શક્ય છ’ ‘ઐયુબને એ નહોતુ સમજાઇ રહ્યું કે તે જે કહેવા માગે છે કઇ રીતે કહે.’ ‘તમે ફરી શરૂ થઇ ગયા, એટલે જ હું તમારાથી નથી બોલતો.’ ‘રચના કોઇએ નહિ. આપણુ જીવન માત્ર એક સંયોગ છે.’ ઐયુબ ભય અને આશ્ચર્યની લાગણી સાથે બંનેનો વાદ-વિવાદ સાંભળતો રહ્યો બંને ઝગળતા થાકી ગયા અને શાંત થઇ ગયા.

ઐયુબે થોડી વાર પછી માથા પર તલ વાળી બીજી વ્યક્તિને પૂછ્યું, ‘તમને એવું કેમ લાગે છે કે, ઇશ્વર નથી?’ જુઓ, બીજી વ્યક્તિએ ઐયુબને સમજાવટના અંદાજમાં કહ્યું, ઇશ્વરએ અંધવિશ્વાસ છે. જ્યારે આપણે તેને જોયો જ નથી તો કેવી રીતે માની લઇએ? મેં દુનિયા ઉપર બહુ ચિંતન કર્યું છે. આ ચાર દિવાલો અને આ સાંકળથી વાતો કરી છે. મારા અધ્યયનથી હું એ નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે આ સંસાર પર આપણે ન પહેલા માણસ છીએ ન અંતિમ. પહેલા પણ ઘણા લોકો અહી રહી ચુક્યા છે. બધા પોતપોતાના જીવન જીવી મૃત્યુને વહોરે છે…’ ઐયુબે આશ્ચર્ય સાથે પુછ્યું, ‘મૃત્યુ આ સંસારનો સૌથી મોટુ સત્ય છે’ આનાથી પહેલા કે બીજી વ્યક્તિ પોતાનું પ્રવચન આગળ શરૂ કરે ઐયુબે વચ્ચે જ પુછી લીધું. ‘મૃત્યુ સમય એક ભુકંપ આવે છે અને બધા જમીનમાં દટાઇ જાય છે.’ તેમણે નીચેની તરફ સંકેત કરતા કહ્યું. ‘આપણે પણ.’ ‘હાં, આપણે બધા મરીને નીચે દફન થઇ જઇશું… આ જ જીવનની કડવી સચ્ચાઇ છે. પછી, આ જીવન આપણને કેમ મળ્યું છે? જેમકે મે કહ્યું આપણું જીવન એક સંયોગ છે અને સંયોગનો કોઇ ઉદ્દેશ્ય હોતો નથી. રહ્યો આ પ્રશ્ન કે આપણે આ જીવનનું શું કરીએ તો તમારી પાસેે બે માર્ગ છે. મારી જેમ ખાઓ, પીઓ અને મજા કરો અથવા તે મુર્ખની જેમ ઘુટી-ઘુટીને મરો’ બીજી વ્યક્તિએ ત્રીજી વ્યક્તિ તરફ સંકેત કરતાં કહ્યું. ઐયુબની સમજમાં કેટલીક વાતો આવી અને કેટલીક ન આવી.

એક બીજા અવસરે ઐયુબે ત્રીજી વ્યક્તિ સમક્ષ પોતાના પ્રશ્નો મુક્યા. ‘ઇશ્વર તો છે’ તેમણે જવાબ આપતા કહ્યું. ‘આપણી રચના પણ તેમણે જ કરી છે.’ ‘પરંતુ ઇશ્વર આ સંસારની એકમાત્ર સચ્ચાઇ નથી. સચ્ચાઇ આ પણ છે કે આપણે બધા પાપી છીએ એટલે ….’, ‘શું પાપ કર્યું છે તમે?’ ઐયુબથી રોકવાયુ નહિં. ‘મે કહ્યું આપણે બધા, તેમાં હું, તું અન આ તલ વાળી વ્યક્તિ પણ આવી જાય છે.’ ત્રીજી વ્યક્તિએ ઉત્તેજિત થઇને કહ્યું, ‘ના … ના … મે કોઇ પાપ કર્યું નથી.’ ઐયુબે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે કહ્યું ‘શું આવી રીતે જન્મ લેવું શું ઓછું પાપ છે…’ પરંતુ આપણે આપણી ઇચ્છાથી તો પૈદા નથી થયા.’ ‘મારી વાત વચ્ચે ન બોલો’ ત્રીજી વ્યક્તિ ક્રોધિત થઇ ગઇ. ઐયુબ એકદમ શાંત થઇ ગયો. આમ પણ તેને ઘણું બધુ જાણવું હતું. ‘હા હું કહી રહ્યો હતો કે આપણે બધા પાપી છીએ. તેથી જ આપણા પાપોના પ્રાશ્ચિત માટે ઇશ્વરે આપણને અહી કેદ કર્યા છે. જો તમે ઇચ્છો છો કે તમને ત્વરિત સ્વતંત્રતા મળે તો મારી જેમ તપસ્યામાં રહો. આ ગધાની માફક મૌજ મજા કરશો તો ક્યારેય મુક્તિ મળશે નહીં,’

સમય વીતી રહ્યો હતો. મુશ્કેલીઓ વધતી જતી હતી. એક બાજુ ત્રીજી વ્યક્તિ પોતાના જીવનને કોસતો રહેતો તો બીજી બાજુ બીજી તલ વાળી વ્યક્તિ ખુબ ઉછળકૂદ અને મોજ મસ્તી કરતો, બીજી બંનેને હેરાન કરતો, કદાચ કાળા તળ વાળાએ ઘોર અંધકારથી મિત્રતા સાંધી લીધી હતી.

ઐયુબ હવે શાંત રહેવા લાગ્યો હતો. તકલીફ તેમને પણ હતી પરંતુ વિચાર મનન કરીને તે એક નિષ્કર્ષ ઉપર પહોંચી ગયો હતો. મુશ્કેલી માત્ર આ જ હતી કે તે બંને તેને વાત માનવાનું તો દૂર સાંભળવા પણ તૈયાર નહોતા થતા. એક દિવસ ઐયુબે શાંત પ્રયાસ કર્યો ઃ ‘મિત્રો! શું તમે જોતા નથી કે આ સંસારમાં કોઇપણ વસ્તુ નિરર્થક નથી. જુઓ, અહીં અંધારૂ છે, પીડા છે, ગભરામણ છે પરંતુ તો પણ આપણે જીવીત છીએ. સુરક્ષિત છીએ, આપણો વિકાસ થઇ રહ્યો છે. બતાવો આપણી આજુબાજુ આ જે પાણી છે જેના ઉપર આપણુ જીવન આધારિત છે. જો આ ન હોત તો શું થાત?. બતાવો આ અંધકારમાં આપણા સુધી ભોજન પહોંચાડનાર કોણ છે? સો ટકા ઇશ્વર છે. આપણુ જીવન એક અકસ્માત નથી. મારૂ મન કહે છે કે આપણને અહી વિકસિત થવા માટે કંઇક બનવા માટે મુકવામાં આવ્યા છે. આપણું જીવન અહીં સમાપ્ત નહિ થાય બલ્કે અહિંના જીવન પછી એક નવું જીવન મળશે. જ્યાં ન અંધારૂ હશે ન ગભરામણ હશે અને ન પીડા ભોગવવી પડશે આપણને જરૂરત માત્ર ધૈર્ય અને વિશ્વાસની છે. પ્રભુ પર વિશ્વાસની! આ ખોટુ કહેવાય છે કે આપણે ઇશ્વરને માની લઇએે અને તેની ફરિયાદ પણ કરતા રહીએ. જ્યારે કે આપણા માટે તેણે એટલું બધુ કર્યુ છે. આ જ રીતે આપણે તેનાથી ફરિયાદ તો ન કરીએ પરંતુ તેને માનીએ જ નહિ એ પણ ખોટુ છે. આપણને આ કરવું જોઇએ કે પ્રભુ પર વિશ્વાસ રાખીએ, પીડાને ખુશીથી હસતા-રમતા સહન કરીએ અને તેને પ્રાર્થના કરીએ કે જલ્દીથી આપણને નવું જીવન મળે.’

થોડી વાર માટે સન્નાટો છવાઇ ગયો. ‘આ તો તમારાથી મોટો મુર્ખ નિકળ્યો.’ તલ વાળી વ્યક્તિએ અટહાસ્ય કરતા કહ્યું. ‘તમે તો માત્ર ઇશ્વરમાં માનવાની જ મુર્ખતા કરતા હતા. આમને તો એેક નવા જીવનની આશા પણ છે. સાંભળો (ઐયુબને સંબોધિત કરતા કહ્યું.) તમને અહિં આવ્યા કેટલો સમય વિત્યો છે જો મને ભણાવવા ચાલ્યા છો? મે દુનિયા જોઇ છે, જીવન જોયુ છે. વેઠ્યું છે… સત્ય આ છે કે આ પીડાએ તમને પણ પાગલ કરી દીધા છે. આપણું જીવન માત્ર અકસ્માત છે, તેને જેટલા મજાનું બનાવી શકો છો બનાવી લો. આ ફરી મળશે નહીં. આવ્યો છે અંધારાથી મુક્ત જીવન ગધેડો ક્યાંયનો’

‘શું તમે પણ આવું જ વિચારો છો?’ તલવાળી વ્યક્તિથી નિરાશ થઇ ઐયુબે ત્રીજી વ્યક્તિ તરફ જોતા પૂછ્યું. ‘જ્યાં સુધી ઇશ્વરનો સંબંધ છે તો હું માનું છું કે તેનું અસ્તિત્વ છે… પરંતુ તમારી બીજી વાતો મારી સમજની બહાર છે. કદાચ કૈદની વેદનાએ તમારા માનસ પર ખરાબ પ્રભાવ પાડ્યો છે. સાચું કહું તો મારાથી પણ હવે આ પીડા સહન થતી નથી. મે મુક્તિ પ્રાપ્ત કરવાનો નિર્ણય લઇ લીધો છે. આજથી હું ન જમીશ ન પીવીશ.’ ‘આ રીતે તો તમે નિર્બળ થઇ જશો!’, ‘મુક્તિ આ જ રીતે મળશે.’ ‘મુક્તિ મરીને નહીં જીવીને મળશે’ ઐયુબે ત્રાડ પાડી. ‘ચાલો એક તો ગયો, તલવાળી વ્યક્તિએ હસતા હસતા કહ્યું.’

……………………………………….

(નવજીવન હોસ્પીટલમાં)

નુરૂદ્દીન ગભરામણ સાથે આમ તેમ આટા ફેરા મારી રહ્યો હતો. ઓચિંતા જ એક નર્સ દોડતી આવી. ‘તમને ડોક્ટર સાહેબ બોલાવે છે.’ તે બીજુ કંઇક બોલવા માગતી હતી પરંતુ બોલવાની હિંમત ન કરી શકી. નુરૂદ્દીન ઝડપભેર તેની પાછળ ગયો.

ડૉક્ટરઃ સોરી, મિસ્ટર નુરૂદ્દીન. મે પહેલા જ કહ્યું હતું કે માત્ર પ્રયત્ન જ અમારા હાથમાં છે બાકી બધી ઇશ્વરની ઇચ્છા છે. હું તમને વિશ્વાસ અપાવું છું કે અમે પ્રયત્નમાં કોઇ કચાશ બાકી રાખી નથી. જેમ કે તમે જાણો છો ત્રીપલેટ્સનો કેસ પાંચ લાખમાનું એક હોય છે. આ ઘણું કોમ્પ્લીકેટેડ હોય છે.

નુરૂદ્દીનઃ ઉજમા કેવી છે?

ડૉક્ટરઃ તેને અત્યારે કમજોરી છે. બટ સી ઇઝ ફાઇન.

નુરૂદ્દીનઃ હે અલ્લાહ તારો આભાર.

ડૉક્ટરઃ એક બાળક તો શરૂઆતથી જ કમજોર હતુ. તે પેટમાં જ મૃત્યુ પામ્યુ. તેના કારણે કોમ્પ્લીકેશન્સ ઘણી વધી ગઇ જેથી અમને ઓપરેશનનો નિર્ણય લવો પડયો. બીજુ બાળક બહુ સુંદર હતુ તેના માથા પર તલ હતો. ત્રણેયમાં સૌથી વધુ તંદુરસ્ત હતો. આજે જે સોનોગ્રાફી થઇ તેમાં પણ મે જોયુ હતું. પરંતુ એ હોય છે કે માના પેટમાં એક જુદા પ્રકારનો જીવન હોય છે. તે જીવનથી આ જીવનમાં પ્રવેશ કરવાનો તબક્કો જ મહત્વનો હોય છે. આ નિર્દોષ બાળક આ જ ટ્રાન્ઝીશનમાં નિષ્ફળ રહ્યો. અમે તેને ઓકસીજન પર પણ રાખ્યું અને ઘણા પ્રયત્નો કર્યા પરંતુ… કેટલાક ક્ષણો માટે તો આવું લાગ્યું કે જાણે તે આ દુનિયામાં આવવા જ નહોતુ માગતું. તેને તે જ દુનિયા ભાવી.

નુરૂદ્દીનઃ અને …

ડૉક્ટરઃ (જોરથી) નર્સ! નર્સ…

નર્સ બાળકને લઇ આવી.

ડૉક્ટરઃ આટલા કોમ્પ્લીકેશન છતાં આ બાળક બિલ્કુલ નોર્મલ છે. બધાઇ હો.!

નુરૂદ્દીન ભીની આંખો સાથે બાળકને ગોદમાં લીધું અને તેના માથા પર ચુંબન કરીને બોલ્યો ઃ ‘તે બહુ ધૈર્ય રાખ્યું, મારા બેટા આજથી અમે તને ઐયુબ કહીશું…’ પોતાના પિતાના ગોદમાં ઐયુબ જોર જોરથી રડવા લાગ્યો. આ ખુશી અને આનંદના આસુંઓ હતા તેને નવુ જીવન જે મળ્યુ હતુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments