— તલ્હા મન્નાન
હું અને મારા મિત્રો છેલ્લા એક અઠવાડિયાથી જંતર-મંતર પરના વિરોધ પ્રદર્શનના સ્થળની મુલાકાત લઈ રહ્યા છીએ. અમે અલગ-અલગ સંગઠનોના અને વિવિધ વૈચારિક પૃષ્ઠભૂમિ ધરાવતા વિદ્યાર્થીઓ સાથે ઊભા રહ્યા, જેઓ ત્યાં કોઈના આહવાનથી નહીં, પરંતુ વ્યવસ્થા પ્રત્યેની સામાન્ય નિરાશા અને થાકને કારણે આવ્યા હતા; એવી વ્યવસ્થા, જેણે તેમને નિષ્ફળ કર્યા છે.
મેં જંતર-મંતર પર ઘણાં વિરોધ પ્રદર્શનોમાં ભાગ લીધો છે. પછી તે નજીબના બળજબરીથી ગુમ થવા સામેનો વિરોધ હોય, મોબ લિન્ચિંગ (ટોળા દ્વારા હત્યા) હોય, પેલેસ્ટાઇન તરફી મેળાવડા હોય, કે વકફ સુધારા બિલ સામેના વિરોધ પ્રદર્શનો હોય; આ તમામ પ્રદર્શનો દરમિયાન એક સામાન્ય બાબત એ હતી કે જંતર-મંતરમાં પ્રવેશતાંની સાથે જ ડર, તણાવ અને બેચેનીનો અહેસાસ થતો હતો. ભારે પોલીસ ફોર્સ, અર્ધલશ્કરી દળોની તૈનાતી અને વહીવટી ચેતવણીઓ વાતાવરણને વધુ ચિંતાજનક અને ડરામણું બનાવતાં હતાં. પરંતુ આ વખતે એવું નહોતું. મને એવો કોઈ અહેસાસ ન થયો. શું તે એટલા માટે હતું કારણ કે આ વિરોધ પ્રદર્શન કોઈ ‘મુસ્લિમ’ સવાલ વિશે નહોતું? કદાચ!
ચાલો ચર્ચા કરીએ કે અમારી ઉપસ્થિતિ ત્યાં શું હતી અને શું નહોતી.
સૌપ્રથમ, મારું માનવું છે કે NEET પેપર લીક અને ભારતીય શિક્ષણની વ્યાપક કટોકટી અંગેના આ વિરોધમાં કોઈની પણ ભાગીદારીને ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના સમર્થન તરીકે ન જોવી જોઈએ; ભલે ત્યાં હાજર ઘણા સહભાગીઓ CJP, તેની રાજનીતિ, તેના નેતૃત્વ અને તેની ગતિશીલતા વિશે સવાલો ધરાવે છે. અમે પણ એ જ વિરોધમાં ઊભા રહીને એ સવાલો અમારી સાથે લઈને ચાલી રહ્યા છીએ.
અમે જે કારણસર જંતર-મંતર આવ્યા છીએ, તે કોઈ એક સંગઠન કરતાં ઘણું મોટું છે.
આ માત્ર CJPનું વિરોધ પ્રદર્શન નથી
જ્યારે તમે જંતર-મંતર પર વાસ્તવમાં હાજર હોવ ત્યારે એક વાત ઝડપથી સ્પષ્ટ થઈ જાય છે: આ માત્ર CJPનું વિરોધ પ્રદર્શન નથી. જોકે CJP તેનું આયોજન કરી રહ્યું છે, સ્ટેજ અને માઇક સંભાળી રહ્યું છે, પરંતુ ત્યાં એકત્રિત થયેલી ભીડ કંઈક અલગ જ વાર્તા કહે છે.
ત્યાં ડાબેરી વિદ્યાર્થી સંગઠનો છે, ‘આપ’ (AAP) ની વિદ્યાર્થી પાંખ છે, સ્વતંત્ર કન્ટેન્ટ ક્રિએટર્સ (સર્જકો) છે; જેમણે ખાસ કરીને જનરેશન-ઝેડ (આજની યુવા પેઢી) સમજી શકે તેવી ભાષામાં વાત કરીને પોતાના દર્શકો બનાવ્યા છે. એવા વિદ્યાર્થીઓ પણ છે જેઓ કોઈ સંગઠન સાથે જોડાયેલા નથી. તેમની સાથે CJPની ટીમ અને તેમના સ્વયંસેવકો છે. આ કોઈ આકસ્મિક બાબત નથી, પરંતુ આ વિરોધ પ્રદર્શનની સૌથી મહત્વપૂર્ણ રાજકીય હકીકત છે.
તો ચાલો, હું એ સવાલોના જવાબ આપું જે લોકો પૂછી રહ્યા છે:
શું ત્યાંના વિદ્યાર્થીઓને CJP દ્વારા એકત્રિત કરવામાં આવી રહ્યા છે? મુખ્યત્વે નહીં.
શું તેઓ અભિજીત દીપકેના વિઝન અથવા એક સંગઠન તરીકે CJP સાથે સહમત છે? ના.
શું તેઓ CJPના નેતૃત્વ કે તેની રાજકીય દિશા પર ભરોસો રાખે છે? ખાસ નહીં.
તો પછી તેઓ ત્યાં કેમ છે?
કારણ કે રાજ્ય અને તેની વ્યવસ્થા તેમને નિષ્ફળ કરી ચૂકી છે. કારણ કે લાખો વિદ્યાર્થીઓએ વર્ષો સુધી એવી પરીક્ષાની તૈયારી કરી જેની સાથે રમત રમાઈ ગઈ. કારણ કે કોઈ મંત્રીએ તેની નૈતિક જવાબદારી સ્વીકારી નથી. કારણ કે યુવા ભારતની આ હતાશાને બહાર નીકળવા માટે કોઈ માર્ગ જોઈતો હતો, અને CJPએ તે મંચ પૂરો પાડ્યો.
ગુસ્સો એ કોઈ વિચારધારા નથી
CJPના ઉદભવ અને વિરોધનું વિશ્લેષણ કરતા મંતવ્યોએ એક વાજબી સવાલ ઉઠાવ્યો છે: શું માત્ર ગુસ્સા પર બનેલી ચળવળ કંઈક નવું નિર્માણ કરી શકે? ભારતનો રાજકીય ઇતિહાસ અહીં ઘણું શીખવે છે. ભાજપ માત્ર ગુસ્સાના જોરે આજે જે છે તે નથી બન્યો. તેણે દાયકાઓથી એક વૈચારિક મતવિસ્તાર ઊભો કર્યો છે જેણે તેના સમર્થકોને ઓળખ, હેતુ અને પોતાનાપણાની ભાવના આપી છે. CJP અને તેના જેવી ચળવળો સામે સૌથી મોટો પડકાર જનતાના સાચા આક્રોશની આ ક્ષણને એક સ્થિર અને સુસંગત રાજકીય વિચારધારામાં બદલવાનો છે.
માત્ર ગુસ્સો એ કોઈ વૈચારિક ચળવળ નથી, તે તો ફક્ત ઊર્જાનો સ્ત્રોત છે. એ ઊર્જામાંથી તમે કઈ દિશા કંડારો છો અને કોના અસ્તિત્વની રક્ષા કરો છો, તે જ મૂળ પ્રશ્ન છે. અને આ જ બિંદુ પર CJP સાથેનો અમારો વૈચારિક મતભેદ સપાટી પર આવે છે.
અમે જે સવાલો પૂછી રહ્યા છીએ
એ જ વિરોધ પ્રદર્શનમાં જ્યાં વિદ્યાર્થીઓ નિષ્ફળ અને લાચાર વ્યવસ્થા સામે અવાજ ઉઠાવી રહ્યા છે, જ્યાં જેન્ડર (લિંગ) જેવા વિષયો પરની ચર્ચાને “મેરા જેન્ડર મેરી મર્ઝી” જેવાં સૂત્રો સાથે કાયદેસરની રાજકીય માંગ તરીકે સ્થાન મળે છે, ત્યાં અન્ય કેટલાક સવાલો પર એક નોંધપાત્ર મૌન જોવા મળે છે.
એક મુસ્લિમ છોકરીને NEET પરીક્ષા હોલમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો કારણ કે તેણે હિજાબ પહેર્યો હતો; એટલે કે તે પોતે જે દેખાય છે તેના કારણે તેની બાદબાકી થઈ. જો CJPનું પ્રદર્શન શૈક્ષણિક ન્યાય અને સંસ્થાકીય નિષ્ફળતા વિશે છે, તો તેની ધાર્મિક ઓળખના કારણે પરીક્ષા હોલમાંથી મુસ્લિમ છોકરીની બાદબાકી એ કટોકટીની માત્ર એક નાની નોંધ ન હોઈ શકે. તે તેનું મુખ્ય અને જીવંત ઉદાહરણ છે.
જો જેન્ડર ચર્ચાને એ સ્ટેજ પર સ્થાન મળી શકતું હોય, તો મુસ્લિમ ઓળખની ચર્ચાને પણ સ્થાન મળવું જ જોઈએ. શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ ખોટી નથી, પરંતુ માળખાકીય હિંસા અને આંતરિક સુધારા વિનાનું રાજીનામું એ જોયા વિના કે કેવી રીતે ભેદભાવ હાંસિયામાં ધકેલાયેલા લોકોને વધુ પીડે છે, અને કેવી રીતે મુસ્લિમ વિદ્યાર્થીઓ લીક થયેલા પેપર સુધી પહોંચતાં પહેલાં જ અન્ય અવરોધોનો સામનો કરે છે; તે જવાબદારીના નામે માત્ર એક રાજકીય સ્ટન્ટ (નાટક) બનીને રહી જશે.
ભારતમાં શિક્ષણ સાથે વાસ્તવમાં જે થઈ રહ્યું છે તે માત્ર પેપર લીક પૂરતું સીમિત નથી. શૈક્ષણિક સુધારા માટે ઊભી થયેલી ચળવળે આ વ્યાપક ચિત્રને ધ્યાનમાં લેવું પડશે. યુનિવર્સિટીઓમાં ઘટતો જતો લોકતાંત્રિક અવકાશ, કેમ્પસમાં અસંમતિના અવાજોને દબાવવા, વિદ્યાર્થીઓની ઓળખના કારણે તેમના અવાજને ગુનાહિત ઠેરવવા, સ્ટૂડન્ટ યુનિયનોને સસ્પેન્ડ કરવા, નીતિગત હસ્તક્ષેપ દ્વારા પૂર્વગ્રહયુક્ત શિક્ષણને થોપવું અને શિક્ષણનું વ્યાપારીકરણ કરવું; આ બધું વિરોધ પ્રદર્શનની ચર્ચાનો અનિવાર્ય ભાગ હોવું જોઈએ.
અમે આ સવાલો CJP ને વિરોધની બહાર રહીને નહીં, પરંતુ તેની અંદર પ્રવેશીને પૂછી રહ્યા છીએ. આ સવાલો ચળવળને વિભાજિત કરવાનો પ્રયાસ નથી, પરંતુ તેને વધુ પ્રૌઢ અને ઊંડી બનાવવાનો પ્રયાસ છે. તેમને અવગણવાથી એકતા નથી આવતી; તે માત્ર અસ્વસ્થ કરનારી સંવાદની ક્ષણોને પાછળ ધકેલે છે.
તેમ છતાં અમે ત્યાં જવાનું કેમ પસંદ કર્યું?
અમે જાણીએ છીએ કે અમારી ઉપસ્થિતિને અલગ-અલગ ચશ્માથી જોવામાં આવશે. કેટલાક લોકો કહેશે કે અમે CJPની રાજનીતિને માન્યતા આપી રહ્યા છીએ, તો કેટલાક એવો સવાલ પણ ઉઠાવશે કે શું કોઈ મુસ્લિમ વિદ્યાર્થી સંગઠન આ જગ્યા પર હોવું જોઈએ? અમે આ બંને નકારાત્મક વિચારોને નકારીએ છીએ.
જંતર-મંતર પર અમારી ઉપસ્થિતિ એ દાવો છે કે મુસ્લિમ વિદ્યાર્થીઓ પણ ભારતીય શિક્ષણના ભવિષ્યના એટલા જ મોટા હિતધારકો છે; જેમણે અન્ય વિદ્યાર્થીઓની જેમ જ તેટલી જ મહેનતથી NEET ની તૈયારી કરી હતી અને સમાન દગો સહન કર્યો છે. ભારતીય શિક્ષણની કટોકટી એ અમારી પણ કટોકટી છે, અને અમે તેમાં માત્ર એટલા માટે અસહભાગી નહીં રહીએ કારણ કે માઇક પકડનારા સંગઠને હજી સુધી અમારી ચિંતાઓ વિશે મોટેથી વાત નથી કરી.
અમે ત્યાં CJPના એજન્ડા પર મહોર મારવા નથી ગયા, અમે ત્યાં તેનો વ્યાપ વિસ્તારવા ગયા છીએ. જે બાબતોને પસંદગીયુક્ત (Selective) આંદોલનો ભૂંસી નાખે છે, તેને દ્રશ્યમાન કરવા અમે ત્યાં છીએ. અમે ત્યાં એટલા માટે છીએ કારણ કે સાચા વંચિતો માત્ર એ નથી જેમનું શાસન ખરાબ છે, પરંતુ તેઓ પણ છે જેમની બાદબાકીને ગણતરીમાં પણ નથી લેવાતી. અમારી ભાગીદારી એ અદ્રશ્ય થઈ જવા સામેનો સ્પષ્ટ અસ્વીકાર છે.
આગળનો માર્ગ
આ વિરોધ પ્રદર્શનમાં મુસ્લિમ સહભાગીદારી અમે ક્યાં ઊભા છીએ તેની સંપૂર્ણ વૈચારિક સ્પષ્ટતા સાથે આવે છે. અમે ધર્મ, જાતિ કે લિંગના ભેદભાવ વિના એવા દરેક વિદ્યાર્થી સાથે ઊભા છીએ, જે એક નિષ્પક્ષ પરીક્ષા પ્રણાલી અને તેમની પ્રત્યે જવાબદારી રાખતી સંસ્થા મેળવવાને પાત્ર છે.
અમે એ સત્ય સાથે પણ ઊભા છીએ કે શૈક્ષણિક ન્યાય ક્યારેય એકપરિમાણીય નથી હોતો. જે આંદોલન પેપર લીક પર વાત કરે છે પરંતુ ઓળખ આધારિત બહિષ્કાર પર મૌન સેવે છે, તે તમામ વિદ્યાર્થીઓ માટેનું આંદોલન નથી. તે ફક્ત એવા લોકો માટેનું આંદોલન છે જેઓ પહેલેથી જ મુખ્ય પ્રવાહની નજીક છે.
અમે એ પૂછવાનું ચાલુ રાખીશું કે શું આ વિરોધ પ્રદર્શન અન્ય તમામ સંસ્થાકીય નિષ્ફળતાઓની સાથે મુસ્લિમ વિરોધી ભેદભાવનું નામ લેવાની હિંમત બતાવી શકે છે કે નહીં? શું મુસ્લિમ વિદ્યાર્થીઓના અનુભવો આ માળખાની અંદર સ્થાન પામે છે કે પછી તેમને હંમેશા માટે બહાર છોડી દેવામાં આવે છે?
જંતર-મંતર પર વિરોધની આ જગ્યા વૈવિધ્યસભર છે, તેમનો હેતુ કાયદેસર છે અને અમારી ભાગીદારી વાસ્તવિક છે; પરંતુ તેટલા જ વાસ્તવિક અમારા સવાલો પણ છે.
(તલ્હા મન્નાન SIO ઓફ ઇન્ડિયાના નેશનલ સેક્રેટરી છે અને હાલમાં મૌલાના આઝાદ નેશનલ ઉર્દૂ યુનિવર્સિટી, હૈદરાબાદથી પીએચ.ડી. કરી રહ્યા છે.)
