“હે માલિક! તું તરણાનો તારણહાર છે. ડૂબતા માટે કિનારો છે, નિરાશ થયેલા માટે આશાનો દીપ છે, ભટકેલા માટે સાચો માર્ગદર્શક છે અને નિર્બળ માટે અપરંપાર તાકાતનો સ્ત્રોત છે.”
માનવજીવન એક વિશાળ સમુદ્ર જેવું છે. તેમાં સુખ-દુઃખનાં મોજાં છે, સંઘર્ષના તોફાનો છે, મોહ-માયાના ભવરો છે અને આકરી પરીક્ષાના પ્રચંડ વંટોળ છે. આ જીવનસાગરમાં ઇન્સાન પોતાની બુદ્ધિ, સંપત્તિ, તાકાત અને સંબંધોના સહારે આગળ વધવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ઘણીવાર એવી ક્ષણ આવે છે જ્યારે બધા દુનિયાદારીના સહારા તૂટી જાય છે. ત્યારે એક જ આખરી સહારો રહે છે.. તે પરવરદિગારનો.
આથી જ જ્ઞાનીઓએ ગાયું છે.. “તું તરણાનો તારણહાર.” અર્થાત્, જે પોતે તો આ દુનિયાના બંધનોથી પર છે જ, પણ બીજાને પણ મુશ્કેલીઓમાંથી પાર ઉતારવાની અપરંપાર શક્તિ ધરાવે છે.
જીવનનો સાચો નાવિક
જહાજ સમુદ્રમાં તરતું રહે છે કારણ કે તેનો નાવિક સાચી દિશા જાણે છે. જો નાવિક જ ભટકી જાય તો જહાજ ડૂબી જાય. એ જ રીતે જીવનનું સુકાન જો અહંકાર, સ્વાર્થ અને નફસાની વાસનાઓના હાથમાં સોંપી દઈએ તો જિંદગી ભટકી જાય છે. પરંતુ જ્યારે જીવનનું સુકાન અલ્લાહ (ઈશ્વર)ના હાથમાં સોંપીએ છીએ, ત્યારે સૌથી ભયંકર તોફાન પણ આપણને ડૂબાડી શકતું નથી.
અલ્લાહ માત્ર ચમત્કાર કરનાર નથી; તે મનુષ્યના અંતરમાં હિંમત, ધીરજ, નેકબુદ્ધિ અને સદાચારની શક્તિ જગાડે છે. તે આપણી મુશ્કેલીઓ સીધી જ ગાયબ નથી કરી દેતા, પરંતુ તેનો સામનો કરવાની અદભુત શક્તિ આપે છે.
સંકટમાં ઇમાનની કસોટી
સાચી બંદગી સુખના દિવસોમાં નહીં, પણ સંકટના સમયમાં ઓળખાય છે. જ્યારે જીવનમાં નાકામી (નિષ્ફળતા) મળે, સંબંધો તૂટી જાય, આર્થિક તંગી આવે, બીમારી ઘેરે અથવા સમગ્ર દુનિયા વિરોધ કરે ત્યારે પણ જે વ્યક્તિ પૂરા ભરોસા સાથે કહે.. “મારો માલિક મારી સાથે છે”—તે જ સાચો બંદો છે.
ઇમાન એ મુશ્કેલીઓથી ભાગી જવાનું નામ નથી; મુશ્કેલીઓ વચ્ચે પણ આશા જીવંત રાખવાનું અને અલ્લાહની રહમત (કૃપા) પર ભરોસો રાખવાનું નામ છે.
પરવરદિગાર પરનો ભરોસો
અલ્લાહ ઉપર તવક્કુલ (વિશ્વાસ) માણસને ક્યારેય નિરાશ થવા દેતો નથી. જે દિલમાં અલ્લાહ માટે મોહબ્બત હોય, તે દિલમાં કોઈ ખોટો ડર ટકતો નથી. જ્યાં પાકો ઇમાન હોય ત્યાં નિરાશા હારી જાય છે. જ્યાં દુઆ હોય ત્યાં રૂહ (મન)ને શાંતિ મળે છે.
ઘણીવાર આપણે ઇચ્છીએ છીએ કે આપણી દુઆ તરત જ કબૂલ થઈ જાય. પરંતુ પરવરદિગારની યોજના આપણા વિચારો કરતાં ઘણી વિશાળ હોય છે. તે જે કરે છે તેમાં પણ આપણું કલ્યાણ અને ભલું છુપાયેલું હોય છે.
ગુનાહો અને દુર્ગુણોથી મુક્તિનો માર્ગ
તમામ આકાશી ગ્રંથો જણાવે છે કે મનુષ્યને ડૂબાડનાર બહારનો સમુદ્ર નથી, પરંતુ અંદરનો ક્રોધ (ગુસ્સો), લોભ, મોહ, અહંકાર અને હસદ (ઈર્ષ્યા)ના મોજાં છે. જે વ્યક્તિ પોતાના નફ્સ (દુર્ગુણો) પર વિજય મેળવે છે તે સાચા અર્થમાં પાર ઉતરે છે.
અલ્લાહ સુધી પહોંચવાનો માર્ગ માત્ર દેખાડાની ઇબાદત પૂરતો મર્યાદિત નથી. હમેશાં સચ્ચાઈનો સાથ આપવો, ઇન્સાફ (ન્યાય) કરવો, રહેમ (દયા) રાખવી, પરોપકાર કરવો, જરૂરિયાતમંદની ખિદમત (મદદ) કરવી, માતા-પિતાની સેવા કરવી અને સમગ્ર માનવો પ્રત્યે કરુણા રાખવી… આ બધું પણ રબની પ્રસન્નતા મેળવવાના સાચા માર્ગો છે.
યુવાનો માટે પૈગામ
આજનો યુવાન અનેક પડકારો વચ્ચે જીવી રહ્યો છે. મોબાઇલનું વ્યસન, નશાની લત, ડિપ્રેશન (માનસિક તણાવ), એકલતા, ગળાકાપ સ્પર્ધા અને ભૌતિક સફળતાની અંધ દોડ તેને અંદરથી ખોખલો બનાવી રહી છે.
આવા સમયમાં યુવાનોએ પોતાની અંદર રુહાની શક્તિ (આધ્યાત્મિક તાકાત) વિકસાવવાની જરૂર છે. દરરોજ પાબંદીથી દુઆ-પ્રાર્થના કરવી, સારા અને જ્ઞાનવર્ધક ગ્રંથોનું વાંચન કરવું, નેક લોકોની સોબત રાખવી, સમયનું મૂલ્ય સમજવું અને પોતાના જીવનને સમાજસેવામાં સમર્પિત કરવું… આ જ સાચી કામયાબીનો માર્ગ છે.
જે યુવાન અલ્લાહ સાથે દિલથી જોડાય છે, તે ક્યારેય એકલો અટૂલો રહેતો નથી. તેને જિંદગીનો સાચો હેતુ મળે છે અને તે પોતે પણ બીજાના જીવનનો સહારો બની શકે છે.
“તું તરણાનો તારણહાર” એ માત્ર એક કાવ્યની પંક્તિ ; તે જીવનનું શાશ્વત સત્ય છે. જ્યારે દુનિયાના બધા દરવાજા બંધ થઈ જાય, ત્યારે રહમાન (અલ્લાહ)નો દરવાજો હમેશાં ખુલ્લો રહે છે. જ્યારે બધા સાથ છોડે, ત્યારે તે ક્યારેય સાથ છોડતો નથી. જ્યારે જીવનના મોજાં આપણને ડૂબાડવાનો પ્રયત્ન કરે, ત્યારે તે જ આપણો સાચો મુશ્કિલકુશા (મુશ્કેલી નિવારક) બની આપણને કિનારે પહોંચાડે છે.
ચાલો, આપણે આપણા જીવનની નાવનો ખેવટ પરવરદિગારને સોંપીએ, ઈમાન અને સદાચારના ભરોસા સાથે જીવનયાત્રા કરીએ અને એવો પાકો વિશ્વાસ રાખીએ કે;
“જેનો નાવિક સૃષ્ટિના સર્જનહાર હોય, તેનું જીવન ક્યારેય ડૂબતું નથી. તું જ તરણાનો તારણહાર છે; તું જ જિંદગીનો સાચો આધાર.”
