Homeલાઇટ હાઉસસત્તાના મોહથી પર એક અનોખું નેતૃત્વ: ખામેનાઈના અવસાન પાછળ છુપાયેલું ઈરાન, અમેરિકા...

સત્તાના મોહથી પર એક અનોખું નેતૃત્વ: ખામેનાઈના અવસાન પાછળ છુપાયેલું ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલનું સત્ય

  • રેહાન અંસારી

એક સુન્ની મુસ્લિમ તરીકે, શિયા વિચારધારા સાથે મારે વૈચારિક અને ધાર્મિક મતભેદો છે. પરંતુ બૌદ્ધિક પ્રમાણિકતાની એ માંગ છે કે કોઈ પણ રાજકીય નેતૃત્વનું મૂલ્યાંકન માત્ર તેની વિચારધારાના આધારે ન થવું જોઈએ. નેતાનો વ્યક્તિગત સદાચાર, તેમનું જાહેર જીવન અને પોતાની પ્રજાની જેમ જ પોતે પણ તમામ મુશ્કેલીઓ વેઠવાની તેમની તૈયારી; આ બધું જ એટલું જ મહત્વનું છે. આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં રાજકીય નેતાઓ પર ભ્રષ્ટાચાર, સગાવાદ અને જાહેર હોદ્દાને કૌટુંબિક વ્યવસાયની જેમ વાપરવાના આક્ષેપો અવારનવાર થતા રહે છે. આવા માહોલમાં, ઈરાનના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા આયતોલ્લા અલી ખામેનાઈની જે છબી રજૂ થઈ તે બિલકુલ અલગ હતી. તેમના સમર્થકો તેમની સાદગીપૂર્ણ જીવનશૈલી, ધાર્મિક માન્યતાઓ પર આધારિત રાજકારણ અને નેતૃત્વને એક વિશેષાધિકારને બદલે અલ્લાહ તરફથી મળેલી એક ‘અમાનત’ (જવાબદારી) તરીકે જોવાની તેમની રીત તરફ અંગુલીનિર્દેશ કરે છે.

તેમની રાજનીતિ વિશે કોઈ ગમે તે વિચારતું હોય, પરંતુ જે નેતાઓ પોતાને કોઈ સર્વોચ્ચ સત્તા (અલ્લાહ) પ્રત્યે જવાબદાર માને છે, તેમના વિશે એક વાત નોંધવા જેવી છે. અલ્લાહ પર, પયગંબરો પર અને કયામતના (અંતિમ ન્યાયના) દિવસ પરનો સાચો વિશ્વાસ વ્યક્તિમાં એવી જવાબદારીની ભાવના જગાડી શકે છે, જે ચૂંટણીના ચક્રો અને ઓપિનિયન પોલ કરતાં ઘણી લાંબી ચાલે છે. જો સાચા દિલથી આ આસ્થા રાખવામાં આવે, તો તે વ્યક્તિગત સંપત્તિ અને બેફામ સત્તા મેળવવાની લાલસાને રોકી શકાય છે.

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ ‘X’ (ટ્વિટર) પર લખ્યું હતું કે ખામેનાઈએ 47 વર્ષ સત્તામાં રહ્યા પછી પણ પોતાની પાછળ કોઈ મહેલો, કોઈ બેંક ખાતા કે કોઈ અઢળક સંપત્તિ નથી છોડી; ન તો કોઈ વૈભવી નૌકાઓ, છુપાયેલી અબજોની મૂડી કે સોનાના સિંહાસન છોડ્યા છે, બસ માત્ર લોકોની સેવામાં વિતાવેલું જીવન જ છોડ્યું છે. ઈરાનનો અભ્યાસ કરતા વિશ્લેષકોએ ‘ફાઇનાન્સિયલ ટાઇમ્સ’ને જણાવ્યું કે ખામેનાઈએ ખાનગીમાં પોતાની હત્યા થવાની સંભાવના વિશે વાત કરી હતી અને તેઓ પોતાના અસ્તિત્વ કરતાં ઈસ્લામિક રિપબ્લિકના અસ્તિત્વને વધુ મહત્વનું ગણતા હતા.

આ જ બાબત નવી દિલ્હીમાં યોજાયેલી ‘ઇન્ડિયા ટુડે કોનક્લેવ’માં શેર કરાયેલી એક ચોંકાવનારી વિગતથી ફરી સામે આવી. ઈરાનના સર્વોચ્ચ નેતાના પ્રતિનિધિ તરીકે ઓળખાતા અબ્દુલ મજીદ હકીમ ઈલાહીએ જણાવ્યું કે, વોશિંગ્ટન અને તેલ અવીવ (અમેરિકા અને ઈઝરાયેલ) સાથે તણાવ ચરમસીમાએ હતો ત્યારે પણ ખામેનાઈએ તેહરાન સ્થિત પોતાનું નિવાસસ્થાન છોડીને સુરક્ષિત બંકરમાં જવાનો ઇનકાર કરી દીધો હતો. અહેવાલો અનુસાર, ખામેનાઈએ એવી શરત મૂકી હતી કે તેઓ બંકરમાં ત્યારે જ જશે જ્યારે તેહરાનના તમામ 1.9 કરોડ (19 મિલિયન) નાગરિકો માટે પણ આવી જ સુરક્ષિત આશ્રયસ્થાનની ખાતરી આપવામાં આવે. આને તમે નૈતિક પ્રતીકવાદ તરીકે જુઓ કે રાજકીય નાટક, ગમે તે રીતે જુઓ, પણ તે એ જ છબીને મજબૂત કરે છે જે તેઓ પ્રદર્શિત કરવા માંગતા હતા: એક એવો નેતા જે પોતાની જાતને પોતાની પ્રજાથી અલગ રાખવા માંગતો ન હતો.

આધુનિક રાજકારણ, મોટાભાગે, આનાથી તદ્દન વિપરીત વાર્તા કહે છે. લોકશાહી હોય કે સરમુખત્યારશાહી દેશો, રાજકીય વંશવાદ બધે જ ફૂલીફાલી રહ્યો છે. નેતાઓ સતત “દેશ પ્રથમ” ની વાતો કરે છે, જ્યારે ભ્રષ્ટાચાર, હિતોના સંઘર્ષ (conflict of interest) અને પરિવારને સમૃદ્ધ બનાવવાના આક્ષેપો સામાન્ય બની ગયા છે. જાહેર હોદ્દાને એક જવાબદારીને બદલે વારસાની જેમ જોવામાં આવે છે.

ઈઝરાયેલ આ વિરોધાભાસનું પોતાનું જ એક ઉદાહરણ પૂરું પાડે છે. આ દેશે વારંવાર ભ્રષ્ટાચારના કૌભાંડો જોયા છે. ‘BBC’ ના અહેવાલ મુજબ, ત્યાંના એટર્ની જનરલે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પર લાંચખોરી, છેતરપિંડી અને વિશ્વાસઘાતના ત્રણ અલગ-અલગ કેસમાં આરોપો મૂક્યા છે. આ સિવાય, ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે (ICC) પણ યુદ્ધ સંબંધિત ગુનાઓના આરોપો હેઠળ તેમની સામે ધરપકડ વોરંટ જાહેર કર્યા છે. ઘણા વિશ્લેષકોએ જાહેરમાં અને સ્પષ્ટપણે દલીલ કરી છે કે યુદ્ધને લંબાવવું એ નેતન્યાહુના પોતાના રાજકીય અસ્તિત્વ માટે જરૂરી છે, જ્યારે સામાન્ય ઈઝરાયેલી નાગરિકો વ્યક્તિગત ગણતરીઓથી લેવાયેલા નિર્ણયોના પરિણામો ભોગવી રહ્યા છે.

અમેરિકા પણ આમાંથી બાકાત નથી. માર્કેટ વિશ્લેષકો, ધારાશાસ્ત્રીઓ અને પત્રકારોએ ઈરાન યુદ્ધની આસપાસ તેલના ભાવ, સ્ટોક ઇન્ડેક્સ અને ‘પોલીમાર્કેટ’ જેવા પ્રિડિક્શન માર્કેટ્સ પર રમાયેલા કરોડો ડોલરના સચોટ સટ્ટાઓ તરફ ધ્યાન દોર્યું છે. ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ સહિતના માધ્યમોએ સવાલો ઉઠાવ્યા છે કે આમાંથી કોણે નફો કર્યો અને તેમને અગાઉથી કેવી રીતે ખબર પડી કે ક્યારે દાવ લગાવવો? આ જ સમયગાળામાં, પ્રતિનિધિ જેમી રાસ્કિને જેરેડ કુશનરના નાણાકીય હિતોના સંઘર્ષ અંગે હાઉસ જ્યુડિશિયરી તપાસ શરૂ કરી હતી અને કુશનરની વિદેશી ભંડોળ મેળવતી ઇન્વેસ્ટમેન્ટ ફર્મ પાસેથી રેકોર્ડ્સ માંગ્યા હતા—એવા સમયે જ્યારે કુશનર વહીવટીતંત્રના કથિત “શાંતિ દૂત” (Special Envoy for Peace) તરીકે સેવા આપી રહ્યા હતા. રાસ્કિને પોતાના પત્રમાં સ્પષ્ટ લખ્યું હતું કે: સરકાર માટે જાહેર હોદ્દો ધરાવવો અને વ્યક્તિગત નફા માટે ખાનગી હોદ્દો રાખવો એ હિતોનો મોટો સંઘર્ષ પેદા કરે છે, ખાસ કરીને જ્યારે સાઉદી અરેબિયા અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન જેવા ગ્રાહકોના વ્યૂહાત્મક હિતો અમેરિકન જનતાના હિતો કરતાં તદ્દન અલગ હોય. કુશનરની ફર્મ, ‘એફિનીટી પાર્ટનર્સ’ પાસે અંદાજે 6.16 અબજ ડોલરની સંપત્તિનું સંચાલન (assets under management) છે, જે લગભગ બધી જ વિદેશી સ્ત્રોતોમાંથી આવી છે, જેમાં સાઉદી અરેબિયા, UAE અને કતારના સાર્વભૌમ વેલ્થ ફંડ્સ સામેલ છે. આ એ જ કુશનર છે જેમણે જનતાને ખાતરી આપી હતી કે તેઓ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન આવા કોઈ હિતોના સંઘર્ષથી દૂર રહેશે. અને સૌથી મહત્વની વાત એ છે કે કુશનર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પના જમાઈ છે.

સામાન્ય અમેરિકનોના દ્રષ્ટિકોણથી આ એક અસ્વસ્થ કરતો સવાલ ઊભો કરે છે: જ્યારે મુત્સદ્દીગીરી (diplomacy), સત્તા અને નફો એકબીજામાં ભળી જાય ત્યારે શું થાય? જ્યારે કોઈ સલાહકાર અથવા અધિકારીનો પરિવાર એ જ અસ્થિરતામાંથી કમાણી કરી શકે જેને શાંત કરવાનો તેમને હોદ્દો મળ્યો છે, ત્યારે જાહેર સેવા અને ખાનગી હિત વચ્ચેની રેખા જોખમી રીતે પાતળી થઈ જાય છે.

જ્યારે આપણે કેટલાક ગલ્ફ (અખાતી) દેશોના રાજાશાહી શાસનો તરફ જોઈએ છીએ ત્યારે આ વિરોધાભાસ વધુ સ્પષ્ટ બને છે. ત્યાં અઢળક વ્યક્તિગત સંપત્તિ, વંશપરંપરાગત વિશેષાધિકારો અને વૈશ્વિક પ્રોપર્ટી પોર્ટફોલિયો છે, પરંતુ સુરક્ષા માટે તેઓ સંપૂર્ણપણે વિદેશી સત્તાઓ પર નિર્ભર છે. મહેલો, ઓફશોર એસેટ્સ અને ભદ્ર જીવનશૈલી કદાચ સ્વનિર્ભર સત્તાની છબી ઊભી કરતી હશે, પરંતુ આ શાસનોનું અસ્તિત્વ લાંબા સમયથી મજબૂત દેશોના વિદેશી સૈન્ય મથકો અને સુરક્ષા ગેરંટી પર ટકેલું છે. આ નિર્ભરતા સાર્વભૌમત્વ પર જ સવાલ ઉઠાવે છે. જ્યારે રક્ષણ જ બહારથી આઉટસોર્સ કરવામાં આવ્યું હોય, ત્યારે એ સત્તા કેટલી સાચી છે અને કેટલી માત્ર વિદેશી મહેરબાની પર ટકેલી છે? આ કહેવાતી તાકાત પણ અમેરિકા-ઈઝરાયેલ-ઈરાન યુદ્ધમાં ભાંગીને ભૂકો થઈ જતી જોવાય છે.

છતાં, આપણે દુનિયાને બે અલગ-અલગ નૈતિકતામાં વહેંચતા રહીએ છીએ. પશ્ચિમી દેશો અને તેમના સાથીઓ વચ્ચે, અમેરિકા અને ઈઝરાયેલના નેતૃત્વને માત્ર એટલા માટે નૈતિક રીતે સાચું માનવામાં આવે છે, કારણ કે તેના પર ‘લોકશાહી’નું લેબલ લાગેલું છે. જ્યારે ગ્લોબલ સાઉથ (વિકાસશીલ અને ગરીબ દેશો) ના મોટા ભાગના હિસ્સામાં, આ જ નેતૃત્વ લોકશાહીની ભાષામાં છુપાયેલા અન્યાય જેવું લાગે છે. અને ઈરાનનો પ્રતિકાર ઘણા લોકોને વધુ સૈદ્ધાંતિક અને નૈતિક લાગે છે. બંને પક્ષોને ખાતરી છે કે તેઓ જ નૈતિક રીતે સાચા છે. બંને પોતપોતાની રીતે સાચા પણ છે અને ખોટા પણ છે.

એક નિષ્પક્ષ વાચકે આ બંનેમાંથી કોઈ એક પક્ષની પસંદગી કરવાની જરૂર નથી. તે આ વિવાદથી તદ્દન અલગ થઈને વિચારી શકે છે. આ એક ‘પોસ્ટ-ટ્રુથ’ (સત્ય-પશ્ચાત) યુગ છે, જ્યાં સત્ય કરતાં નેરેટિવ- કથાનક (પોતાની વાત કઈ રીતે રજૂ કરવી તે) વધુ ઝડપથી ચાલે છે, અને જ્યાં ‘સારું’ કે ‘નરસું’ હોવું એ પુરાવાઓ પર નહીં, પરંતુ તમે નકશાની કઈ બાજુએ ઊભા છો તેના પર નિર્ભર કરે છે.

આવા સમયે, જ્યારે ઈરાન પોતાના સર્વોચ્ચ નેતાના અવસાન પર શોક મનાવી રહ્યું છે, ત્યારે ખામેનાઈના નેતૃત્વને કોઈ પૂર્વગ્રહ વગર પ્રમાણિકતાથી સમજવું એ જ તેમના જીવન અને નિર્ણયોને આપેલી સાચી અંજલિ હશે—સંમતિના અર્થમાં નહીં, પરંતુ તેમના જીવનની ગંભીરતાને સ્વીકારવાના અર્થમાં.

સૌજ્યઃ ઇન્ડિયા ટુમોરો


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments