યૌમે પૈદાઈશ પર ખિરાજે અકીદત
અલ્લામા મુહમ્મદ ઇકબાલ,જાણીતા કવિ, જેમણે સુવિખ્યાત જાણીતું ઉર્દૂ ગીત ‘સારે જહાંસે અચ્છા … હિન્દુસ્તાન હમારા’ લખ્યું છે, તેમનો જન્મ ૯ નવેમ્બર, ૧૮૭૭ માં પંજાબ પ્રાંતના સિયાલકોટમાં થયો હતો અને ઇ.સ. ૧૯૩૮માં લાહોરમાં અવસાન પામ્યા. તેમણે ગવર્મેન્ટ કોલેજ લાહોરથી તત્ત્વજ્ઞાનમાં એમ. એ. ની ડિગ્રી મેળવી અને કેંબ્રીજ યુનિવસિર્ટી લંડનથી ઓનર્સની ઉપાધિ મેળવી મ્યુનીચ યુનિવર્સિટી (જર્મની)થી ડૉકટરેટ (Phd) કર્યું અને લંડન યુનિવસિર્ટીથી બાર-એટ-લો (બેરિસ્ટરી)ની સનદ મેળવી.
સિયાલકોટ કોલેજમાં અરબી અને ફારસી ભાષાના વિદ્વાન મૌલવી સૈયદ મીર હસન સાહેબ પાસેથી અરબી-ફારસી ભાષાનું શિક્ષણ મેળવ્યું.
તેમણે ૧૯૦૪ માં ‘સારે જહાંસે અચ્છા’ ગીત લખ્યું હતું, જે ૧૬ ઓગસ્ટ, ૧૯૦૪ ના ઉર્દૂ મેગેઝિન ઇત્તેહાદમાં પ્રકાશિત થયું હતું, જે ગીતે તેમને આખા દેશમાં ખ્યાતિ અપાવી હતી. તે ૧૯૨૩ માં તરાના-એ-હિંદી શીર્ષક હેઠળ કાવ્યસંગ્રહ બંગ-એ-દારામાં પણ ફરીથી પ્રકાશિત થયું હતું.તેઓ ૧૯૦૮ માં પાછા ભારત આવ્યા અને એડવોકેટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી. પરંતુ, તેમણે કાનૂની પ્રેક્ટીસમાં વધારે રસ આપ્યો ન હતો. ઇંગ્લેંડથી પરત ફર્યા પછી, તેઓ આધ્યાત્મિક રીતે મુસ્લિમોને પડતી સમસ્યાઓનું નિરાકરણ શોધવામાં ઉત્સુક હતા. તેમણે મુખ્યત્વે ઉર્દૂ કરતાં ફારસીમાં તેમની ફિલસૂફી લખી અને એક ફિલોસોફર – કવિ તરીકેની ખ્યાતિ મેળવી. તેઓ સર સૈયદ અહેમદ ખાનથી પ્રભાવિત હતા અને મુસ્લિમોને શિક્ષિત કરવામાં રસ લેતા હતા. તેઓ રાજકારણમાં પણ માર્ગદર્શન આપી રહ્યા હતા અને ૧૯૨૬ માં યોજાયેલી મુસ્લિમ લીગ સંમેલનમાં મુસ્લિમોના પછાતપણાની ચેતવણી પર ભાર મુક્યો હતો. રાજકારણમાં સક્રિયપણે ભાગ લેતી વખતે, તેમણે ઉર્દૂ અને ફારસીમાં એક ઉત્તમ સાહિત્ય બનાવ્યું, જેના માટે તેમને વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત થઈ. અલ્લામા ઇકબાલના પુસ્તકોનું ઘણી અન્ય ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવ્યું છે.
ડૉ. ઇકબાલ એ રીતે ખુબ જ ભાગ્યશાળી છે કે તેમને દીની તાલીમ અને પૂર્વીય ભાષાઓના શિક્ષણ સાથે પશ્ચિમી વિદ્યાઓ, તત્ત્વજ્ઞાન,અંગ્રેજી -જર્મની ભાષાઓનું જ્ઞાન મેળવવાની તકો પણ ઉપલબ્ધ થઇ. તેથી તેઓ પૂર્વીય અને પશ્ચિમી ભાષાઓ અને સંસ્કૃતિઓથી અને બન્ને પ્રકારના જીવન દર્શનથી સુપરિચિત હતા. એટલું નહીં, બલ્કે બંન્ને સંસ્કૃતિઓના ઉંડાણમાં જઇ તેમણે તેમના સારા નરસા તત્ત્વોનો તાગ કાઢવાનો પ્રયત્ન કર્યો હતો.
ડૉ. ઇકબાલે ઉર્દુ શાયરીને ક્રાંતિકારી વળાંક આપ્યો. ઉર્દુ કવિતાને જગતના સાહિત્યમાં સ્થાન અપાવ્યું. તેને (ઉર્દુ કવિતાને) ગુલો-બુલબુલ,શમા-પરવાના, સાકિયો મૈખાનાના બંધનમાંથી મુક્ત કરાવી,પરંતુ તેની મૂલ્યવાન રૂઢિગત પૂંજીનો નાશ ન થવા દીધો. “પ્રણાલિકાગત પરિભાષાનો” આધુનિક વિચારો વ્યક્ત કરવામાં ભરપુર ઉપયોગ કર્યો. અંગ્રેજી કવિતાને ઉર્દૂનો લેબાસ પહેરાવ્યો. માનવપ્રેમ અને રાષ્ટ્રપ્રેમ વિગેરેને શાયરીના વિષયો બનાવ્યા. માનવીય સમસ્યાઓને નવી ભાષા આપી. કવિતાના માધુર્યથી સત્યની કડવાશને હળવી બનાવી.
“રિલીજીયસ હ્યુમેનિઝમ” ના પ્રણેતા હાર્ડરનું કથન છે કે ‘કવિતા માનવજાતની માતૃભાષા છે.’ આ સત્યને ડૉ. ઈકબાલે પોતાની મૂલ્યવાન કૃતિઓ દ્વારા સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવ્યું. આ તો તેમની શરૂઆતની શાયરીનો રંગ હતો.
વર્ષોના મનોમંથન પછી જયારે આ શાયર ચિંતનના ઉચ્ચ સ્થાને સ્થિત થાય છે ત્યારે તે સમગ્ર માનવજાતને એક મહાન પૈગામ આપે છે અને તે છે ‘ખુદી’.વિવેચકો ડૉ. ઇકબાલને “પૈગમ્બરે ખુદી’ તરીકે ઓળખાવે છે. તેમની શાયરીનો મૂળભૂત વિષય ‘ખુદી’ છે. ખુદી એટલે ‘સ્વ’ની ઓળખ.કુદરતે માનવશરીરના માટીના પીંડમાં એક ચમત્કારિક ચેતના મુકી છે, જે માનવીની વિવિધ શડિતઓને જાગૃત કરે છે, ઢંઢોળે છે. આ દિવ્ય ચેતનાના
પારખાં એ જ ‘ખુદી’ની પહેચાન.
‘ખુદી’ કો કર બુલંદ ઇતના કે હર તકદીરસે પહેલે
ખુદા બંદે સે ખુદ પુછે, બતા તેરી રઝા કયા હૈ.
અને
યે ઝિક્રે નીમશબી, યે મુરાકબે યે સુજૂદ
તેરી ‘ખુદી’ કે નિગેહબાં નહીં તો કુછ ભી નહીં.
‘ખુદી’ જયારે પરવરદિગાર સાથે ખુબ ગાઢ સંબંધ પ્રસ્થાપિત કરી લે છે, ખુદા સાથે ઓતપ્રોત થઇ જાય છે ત્યારે એક અબુબક્ર, સિદ્દીકે અકબર બની જાય છે, એક ઉમર, ફારૂકે આઝમનું રૂપ ઘારણ કરે છે, એક ઉસ્માનમાં ગનીના ગુણો પ્રગટે છે.. એક અલી હૈદર કર્રારનો દરજજો ઘારણ કરે છે. ઊંટો અને બકરા ચરાવનારી પ્રજા કૈસરો, કિસરાની શહેનશાહિયતના પાયા હચમચાવી દે છે. ધરતી પરથી અન્યાય અને અસમાનતાના મૂળિયાં ઉખેડી નાખે છે. ન્યાય, શાંતિ અને સમાનતા પ્રસ્થાપિત કરે છે.
સૌજન્ય : ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક, ઈકબાલ દર્શન (આદર્શ જીવન).
– હિદાયત પરમાર
