અમુક સમયથી એક ચર્ચા એ જાહેર પકડ્યું છે અને એ છે રાષ્ટ્રીય ભાવનાની. ધર્મ ઉપર કે રાષ્ટ્ર જેવા પ્રશ્નો ઉભા કરી દેશની ૧૩૫ કરોડ જનતાની ભાવના સાથે ખિલવાડ કરવામાં આવી રહ્યો છે. અને લોકો પણ ભાવનાત્મક રીતે આવા સુત્રોથી પ્રભવિત થઇ જાય છે. કેટલાક ધાર્મિક ગુરૂઓને અને નેતા અને આગેવાનોને એમ કહેતા સાંભળ્યા છે કે દેશ સર્વોપરી છે પછી ધર્મ છે. તો અમુક કહે છે કે શ્રદ્ધા સર્વોપરી છે અને પછી દેશ. પછી, આવા નિવેદનો ઉપર વાદ-વિવાદ થાય, મીડિયાને ટી.આર.પી. મળે, અમુક પાર્ટીઓને રાજનૈતિક લાભ થાય અને અમુક લોકોને કોમવાદ અને નફરત ભડકાવવાનું બહાનું મળે. આવા પ્રશ્નો સામે આવે તો કેટલાક લોકો સંકટમાં પડી જાય છે કે શું જવાબ આપીએ. દેશને સર્વોપરી કહીએ તો આસ્થા નબળી પડે છે અને ધર્મને સર્વોપરી કહીએ તો દેશદ્રોહનું લેબલ લાગે છે. ઘણા લોકો મુંઝવણ અનુભવે છે કે શું જવાબ આપીએ. જાેકે આવા પ્રશ્નો નિરર્થક, નિમ્ન કક્ષાના, ધ્યાન ભટકાવવા માટે અને બિલકુલ ભ્રામક હોય છે. આ બાબતે વિવાદની નહિ પરંતુ સંવાદની જરૂર છે. આ લેખમાં તેનો જ પ્રયત્ન કરવામાં આવ્યો છે.
મિત્રો, એક વ્યક્તિ એકી સાથે ઘણી બધી ઓળખ સાથે જીવી શકે છે. આપણે રોજિંદા સામાજિક જીવનમાં ક્યારેય એવા પ્રશ્નો ઉભા નથી કરતા કે માતા પહેલા કે પિતા. ઘર પહેલા કે ઓફીસ, બાળકો પહેલા કે મિત્રો!! નેત્રો શ્રેષ્ઠ કે હૃદય !! વગેરે. કેમ? કેમકે દરેકનું જીવનમાં એક મહત્વ છે. આ વિકલ્પોમાંથી કોઈ જતો રહે તો જીવનનો આનંદ એટલો ઓછો થાય. સામાજિક જીવન રૂપી વૃંદાવનને શણગારવા તમામ સંબંધોની અનેરી સોડમ જરૂરી છે. અને વ્યક્તિ જેટલો આ સંબંધોને જીવે છે તેટલું જ તેનું વ્યક્તિત્વ નિખરે છે. સંબંધોને જીવવું એટલે સંબંધીઓને પ્રેમ કરવો, તેમની કદર કરવી, અને તેમના અધિકારો આપવાની વાત છે. સંબંધોને જીવવું એટલે ફક્ત સારા વલણનો બદલો સારો આપવાની વાત નથી, બલકે તેઓ જુલમ કરે તો પણ તેમની સાથે ન્યાય કરવાની વાત છે. સંબંધોને જીવવું એટલે વારે તહેવારે તેમની ખબર કાઢવું જ નથી બલ્કે સતત સંપર્કમાં રહેવું છે, તેમને પૂરતો સમય આપવો અને તેમની સોબતમાં ખુશીની અનુભૂતિનું નામ છે.
દેશ અને ધર્મ એક બીજાના વિરોધી કે પર્યાય નથી. દેશ કાર્યક્ષેત્રનું નામ છે તો ધર્મ એ ક્ષેત્રમાં કાર્ય કરવાની પ્રેરણા અને પદ્ધતિ. દેશ ભૌગોલિક ઓળખ છે તો ધર્મ જીવનશૈલીની પહેચાન. એક વસ્તુ સીમાકીય છે તો બીજી વૈશ્વિક છે. તેથી બંને વસ્તુ વચ્ચે સર્વોપરી કોણ કે પહેલું કોણ એ પ્રશ્ન જ ખોટો છે. આવી ડીબેટ માત્ર જનતાને મૂળ પ્રશ્નોથી ભટકાવવા અને લોક લાગણીનો દુરુપયોગ કરવા થાય છે. એવું વાતાવરણ ઉભું કરવામાં આવે છે કે લોકો ત્રીજી દિશામાં વિચારતા જ નથી. મને એક કાર્યક્રમનો એક પ્રસંગ યાદ આવે છે. એક મોટીવેશનલ વક્તાએ એક પ્રશ્ન પ્રેક્ષકોમાં ફેંક્યો. તમે ૧૦૦ની સ્પીડમાં ગાડી ચલાવો છે હવે ધારો કે સામેથી તમારી મમ્મી અને તમારી પત્ની આવી રહી છે, તમે જમણી બાજુ જાઓ તો મમ્મીને મારશો અને ડાબી બાજુએ જાઓ તો પત્નીને. શું કરશો. હોલમાં પીન ડ્રોપ શાંતિ છવાઈ ગઈ. પ્રશ્ન લાગણીસભર અને ખૂબ જ ભારે હતો. કોઈને જવાબ ન સુઝ્યો. ત્યારે તેને એક ભાઈને સ્ટેજ પર બોલાવીને પૂછ્યો. એ ભાઈ ભારે સંકટમાં પડી ગયો. આટલા બધા લોકોની વચ્ચે શું કહે. છેલ્લે તેને અશ્રુ ભીની આંખે ખૂબ જ ભારે હૃદયે કહ્યું કે પત્નીને મારીશ. વક્તા એ માઈક તેના હાથમાંથી લીધું અને કહ્યું, તમારો જવાબ પણ આવો જ હશે. આપ બંન્નેને ખુબ ચાહો છો પરંતુ તમને કોઈ વિકલ્પ ન દેખાતા મજબૂરીમાં કોઈ એકને મારશો. હાજરજનો હકારમાં માથું હલાવ્યું. પછી તેણે કીધું જાે આ પ્રશ્ન તમે મને પૂછો તો હું જવાબ આપીશ કે હું ન તો માતાને મારીશ ન તો પત્નીને. હું ગાડીની બ્રેક મારીશ. અને હોલ તાળીઓ અને ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો. કેમકે એ જ સાચું અને સુંદર જવાબ હતો. પરંતુ વક્તા એ બે ઓપશન મૂકયા,બેમાંથી એકની પસંદગી પૂછી તો આપણે એ જ વર્તુળમાં ખોવાઈ ગયા.
મીડિયા કે ચાલાક નેતાઓ પણ રાષ્ટ્ર સર્વોપરી કે ધર્મ, જેવી ડીબેટ છેડીને આપણા માનસનું અપહરણ કરે છે. વિચારવાની શક્તિ ક્ષીણ કરી દે છે. અને સરળ પ્રશ્નો પણ આપણને મુશ્કેલ લાગવા માંડે છે. અને આપણે તેમના ષડ્યંત્રનો ભોગ બની જઈએ છીએ.
રાષ્ટ્ર જ વ્યક્તિને અંતઃકરણની સ્વતંત્રતા આપે છે અને એ જ સ્વતંત્રતા મુજબ તે કોઈ પણ ધર્મનું પાલન કરે છે. અને ધર્મ કર્તવ્ય નિષ્ઠતા શીખવાડે છે અને એ જ કર્તવ્ય નિષ્ઠતા રાષ્ટ્રને ઉન્નતિની દિશામાં લઇ જાય છે. રાષ્ટ્રીય ભાવના અને રાષ્ટ્ર પ્રેમનું સૌથી મોટું પ્રતિક આ જ છે કે વ્યક્તિ કર્તવ્યનિષ્ઠ બને. કર્તવ્યની તુલનામાં દાંડી મારવી અધર્મ પણ છે અને રાષ્ટ્રની કાયદાકીય ભાષામાં ગુનો પણ બને છે. જે લોકો દેશ સર્વોપરીનું અફીણ પીવડાવી રહ્યા છે તેઓ પોતે જ પોતાના કર્તવ્ય પ્રત્યે નિષ્ઠાવાન નથી.
શું કહેવાતી રાષ્ટ્રવાદી પાર્ટીઓ રાષ્ટ્રની ઉન્નતિ અને પ્રગતિ માટેના માપદંડ પર પૂરી ઉતરે છે?!!, આંખો બંદ કરીને જવાબ ન આપશો. થોડુંક વિચારશો તો સમજાશે. એક વ્યક્તિ જ્યારે એક પાર્ટીમાં દેશદ્રોહી અને ભ્રષ્ટાચારી બતાવાય છે પણ જાે એ જ વ્યક્તિને પેલી પાર્ટી ખરીદી લે છે તો તે તુરંત સર્વગુણ સંપન્ન બની જાય છે. કેવી રીતે? કર્તવ્યનિષ્ઠતા આ છે કે તમે તેના ઉપર જ નહિ તમારી પાર્ટીની વ્યક્તિ પણ ભ્રષ્ટાચારી હોય તો તેની વિરુદ્ધ પણ કાયદાકીય કાર્યવાહી કરો. પણ એવું થતું નથી. મેં એક મોટી પાર્ટીના નેતાને પ્રશ્ન કર્યો. શું મૂલ્યો આધારિત રાજનીતિ ન થઇ શકે? તેમણે તરત જવાબ આપ્યો કે મૂલ્યો અને રાજનીતિ એક બીજાની વિરુદ્ધ વસ્તુઓ છે. બીજી પાર્ટીના નેતાથી વાત થઇ તો તેમને કહ્યું કે કેટલાક લોકો રાજનીતિમાં માત્ર તેમના વ્યવસાય માટે કે કમાવવા માટે આવે છે. તેમની કોઈ દૃઢ વિચારધારા ન હોવાથી વેંચાઈ જાય છે. એવા ઘણા બધા દાખલાઓ મારા અનુભવમાં આવ્યા છે. આ કોઈ વિશેષ પાર્ટીની વાત નથી. સામાન્ય રીતે કાગડા બધે કાળા હોય. તેમાં કોઈ અપવાદ પણ હોઈ શકે.
રાજકારણીઓ પછી આપણા બ્યુરોક્રેટસને પણ જાેઈ લો. કેટલું અઢળક ધન જમા કર્યું છે. સડક હોય કે મેટ્રો, ઈમારતનું નિર્માણ હોય કે સ્વચ્છતા કે અન્ય અભિયાન!! જે ભ્રષ્ટાચારની ચેન છે તે કોણ નથી જાણતું? શું આ ભ્રષ્ટાચાર દેશપ્રેમ છે કે કર્તવ્યનું ઉલ્લંઘન? દેશના ન્યાયાધીશ પણ દબાણ અને ભ્રષ્ટાચારથી સ્વતંત્ર નથી. પોલીસ જ નહિ આપણા શૈક્ષણિક સંકુલો પણ ભ્રષ્ટાચારથી લિપ્ત છે. દેશ સર્વોપરી હોવાનો એક જ અર્થ અમારા નજીક સાછો છે અને તે એ છે કે તમે જ્યાં છો તે કર્તવ્ય, ઉત્તરદાયીત્વની ભાવના સાથે અદા કરો.
એક મુખ્યમંત્રી કે વડાપ્રધાન સારૂ સર્વોપરી રાજધર્મ છે એટલે કોઇપણ પક્ષપાત વગર ન્યાયપુર્ણ વર્તન છે. એક સૈનિક તરીકે સર્વોપરી વસ્તુ સીમાઓની સુરક્ષા છે. એક વ્યવસાયિક માટે સર્વોપરી ઈમાનદારીનો વ્યવસાય છે. એક મંત્રી માટે સર્વોપરી નિષ્ઠાપૂર્વક વિકાસનું કાર્ય છે. એક ન્યાયાધીશ માટે કોઈ પૂર્વગ્રહ કે પક્ષપાત વગર સર્વોપરી સંપૂર્ણ ન્યાય છે. પાર્લામેન્ટનું કામ માત્ર કોઈ વર્ગ વિશેષ માટે કાનુન બનાવવા કે કોઈ સમુદાયને નિશાન બનાવવું નથી, તેના માટે સર્વોપરી એવા કાયદા ઘડવાનું કામ છે જેમાં સુક્ષ્મ લઘુમતી પણ સંપૂર્ણ પણે સુરક્ષિત હોય. એક મીડિયા તરીકે સર્વોપરી કર્તવ્ય એ છે કે સત્ય લોકોની સામે લાવે. એક ડાયરેક્ટર માટે સર્વોપરી કર્તવ્ય એવી ફિલ્મોનું નિર્માણ છે જે સમાજમાં એકતા અને નૈતિકતા પેદા કરે. એક શિક્ષક માટે સર્વોપરી એવી પેઢીનું નિર્માણ છે જે નૈતિક મૂલ્યો અને પ્રતિભા સભર હોય. એક ધાર્મિક ગુરુ માટે સર્વોપરી એ છે કે તે શાસ્ત્રો અને ગ્રંથો વડે એવા વ્યક્તિત્વનું નિર્માણ કરે જેઓ પ્રેમ અને ભાઈચારાની મિસાલ હોય. એક સામાજિક આગેવાન માટે સર્વોપરી કર્તવ્ય એ છે કે કોઈ ભેદભાવ વગર ન્યાય અને અધિકારોના જતન માટે સક્રિય રહે. એક સમુદાયના આગેવાન માટે સર્વોપરી સામાજિક સૌહાર્દ છે. આ રીતે જાે દરેક વ્યક્તિ પોતાના કર્તવ્યનું સુંદર રીતે પાલન કરશે તો દેશ એકંદરે પ્રગતિ કરશે. આંતરિક રીતે મજબુત અને સમૃદ્ધ બનશે. સર્વોપરી હોવાનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે તમારા કર્તવ્ય પાલનમાં કોઈ લોભ-લાલચ, ભય કે ધમકી આડે ન આવે. તમારી ટ્રાન્સફર થતી હોય તો થાય, તમને બદનામ કરવા માંગતા હોય તો કરે, તમને કોન્ટ્રાક ન મળતો હોય તો ન મળે, તમારી નોકરી જતી હોય તો જાય, તમને નુકસાન થતું હોય તો થાય, તમારી જાન જતી હોય તો જાય પણ કાયદા વિરુદ્ધ અને બંધારણીય મૂલ્યો વિરુદ્ધ જવું નહિ. કર્તવ્યનિષ્ઠતામાં માથું ખપી જાયે એ પરવડે પરંતુ માથું ઝુકે એ ન ચાલે. હું એક ધાર્મિક વ્યક્તિ બની રહીને આવી રીતે પોતાનું કર્તવ્ય નિભાવું તો હું રાષ્ટ્રને સર્વોપરી રાખું છે તેમ કહી શકાય.
મિત્રો, રાષ્ટ્ર અને ધર્મ વ્યક્તિની બે આંખો જેવા છે. કોઈને પણ છોડી શકાય નહિ. આ જ ભારતીયતા અને ધાર્મિકતા છે. અને ભ્રામક સુત્રોથી અંજાઇ જવાની જરૂર નથી. પોતાના મષ્તિષ્કની આંખોથી જુઓ અને પોતાના દિમાગથી વિચારો. જેના જે હકો છે તે તેમને આપો. તમારી જે ફરજાે છે તે ઈમાનદારીપૂર્વક નિભાવો. ઇસ્લામ પણ આ જ ભાવનાને પ્રબળ બનાવે છે. કુર્આન આ ભાવનાને અદ્લ એટલે કે ન્યાયથી પરિભાષિત કરે છે અને એક મુસલમાનને અલ્લાહ આદેશ આપે છે કે તે કોઈ પણ પરિસ્થિતિમાં હોય પણ અદ્લ કરે. “હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો! ન્યાયના ધ્વજવાહક બનો અને અલ્લાહ માટે સાક્ષી આપનારા બનો, ભલે તમારા ન્યાય અને તમારી સાક્ષીની વિરુધ્ધ અસર સ્વયં તમારા પર અથવા તમારા માતા-પિતા અને સગાઓ પર જ કેમ ન પડતી હોય. મામલાથી સંબંધ ધરાવનાર પક્ષ ચાહે ધનવાન હોય કે ગરીબ, અલ્લાહ તમારાથી વધુ તેમનો શુભેચ્છક છે, આથી પોતાની મનેચ્છાઓનું અનુસરણ કરીને ન્યાયથી હઠો નહીં અને જાે તમે અધૂરી અને પક્ષપાતપૂર્ણ વાત કહી અથવા સાચી વાત કહેવાનું ટાળ્યું તો જાણી લો કે જે કંઈ તમે કરો છો અલ્લાહને તેની ખબર છે.” (સૂરઃ નિસા – ૧૩૫)