Saturday, July 27, 2024
Homeઓપન સ્પેસહિજાબ અને શરિયા

હિજાબ અને શરિયા

સર્વોચ્ચ અદાલત સમક્ષ હિજાબની ચર્ચાએ ફરીથી ઇસ્લામ ધર્મના સિદ્ધાંતો અને તેના અનુયાયીઓ દ્વારા તેની પ્રથાના અનુસરણને ચર્ચાની એરણે લાવી દીધા છે. એમ સમજાય છે કે કોર્ટ આ મુદ્દા અને અરજદારો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો પર, વધુ સ્પષ્ટતા માંગે છે. તેથી, આ લેખ મારફત  કોર્ટ દ્વારા કરવામાં આવેલા પ્રશ્નોની રજૂઆતને સમજાવવાનો પ્રયાસ છે.

તે નિર્વિવાદ છે કે મુસ્લિમો ઘણા સંપ્રદાયો/પેટાપંથો/જૂથોમાં વિભાજિત છે. દરેક સાચા ઇસ્લામને અનુસરવાનો દાવો કરે છે, પોતાની રીતે ઇસ્લામની આસ્થા, માન્યતા અને આચરણના મૂળ સ્ત્રોતોના અર્થઘટન અને વિવરણના તફાવત પર. જાે કે, તેમ છતાં, બધા મુસ્લિમો માટે, અલ્લાહ, કુર્આન (અલ્લાહ દ્વારા અવતરિત પુસ્તક), પયગંબરો અને છેલ્લા પયગંબર મુહમ્મદ સ.અ.વ. અને હદીસ (છેલ્લા પયગંબરની વાતો અને ઉપદેશો)માં વિશ્વાસ અને આસ્થાના કેન્દ્રો છે. તેથી જ, તેમાંના કોઈપણમાં અવિશ્વાસ એ નકારનો ગુનો છે અને નિઃશંકપણે પરલોકમાં સજાને પાત્ર છે.

ધર્મશાસ્ત્રીય અને ન્યાયિક રીતે પણ સ્વીકૃત, ઇસ્લામના ચાર મૂળભૂત સ્ત્રોતો છે (i) કુર્આન, (ii) હદીસ, (iii) ઇજમા (સમુદાયની સર્વસંમતિ/બહાલી) અને (iv) કિયાસ (સામાન્ય તારણ જે ઉપરોક્ત સ્ત્રોતોમાંથી કોઈપણમાં સ્પષ્ટ રીતે ન હોય પરંતુ ઉપરોક્ત સ્ત્રોતો પર આધારિત હોય). કાનૂની ભાષામાં, શરીઆહ (શરિયત)ને માત્ર ઇસ્લામિક કાયદા સુધી જ સીમિત માનવામાં આવે છે. જાે કે, ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ, શરિયા એ “નિયુક્ત માર્ગ” છે જે આસ્તિકને આ જીવનમાં અને પરલોકમાં પણ સફળતા પ્રાપ્ત કરવા માટે અનુસરવાનું ફરજિયાત છે.

ભાષાકીય રીતે શરિયાહનો અર્થ નીચે મુજબ છેઃ

“પાણીનો સ્ત્રોત, જેના પર તેને પીવા માંગે છે તે આવે છે,  તેમાંથી પાણી પીવે છે અને તેમની ડોલ પણ ભરે છે, અને કદાચ તેમના પ્રાણીઓને પણ તેમાંથી પીવા માટે લાવે છે.”

શરિયાહનો ધર્મશાસ્ત્રીય અર્થ છેઃ

“સમગ્ર ધર્મ (ઇસ્લામ), જેને અલ્લાહે તેના ગુલામો માટે અંધકારમાંથી પ્રકાશમાં લાવવા માટે પસંદ કર્યો છે. આ તે છે જે અલ્લાહે તેમના માટે નિર્ધારિત કર્યું છે અને અલ્લાહે તેમને આદેશો અને પ્રતિબંધો, હલાલ (વૈદ્ય પરવાનગી આપેલ) અને (હરામ- અવેદ્ય -પ્રતિબંધિત) વિશે સમજાવ્યું છે.”

પી રામનાથ ઐયર દ્વારા એડવાન્સ્ડ લૉ લેક્સિકોન ૫મી આવૃત્તિમાં ઉપલબ્ધ શરિયાહનો અર્થ નીચે મુજબ છેઃ

“ઇસ્લામિક કાયદો; સકારાત્મક કાયદા ઉપરાંત, તેમાં નૈતિક અને નૈતિક મૂલ્યો અને ન્યાયશાસ્ત્રીય પ્રક્રિયાનો પણ સમાવેશ થાય છે.”

કુર્આન સૂરઃ અલ-જાશિયાહ ૪૫, આયાત નં ૧૮માં શરિયા શબ્દનો ઉપયોગ કરે છે. કુઆર્ન મુજબ શરિયાનો અર્થ નીચે મુજબ છેઃ

“આ પછી હે પયગંબર ! અમે તમને દીન (ધર્મ)ની બાબતમાં એક સ્પષ્ટ માર્ગ (શરીઅત, ધર્મવિધાન) પર સ્થાપિત કર્યા છે. આથી તમે તેના જ ઉપર ચાલો અને તે લોકોની ઇચ્છાઓનું અનુસરણ ન કરો જેઓ જ્ઞાન ધરાવતા નથી.”  (અનુવાદ- દિવ્ય કુર્આન)

તેથી, ઇસ્લામના અનુયાયી માટે, શરિયત એ કુઆર્ન દ્વારા નિર્ધારિત સંપૂર્ણ જીવન પદ્ધતિ છે, જે અલ્લાહ દ્વારા જાહેર કરવામાં આવી છે અને છેલ્લા ઇશદૂત મુહમ્મદ સ.અ.વ. દ્વારા અમલમાં મુકવામાં આવી છે, જે અહાદીસ, ઇજમા અને કિયાસમાં નોંધાયેલ છે. તેથી, અનુયાયી માટે, શરિયત એ માત્ર ઇસ્લામિક કાયદાઓ નથી, પરંતુ ધર્મનો સ્વીકાર કરવા અને તેનું પાલન કરવા માટેની તમામ માન્યતાઓ અને ક્રિયાઓને લાગુ પડતી સર્વવ્યાપી જીવન પદ્ધતિ છે.

વધુમાં, આ સંદર્ભમાં, સહીહ મુસ્લિમમાં પ્રથમ નોંધાયેલ હદીસ, ઈમાન/આસ્થાના પ્રકરણમાં, સૌથી સુસંગત છે. ઉલ્લેખનીય છે કે મુસ્લિમો માટે કુર્આન પછી સહીહ બુખારી અને સહીહ મુસ્લિમ સૌથી આદરણીય અને અધિકૃત પુસ્તકો છે. આ હદીસ ઇસ્લામના પાંચ માન્ય અને લોકપ્રિય સ્તંભો અને પ્રથમ સ્તંભ, ઇમાન/આસ્થાના ઘટકોને પ્રતિપાદિત કરે છે. આ હદીસનો તારવેલો ભાગ નીચે મુજબ છે.

સહીહ મુસ્લિમ બુક ૧, નંબર ૦૦૦૧ :

…તેમણે આગળ કહ્યુંઃ મારા પિતા, ઉમર ઈબ્ન અલ-ખત્તાબે મને કહ્યુંઃ એક દિવસ અમે અલ્લાહના રસુલ  સ.અ.વ.ની સાથે બેઠા હતા ત્યારે અમારી સામે એક માણસ દેખાયો જે શુદ્ધ સફેદ કપડાં પહેરેલો હતો, તેના વાળ. અસાધારણ કાળા હતા. તેના પર મુસાફરીના કોઈ ચિહ્નો નહોતા. અમારામાંથી કોઈએ તેને ઓળખ્યો નહીં. અંતે, તે પ્રેષિત (પયગંબર) સાથે બેઠા. તે તેમની આગળ ઝુક્યા, હથેળીઓ તેમની જાંઘ પર મૂકી અને કહ્યુંઃ મુહમ્મદ, મને અલ-ઇસ્લામ વિશે જણાવો. અલ્લાહના મેસેન્જર અ.સ. એ કહ્યુંઃ ઈસ્લામ સૂચવે છે કે તમે સાક્ષી આપો કે અલ્લાહ સિવાય કોઈ ઉપાસ્ય નથી અને મુહમ્મદ સ.અ.વ. અલ્લાહના સંદેશવાહક છે (આસ્થા/ઈમાન), અને તમે નમાઝ સ્થાપિત કરો, ઝકાત આપો (ઝકાત), રમઝાનના ઉપવાસનું પાલન કરો (રોઝા), અને જાે તમે પ્રવાસ (હજ)નો ખર્ચ ઉઠાવવા માટે પૂરતા સક્ષમ હોવ તો (અલ્લાહના ઘર)ની યાત્રા કરો. તેણે (જવાબમાં) કહ્યુંઃ તમે સત્ય કહ્યું છે. તેણે (ઉમર ઇબ્ને અલ-ખત્તાબ) કહ્યુંઃ અમને આશ્ચર્ય થયું કે તે પ્રશ્ન મૂકે છે અને પછી પોતેજ સત્યની ચકાસણી કરેછે. તેણે (આંગતુકે) કહ્યુંઃ મને ઈમાન (આસ્થા) વિશે જણાવો. તેઓએ (પવિત્ર પયગંબર) જવાબ આપ્યોઃ કે તમે અલ્લાહમાં, તેના દૂતોમાં, તેના પુસ્તકોમાં, તેના પ્રેષિતોમાં, ન્યાયના દિવસમાં, અને તમે સૌ સારા અને ખરાબ વિશેના ઈશ્વરીય હુકમમાં તમારી શ્રદ્ધાની પુષ્ટિ કરો છો. તેણે (આંગતુકે) કહ્યુંઃ તમે સાચું કહ્યું. તેણે ફરીથી કહ્યુંઃ મને અલ-ઇહસાન (સારા કર્મોનું પ્રદર્શન) વિશે જણાવો. તેણે (પવિત્ર પયગંબર) કહ્યુંઃ તમે અલ્લાહની એવી રીતે પૂજા કરો કે જાણે તમે તેને જાેઈ રહ્યા છો, કારણ કે તમે તેને જાેતા નથી, પરંતુ તે ખરેખર તમને જુએ છેપ.

તેથી, ઉપરોક્ત હદીસને અનુસરીને, અનુયાયીઓ ઇસ્લામના પાંચ સ્તંભોને મૂળભૂત એટલેકે પાયાના સ્તંભ તરીકે ઓળખે છે. એટલે કે આસ્થા/ઈમાન, નમાઝ, જકાત, રોઝા અને હજ અને સંપૂર્ણ આસ્થા/ઈમાન રાખવા માટે, અનુયાયીને અલ્લાહ  પર વિશ્વાસ હોવો જરૂરી છે. ફરિશ્તા, તેના પયગંબરો, ન્યાયના દિવસ અને ઈશ્વરીય હુકમ/વહીમાં. તેથીજ, અલ્લાહ, પયગંબર સ.અ.વ. અને ન્યાયના દિવસ પર આસ્થાના ઘટકો વર્તમાન હેતુ માટે મહત્વપૂર્ણ છે.

ઇસ્લામિક શરિયાનું પ્રથમ સ્ત્રોત, કુર્આન, સ્ત્રીઓ દ્વારા તન ઢાંકવા અંગેની નીચેની કલમો નોંધે છે.

સૂરઃ (અધ્યાય) નૂર, આયાત (શ્લોક) ૩૧,

“અને હે નબી ! ઈમાનવાળી સ્ત્રીઓને કહી દો કે પોતાની નજરો બચાવીને રાખે અને પોતાના ગુપ્તાંગોની રક્ષા કરે, અને પોતાના શણગાર ન દેખાડે, સિવાય તેના જે આપોઆપ પ્રગટ થઈ જાય, અને પોતાની છાતીઓ પર પોતાની ઓઢણીઓના પાલવ નાખેલાં રાખે, તેઓ પોતાનો શણગાર જાહેર ન કરે પરંતુ આ લોકોની સામેઃ પતિ, પિતા, પતિઓના પિતાઓ, પોતાના પુત્રો, પતિઓના પુત્રો, ભાઈ, ભાઈઓના પુત્રો, બહેનોના પુત્રો, પોતાની પરિચિત સ્ત્રીઓ, પોતાના દાસ-દાસીઓ, તે આધીન પુરુષો જેઓ કોઈ બીજા પ્રકારનો આશય ધરાવતા ન હોય, અને તે બાળકો જેઓ સ્ત્રીઓની છૂપી વાતોથી હજુ માહિતગાર ન થયા હોય, તેઓ પોતાના પગ જમીન ઉપર પછાડીને ન ચાલે કે જેથી તેમના શણગાર જે તેમણે છૂપાવી રાખ્યા હોય તેને લોકો જાણી જાય. હે ઈમાનવાળાઓ! તમે સૌ ભેગા મળીને અલ્લાહથી તૌબા (ક્ષમાયાચના) કરો, આશા છે કે સફળતા પામશો.”

સુરા અહઝાબ, આયત ૫૯,

“હે પયગંબર ! પોતાની પત્નીઓ અને પુત્રીઓ અને ઈમાનવાળી સ્ત્રીઓને કહી દો કે પોતાના ઉપર પોતાની ચાદરોના પાલવ લટકાવી રાખે. આ વધુ ઉચિત રીત છે જેથી તેઓ આોળખી લેવામાં આવે અને સતાવવામાં ન આવે. અલ્લાહ દરગુજર કરનાર અને દયાળુ છે.”

કુર્આનની ઉપરોક્ત બંને કલમો આસ્થાવાન સ્ત્રીઓને પોતાના પાલવ ઢાંકવા માટેના અલ્લાહના આદેશોને પ્રતિપાદિત કરે છે, જેનાથી અલ્લાહમાં આસ્થાનો પ્રથમ ઘટક એટલે કે કુર્આન સંતુષ્ટ છે.

ઇસ્લામિક શરીઆહનો બીજાે સ્ત્રોત, અહાદીસ, કુઆર્નની ઉપરોક્ત કલમોને સમજાવતી સ્ત્રીઓ દ્વારા ઢાંકવા અંગેની નીચેની હદીસ દર્શાવે છે.

સહીહ બુખારી, હદીસ નં.૪૭૫૮

“આઇશા એ કહ્યુંઃ અલ્લાહ પ્રારંભિક સ્થળાંતર કરવાવાળી બાનુઓ પર તેની કૃપા કરે. જ્યારે અલ્લાહે જાહેર કર્યુંઃ “(એટલે કે તેમના શરીર, ચહેરા, ગરદન અને છાતી પર તેમના પાલવ ઢાંકી રાખવા માટે…” (V.24:31) તેઓએ તેમના  વધારાના વસ્ત્રો ફાડી નાંખ્યા (ગરમ કપડાં, કમરે બાંધેલા કપડાં અથવા એપ્રોન વગેરે) અને તેમના માથા,ચહેરા અને છાતીના પાલવ ઢાંક્યા.

સહીહ બુખારી, હદીસ નં.૪૭૫૯

સફીયા બિન્ત શૈબાનું વર્ણન છેઃ આયશા કહેતી હતીઃ જ્યારે (શ્લોક)… “(એટલે કે તેમના શરીર, ચહેરા, ગરદન અને છાતી) પર તેમના પડદા ખેંચવા માટે…” (V.24:31) જાહેર કરવામાં આવ્યું તો, આ  મહિલા કમર પર બાંધેલ દુપટ્ટાને હાંસિયામાંથી કાપીને તેમના માથા અને ચહેરાને ઢાંકી દે છે”.

તેથી, ઉપરોક્ત કલમો પયગંબર સ.અ.વ. દ્વારા સમજાવવામાં આવી છે અને મુસ્લિમો દ્વારા આ રીતે પયગંબર સ.અ.વ.ના જીવનકાળમાં અમલમાં મુકવામાં આવી હતી. આમ આસ્થાનું બીજું ઘટક એટલે કે તેમના અનુસરણ દ્વારા પયગંબર સ.અ.વ.માં વિશ્વાસ, પણ સંતુષ્ટ છે.

પછી વિશ્વાસનો ત્રીજાે ઘટક આવે છે, ન્યાય પ્રસ્થાપનાના દિવસ ઉપર શ્રધ્ધા/આસ્થા અને આ જીવનમાં કરેલ પાપ માટે જવાબદારીનો સ્વીકાર. અલ્લાહની આજ્ઞાઓ અને પયગંબર સ.અ.વ.ની હદીસને સ્વીકારવા, માનવા અને અમલમાં મૂકવાથી એ જ દર્શાવવામાં આવે છે. કારણ કે જાે આપનું આચરણ  તેને અનુરૂપ નથી, તો આવું આચરણ પાપ છે, અને ન્યાયના દિવસે, તે  સજામાં પરિણમશે. તેથી, આવી ક્રિયાને ઇસ્લામિક ધર્મશાસ્ત્રમાં પાપ માનવામાં આવે છે. તદુપરાંત, તેમાંની માન્યતાનો ઇનકાર પણ અવિશ્વાસ (કુફ્ર) ગણાય છે.

ઉપરોક્ત મુદ્દાને ધ્યાનમાં રાખીને, આસ્થાવાન મુસ્લિમ મહિલાઓ/કન્યાઓ અલ્લાહ અને તેના છેલ્લા પયગમ્બર સ.અ.વ.ની આજ્ઞાઓનું પાલન ન કરવાને કારણે તેમની આધ્યાત્મિક સુખાકારી અને ન્યાયના દિવસે સજાના ડરથી હિજાબ પહેરે છે. તેથી, આસ્થાવાન મુસ્લિમ મહિલા/કન્યાને હિજાબ ન પહેરવા માટે દબાણ કરવું એ તેણીને અવિશ્વાસ (કુફર) કરવા મજબૂર કરે છે અને તે, બંધારણના ભાગ IIIમાં સુરક્ષિત તેના મૂળભૂત અધિકારોનું ગંભીર ઉલ્લંઘન છે.

હિજાબ ધાર્મિક ગ્રંથો પર આધારિત એક પ્રથા હોવાને કારણે, ૧૪૦૦ વર્ષથી વધુ સમયથી ચલણમાં હોવાને કારણે, મુસ્લિમો અને તેમના ધર્મ ઇસ્લામ સાથે ઓળખ અને જાેડાણ દર્શાવે છે અને આવી પ્રથાનું પાલન  કરવા, આવશ્યક ધાર્મિક ચલણ કસોટીને સાબિત કરવા માટે જરૂરી તમામ કસોટીઓને પૂર્ણ કરે છે. અવિશ્વાસ અને પાપી બનવું.

આ તબક્કે, એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે કુઆર્ન અને હદીસનો આદેશ અનુમતિ સિવાયના પુરૂષોની સમક્ષ હોય ત્યારે વધારાના વસ્ત્રો (જીલબાબ) વડે સમગ્ર શરીરને ઢાંકવાનો છે. તેમ છતાં, હાલના કિસ્સામાં, મુસ્લિમ/કન્યાઓ તે તો  માંગતી જ નથી પરંતુ માત્ર માથું ઢાંકવા માટે કહી રહી છે.શાળાના ગણવેશ ઉપરાંત, તે હિજાબથી તેમના માથા અને ગરદનને ઢાંકવા માંગે છે. સરકારી અથવા સરકારી સહાયથી ચાલતી શાળાઓમાં બિનસાંપ્રદાયિક શિક્ષણ મેળવવાના મુસ્લિમ કન્યાઓના અધિકારોને સંતુલિત કરવા અને તેમને આસ્થાથી ચલિત/કુફ્ર કરવા માટે દબાણ ન કરવા માટે આ વાજબી ગોઠવણ જરૂરી છે.

રાજ્યની દલીલ એ છે કે મુસ્લિમ છોકરીઓને બિનસાંપ્રદાયિક શિક્ષણનો ઇનકાર કરવો અને જાે તેઓ અવિશ્વાસ/ કૂફ્ર ટાળવા માંગતા હોય તો તેમને મદરેસામાં શિક્ષણ માટે છોડી દેવી જાેઈએ. આવો ગેરવાજબી અને કઠોર વ્યવહાર અનુચિત છે, અને આ રીતે મુસ્લિમ કન્યાઓના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન અને ઇનકાર યોગ્ય નથી.

તદુપરાંત, જ્યારે અન્ય નાગરિકોની માન્યતાઓને સ્વીકારવામાં આવેછે અને સુરક્ષિત કરવામાં આવેછે, ત્યારે મુસ્લિમોની માન્યતા પર પ્રશ્ન કરી, ઉપહાસ કરીને નકારી શકાય નહીં. જાે શીખને પાઘડી પહેરવાનો અધિકાર છે, જાે યહોવાહના સાક્ષી એવા ખ્રિસ્તી સંપ્રદાયને રાષ્ટ્રગીત ન ગાવાનો અધિકાર છે, જાે જૈન અને પારસીને તેમના સમુદાય (રતિલાલ પાનાચંદ ગાંધી) દ્વારા બનાવવામાં આવેલા ટ્રસ્ટ વિશે ધાર્મિક અધિકાર છે અને જાે હિન્દુઓને ચોક્કસ સમયે અને ચોક્કસ રીતે અને ચોક્કસ સમુદાય (શિરુર મઠ) દ્વારા પૂજા કરવાનો અધિકાર છે, તો શા માટે મુસ્લિમ છોકરીઓને હિજાબ પહેરવાનો અધિકાર નથી.

શિક્ષણનો અધિકાર મેળવવાની શરત તરીકે એકતા, સમાનતા અને અખંડિતતા લાદી શકાતી નથી, જે જીવનના અધિકાર (ઉન્નીકૃષ્ણન કેસ)નું એક પાસું છે અને ભાઈચારો, વિવિધતા અને અલગ ઓળખના આદર્શોને પણ ભૂંસી શકાતા નથી. –•–

(લેખક ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદમાં કાયદાની પ્રેક્ટિસ કરે છે અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય છે. આ લેખ ત્યારે લખવામાં આવ્યો હતો જ્યારે હિજાબ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં દલીલો ચાલી રહી હતી. હવે દલીલો પૂરી થઈ ગઈ છે અને સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.)


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments