Tuesday, December 10, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપશું છે જ્ઞાનવાપી મસ્જિદનો ઇતિહાસ?

શું છે જ્ઞાનવાપી મસ્જિદનો ઇતિહાસ?

અફરોઝ આલમ સાહિલ

બનારસના મુફતી અને જ્ઞાનવાપીની શાહી જામા મસ્જિદના ઇમામ અને ઉપદેશક મુફતી અબ્દુલબાતિન નોઅમાની પોતાના પુસ્તક “જામા મસ્જિદ જ્ઞાનવાપીઃ ઇતિહાસના દર્પણમાં” માં લખે છે કે, “ઐતિહાસિક દૃષ્ટિકોણથી એ જાણી શકાયું નથી કે આ મસ્જિદના મૂળ સ્થાપક કોણ હતા અને તેનો શિલાન્યાસ ક્યારે કરવામાં આવ્યો. પરંતુ એટલું તો ચોક્કસ છે કે મુઘલ સામ્રાજ્યાના રાજા જલાલુદ્દીન મુહમ્મદ અકબર કે જેમનું શાસનકાળ ઈ.સ. ૧૫૫૬ થી ઈ.સ. ૧૬૦૫ સુધીનું છે, એ સમયગાળામાં પણ આ જામા મસ્જિદ અસ્તિત્વમાં હતી, અને એમાં સત્તાવાર નમાઝ પઢવામાં આવતી હતી. તેનો એક ઐતિહાસિક પુરાવો એ છે કે આ સમયગાળા દરમ્યાન બનારસના પ્રખ્યાત સંત, વલી કામિલ, બનારસના કુતુબ હઝરત મખદૂમ શાહ તૈયબ બનારસી (ર.અ. – મૃત્યુ ઈ.સ. ૧૬૩૩) નિયમિત રીતે આ જામા મસ્જિદમાં શુક્રવારની નમાઝ અદા કરતા હતા. ૬ ગંજ અરશદ, નામના પુસ્તકમાં એ યુગની એક ઘટનાનો ઉલ્લેખ છે.”

તેઓ લખે છે કે ૬ ગંજ અરશદ, નામનું પુસ્તક લગભગ સાડા ચારસો વર્ષ પહેલાંનું સંકલન છે. આ પુસ્તક એક બુઝુર્ગ શેખ મુહમ્મદ અરશદના સંગ્રહનો ફારસી અનુવાદ છે, જે તેમના શિષ્ય શુક્રુલ્લાહ દ્વારા એકત્રિત કરવામાં આવ્યો હતો. આ પુસ્તકની હસ્તલિખિત પ્રત ખાનકાહ રશીદિયા જાૈનપૂરની લાયબ્રેરીમાં હતી, જેને લેખકના પિતા મૌલાના મુફતી અબ્દુસ્સલામ નોઅમાની(મૃત્યુ  ઈ.સ.૧૯૮૭) એ જાેઈ અને તેનાથી લાભ પણ મેળવ્યો.

મુફતી અબ્દુલબાતિન નોઅમાની પોતાના પુસ્તકમાં વધુમાં લખે છે કે, “આ મસ્જિદની સ્થાપના સાથે જાેડાયેલી એક વાત એ પણ કહેવાય છે કે સુલ્તાન ઇબ્રાહીમ શાહ શરકી (મૃત્યુ ઈ.સ. ૧૪૪૦) જાેનપૂરના કાઝી સદર અને તેમના શિષ્ય શેખ સુલેમાન મુહદ્દિસે ૯મી હિજરીમાં રાજા આલમગીર (મૃત્યુ ઈ.સ.૧૭૦૭) ના દાદા હુમાયૂ(મૃત્યુ ઈ.સ. ૧૫૫૬)ના શાસનકાળના ઘણા સમય પહેલાં બનાવવામાં આવી હતી.” આનું વર્ણન એમણે પુસ્તક ‘તઝકિરતુલ મુત્તકીન’ના સંદર્ભમાં કર્યું છે.

મુફતી નોઅમાની પોતાના પુસ્તકમાં એક જગ્યાએ લખે છે, “અકબરના પુત્ર જહાંગીર (મૃત્યુ ઈ.સ. ૧૬૨૭) ના શાસનકાળ દરમ્યાન પણ આ મસ્જિદ આ જ શૈલીમાં રહી હતી. તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો ન હતો, પરંતુ જહાંગીરના પુત્ર શાહજહાં (મૃત્યુ ઈ.સ. ૧૬૫૭) એ તેમના શાસનકાળ ૧૦૪૮ હિજરી એટલે કે ૧૬૩૮ ઈ.સ.માં જામા મસ્જિદની પાછળના ખંડેરની જમીન પર “અયવાને શરીઅત” ના નામથી એક મદરેસાની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં દીનિયાતની શિક્ષા આપવામાં આવતી હતી. જે ઇમારતમાં મદરસો ચાલતો હતો તે ઘણા સમય પહેલાં જ ધરાશાયી થઈને ખંડેરમાં ફેરવાઈ ગઈ હતી. પરંતુ આજથી ૪૦ વર્ષ પહેલાં સુધી મસ્જિદના હોલમાં મદરસો ચોલતો હતો. હવે આ મદરેસાનું નામ અને નિશાન પણ બાકી નથી. આ મદરેસાની સ્થાપનાનો એક પુરાવો એ છે કે ઈ.સ. ૧૯૨૨માં એજ ખંડેરમાંથી એક ત્રિકોણાકાર પત્થર મળી આવ્યો હતો, જેના “અયવાને શરીઅત” કોતરેલું હતું અને સાથે ૧૦૪૮ હિજરી પણ કોતરેલું હતું. લગભગ ૪૦ વર્ષ પહેલાં સુધી આ પત્થર મસ્જિદોના અંજુમન મેનેજમેન્ટની ઓફિસમાં હતો, પરંતુ કેટલાક પ્રતિકૂળ અને કમનસીબ સંજાેગોને કારણે આ પત્થર પણ ખોવાઈ ગયો છે.”

તેઓ એમ પણ લખે છે કે, “ઘણા બધા લોકોને એવી ગેરસમજ છે કે આ મસ્જિદનો શિલાન્યાસ ઔરંગઝેબ આલમગીર (મૃત્યુ ઈ.સ. ૧૭૦૭)ના શાસનકાળમાં કરવામાં આવ્યો હતો અને તેના મૂળ સ્થાપકો પણ એ જ છે, જાે કે આ મસ્જિદના જુદા જુદા સંદર્ભો દ્વારા તેનું અકબરના શાસલકાળમાં અસ્તિત્વમાં હોવું સાબિત થઈ ચૂક્યું છે. જાે કે એ વાત ચોક્કસ છે કે બાદશાહ ઓરંગઝેબ આલમગીરે ઈ.સ. ૧૬૫૮માં તેનું પુનઃનિર્માણ કરાવ્યું હતું, પરંતુ આ બાંધકામ વાસ્તવમાં મૂળ બાંધકામ નથી. પરંતુ તે જૂના પાયા પરનું પુનઃનિર્માણ હતું. એ જ રીતે મસ્જિદમાં મળેલ શિલાલેખ પરથી કેટલાક લોકોને ગેરસમજ થઈ કે આ મસ્જિદ ઔરંગઝેબ આલમગીરના શાસનકાળમાં બનાવવામાં આવી હતી. શિલાલેખ પર જે લખવામાં આવ્યું હતું તેનો અર્થ એમ થાય છે કે , ‘સૌ પ્રથમ મહામહિમ હઝરત આલમગીર દ્વારા જામા મસ્જિદનું સમારકામ કરવામાં આવ્યું હતું, બાદમાં ૧૨૦૭ હિજરીમાં મસ્જિદના વારસાગત ટ્રસ્ટી સૈયદ મીરાસઅલી તથા અન્ય લોકો એ આંગણના ભાગનું સમારકામ કરાવ્યું.’ આ શિલાલેખ પરથી સ્પષ્ટ થાય છે કે તે ૧૨૦૭ હિજરી સનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું અને તેમાં અજ્ઞાનતા અથવા અન્ય કોઈ કારણસર લખી દેવામાં આવ્યું હતું કે આ મસ્જિદ ઔરંગઝેબ આલમગીર ર.અ. ના રાજગાદી પર બેઠા પછી બનાવવામાં આવી, પરંતુ ઐતિહાસિક રીતે કોઈ પૃષ્ટિ મળી નથી. એ સ્પષ્ટ છે કે સૈયદ મીરાસઅલી બ્રિટિશ શાસન દરમ્યાન જામા મસ્જિદ જ્ઞાનવાપીના ટ્રસ્ટી હતા. આ શિલાલેખ તેમના જ દ્વારા ૧૨૦૭ હિજરીમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. થોડા સમય પહેલાં સુધી આ શિલાલેખ જામા મસ્જિદના મિમ્બર પર રાખવામાં આવ્યું હતું. પરંતુ કમનસીબે તેને ત્યાંથી હટાવી દેવામાં આવ્યું છે, જેનું કારણ તપાસ છતાં પણ જાણી શકાયું નથી.”

મુફતી નોઅમાની પોતાના પુસ્તકમાં એક જગ્યાએ લખે છે, “જે લોકો દાવો કરે છે જ્ઞાનવાપી જામા મસ્જિદને મંદિર તોડીને બનાવવામાં આવી હતી અને પોતાના દાવા માટે એક પુરાવો પણ રજૂ કરે છે કે જામા મસ્જિદની પશ્ચિમ તરફ જે કમાનઆકાર એક નિશાની સમાન છે તે આ નાશ પામેલા મંદિરનો ભાગ છે, જ્યારે વાસ્તવિક્તા એ છે કે આ સ્થળ વિષે અલગ અલગ નિવેદનો છે. અને હિંદુઓ પોતે પણ આ વિરોધાભાસમાં સામેલ છે. આ ઉપરાંત એ ચિહ્ન પોતે એ નિવેદનનું ખંડન કરે છે કે જાે મંદિરની જગ્યાએ મસ્જિદ હોત તો આ ચિહ્ન શા માટે બાકી રહેત? તે પણ તોડી પાડવામાં આવ્યું હોત…”

શું કહે છે ઇતિહાસકારો અને અન્ય લેખકો?

ઔરંગઝેબ શાસનકાળ દરમ્યાન ફ્રેન્ચ ડોક્ટર ફ્રાન્સિસ બર્નિયરે ભારતનો પ્રવાસ કર્યો અને ફ્રેન્ચમાં તેમનું પ્રવાસ વર્ણન લખ્યું, જે  ઈ.સ. ૧૬૭૦માં પ્રકાશિત થયું. ઈ.સ. ૧૮૨૬માં ઇરવિંગ બ્રૂકે આ પુસ્તકનો અંગ્રજીમાં અનુવાદ કર્યો. આ પુસ્તક બે ભાગમાં ઉપલબ્ધ છે. આ પુસ્તક ઉર્દૂમાં પણ ઉપલબ્ધ છે. આ પ્રવાસવર્ણન વાંચ્યા પછી ખબર પડે છે કે ફ્રાન્સિસ બર્નિયર બનારસ પણ ગયા હતા અને ત્યાંના સૌથી મોટા પંડિતને પણ મળ્યા હતા. આ પુસ્તકમાં આ બેઠકનું વિગતવાર વર્ણન છે પરંતુ આમાં મંદિર તોડવાનો કોઈ ઉલ્લેખ નથી.

ડૉ. ઓમપ્રકાશ પ્રસાદ, જેઓ પટના યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગમાં પ્રોફેસર હતા, સંશોધન આધારિત તેમના પોતાના પુસ્તક “ઔરંગઝેબ : એક નવી દૃષ્ટિ” માં લખે છે કે, “ઔરંગઝેબ પર બનારસમાં કાશી વિશ્વનાથના મંદિરને નષ્ટ કરવાનો અને તેની પર મસ્જિદ બાંધવાનો આરોપ મૂકવામાં આવે છે, જેના કોઈ નક્કર પુરાવા નથી.” ડૉ.ઓમપ્રકાશ પ્રસાદનું આ પુસ્તક હિન્દી ભાષામાં ઈ.સ. ૧૯૮૭માં ખુદાબખ્શ ઓરિએન્ટલ લાયબ્રેરી, પટના દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તેઓ વધુમાં લખે છે કે, “બનારસમાં કાશી વિશ્વનાથના મંદિરને નષ્ટ કરવામાં ઔરંગઝેબને જવાબદાર ગણવામાં આવ્યો હતો, પરંતુ આ મંદિરને ઔરંગઝેબ દ્વારા નષ્ટ કરવામાં આવ્યું હોવાનું સાબિત કરવા કોઈ પુરાવા મળ્યા નથી. ઘણાં મંદિરો હિન્દુ શાસકોએ જાતે નષ્ટ કર્યા હતા, પરંતુ તેમના પર કોઈ ટીકા કરવામાં આવતી નથી. અહીં એક સીધો સવાલ ઉઠાવી શકાય કે બનારસ અને મથુરામાં જ મંદિરોનો વિનાશ શા માટે ? શું ભારતના અન્ય ભાગોમાં મોટા મંદિરો ન હતા ? દક્ષિણ ભારત આજે પણ તેના મોટા મંદિરો માટે વિશ્વપ્રસિદ્ધ છે. બીજાે પ્રશ્ન એ ઊભો થાય છે કે ઔરંગઝેબ એક કટ્ટર મુસ્લિમ હતો અને શરીઅત પ્રમાણે ધાર્મિક અને સામાજિક કાર્ય કરવાવાળો હતો, તો શું શરીઅત મંદિર તોડીને તેના પર મસ્જિદ બનાવવાની મંજૂરી આપે છે ? શરીઅતમાં સ્પષ્ટ પણે કહેવામાં આવ્યું છે કે કોઈ અન્યની જમીન કે ધાર્મિક સ્થળ છીનવીને અથવા ગેરકાયદે કબજાે કરીને મસ્જિદ બનાવવી ગેરકાયદેસર છે. શું મુઘલ શાસકો પાસે એટલી ઓછી જમીન હતી કે તેઓ મંદિરોને તોડી પાડવાને જરૂરી સમજતા હતા? ઔરંગઝેબના શાસનમાં તો દેશનો સૌથી મોટો વિસ્તાર હતો. તે ગમે ત્યાં મસ્જિદ બાંધવાની વ્યવસ્થા કરી શક્યો હોત. આપણને એ પણ જાણવું જાેઈએ કે ઔરંગઝેબને મસ્જિદ બનાવવાનો ખાસ શોખ ન હતો. તેમના કાળમાં મોટાભાગની મસ્જિદોનું સમારકામ જ કરવામાં આવ્યું હતું.”

તેમના પુસ્તકમાં તેઓ એક જગ્યાએ લખે છે, “મુસ્લિમો કરતાં વધુ મંદિરો લૂંટવાનું કામ હિન્દુ શાસકોએ કર્યું છે. શું કોઈ મુસ્લિમ શાસકના શાસનકાળ દરમ્યાન મંદિરોને લૂંટવાનો કોઈ વિભાગ હતો !!!. જ્યારે બારમી સદીમાં, કાશ્મીરના હર્ષ નામના શાસકે મંદિરોને લૂંટવા માટે એક અલગ વિભાગ બનાવ્યો હતો, જેનું કામ મંદિરોને લૂંટવાનું હતું.”

ડૉ.ઓમપ્રકાશ પ્રસાદ વધુમાં લખે છે કે, “ઔરંગઝેબે તેના શાસનની શરૂઆતથી જ શરીઅત અનુસાર હિંદુ મંદિરો, યહૂદી ધર્મસ્થાનો અને ચર્ચોને સમર્થન આપ્યું હતું. તેમણે એક નિયમ બનાવ્યો હતો કે કોઈ પણ જૂનું મંદિર તોડવામાં નહીં આવે. પરંતુ તેમણે નવા મંદિરોના બાંધકામ પર રોક લગાવી દીધી હતી, પરંતુ જૂનાં મંદિરોના સમારકામ કરવાની મંજૂરી આપી અને તેના માટે દાન પણ આપ્યું.” ડૉ. બી.એન. પાન્ડેએ તેમના પુસ્તકમાં એમ પણ જણાવ્યું છે કે બાદશાહ ઔરંગઝેબે હિંદુ મંદિરો અને મઠોને અનુદાન પણ આપ્યું હતું.

ડૉ. પ્રસાદ લખે છે કે, “બનારસ ફરમાનના નામથી મશહૂર ફરમાનનું વાંચન કરવાથી જાણવા મળે છે કે તે બનારસના ગૌરી મહોલ્લામાં રહેતા બ્રાહ્મણ પરિવાર માટે આપવામાં આવ્યું હતું. જેની સંપૂર્ણ વિગતો સૌ પ્રથમ  ઈ.સ. ૧૯૧૧માં રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બંગાલના જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી હતી. ૧૦ માર્ચ ૧૬૫૯ના રોજ ઔરંગઝેબના હુકમનામા મુજબ એક મુસલમાન હિન્દુ મંદિર તોડીને તેને જાહેર સ્થળ બનાવવા માંગતો હતો, પરંતુ ઔરંગઝેબે તેને અટકાવ્યો. કેટલાક અન્ય ફરમાનોના અભ્યાસથી જાણવા મળે છે કે ઔરંગઝેબ ઇચ્છતા હતા કે બનારસના હિંદુઓ શાંતિપૂર્ણ જીવન જીવે. એક ખાસ પ્રસંગે જ્યારે ધીરજ રાજા રામસિંઘે ઔરંગઝેબને અરજી મોકલી કે રાજાના પિતાના સમયથી ગંગા નદીના કિનારે ભગવત ગોસાઈં નામના પૂજારી માટે એક ઘર બાંધવામાં આવ્યું હતું, હવે કેટલાક મુસ્લિમો ગોસાઈંને હેરાન કરી પરેશાન કરી રહ્યા હતા. ઔરંગઝેબે અધિકારીઓને આદેશ આપ્યો કે તમામ મુસ્લિમોએ હિંદુમત તથા હિંદુઓ વચ્ચે શાંતિનું વાતાવરણ બનાવવામાં સહકાર આપવો જાેઈએ. ઈ.સ. ૧૯૩૪ના અલ્હાબાદ હાઇકોર્ટ કેસના એક દસ્તાવેજનો અભ્યાસ કરવાથી ખબર પડે છે કે ઔરંગઝેબ મુસ્લિમોની ગેરકાયદેસર કબજાની વિરુદ્ધ હતા. બનારસના રહેવાસી જગમલ અને અર્જુનમલે ઔરંગઝેબને અરજી કરી કે તેમના પાંચ ઘરો પર બનારસના એક મુસલમાન નઝીર બેગ દ્વારા બળજબરીથી કબ્જાે કરી લેવામાં આવ્યો છે. આ સંદર્ભમાં ઔરંગઝેબે ઈ.સ. ૧૬૭૨માં આદેશ આપ્યો કે જાે જગમલ અને અર્જુનમલની વાત સાચી હોય તો નઝીર બેગને ક્યારેય પણ આ ઘરોમાં પ્રવેશવા દેવામાં ન આવે.”

ત્યાં, ડૉ. બિશંભર નાથ પાંડે (બી.એન. પાંડે), જેઓ ઇતિહાસકાર, સંસદ સભ્ય, વિદ્વાન અને ઓડિસાના ગવર્નર રહી ચૂક્યા છે અને મૌલાના મુફતી અતાઉર્રહમાન કાસમી તેમના સંયુક્ત પુસ્તક “હિન્દુ મંદિર અને ઔરંગઝેબના આદેશો” માં લખે છે કે વિશ્વનાથ મંદિરની વાર્તા એવી છે કે બંગાળ જતી વખતે જ્યારે ઔરંગઝેબ બનારસ નજીકથી પસાર થયો ત્યારે હિંદુ રાજાઓએ કે જેઓ તેના તાબા હેઠળ હતા ઔરંગઝેબથી ત્યાં એક દિવસ રહેવાની વિનંતી કરી જેથી તેમની રાણીઓ બનારસમાં ગંગા સ્નાન અને વિશ્વનાથ દેવતાની પૂજા કરી શકે. ઔરંગઝેબ તરત જ રાજી થઈ ગયા અને તેમની સુરક્ષા માટે બનારસથી ૫ માઈલ સુધીના માર્ગમાં સૈનિકો ગોઠવી દીઘા. રાણીઓ પાલખીમાં સવાર હતી, ગંગા સ્નાન કર્યા બાદ તેઓ વિશ્વનાથ મંદિર પૂજા માટે રવાના થઈ. પૂજા પછી એક મહારાણી સિવાય બધી જ રાણીઓ પાછી ફરી. મહારાણીની શોધમાં મંદિરના આખા પરિસરમાં શોધખોળ કરવામાં આવી પરંતુ તે મળી નહીં. ઔરંગઝેબને આ ઘટનાની જાણ થઈ તો તે ખૂબ ગુસ્સે થયો અને તેણે પોતાના ઉચ્ચ અધિકારીઓને રાણીની શોધમાં મોકલ્યા. અંતે તેઓ મૂર્તિ પાસે આવ્યા જે દીવાલમાં સ્થાપિત હતી, જેને તેની જગ્યાએથી હલાવી શકાતી હતી. તેને ખસેડવા પર તેઓએ ભોંયરામાં જતી સીડીઓ જાેઈ જ્યાં તેઓએ એક ભયાનક દૃશ્ય જાેયું. રાણીની આબરૂ લૂટી લેવામાં આવી હતી અને તે ખૂબ જ રડી રહી હતી. આ ભોયરૂં વિશ્વનાથના આસનની નીચે આવેલું હતું. બધા રાજાઓ ખૂબ ગુસ્સે થયા અને સખત વિરોધ કર્યો. કારણ કે ગુનો અત્યંત ઘૃણાસ્પદ હતો તેથી રાજાઓએ ગુનેગારને સખત સજા કરવાની માગ કરી. ઔરંગઝેબે આદેશ કર્યો કે વિશ્વનાથની મૂર્તિને અન્ય જગ્યાએ ખસેડવામાં આવે કારણ કે તે સ્થળ અપવિત્ર થઈ ગયું હતું તથા મંદિરને તોડી પાડવામાં આવે અને મહંતની ધરપકડ કરીને તેને સજા કરવામાં આવે. આ ઘટનાનો ઉલ્લેખ કરતાં તેમણે લખ્યું છે કે, “ડૉ. પી. એલ. ગુપ્તાના દસ્તાવેજી પુરાવાના આધારે ડૉ.પટ્ટાભી સિતારમૈયાના કે જેઓ પટના મ્યુઝિયમના ભૂતપૂર્વ વ્યવસ્થાપક હતા આનો ઉલ્લેખ પોતાના પુસ્તક ‘ફેધર્સ એન્ટ સ્ટોન્સ’માં કરી પોતાનું સમર્થન આપ્યું છે.”

મૌલાના વહીદુદ્દીન ખાન તેમની પુસ્તક ‘ઇન્ડિયન મુસ્લિમ્સ ઃ ધ નીડ ફોર અ પોઝિટિવ આઉટલુક’ માં લખે છે, ‘નેતાઓ જ્ઞાન વાપી નામની જે મસ્જિદ છે તેને ઔરંગઝેબે એક મંદિર તોડીને બનાવી હતી. તેથી અમે તેનો નાશ કરીશું અને તેની જગ્યાએ નવું મંદિર બનાવીશું. તેઓ તેમની આ યોજનાને “ઇતિહાસ સુધારણા” એવું નામ આપે છે. બનારસની જે મસ્જિદનું વર્ણન કરવામાં આવ્યું છે તે વિશેનો દાવો સાચો છે કે ખોટો તે ધ્યાનમાં લીધા વિના ઇતિહાસ સુધારણાની આ થીયરી વૈશ્વિક સ્તરે નકારી કાઢવામાં આવી છે. આવા દૃષ્ટિકોણને અપનાવવું એ વાસ્તવમાં ધાર્મિક અત્યાચારના યુગને પાછું લાવવું છે, જેને આજના સમયમાં એક ભયાનક કાળ તરીકે ગણવામાં આવે છે. આ સિદ્ધાંત વાસ્તવમાં કટ્ટરતા છે ન કે સુધારણા.’

તેઓ પોતાના પુસ્તકમાં એક જગ્યાએ લખે છે ઃ “પ્રાચીનકાળમાં ઉપરોક્ત ઘટનાઓ દરેક જગ્યાએ બનતી હતી, તેથી જાે ઇતિહાસ સુધારણાનો સિદ્ધાંત જાે અપનાવવામાં આવે, તો તે કોઈ એક જૂથ પર અટકશે નહીં , પરંતુ તે દરેક જૂથ સુધી પહોંચશે. અને પછી આના પરિણામે જે પ્રાપ્ત થશે તે ઇતિહાસની સુધારણા નહીં પણ ઇતિહાસનો વિનાશ જ હશે. ભૂતકાળને લેવાના નામે તે વર્તમાનને ગુમાવતા હશે. સત્ય એ છે કે આ ચળવળના ધ્વજવાહકો માટે અહીં પસંદગી મસ્જિદ અને ઇતિહાસ સુધારણા નથી, પરંતુ મસ્જિદ અને સંપૂર્ણ વિનાશ છે.”

મૌલાના વહીદુદ્દીન ખાને તેમના પુસ્તકમાં ૨૯ જાન્યુઆરી ૧૯૯૩ના રોજ ‘ફ્રન્ટલાઈન’ના એક રિપોર્ટર વેંકટેશ રામાકૃષ્નનનો એક રિપોર્ટ ‘ફ્રન્ટલાઈન’ના અંકમાં પ્રકાશિત થયો હતો, તેનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે વેંકટેશ રામાકૃષ્નનને બનારસ જઈને આ બાબતે શોધખોળ કરી. એમનું કહેવું છે કે અયોધ્યાની જેમ મથુરા અને બનારસમાં પણ વિવાદ હકીકત પર આધારિત નથી, તે માત્ર કલ્પના પર આધારિત છે. તેમણે લખ્યું છે કે હિન્દુત્વના ધ્વજવાહકો કહે છે કે જ્ઞાનવાપી મસ્જિદ કે જે કાશી વિશ્વનાથ મંદિરની પાસે છે, તેને એક મંદિર તોડીને બનાવવામાં આવી હતી. પરંતુ તેમની પાસે આ દાવાની તરફેણમાં કોઈ સ્પષ્ટ પુરાવા નથી. અહીં સુધી કે મહંતોના નિવેદનો પણ સરખા નથી. જુદા જુદા મહંતો જુદી જુદી વાતો કરે છે. ઉદાહરણ તરીકે પંડિત રામશંકર ત્રિપાઠી કહે છે કે મૂળ મંદિર રઝિયા બેગમની મસ્જિદનું સ્થળ હતું, જે જ્ઞાનવાપી મસ્જિદથી બે કિલોમીટર દૂર આવેલું છે. પંડિત કૈલાશપતિ તિવારી જ્ઞાનવાપી મસ્જિદને જ પ્રાચીન મંદિરનું સ્થળ બતાવે છે. પરંતુ તેમની પાસે તેનો કોઈ ઐતિહાસિક પુરાવો નથી. અન્ય કેટલાક મહંતો કહે છે કે મૂળ વિશ્વનાથ મંદિર વિશ્વગંજમાં હતું. આ સ્થળ પણ જ્ઞાનવાપી મસ્જિદથી ૨ કિલોમીટર દૂર છે. આ સિવાય બીજા ઘણા મંતવ્યો છે પરંતુ કોઈની પાસે ઐતિહાસિક દસ્તાવેજાે નથી. ઇતિહાસ કહે છે કે બનારસના સંતો અને પંડિતોના મુઘલ બાદશાહ ઔરંગઝેબ સાથે સારા સંબેધો હતા, તો આવામાં તેણે મંદિર શા માટે તોડ્યું ? આ સમજી શકાય તેવું નથી. વધુમાં વર્તમાન વિશ્વનાથ મંદિરનું નિર્માણ ઈ.સ. ૧૭૭૭માં ઇંદૌરની મહારાણી અહલિયા બાઈ હોલકરે કરાવ્યું હતું. ત્યારે જ્ઞાનવાપી મસ્જિદને તોડી પાડવાની તજવીજ હાથ ધરાઈ હતી. મહારાણીએ બનારસના પંડિતોની સલાહ લીધી. લોકપતિ ત્રિપાઠીના નિવેદન મુજબ પંડિતોએ આનો વિરોધ કર્યો કારણ કે તેમની નજીક અન્ય સંપ્રદાયના પૂજા સ્થળને તોડીને ત્યાં મંદિર બનાવી શકાય નહીં, તેથી આ પ્રસ્તાવનો અંત આવ્યો.

જ્ઞાનવાપી એ મસ્જિદનું નામ નથી, પણ મહોલ્લાનું નામ છે !

બનારસની આ મસ્જિદનું નામ ‘જ્ઞનવાપી’ નહીં, પરંતુ ‘જામા મસ્જિદ’ છે. આ અંગે મુફતી નોઅમાની પોતાના પુસ્તકમાં લખે છે  ઃ ‘સામાન્ય છાપ એવી છે કે ‘જ્ઞનવાપી’ એ મસ્જિદનું નામ છે, જાે કે આ છાપ ખોટી છે. હકીકત એ છે કે મસ્જિદ જ્યાં આવેલી છે તે વિસ્તારનું નામ જ્ઞાનવાપી છે. તે મુજબ તે જ્ઞાનવાપી મસ્જિદ તરીકે પ્રખ્યાત છે. ’

મસ્જિદ યુપી સુન્ની વકફ બોર્ડ હેઠળ છે જામા મસ્જિદ જ્ઞાનવાપીના ઇમામ અને ઉપદેશક મુફતી અબ્દુલ બાર્તિન નોઅમાની તેમના પુસ્તક, “જામા મસ્જિદ જ્ઞાનવાપી : ધ મિરર ઓફ હિસ્ટ્રી” માં લખે છેે, “૧૯૩૬માં જામા મસ્જિદના ટ્રસ્ટી દીન મુહમ્મદ સાહેબે જામા મસ્જિદની માલિકી માટે બનારસની અદાલતમાં કેસ દાખલ કર્યો હતો, જેનો ન્યાયાધીશે ઈ.સ. ૧૯૩૭માં નિર્ણય કર્યો હતો કે મસ્જિદ ઉપરથી નીચે સુધી સુન્ની મુસ્લિમ વકફની છે. ધ્યાન આપવા જેવી બાબત એ છે કે વર્ષ ઈ.સ. ૧૯૩૬માં આ મસ્જિદના સંદર્ભમાં અદાલતમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેનો નિર્ણય બીજા વર્ષે ઈ.સ. ૧૯૩૭માં આવ્યો અને અદાલતે તેને મસ્જિદ તરીકે સ્વીકારી હતી.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments