Friday, March 29, 2024
Homeઓપન સ્પેસભારતમાં વકફની મિલકતોની દુર્દશા ખૂબ ચિંતાજનક!

ભારતમાં વકફની મિલકતોની દુર્દશા ખૂબ ચિંતાજનક!

મૌલવી ઇકબાલહુસેન બોકડા

સાચર સમિતિના અહેવાલ મુજબ ભારતમાં સંરક્ષણ મંત્રાલય અને રેલ્વે બાદ ત્રીજા નંબરે સૌથી વધુ સ્થાવર મિલકત વકફ પાસે છે. વકફની સ્થિતિના સંપૂર્ણ અભ્યાસ માટે સાચર સમિતિએ પ્રકરણ-૧૧ ફાળવીને આખો ચિતાર રજૂ કર્યો છે. ઈ.સ. ૨૦૦૬માં પ્રસિદ્ધ થયેલા આ અહેવાલ મુજબ દેશમાં કુલ ૪.૯ લાખ રજિસ્ટર્ડ વકફની મિકતો છે, જે કુલ ૬ લાખ એકરમાં હોવાનો અંદાજ છે. ગહન સર્વેક્ષણના અંતે સાચર સમિતિએ પ્રસ્તુત કરેલા અહેવાલ મુજબ જાે વકફની આ મિલકતોનો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો વાર્ષિક ૧૨૦૦૦ કરોડ રૂપિયા કે દર મહિને ૧૦૦૦ કરોડ રૂપિયાની આવક થાય. આ માતબર રકમ દ્વારા મુસ્લિમોની શૈક્ષણિક પ્રગતિ અને આર્થિક ઉદ્ધારનાં અનેક કાર્યો કરી શકાય. મહારાષ્ટ્રના IPS ઓફિસર અને IGPના ઉચ્ચ હોદ્દેથી CAAના વિરોધમાં રાજીનામું આપનાર અધિકારી અબ્દુર્રહમાન સાહેબનું પુસ્તક Denial and Deprivation 2019માં પ્રકાશિત થયું હતું. સાચર સમિતિના અહેવાલના ૧૩ વર્ષ પછી તેમણે આ પુસ્તકમાં વકફની મિલકતોની દુર્દશાનો અહેવાલ પ્રકરણ-૧૪માં રજૂ કર્યો છે.

ભારતમાં ઔધોગિક એકમો દ્વારા, રાજ્ય કે કેન્દ્ર સરકારો દ્વારા અથવા વ્યક્તિગત રીતે વકફની મિલકતો પર કબજાે કરવાની, ગેરકાનૂની રીતે વેચી દેવાની અને કાનૂની ગૂંચવાડા ઊભા કરવાની દાસ્તાન ખૂબ લાંબી છે. કેટલીક જગ્યાએ વકફ કમિટીના સભ્યો દ્વારા જ ભ્રષ્ટાચાર પ્રત્યે આંખ આડા કાન કરવાની કે ખુદ મુસ્લિમો દ્વારા જ વકફની જમીનોને પચાવી પાડવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. આમ, ખૂબ દુઃખદ રીતે વકફની હજારો એકર જમીન બરબાદ થઈ ચૂકી છે. તેના કેટલાક દિલચસ્પ ઉદાહરણો અહીં વાચકો સમક્ષ પ્રસ્તુત છે.

મુકેશ અંબાણીની ભવ્ય ઇમારત યતીમખાનાની જમીન પર?

આપને જાણીને અચરજ થશે કે દક્ષિણ મુંબઈમાં અલ્ટામાઉન્ટ રોડ પર આવેલી મુકેશ અંબાણીની ૨૭ માળની ભવ્યતમ ઇમારત ‘એંટિલિયા’ યતીમખાનાની જમીન ઉપર ઊભી છે. આ સ્થળે ‘કરીમભાઈ ઇબ્રાહિમભાઈ ખોજા યતીમખાનું’ આવેલું હતું. ઈ.સ.૨૦૦૨માં કરીમભાઈ ખોજા ટ્રસ્ટે યતીમખાનાની ૪૫૩૨ ચો.મી.ની વિશાળ જમીન અંબાણી સાહેબની કંપની ACPL માત્ર ૨૧.૦૫ કરોડમાં વેચી, જેની અંદાજિત કિંમત તે સમયે ૫૦૦ કરોડ રૂપિયા થતી હતી. મહારાષ્ટ્ર વકફ બોર્ડની પરવાનગી વિના વેચેલી આ જમીનને ૨૭મી ઓગષ્ટ, ૨૦૦૨ના રોજ ચૅરિટી કમિશ્નરશ્રીએ બહાલી આપી.

ઇસ્લામી શરીઅત મુજબ આ જમીન વકફની ગણાય, જે કદાપિ વેચી શકાય નહીં. પરંતુ કાનૂની આંટીઘૂંટી એ રીતે ઊભી કરવામાં આવી કે વકફ અધિનિયમ મુજબ જે જમીન વકફ બોર્ડમાં રજિસ્ટર્ડ હોય, તે વકફની ગણાય. પણ જે જમીન ચૅરિટી કમિશનમાં રજિસ્ટર્ડ હોય તે વકફ ગણાય કે નહીં?

વિકાસના નામે ઔદ્યોગિક એકમોનો કબજાે

આંધ્રપ્રદેશમાં કોંગ્રેસની વાય. એસ. આર. રેડ્ડી સરકારે ૨૦૦૪માં હૈદરાબાદના સબઅર્બન વિસ્તારમાં આવેલી દરગાહ હુસૈનશાહ વલીની અંદાજે ૩૨૦૦૦ કરોડની કિંમત ધરાવતી ૧૬૩૦ એકર જમીન આંધ્રપ્રદેશ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર કોર્પોરેશન (APIIC)ના માધ્યમથી કોર્પોરેટ્‌સ અને બહુરાષ્ટ્રીય કંપનીઓ (MNCs)ને લહાણી કરી. તેમાંથી ૪૦૦ એકર Emmaar, ૧૦૮  એકર Lanco Hillsને, ૫૪ એકર માઇક્રોસોફ્ટને, ૫૦ એકર ઇન્ફોસિસને, ૩૦ એકર વિપ્રો વગેરે કંપનીઓને આંધ્રપ્રદેશ વકફ બોર્ડ (APSWB)ના વિરોધ છતાં ફાળવી આપી. વકફ બોર્ડે ટ્રિબ્યુનલમાં કેસ દાખલ કર્યો. વફફ ટ્રિબ્યુનલે ૨૦૧૧માં વકફ બોર્ડની તરફેણમાં ચુકાદો આપીને આંધ્ર સરકારની લહાણીને રદ્દબાતલ ઠરાવી. સરકાર અને અસરગ્રસ્ત MNCsએ હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી. એપ્રિલ ૨૦૧૨માં હાઇકોર્ટે ટ્રિબ્યુનલના ફેંસલાને યથાવત રાખીને આ જમીન વકફની હોવાનો ચુકાદો આપ્યો. હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ MNCsએ રાજ્ય અને કેન્દ્ર સરકારના સમર્થનથી સુપ્રીમ કોર્ટમાં ખાસ પિટિશન દાખલ કરી. મે ૨૦૧૨માં  સુપ્રીમે હાઇકોર્ટનાં ચુકાદા પર સ્ટે મૂકીને Lanco Hills તેમજ અન્ય MNCsને બાંધકામ ચાલુ રાખવા મંજૂરી આપી. વકફની આ કરોડોની મિલકતનો કેસ હજુ સુપ્રીમમાં પેન્ડિંગ છે.

અગાઉ ચંદ્રબાબુ નાયડુની ટીડીપી સરકારે હૈદરાબાદમાં નવું એરપોર્ટ બનાવવા માટે દરગાહ બાબા શરફુદ્દીનની માલિકીની ૧૧૦૦ એકર જમીન એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાને અર્પણ કરી હતી.

સાચર સમિતિના રિપોર્ટ મુજબ કર્ણાટકમાં વકફની ૪૨ મિલકતો પર રાજ્ય સરકારનો કબજાે છે. ઈ.સ. ૨૦૦૦માં દિલ્હીમાં બનાવવામાં આવેલ ઇન્દ્રપ્રસ્થ મિલેનિયમ પાર્ક અહલે-ઇસ્લામ કબ્રસ્તાન ટ્રસ્ટની જમીન પર છે. ૨૦૧૨માં કર્ણાટક લઘુમતી પંચના તત્કાલીન અધ્યક્ષ અનવર મનીપડ્ડીએ વકફની જમીનમાં બે લાખ કરોડના કૌભાંડનો અહેવાલ કર્ણાટકની ભાજપ સરકારને સોંપ્યો હતો.

ઇન્દિરા ગાંધીએ વકફની મિલકતો ખાલી કરવા અથવા પૂરેપૂરું ભાડું ચૂકવવા તમામ રાજ્ય સરકારોને ૨૬/૩/૧૯૭૬ના રોજ તાકીદનો પત્ર પાઠવ્યો હતો.

વકફની મિલકતોનું નજીવું ભાડું

પ્રસિદ્ધ સામાજિક કાર્યકર અફરોઝ આલમ સાહિલે આરટીઆઈ એક્ટ હેઠળ માંગેલ માહિતી મુજબ વકફની માલિકીની દિલ્હીની ૧૦૦થી વધુ સરકારી કચેરીઓ કે મકાનોની યાદી રજૂ કરી હતી, જેમનું માસિક ભાડું રૂપિયા ૧ થી ૨૨ સુધી હતું. તેમાંથી મોટા ભાગના મકાનો-ક્ચેરીઓએ વર્ષોથી ભાડું ચૂકવ્યું ન હતું.

ભારતની સૌથી ભવ્ય ફાઇવ સ્ટાર હોટલોમાં ગણાતી બેંગ્લુરુની વિન્ડસર મેનર શેરેટોન હોટલ વકફની જમીન પર બનેલી છે. ૩૦ વર્ષના પટે આપવામાં આવેલી અને રૂપિયા ૬૦૦ કરોડની કિંમતની જમીન પર બનેલી હોટલનું માસિક ભાડું માત્ર ૧૨૦૦૦ રૂપિયા છે. અચરજની વાત એ છે કે હોટલ પોતાના ગ્રાહકો પાસેથી માત્ર ૧ રૂમનું માસિક ભાડું રૂપિયા ૫૦૦૦૦ મેળવે છે.

મુંબઈથી પ્રકાશિત થતાં ઉર્દૂ દૈનિક ‘ઇન્કિલાબ’માં ૧૬મી માર્ચ, ૨૦૧૩ના રોજ મહારાષ્ટ્રની એવી ૮૨ સરકારી કચેરીઓનું લિસ્ટ આપવામાં આવ્યું હતું, જે વકફની જમીન પર બનેલી છે. મશહૂર આરટીઆઈ કાર્યકર ઇન્તિઝાર નઈમે મેળવેલ માહિતીમાં વકફની એવી ૩૨ મિલકતોની યાદી આપવામાં આવી હતી, જેના પર ઉત્તરપ્રદેશ સરકારનો કબજાે હતો.

આમ, આઝાદી બાદ ભારતમાં લાખો કરોડની વકફની મૂલ્યવાન સંપત્તિ નષ્ટ થઈ ચૂકી છે. સરકારે વકફની જાળવણી માટે વકફ એક્ટ-૧૯૫૪ બનાવ્યો હતો. તેમાં અનેક ત્રુટિઓ હતી. હવે તેમાં સુધારા કરીને સરકારે બહુ મોડેથી વકફ એક્ટ-૨૦૧૩ પાર્લમેન્ટમાં પસાર કર્યો છે. આ કાયદામાં  વકફની મિલકતો વેચવા પર સદંતર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

હાલમાં પોતાના વ્યક્તિગત ડોક્યુમેન્ટ અંગે દેશભરમાં જાગૃતિની લહેર વ્યાપી છે. વકફની મૂલ્યવાન સંપત્તિના ડોક્યુમેન્ટ કોણ એકઠા કરશે? વકફની મિલકતોના રક્ષણ માટે કોણ અભિયાન ચલાવશે? એ આપની તમામની સહિયારી જવાબદારી છે. સમય બહુ વીતી ગયો, સમાજને પારાવાર નુકસાન થયું. આવો, હવે કટિબદ્ધ બનીએ. કાનૂન અને ઇસ્લામી શરીઅતનાં નિયમોને આધીન વકફની મિલકતોના રક્ષણ માટે દેશભરમાં જાેરદાર અભિયાન ચલાવીએ. વકફની આવકનો કોમના ઉદ્ધાર માટે સાચો ઉપયોગ થાય, તે માટે જાગૃતિ લાવવા સજ્જ થઈને દેશમાં આવેલી વકફની સંપત્તિને સુરક્ષિત કરવાની ઝુંબેશ શરૂ કરીએ.

સંદર્ભઃ

(1) Sachar Committee Report (2006)
(2) Denial and Deprivation by Abdul Rahman (Manohar-2019)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments