Tuesday, December 10, 2024
Homeઓપન સ્પેસમારા મૃત્યુ પછી..! એક અદ્‌ભૂત કલ્પના-ચિત્ર..!

મારા મૃત્યુ પછી..! એક અદ્‌ભૂત કલ્પના-ચિત્ર..!

શિયાળાની ઋતુની એક થથરાવી મૂકનારી સંધ્યા હતી, જ્યારે મારું મૃત્યુ થયું.

તે દિવસે સવારથી જ માવઠું થઈ રહ્યું હતું, વરસાદ ચાલુ-ને-ચાલુ હતો. પત્ની સવારે જ મને ડૉક્ટર પાસે લઈ ગઈ હતી. ડોક્ટરે દવાઓ બદલીને બીજી આપી, પણ હું આદતથી વિરુદ્ધ ચૂપ જ રહ્યો. બપોર સુધીમાં તો હાલત વધારે ખરાબ થઈ ગઈ.

જે દીકરો અહીં હતો તે એક વર્ક-શોપમાં ભાગ લેવા વિદેશ ગયો હતો. નાની દીકરી અને તેનો પતિ બંને UNICEFના સર્વે માટે મોટા શહેરમાં ડ્યૂટી પર હતા. વડોદરાવાળી દીકરીને મેં ફોન ન કરવા દીધો, એટલા માટે કે તેનો પતિ હંમેશાં ખૂબ વધારે વ્યસ્ત રહે છે અને નાના-નાના બાળકોના કારણે તેનું પણ આવવું મુશ્કેલ છે. રહ્યા બે દીકરા બીજા, તેઓ તો પહેલાંથી જ ગલ્ફમાં છે. તેમને ફોન કરીને પરેશાન કરવાનું કોઈ કારણ નથી. હવે હું અને મારી પત્ની તેમજ મારો નોકર, ત્રણ જ જણ ઘરે હતા. નોકર આમ તો સાંજે ઘરે જતો રહે છે, પણ મારી નાજુક હાલત જાેઈને તે રોકાઈ ગયો હતો.

સાંજ ઢળવા લાગી તો મને લાગ્યું કે નબળાઈના કારણે વાત કરવું મુશ્કેલ બનતું જઈ રહ્યું છે. મેં મારી જૂની ડાયરી કાઢી. પત્નીને પાસે બેસાડીને લેવડ-દેવડની વિગત બતાવવા લાગ્યો, જે મારે વસૂલ કરવાના હતા અને જે બીજાઓને આપવાના હતા. પત્નીએ થોડો વિરોધ કર્યો, “આ તો તમારી જૂની આદત છે, જરા પણ કંઈ થાય તો તરત જ ડાયરી કાઢીને બેસી જાઓ છો.” જાે કે તેના વિરોધમાં આજે પહેલાં જેવો વિશ્વાસ ન હતો. પછી સૂર્ય આથમી ગયો. અંધકાર અને ઠંડી બંને વધવા લાગ્યા. પત્ની મારા માટે સૂપ બનાવવા માટે કીચનમાં ગઈ. તેની ગેરહાજરીમાં મેં થોડાક ઊખડેલા છેલ્લા શ્વાસ લીધા, અને… મારા જીવનનો સૂર્ય પણ આથમી ગયો.

મને એવું લાગી રહ્યું હતું કે હું ધીમે-ધીમે મારા શરીરમાંથી બહાર નીકળી રહ્યો છું. પછી હવામાં તરવા લાગ્યો અને છતના નજીક પહોંચી ગયો. પત્ની સૂપ લઈને આવી એ હું જાેઈ રહ્યો હતો. એક પળ માટે તેના પર મૂર્છા છવાઈ ગઈ, અને પછી ચીસો પાડીને રડવા લાગી. મેં બોલવાની કોશિશ કરી, પણ..! આ એક વિચિત્ર વાત હતી કે હું બધું જાેઈ રહ્યો હતો, પણ બોલી શકતો ન હતો. નાની દીકરી રાત્રે જ આવી પહોંચી હતી. વડોદરાવાળી દીકરી અને તેનો પતિ વહેલી સવારે ફ્લાઇટથી આવી ગયા હતા. બીજા દીકરાઓ વહેલામાં વહેલા આવે તો પણ બે દિવસ લાગી જાય એમ હતા. બીજા દિવસે અસર પછી મને દફનાવી દેવામાં આવ્યો. શાયરો, કવિઓ, લેખકો, સાહિત્યકારો, સરકારી અધિકારીઓ, શહેરના આગેવાનો, વેપારીઓ, સાથીઓ-મિત્રો એમ મોટા-મોટા સૌ મારા જનાઝામાં સામેલ થયા હતા. મારા ગામમાંથી પણ મોટાભાગે બધા લોકો હાજર રહ્યા હતા. નાનીના ઘરમાંથી મારા મામા અને માસીના દીકરાઓ-દીકરીઓ બધા આવી ગયા હતા. બધા ખૂબ રડ્યા, મને ખૂબ યાદ કર્યો.

મારી લાશ પર જે પાટિયા મૂકવામાં આવ્યા હતા તેમાં રહી ગયેલ જગ્યામાંથી માટી સરકી-સરકીને મારા પર પડી રહી હતી. પણ તેના તરફ કોઈનું ધ્યાન ન હતું. કોઈને તેની પરવા જ ન હતી. ડાબા પગનો અંગૂઠો, જે આર્થરાઇટ્‌સના કારણે હંમેશાં મને પરેશાન કરતો હતો, માટીના બોજના કારણે અત્યારે ખૂબ દર્દ કરી રહ્યો હતો. બધા મને એમ-ને-એમ મૂકીને જતાં રહ્યા.

પછી અચાનક એક વિચિત્ર કેફિયત છવાઈ ગઈ. કદાચ ફરિશ્તાઓ આવી પહોંચ્યા હતા. આ જ હાલતમાં સવાલ-જવાબનું સેશન ચાલ્યું. આ કેફિયત થોડી વાર પછી સમાપ્ત થઈ ગઈ.

ખબર નહીં કેટલો સમય વીતી ગયો હતો, મને એવું લાગતું હતું કે હજુ તો થોડીક જ વાર થઈ છે. પણ ફરિશ્તાઓએ બતાવ્યું કે મારા મૃત્યુ પછી મને પાંચ વર્ષ પસાર થઈ ગયા છે. પછી ફરિશ્તાઓએ મારા સામે એક અજીબો-ગરીબ વાત મૂકી. તેમણે કહ્યું કે તેઓ મને ફરી એક વાર દુનિયામાં પાછો મોકલી રહ્યા છે. તમે દુનિયામાં કોઈને દેખાશો નહીં, પણ તમે બધાને જાેઈ શકશો. તમે કોઈના સાથે વાત પણ કરી શકશો નહીં. જાઓ, હરી-ફરી આવો અને પોતાના પ્રિયજનોને પણ જાેઈ લો, જેમના માટે તમે રાત-દિવસ એક કરી નાખ્યા હતા અને લોહીનું પાણી કરી નાખ્યું હતું. એ પછી જાે તમારી ઇચ્છા હશે અને તમે કહેશો તો તમને પહેલાં જેવું નોર્મલ જીવન ફરી પ્રદાન કરી દેવામાં આવશે, નહીં તો પાછા આવી જજાે.

મેં તેમના આ પ્રસ્તાવને મહામૂલો સમજીને સ્વીકારી લીધો. પછી એક મૂર્છા જેવી હાલત મારા પર છવાઈ ગઈ. જ્યારે આંખ ખુલી તો હું મારા મહોલ્લામાં ઊભો હતો. ધીમે ધીમે ડગલાં ભરતો મારા બંગલા બાજુ ચાલવા લાગ્યો. રસ્તામાં કર્નલ સાહેબને જાેયા, ઘરની બહાર ઊભા હતા. તેઓ ખૂબ વૃદ્ધ લાગી રહ્યા હતા. ખ્વાજા સાહેબ પોતાની બેગમ સાથે વોક કરવા જઈ રહ્યા હતા.

મારા બંગલાના ગેટ પર પહોંચીને તો હું અવાક બનીને ઊભો જ રહી ગયો. મારા નામની પ્લેટ ગાયબ હતી. પૉર્ચમાં કાર પણ ન હતી. મૃત્યુના થોડાક મહિના પહેલાં જ હું એક નવું મોડેલ ખરીદી લાવ્યો હતો. મને ખૂબ ધક્કો લાગ્યો. કાર ક્યાં હોઈ શકે છે ? છોકરાઓ પાસે તો તેમની પોત-પોતાની ગાડીઓ હતી, તો પછી મારી પત્ની, જે હાલ વિધવા છે, શું કાર વગરની થઈ ગઈ હતી ?

દરવાજાે ખુલ્લો હતો. હું સૌથી પહેલાં સીડીઓ ચઢીને ઉપર મારા રીડિંગ રૂમ અને લાયબ્રેરીમાં ગયો… પણ આ શું ? ન પુસ્તકો હતા, ન અલમારી ! રાઇટિંગ ટેબલ અને તેના સાથેની મોંઘી ખુરશી… સોફા… જે શીલ્ડ અને સર્ટિફિકેટો સુંદર ફ્રેમમાં મઢાવીને દીવાલ પર લગાવેલા હતા… ફોટાઓનું આલ્બમ… અને મારું મોંઘું લેટેસ્ટ કમ્પ્યુટર, પ્રિન્ટર, સ્કેનર… કઈં જ ત્યાં ન હતું..! કેટલા બધા કીમતી પુસ્તકો હતા મારા પાસે… ક્યાં ગયા? મારા રાત-દિવસ જે રૂમમાં પસાર થતાં હતા એવું લાગતું હતું કે તેનો ઉપયોગ હવે સ્ટોર રૂમ તરીકે થઈ રહ્યો હોય ! મારા રૂમની દીવાલો પરથી પોપડાં ઊખડી રહ્યા હતા. શું હવે આ રૂમમાં કોઈ આવતું જ નહીં હોય ? હું નિરાશ અને દુઃખી થઈને ત્યાંથી નીકળી ગયો.

હું મારા બેડરૂમમાં ગયો, બધું વેરવિખેર હતું. ડ્રોઈંગ રૂમમાં ગયો, ત્યાં પણ બધું આમતેમ પડેલું હતું. મોંઘાદાટ પલંગો, સોફા અને ખુરશીઓ… કઈં જ દેખાતું ન હતું. નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યો. કીચનમાં પત્ની એકલી કઈં કરી રહી હતી. મેં તેને મન ભરીને જાેઈ, પાંચ વર્ષમાં જાણે પચાસ વર્ષ વધારે ઘરડી થઈ ગઈ હતી. મારી આંખમાં આંસુ આવી ગયા. છોકરાઓ અને તેમની પત્નીઓને મેં જિંદગીમાં ખૂબ મજા કરાવી હતી, કોઈ વાતની રોકટોક કરી ન હતી, પણ તેમણે મારી પત્નીની હાલત તો જાે કરી નાખી છે ? જાણે નોકરાણી હોય ! કોઈ પોતાની માની સાથે પણ આવું કરી શકે ? કેવી રીતે પૂછું કે તને પગમાં ખૂબ દુખાવો રહેતો હતો, હાથોમાં કળતર રહ્યા કરતી હતી, તું દવાઓ તો બરાબર લે છે ને ? દવાઓ છોકરાઓ લાવી તો આપે છે ને ? પણ ન હું બોલી શકતો હતો, ન તે મને જાેઈ શક્તિ હતી ! મારી નિઃસહાયતા પર હું ખૂબ જાેરથી રડ્યો. મને લાગ્યું કે છોકરાઓને કંઈક શીખવાડવાનું રહી ગયું છે. પણ હવે શું? સમય તો હાથમાંથી નીકળી ગયો છે?

એટલામાં જાેરથી ફોનની રિંગ વાગી, પત્નીએ ફોન ઉઠાવ્યો અને વાત કરી. વાત ખૂબ લાંબી ચાલી. તેમની વાતથી હું એ સમજી શક્યો હતો કે છોકરાઓ આ ઘર, ના-ના – બંગલાને વેચી નાખવા માંગે છે. મારી પત્ની તેનો વિરોધ કરી રહી હતી કે હું પછી કયાં રહીશ ? બાળકો જીદ કરી રહ્યા હતા કે તમે અમારા સાથે વારે-વારે રહેશો. મારી પત્નીએ તેમની વાત ન માની. મારી પત્નીને મારી એ શિખામણ યાદ હતી કે ડેરો (ઠેકાણું) તો પોતાનો જ સારો. પણ મને એવું લાગ્યું કે તે બાળકોની જીદની સામે વધારે ટકી નહીં શકે. વાતો-વાતોમાં ખબર પડી કે ગાડી પણ વેચી નાખી છે.

એટલામાં નોકર ઘરમાં દાખલ થયો, તે પણ હવે આધેડ લાગી રહ્યો હતો. પણ વફાદાર હતો. હું તેના કપડાં જાેઈને અચંબામાં પડી ગયો. મારા કીમતી બ્રાન્ડેડ શર્ટ અને પેન્ટ, જે મેં અહમદાબાદના મોંઘા શો-રૂમમાંથી ખરીદ્યા હતા, તે તેણે પહેર્યા હતા. અચ્છા.. હવે મારા કીમતી કપડાં પણ નોકરો પહેરી રહ્યા છે !

મારી ઓફિસની ખુરશી પર બેસવા હવે છોકરાઓ લડી રહ્યા હતા, જમીનો અને બઁક બેલેન્સના ઝગડાઓ ચાલી રહ્યા હતા. બધુ મારું વસાવેલું બરબાદ થઈ રહ્યું હતું. મેં આટલી મહેનતથી વસાવ્યું હતું અને તેના પર બીજા લોકોનો કબજાે થઈ ગયો..!

પાંચ વર્ષમાં તો… હા, પાંચ જ વર્ષ થયા હતા.. કોઈને હું યાદ જ આવતો ન હતો. હું એક વર્ષ સુધી ફર્યો… ઘરમાં, મહોલ્લામાં, બજારમાં, ઘરવાળાઓને જાેયા, પત્ની અને બાળકોને જાેયા, સગા-વહાલાઓને જાેયા, મિત્રો અને સાથીઓને જાેયા… દરેકની વાતો મેં પર્સનલી સાંભળી, ક્યારેક જ મારો ઉલ્લેખ થતો, મોટાભાગે કોઈ મને યાદ જ ન હતું કરતું.

મને થયું કે આ બધું ભેગું કરીને, સજાવી-ધજાવીને હું જ્યાં પહોંચી ગયો છું, ત્યાં તો મને કોઈ અને કઈં પણ કામ લાગે એમ છે જ નહીં… મેં આ શું કર્યું જીવનમાં ?

મારી નવાસી હૂર ક્યારેક મારો ઉલ્લેખ કરતી તેની માની સામે, એક દિવસ તેણે પોતાની માંને કહ્યું, “અમ્મા ! આ મારી ખુરશી અબ્બા લાવ્યા હતા ને, જ્યારે હું નાની હતી ? તેની માએ જવાબ ના આપ્યો અને ઉપરથી તેના પર વરસી પડી.. “જલ્દીથી કપડાં બદલી લે, અને ખાઈ લે, પછી મને મારી સહેલીના ત્યાં મૂકી દે.” એવું જ મારી પૌત્રી નૂરનું હતું. તે મને વારંવાર યાદ કરતી, પણ તેના સાથે પણ તેની મા એવું જ વર્તન કરતી. હું સાથીઓની મિટિંગોમાં ગયો, જ્યાં નિયમિત જતો હતો, ત્યાં પણ કોઈ મને યાદ કરતું ન હતું. છોકરાઓ તો, એવું લાગતું હતું કે તદ્દન ભૂલી જ ગયા છે.

એક ચક્કર મેં કબ્રસ્તાનમાં પણ લગાવ્યો. જાેયું કે મારી કબરની હાલત ઘણી ખરાબ છે. ઘાસ ઊગી ગઈ હતી અને માટી ઉપરથી ધસી ગઈ હતી. મારા નામની તકતી પક્ષીઓએ એટલી ખરાબ કરી નાખી હતી કે નામ જ વંચાતું ન હતું.

એક વર્ષની રઝળપાટ પછી મને પ્રતીત થઈ ગયું કે મારા મૃત્યુથી કોઈને કઈં ફરક પડ્યો નથી, જરા પણ નહીં. પત્ની બિચારી યાદ કરી લેતી હતી, પણ છોકરાઓ, વહુઓ, ભાઈઓ અને બહેનો, મિત્રો અને સાથીઓ બધા પોતાનામાં જ મસ્ત હતા, કોઈ મને યાદ કરતું ન હતું. બધા માટે હવે હું ઇતિહાસ બની ગયો હતો. દુનિયા તેની રફ્તારથી ચાલી રહી હતી. ક્યાંય પણ મારી જરૂર ન હતી, ન ઘરમાં, ન બહાર. વધુમાં આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનો ખૂબ ઝડપથી થઈ રહ્યા હતા. ટ્રેનો અને વિમાનોની ગતિમાં ચાર ગણો વધારો થઈ ગયો હતો. દુનિયાની વ્યવસ્થા સમેટાઈને ચાર ઈંચના મોબાઈલ ફોનના અંદર આવી ગઈ હતી. મને થયું કે આ રમકડું હાથોમાં આવી ગયા પછી, મોટા તો ઠીક, નાનાઓ પણ, જીવતે-જીવ પોતાનાઓને યાદ નથી કરતાં, તો મરેલાને તો શું યાદ કરે !!??

હવે માની લો કે, હું ફરિશ્તાઓને વિનંતી કરીને ફરીથી દુનિયામાં નોર્મલ જીવન જીવવા આવી પણ જતો, પણ મને કોઈ વેલકમ ન કહેતું. છોકરાઓ પરેશાન થઈ જતાં, તેમના જીવનના પોતાના આયોજનો અને પ્રોગ્રામ હતા, પત્ની પણ હવે મારા વગર સેટ થઈ ગઈ હતી. તે પણ કદાચ કહેતી કે તમે ફરી આવીને મારી મુસીબતોમાં વધારો કરવા સિવાય કઈં ન કર્યું, શું કામ આવ્યા ? બંગલો તો વેચાઈ ગયો, હું એકલી તો કોઈ છોકરાના ત્યાં રહીને બાકીનું જીવન કાઢી નાખતી, બે જણને તો હવે કોણ રાખવા તૈયાર થશે — મારી ગુંજાઈશ ક્યાંય પણ ન હતી.

મિત્રો-સાથીઓ ગણ્યા-ગાંઠ્‌યા બાકી બચ્યા હતા, એ પણ મોટાભાગે બીમાર રહેતા હતા અને જવાની તૈયારી કરી રહ્યા હતા.

જાે હું પાછો આવતો, તો દુનિયામાં સંપૂર્ણપણે અનફીટ હોત, નવા કપડામાં થીગડાંની જેમ ! આધુનિક વસ્તીમાં પુરાણા મકબરાની જેમ !

મેં ફરિશ્તાઓનો સંપર્ક કર્યો અને મારી છેલ્લી ઇચ્છા બતાવી દીધી કે હું ફરી કબરમાં જવા માંગું છું. ફરિશ્તાઓ મલકાયા. તેમની વાત ખૂબ જ ટૂંકી અને સચોટ હતી, “દરેક વ્યક્તિ એમ જ સમજે છે કે તેના પછી જે જગ્યા ખાલી પડી છે, તે કદી ભરાઈ નહીં શકે. પરંતુ તે એ નથી જાણતી કે ખાલી જગ્યા તો ક્યારેય પણ પેદા જ થતી નથી.”

————————-

આપણા મગજમાં પણ એ જ વાત ઘર કરી ગઈ છે કે આ ઘર, આ વેપાર, આ જમીન અને જાયદાદ, આ નોકરી અને વ્યવસાય, બાળકોની જરૂરતો અને દુનિયાના બધા કામકાજ મારા કારણે જ ચાલી રહ્યા છે. જાે હું નહીં રહું તો દુનિયાનું પરિભ્રમણ અટકી જશે. જાે કે એવું નથી. તમે જીવતા હોવ તો પણ તમારા વગર કોઈ કામ અટકતું નથી, અને મર્યા પછી તો કદાપિ અટકતું નથી. આ સત્ય મને દુનિયાથી ગયા પછી લાધ્યું હતું. પણ ઘણું મોડું થઈ ગયું હતું.

“હે મનુષ્ય ! કઈ વસ્તુએ તને પોતાના કૃપાળુ રબ વિષે ધોખામાં નાખી દીધો છે, જેણે તને પેદા કર્યો, તને બરાબર દુરસ્ત બનાવ્યો, અને એક સંતુલન સાથે બનાવ્યો, અને જે રૂપમાં ઇચ્છયું તને જાેડીને તૈયાર કર્યો.” (સૂરઃ ઇનફિતાર, ૬-૮) – “દોડો, અલ્લાહની તરફ. હું તમારા માટે તેના તરફથી સ્પષ્ટપણે સચેત કરનાર છું.” (સૂરઃ ઝારિયાત, ૫૦)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments