ગુજરાતના અમદાવાદમાં મોરારજી ચોક, બાપુનગર વિસ્તારમાં CAA, NRC, NPRના વિરોધમાં ચાલી રહેલા “શાહીન બાગ”ના ધરણા પ્રદર્શન સ્થળેથી રવિવારે પોલીસે બે યુવકોની અટકાયત કરી અને રખિયાલ પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી બેસાડી રાખ્યા. બાદમાં ભારે સંખ્યામાં મહિલાઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા પછી તેમને છોડી મૂકવામાં આવ્યા.
દેશમાં કોરોના વાયરસના વધતા જતા પ્રકોપ અને વડાપ્રધાન દેશવાસીઓને ‘જનતા કર્ફ્યું’ ની અપીલ પર અમદાવાદના મોરારજી ચોક, બાપુનગરમાં ચાલી રહેલા શાહીન બાગ ખાતે તેના અનિશ્વિતકાળ ધરણાને સ્થગિત કરાયો હતો. તેમ છતાં આજે સવારે બે યુવકો મુર્શિદ શેખ અને સાબિર શેખની પોલીસે અટકાયત કરી. જો કે લગભગ ત્રણ કલાક પછી તેમને છોડી મૂક્યા.
યુવાસાથી સાથે વાત કરતા મૂર્શિદ શેખે જણાવ્યું કે, “આજે ધરણા સ્થગિત હતો અને અમે ધરણા સ્થળ પર પરદો બાંધવા માટે ગયા હતાં, ત્યારે કોઈએ ફોટો લઈને પીઆઈને મોકલી દીધો. રખિયાલ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ ખાને અમને ફોન કરીને બોલાવ્યા અને પછી પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધા અને પૂછતાછ કરતાં રહ્યા.”
અમદાવાદના વિદ્યાર્થી નેતા મુનવ્વર હુસૈને જણાવ્યું કે, “પોલીસ દ્વારા બંને યુવાનોને મોડે સુધી બેસાડી રાખ્યા બાદ જ્યારે પ્રદર્શનકારી મહિલાઓને આની સૂચના મળી ત્યારે ભારે સંખ્યામાં મહિલાઓ રખિયાલ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગઈ અને બંને યુવાનોને છોડવાની માંગ કરવા લાગી. જેમ તેમ પોલીસે બંને યુવાનો મૂર્શીદ અને સાબિરને છોડી મૂક્યા.
મોરારજી ચોક શાહીન બાગના નામથી ફેસબૂક પેજ પર આ સમગ્ર ઘટનાને શેર કરેલી છે. જેમાં પોલીસ દ્વારા ધરણાને બંધ કરાવવા અને દબાણ બનાવવાની વાતનો ઉલ્લેખ કર્યો છે.
આ પેજ પર એક વીડિયો પણ છે જેમાં મહિલાઓ પોલીસ ઇન્સ્પેકટરને બંને યુવાનોને અટકાયત કરવાના કારણો પૂછી રહી છે અને પીઆઈ પોતાની સફાઈ આપતા દેખાઈ રહ્યા છે.
અત્યારે બંને યુવાનોને છોડી મૂક્યા છે અને પોતાના ઘરે પહોંચી ચૂક્યા છે.