વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનાં એક અનુમાન અનુસાર દુનિયાભરમાં પ્રતિવર્ષ લગભગ ૭.૩૦ લાખ લોકો આત્મહત્યા કરે છે. આ ઉપરાંત લગભગ ૨૦ લાખ લોકો આત્મહત્યાનો પ્રયાસ કરે છે. સંયુક્ત રાષ્ટ્રનો લક્ષ્ય છે કે ૨૦૩૦ સુધી દુનિયાભરમાં થનારી આત્મહત્યા એક તૃતિયાંશ ઓછી કરવામાં આવે. પરંતુ આને જાે ભારતના સંદર્ભમાં જાેઈએ તો ફક્ત એક વર્ષના અંદર જ આત્મહત્યાનો દર આશરે ૧૦ ટકા જેટલો વધી ગયો છે. આવામાં સંયુક્ત રાષ્ટ્રનો લક્ષ્યાંક હાંસલ કરવો હાલમાં તો એક સ્વપ્ન જેવું લાગે છે.
રાષ્ટ્રીય આત્મહત્યાના આંકડાઓ અનુસાર દુનિયાભરમાં તમામ આત્મહત્યાઓમાં ભારતનો આશરે ૨૫ ટકા જેટલો હિસ્સો છે. ગત દિવસોમાં નેશનલ ક્રાઇમ રેટ બ્યુરો (NCRB) દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલમાં વર્ષ ૨૦૨૧માં ભારતમાં આત્મહત્યાના દરમાં ૭.૧૪ ટકાનો વધારો જાેવા મળ્યો છે. NCRBનાં વર્તમાન આંકડા આ પણ દર્શાવે છે કે વર્ષ ૨૦૧૪ બાદ દેશમાં આત્મહત્યા થકી મરનારાઓમાં દૈનિક વેતન મજૂરોની સંખ્યામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ છે. ૨૦૨૧માં ૪૨ હજારથી વધુ મજૂરોએ આત્મહત્યા કરી. વર્ષ ૨૦૨૦માં પ્રતિ દિવસ આશરે ૪૦૦ ભારતીયોએ માનસિક તણાવ અને હતાશાના કારણે આત્મહત્યા કરી છે.
ભારત સહિત દુનિયાભરમાં આત્મહત્યાના આંકડાઓની સ્થિતિ હેરાન કરનારી છે.? આનાથી ખબર પડે છે કે આજના યુગમાં લોકોમાં વિભિન્ન કારણોના લીધે કઈ રીતે માનસિક તણાવમાં જીવી રહ્યા છે. કોઈ વ્યક્તિ જ્યારે ખૂબ જ વધુ માનસિક તણાવની સ્થિતિમાંથી પસાર થાય છે, ત્યારે તે ખૂબ જ નાસીપાસ થઈ જાય છે. અને આ જ નાસીપાસ તેની આત્મહત્યાનું કારણ બને છે.
ભારતમાં વધતી આત્મહત્યાની ઘટનાઓ એક લોક કલ્યાણકારી સરકાર અને તેની વ્યવસ્થા પર તો સવાલ ઊઠી જ રહ્યાં છે, સાથે સાથે આ સમાજની સંવેદનશીલતાને પણ કઠેરામાં ઊભી કરે છે. જાે કે આત્મહત્યામાં કોઈ પણ વ્યક્તિની સમૃદ્ધિ કે નિરાધારતા સાથે તેનો પ્રત્યક્ષ સંબંધ નથી. પરંતુ ઘણી વાર વ્યક્તિ મંદ વ્યવસ્થા કે સમાજની અસંવેદનશીલતાને ચાલતા પણ આત્મહત્યા જેવું પગલું ઉપાડી લે છે. જાે કે કારણ અને પરિસ્થિતિઓ જે કંઈ પણ હોય પરંતુ આત્મહત્યાનું મુખ્ય કારણ છે માનસિક તણાવ અને હતાશા. વર્તમાન સમયમાં વ્યક્તિ જેટલો તણાવગ્રસ્ત છે તેવી સ્થિતિ ભૂતકાળમાં ક્યારેય પણ ન’હોતી.
માનસિક રોગોમાં તણાવ તથા હતાશાને સૌથી મુખ્ય રોગ માનવામાં આવે છે. દરેક વ્યક્તિ ક્વચિત માનસિક તણાવનો શિકાર બની શકે છે. વ્યક્તિ જીવનમાં ઘણી વાર નાનામાં નાની કે મોટામાં મોટી વસ્તુઓને લઈને ચિંતાગ્રસ્ત થઈ જાય છે. આ ચિંતા જાે વ્યક્તિ તેના મનમાં છુપાવી રાખે અને તેને અંદરોઅંદર ખૂબ જ મોટી સમસ્યા સમજવા લાગે ત્યારે આ ચિંતા મોટા તણાવનું કારણ બની શકે છે. આ જ તણાવ ધીરે ધીરે હતાશાનું રૂપ ધારણ કરી લે છે.
આજકાલના આ ભાગદોડ વાળા જીવનમાં દરેક વ્યક્તિ ખૂબ જ વ્યસ્ત જાેવા મળે છે. કોઈ પણ વ્યક્તિ પાસે થોડો પણ સમય નથી. આવી સ્થિતિમાં આપણે જાેઈએ તો તણાવ આપણને ખૂબ જ સ્વભાવિક વસ્તુ જાેવા મળે છે. આજકાલ તો નાના નાના, બીજા કે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા બાળકો પણ હવે આ કહેતા જાેવા મળે છે કે, “અમારી પાસે સમય નથી, અમે ખૂબ જ વ્યસ્ત છીએ. અમને ભણવાની ચિંતા છે, અમને પરીક્ષાની ચિંતા છે.” આવામાં સવાલ પેદા થાય છે કે આનો ઇલાજ શું છે? માનસિક તણાવ કે હતાશાનો ઇલાજ જાણતાં પહેલા આ જરૂરી છે કે આપણે તેના કારણો વિશે જાણીએ. તણાવ કે હતાશા શું છે?
આપણે જાેઈએ છીએ કે કોઈની નોકરી જતી રહે છે, તો કોઈ પરીક્ષા કે કાર્યમાં નિષ્ફળ થઈ ગયો કે પછી કોઈનો તેના મિત્ર સાથે ઝઘડો થઈ ગયો, તો હવે તે ખૂબ જ વધુ તણાવગ્રસ્ત થઈ ગયો. એવા ઘણાં કારણો હોઈ શકે જેનાથી વ્યક્તિને માનસિક તણાવ થઈ શકે છે. પરંતુ આ બધા કારણોનું જાે આપણે વિશ્લેષણ કરીએ તો એક મહત્વપૂર્ણ વાત ઊભરીને સામે આવે છે. તે આ કે જ્યારે વ્યક્તિ કોઈ વસ્તુ મેળવવા માટે અથાક પ્રયત્નો કરે છે અને આ અથાક પ્રયત્નો કરવા છતાં તે વસ્તુ તેને મળતી નથી અને તે પોતાના હેતુમાં સફળ થતો નથી ત્યારે તે માનસિક તણાવ કે હતાશાનો શિકાર બની જાય છે.
આપણે સમજીએ છીએ કે જે પણ હેતુ કે લક્ષ્ય આપણાં પોતાના માટે નક્કી કરી રાખ્યો છે, તે જ બધું છે અને તેને મેળવવાના પ્રયાસોનું બેકાર થઈ જવાનું જે દુઃખ છે તે તણાવ અને હતાશામાં બદલી જાય છે. ટૂંકમાં કહીએ તો વ્યક્તિ પોતાના પ્રયાસોને જ બધું માની લે છે.
આ સમસ્યાનું સૌથી શ્રેષ્ઠ નિવારણ ધર્મ પ્રસ્તુત કરે છે. ધર્મ કહે છે કે કોઈ કાર્યના પરિણામ પર તમારો કોઈ કાબૂ નથી. તમારા પ્રયત્નોથી કોઈ કાર્યનું પરિણામ ર્નિભર કરતું નથી. જે કંઈ પણ થાય છે તે ઇશ્વર કરે છે અને તમામ વસ્તુ તેની ઇચ્છા પર ર્નિભર કરે છે. જાે તે ઇચ્છશે તો તમે સફળ થશો અને જાે તે ઇચ્છશે તો તમે નિષ્ફળ થશો. આથી પ્રયત્નો પર કોઈ વસ્તુ ર્નિભર કરતી નથી. આપણો અધિકાર ફક્ત આપણા પ્રયાસો પર છે, પરિણામો પર આપણો કોઈ અધિકાર નથી. જાે આ વાત માનવ તેના મનમાં બેસાડી લે તો તે માનસિક તણાવ કે હતાશાનો શિકાર ક્યારેય પણ થશે નહિ. પરંતુ ધર્મની અવધારણાને આંશિક રૂપે ફક્ત આત્મસાત કરીને પ્રયત્નો કરવા મૂકી દેવા નાસમજી જેવી વાત થશે અને પ્રયત્નો મૂકી દેવાથી એક નવી સમસ્યા પેદા થશે. આથી જરૂરી છે કે આની ખરી અવધારણાને સમજવામાં આવે.
તણાવ કે હતાશાનું એવું સકારાત્મક તથા સંરચનાત્મક ઉપાય જેમાં માનવના પ્રયત્નો નિષ્ફળ ન જાય, બલ્કે પ્રયત્નો પણ કરે અને તણાવગ્રસ્ત પણ ન થાય. આ પ્રકારનો ઉપાય ઇસ્લામ પ્રસ્તુત કરે છે. ઇસ્લામ કહે છે કે નિઃશંક જે કંઈ પણ થાય છે તે ઈશ્વરની મરજી થી થાય છે, પરંતુ માનવના પ્રયત્નો નિરર્થક નથી જતાં. પવિત્ર કુર્આન કહે છે કે,
“અને એ કે મનુષ્ય માટે આ સિવાય કશું જ નથી પરંતુ તે કે, જેના માટે તેણે પ્રયાસ કર્યો છે, અને એ કે તેના પ્રયાસો ટૂંક સમયમાં જ જાેવામાં આવશે પછી તેનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે, અને એ કે છેવટે પહોંચવાનું તારા રબની જ પાસે છે,” (૫૩ : ૩૯-૪૨)
જાે આપણે આજના ભૌતિક વિજ્ઞાનમાં કાર્યની પરિભાષાને જાેઈએ તો તેના અનુસાર કાર્ય=બળ×વિસ્થાપન થાય છે.
અર્થાત્ જ્યારે આપણે કોઈ પણ વસ્તુ પર તાકત લગાવીએ અને તે વસ્તુ તેની જગ્યા પરથી ખસી જાય તો તેને કાર્ય થયું એવું માનવામાં આવશે. પરંતુ ઇસ્લામની પરિભાષામાં કાર્યનું થઈ જવા માટે વિસ્થાપન કે કાર્યનું થઈ જવું જરૂરી નથી. ઇસ્લામ કહે છે કે જાે તમે તમારા અથાક પ્રયત્નો કરી ચૂક્યા છો અને તમે તમારી સંપૂર્ણ તાકત લગાવી દીધી છે, તેનો હેતુ પૂર્ણ થયો કે ન થયો એ વાત પર તમારી સફળતાનો આધાર નથી. તમારી સફળતાનો આધાર તમારી નિય્યત અને તમારા પ્રયત્નો પર છે.
કુર્આનમાં કહેવામાં આવ્યું છે કે જાે તમે તમારું સંઘર્ષ પૂર્ણ કરી દેશો અને પોતાની જાતને સંપૂર્ણ રીતે લગાવી દેશો તો પછી પરિણામની જવાબદારી ઈશ્વર પર છે. તમારા પ્રયત્નોનું ફળ તમને અવશ્ય મળશે. તમારા પ્રયત્નોના માર્ગમાં સખ્તાઈઓ અને મુસીબતોનો સામનો કરવો નક્કી છે, પરંતુ માનવે હિંમત હારવી ન જાેઈએ. કુર્આનમાં અલ્લાહ તઆલા કહે છે, “અને અમે અવશ્ય તમને ભય અને ડર, ભૂખ, પ્રાણ અને ધન-સંપત્તિના નુકસાન અને આમદાનીઓની ખોટમાં નાખીને તમારી પરીક્ષા કરીશું. તેમને ખુશખબર આપી દો, આ સંજાેગોમાં જે લોકો ધીરજ રાખે અને જ્યારે કોઈ મુસીબત આવી પડે તો કહે કે, ”અમે અલ્લાહના જ છીએ અને અલ્લાહના જ તરફ અમારે પાછા ફરવાનું છે.” તેમના ઉપર તેમના રબ તરફથી મોટી કૃપાઓ થશે, તેની દયા તેમના ઉપર છાંયડો કરશે અને આવા જ લોકો સન્માર્ગે ચાલનારા છે.” (૨ : ૧૫૫-૧૫૭)
આજે આપણે જાેઈએ તો માનવ શાંતિની શોધમાં છે. માનવને શાંતિ ઇસ્લામની આ અવધારણામાં મળી શકે છે કે પ્રયત્નો કરવા તમારા હાથમાં છે અને પરિણામ ઈશ્વરના હાથમાં છે. જાે તમે ઈમાનદારીપૂર્વક પ્રયત્નો કર્યા છે તો તેનું પરિણામ આ દુનિયામાં નહિ તો મૃત્યુ બાદ આવનારા જીવનમાં ચોક્કસ મળશે. જાે માનવ પોતાના મનમાં આ વાત બેસાડી લે તો તે પોતાના કાર્યો માટે સંપૂર્ણ પ્રયત્નો પણ કરશે અને તણાવ કે હતાશા ગ્રસ્ત પણ નહિ થાય.