આફતાબે તેની સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહેતી શ્રદ્ધાની જે રીતે ઘાતકી હત્યા કરીને મૃતદેહના ૩૫ ટુકડા કરી નાખ્યા તે ખૂબ જ ઘૃણાસ્પદ, નિંદાત્મક અને સખ્ત શબ્દોમાં વખોડવાપાત્ર શેતાની જઘન્ય કૃત્ય છે. આવા અપરાધીઓને કઠોર સજા થવી જાઈએ,તેમાં કોઈ બેમત નથી. પરંતુ અપરાધીની જાતિ કે ધર્મને બદનામ કરવું પણ વખોડવા પાત્ર છે. જા કે તે મુસ્લિમ નથી આ વાત પાછળથી સામે આવી પરંતુ ત્યાં સુધીમાં મીડિયાને જે કરવું હતું તે કરી નાખ્યું. #LoveJihad અને #MeraAbdulEsaNahiHai જેવા હેશટેગ્સ ટ્રેન્ડ હતા. ટેલિવિઝન શો અને ટ્વીટ્સ દ્વારા શ્રદ્ધા-આફતાબ કેસને હિંદુ-મુસ્લિમ કેસ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ નિવેદન આપ્યું કે “જા નરેન્દ્ર મોદી PM ન હોત, તો આફતાબ દરેક ઘરમાં જાવા મળ્યો હોત”. દરેક વસ્તુનું રાજનીતિકરણ કરવામાં આપણા નેતાને ફાવટ આવી ગઈ છે. અપરાધ અપરાધ હોય છે તેમાં અપરાધીનો ધર્મ ન જાવાય. મીડિયા પોતાના આકાઓને ખુશ કરવા દરેક વસ્તુમાં હિંદુ-મુસ્લિમનું રટણ કરવા લાગે છે.
આ એટલા માટે લખવું પડ્યું કે શ્રદ્ધાના નિર્મમ મર્ડરની જેમ ભારતના ત્રણ રાજ્યોમાં આવી ત્રણ ઘટનાઓ બની, જેમાં હત્યા પછી લાશના ટુકડા કરવામાં આવ્યા હોય. તેમ છતાં, કહેવાતા મુખ્ય પ્રવાહના મીડિયામાં કોઈ આક્રોશ જાવા મળ્યો નથી. બિહારના જ્યોતિ કુમારી અને રંજન કુમાર, પશ્ચિમ બંગાળના શ્યામલી ચક્રવર્તી અને રાજુ ચક્રવર્તી અને ઉત્તર પ્રદેશના પ્રિન્સ યાદવે હત્યા કરી લાશના ટુકડા કરી નાખ્યા. બંગાળ, યુપી અને બિહારના અખબારોમાં ૨૧ નવેમ્બરે આ ત્રણેય ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. બિહારમાં, એક રાકેશ ચૌધરીની તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ જ્યોતિ કુમારી અને તેના પતિ રંજન કુમાર દ્વારા કથિત રીતે હત્યા કરવામાં આવી હતી અને તેના ટુકડા કરી દેવામાં આવ્યા હતા. પોલીસે પટના અને નાલંદા જિલ્લાના જુદા જુદા ભાગોમાંથી રાકેશના શરીરના અંગો એકત્ર કર્યા હતા. કોલકાતાથી ૪૦ કિમી દૂર આવેલા બરુઈપુરમાં, નૌકાદળના ભૂતપૂર્વ કર્મી ઉજ્જવલ ચક્રવર્તીની, તેની પત્ની શ્યામલી ચક્રવર્તી અને પુત્ર રાજુ ચક્રવર્તી ઉર્ફે જાય દ્વારા હત્યા કરવામાં આવી હતી. માતા-પુત્રની જાડીએ નજીકના વિસ્તારોમાં ફેંકી દેતા પહેલાં તેના શરીરને છ ભાગોમાં કાપી નાખ્યું. આઝમગઢ (યુપી)ના આહરૌલામાં એક આરાધનાની હત્યા કરીને કૂવામાં ફેંકી દેવામાં આવી હતી. આરાધનાના હાથ અને પગ કપાયેલા હતા અને તેનું માથું પણ ગાયબ હતું. આ ઘટના ૧૬ નવેમ્બરના રોજ અજાણી મહિલાની હોવાનું જાણવા મળ્યું હતું.ઉત્તર પ્રદેશના મથુરામાંથી તે જ સમયે ચોથી ઘટના પણ નોંધાઈ હતી.જા કે આ કેસમાં લાશને કાપી નાખવામાં આવી ન હતી.
આવા જઘન્ય કૃત્ય પહેલી વાર ઘટિત થયા નથી. સ્વતંત્ર ભારતના પૃષ્ટો પર આવી ઘણી ઘટનાઓ કંડારાયેલ જાવા મળશે. દા.ત. વીસ વર્ષની આયુષી યાદવના મૃતદેહને તેના પિતા નિતેશ યાદવે તેની રિવોલ્વરથી ગોળી મારીને હત્યા કરી હતી અને પછી તેની લાશને સૂટકેસમાં ફેંકી દીધી હતી. અગાઉના કેસોમાં અનુપમા ગુલાટીનો એક કુખ્યાત કિસ્સો છે, જેની તેના પતિ રાજેશ ગુલાટીએ ૧૭ ઓક્ટોબર, ૨૦૧૦ના રોજ દેહરાદૂનમાં હત્યા કરી હતી. તેના શરીરના ૭૨ ટુકડા કરી ડીપ ફ્રીઝરમાં મૂકવામાં આવ્યા હતા. સેલ્ફસ્ટાઇલ ગોડમેન શ્રદ્ધાનંદ ઉર્ફે મુરલી મનોહર મિશ્રાએ ૨૮ એપ્રિલ, ૧૯૯૧ના રોજ શકરેહ નમાઝીને દવા પીવડાવી હતી અને તેને બેંગ્લોરમાં તેના વિશાળ બંગલાના કમ્પાઉન્ડમાં જીવતી દફનાવી દીધી હતી. તંદૂર મર્ડર કાંડ પણ યાદ હશે, જ્યારે નૈના સાહનીની ૨ જુલાઈ, ૧૯૯૫ના રોજ અફેર હોવાની શંકામાં તેના પતિ સુશીલ શર્મા દ્વારા હત્યા કરવામાં આવી હતી. શર્માએ તેણીને બે વાર ગોળી મારી હતી, તેના શરીરના ટુકડા કરી નાખ્યા હતા અને તેને તેના મિત્રની રેસ્ટોરન્ટની છત પરના ‘તંદૂર’માં ભરી દીધા હતા.
આ ઘટનાઓનો અત્રે ઉલ્લેખ આફતાબે કરેલા મર્ડરનું વાજબીપણું કે બચાવ કરવાનો બિલકુલ નથી .બલકે મીડિયા અને આપણી સરકારનું જે વર્તન છે તેના પરિપેક્ષ્યમાં મેં કેટલાક ઉદાહરણો ટાંક્યા છે.આ કોઈ ધાર્મિક સમસ્યા નથી બલકે સામાજિક બગાડ અને માનસિક વિકૃતિ છે. અફસોસની વાત એ છે કે જા આરોપી મુસ્લિમ હોય તો આવા ગુનાઓ હદથી વધારે ચગાવવામાં આવે છે અને જ્યારે આરોપી હિંદુ હોય ત્યારે તેને સામાન્ય બનાવી દેવામાં આવે છે. મુસ્લિમો અને હિંદુઓ વચ્ચેનું આ વિભાજન સમાજ માટે ખૂબ જ ચિંતાજનક છે. સમાજમાં વધતી હિંસા પર યોગ્ય ચર્ચા નથી .તેના કારણો અને નિવારણ પર ભાગ્યે જ કોઈ ચર્ચા થાય છે. ચાલો, આપણે આ સંદર્ભે કાંઈક નક્કર વિચારણા કરીએ.
એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી
મન અને મસ્તિષ્કને હળવું, પ્રફુલ્લિત અને ચિંતામુક્ત કરવા મનોરંજન-એન્ટરટેઈન્મેન્ટ હોય છે. એક સમય હતો જયારે આ ઇન્ડસ્ટ્રીથી જે ફિલ્મો, નાટકો વગેરે પ્રસારિત થતા હતા કે તેમાં મોટા ભાગે સામાજિક સંદેશ દેખાતો હતો. ધીમે ધીમે એ પ્રથા ઓછી થતી ગઈ અને હવે આખી ઇન્ડસ્ટ્રી રોમાન્સ અને ક્રાઈમની ફરતે પરિભ્રમણ કરતી દેખાય છે. કરુણતા આ છે કે અંગપ્રદર્શન અને મર્ડર મુવીઝની બસ એક ફેશન બની ગઈ છે. હવે તો ગેઇમ્સ અને કાર્ટૂન નેટવર્ક પણ આ દૂષણથી બાકાત રહ્યું નથી. યુવાનો રીલ લાઇફને રીયલ લાઇફમાં રૂપાંતરિત કરી રહ્યા છે. લોકો જે કાંઈ જુએ છે માનસપટલ ઉપર તેવા જ ચિત્રોનો આભાસ આચ્છાદિત થાય છે અને પરિણામે તેવી જ માનસિકતા બને છે. અને જા કોઈ યુવાન કોઈ કાંડ કરવા માંગે તો તેનું પૂરું પ્લાનિંગ-આયોજન તેને આંતરરાષ્ટ્રિય સ્તરના ક્રાઈમશોમાંથી સીધું મળી રહે છે. સરકારે પોર્ન વેબસાઇટ્સ ઉપર લગામ તો કસી છે, પરંતુ સોફ્ટ પોર્ન અને સેક્સ્યુઅલ ચિત્રો, ચલચિત્રો ઉપર પણ પ્રતિબંધ લાવવાની જરૂર છે. અને વેબસીરીઝ માટે પણ નિયમો ઘડવાની જરૂર છે. કેમ કે અનૈતિક સામગ્રીથી તેઓ ધમધમી રહ્યા છે અને યુવાનોમાં તેનો ક્રેઝ પણ જાવા મળે છે. આખી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી પશ્ચિમી સંસ્કૃતિના પ્રસારનું માધ્યમ બની ગઈ છે તેના માટે જાગૃતિ કેળવવાની જરૂર છે.
કાનુનનો અભાવ
લીવ ઇન રિલેશન એક અનૈતિક કૃત્ય છે. સુપ્રીમ કોર્ટે તેના વાજબીપણા ઉપર ફરીથી વિચાર કરી પ્રતિબંધ લાવવાની જરૂર છે. તેની પરવાનગી માત્ર હવસખોરી સંતાડવાનો માર્ગ છે. જે દેશોમાંથી આપણે આ ગંદકી આયાત કરી છે ત્યાં પારિવારિક વ્યવસ્થા વેર-વિખેર થઈ ગઈ છે, જેના કારણે માનસિક તાણ અને હત્યાની ઘટનાઓ વધી રહી છે. દરેક પ્રકારના લગ્નેત્તર સંબંધોને કાયમ માટે વર્જિત કરવા જાઈએ. લગ્ન સંસ્થાને બચાવવા તથા તેને જીવતી રાખવા, આ બાબતે જ્યાં સુધી કાયદો ન હોય ત્યાં સુધી માત્ર સામાજિક જાગૃતિ પૂરતી નથી.
નૈતિકતાનુ પતન
લગ્નપ્રથા, પરિવાર વસાવવાની સામાજિક વ્યવસ્થા જેટલી જૂની છે તેટલી જ પ્રાચીન છે. જેટલું માનવનું અસ્તિત્વ પ્રાચીન છે તેટલી જ પ્રાચીન છે. માતા-પિતા પોતાના બાળકોનું શિક્ષણ-પ્રશિક્ષણ કરતા હોય છે. તેમના માટે જીવનમાં ઘણો સંઘર્ષ વેઠે છે. પોતાનો આરામ ત્યજે છે. કારણ કે તેમનું લક્ષ્ય પોતાના બાળકોને પોતાનાથી પણ આગળ લઈ જવાનું હોય છે. સારી જગ્યાએ તેમની શાદી કરવા માતા પિતાની જવાબદારી પણ છે. અને નૈતિક ફરજ પણ. બાળકો પુખ્ત થઇ માતા પિતાની વિરુદ્ધ જઈ પોતે જીવનસાથી પસંદ કરી, લગ્ન ટાળી, લિવ ઇન રિલેશનમાં રહે તે ખૂબ મોટી અહસાનફરામોશી, અનૈતિક કૃત્ય અને માતા-પિતાનું અપમાન છે. આવા સમયે માતા પિતાનું હૃદય ખૂનના આંસુ રડતું હોય છે. લીવ ઇન રિલેશનનું એવું અર્થઘટન કરવામાં આવે છે કે સ્ત્રી-પુરુષ અમુક સમય પરસ્પર સાથે રહી એક બીજાને સમજી લે, કે જેથી તેમને જીવનસાથી બનાવવાનો નિર્ણય લેવામાં સરળતા રહે. મોટા ભાગે આ રિલેશનશીપમાં સ્ત્રીનું શોષણ થતું હોય છે. અને રોમિયાઓ સરળતાથી છટકી જાય છે; અને જો છટકવાનો માર્ગ ન મળે તો હત્યા કરી સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરે છે.
કાનૂન વ્યવસ્થાની કમજારી
કાયદાનો અભાવ અને નૈતિકતાના પતનની સાથે એક ત્રીજું કારણ કાનૂન વ્યવસ્થાનું પાંગળું હોવું છે. બળાત્કારની ઘટનાઓ બને કે હિંસા અને હત્યાના બનાવો બને, અપરાધીઓ સરળતાથી છટકી જાય છે. અને જો પીડિત બીજા ધર્મ કે કહેવાતી નીચ જાતિનો હોય તો અપરાધીઓને રાજનૈતિક શરણ મળી જાય છે. હવે તો બળાત્કારીઓમાં નેતાઓને સંસ્કાર દેખાઈ આવે છે. તેમના બચાવમાં રેલી નીકળે છે અને તેમના કૃત્યને પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. પોલીસતંત્ર પણ પક્ષપાતપૂર્ણ વર્તન કરે છે. કાનૂનની દૃષ્ટિમાં અપરાધી ફક્ત અપરાધી હોય છે. તેને જાત પાતથી કોઈ મતલબ નથી. કાયદા મુજબ અપરાધીને સખ્ત સજા થવી જાઈએ. નેતાઓ સ્ત્રીઓને તેમની કબરમાંથી કાઢી બળાત્કાર કરવાનું નિવેદન આપે છે અને તેને વધાવી લેવામાં આવે છે. આ સમાજની સંસ્કૃતિ અને સભ્યતા ઉપર એક મોટું પ્રશ્ન ચિહ્ન લાગે છે.
કેળવણીનો અભાવ
બાળકો પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરે, ખોટા માર્ગે જાય, અનૈતિક કૃત્યો કરે કે પોતાના માતા-પિતાનો અનાદર કરે, તેનું એક મહત્વનું કારણ કેળવણીનો અભાવ છે. ન તો શૈક્ષણિક સંકુલોમાં નૈતિકતાના પાઠ ભણાવાય છે, ન જ માતા-પિતા પોતાના બાળકો માટે ક્વોલિટી ટાઇમ આપે છે. ન સમાજમાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા છે. જે વાતાવરણમાં બાળકો ઉછરી રહ્યા છે તેમાં આપ મેળે તેઓ જે શીખી રહ્યા છે તે સ્વાર્થવૃત્તિ, અશ્લીલતા, નિર્લજ્જતા, ગુંડાગીરી, ઉગ્રતા વગેરે દુર્ગુણો છે. શૈક્ષણિક સંસ્થાઓ કુમારો અને કન્યાઓ માટે જુદી હોવી જાઈએ. તેનાથી બંન્નેનું શૈક્ષણિક પ્રદર્શન પણ સુધરશે અને નૈતિક ઘડતર પણ સારું થશે. સાથે સાથે લવ અફેર પણ ઓછા થશે. અરેંજ્ડ મેરેજને પ્રોત્સાહિત કરવું જાઈએ. માતા-પિતાએ પોતાના બાળકો માટે પૂરતો સમય આપવો જાઈએ, તેમની ખાધાખોરાકીની વ્યવસ્થાથી વધુ તેમને તમારા સ્નેહ અને સંપર્કની જરૂર છે.
જેમ દરેક વ્યક્તિમાં કેન્સરનું પોટેન્શિયલ હોય છે, પરંતુ અમુક સંજાગોમાં તેની તીવ્રતા વધી જાય છે, તેમ દરેક વ્યક્તિમાં પોટેન્શિયલ શેતાન છે જ. જે વ્યક્તિની નસોમાં લોહીની જેમ વહે છે. ગમે ત્યારે કોઈ પણ કારણવશ તે એવા કૃત્ય કરી શકે છે, જે તેને માનવની કક્ષાથી નીચે ફેંકી દે છે. ઈશભય એક માત્ર એવો માર્ગ છે જે વ્યક્તિને ખોટુ કરતા રોકે છે.
ઇસ્લામે આ બાબતે જે સૈદ્ધાંતિક શિક્ષણ આપ્યું છે તેની અમુક ઝલક નીચે મુજબ છે. કુર્આનમાં અલ્લાહ ફરમાવે છે,
“અલ્લાહ અદ્લ (ન્યાય) અને એહસાન (ઉપકાર અને ભલાઈ) કરવા અને સગાઓ સાથે સદ્વર્તાવનો હુકમ આપે છે અને બૂરાઈ તથા અશ્લીલતા અને અત્યાચાર તથા અતિરેકની મનાઈ કરે છે. તે તમને શિખામણ આપે છે જેથી તમે બોધ ગ્રહણ કરો.” (૧૬ઃ૯૦)
“વ્યભિચારના નજીક ન ફરકો. તે ઘણું જ ખરાબ કૃત્ય છે, અને ઘણો જ ખરાબ માર્ગ.” (૧૭ઃ ૩૨)
“હે નબી ! એમને કહો કે મારા રબે (પ્રભુએ) જે વસ્તુઓ હરામ (અવૈધ) ઠેરવી છે તે તો આ છે – અશ્લીલતાના કૃત્યો – ચાહે જાહેર હોય કે છૂપા..” (૭ઃ૩૩)
“હે નબી ! એમને કહો કે આવો, હું તમને સંભળાવું કે તમારા રબે તમારા પર કયા પ્રતિબંધો મૂક્યા છે : તેના સાથે કોઈને ભાગીદાર ન બનાવો અને માતા-પિતા સાથે ભલું વર્તન કરો, અને પોતાના સંતાનોની ગરીબીના ડરથી હત્યા ન કરો, અમે તમને પણ રોજી આપીએ છીએ અને તેમને પણ આપીશું, અને અશ્લીલ વાતોની નજીક પણ ન ફરકશો, ચાહે તે ખુલ્લી હોય કે છૂપી, અને કોઈ જીવને જેને અલ્લાહે હરામ (અવૈધ) ઠેરવ્યો છે મારો નહીં, પરંતુ હક્ક (સત્ય)ના સાથે. આ વાતો છે જેમની શીખ તેણે તમને આપી છે, કદાચ તમે બુદ્ધિથી કામ લો.” (૬ઃ૧૫૧)
“હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! શેતાનના પગલે ન ચાલો. તેનું અનુસરણ જે કોઈ કરશે તો તે તેને અશ્લીલતા અને બૂરાઈનો જ આદેશ આપશે, જો અલ્લાહની કૃપા અને દયા તમારા પર ન હોત તો તમારામાંથી કોઈ વ્યક્તિ પવિત્ર ન થઈ શકતો. પરંતુ અલ્લાહ જ જેને ઇચ્છે છે, પવિત્ર કરી દે છે અને અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે.” (૨૪ઃ૨૧)
“હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો! ન્યાયના ધ્વજવાહક બનો અને અલ્લાહ માટે સાક્ષી આપનારા બનો..” (૪ઃ૧૩૫)
“અમે પોતાના રસૂલોને સ્પષ્ટ નિશાનીઓ અને માર્ગદર્શનો સાથે મોકલ્યા અને તેમના સાથે ગ્રંથ અને તુલા ઉતાર્યા જેથી લોકો ન્યાય ઉપર કાયમ થાય..” (૫૭ઃ૨૫)
“અને એ હકીકત છે કે અમે મનુષ્યને પોતાના માતા-પિતાના હક્ક ઓળખવાની સ્વયં તાકીદ કરી છે. તેની માતાએ કમજોરી પર કમજોરી સહન કરીને તેને પોતાના પેટમાં રાખ્યો અને બે વર્ષ તેના દૂધ છૂટવામાં લાગ્યા. (એટલા માટે અમે તેને શિખામણ આપી કે) મારો આભાર માન અને પોતાના માતા-પિતા પ્રત્યે આભાર વ્યક્ત કર, મારા જ તરફ તને પાછા ફરવાનું છે.” (૩૧ઃ૧૪)
હઝરત અનસ ઇબ્ને મલિક રદિ. મુજબ, મુહમ્મદ સ.અ.વ.એ કહ્યુંઃ “એક આત્મા તેની સારી વર્તણૂકને કારણે આખિરત( પરલોક)માં સર્વોચ્ચ અને સૌથી મૂલ્યવાન સ્તર પ્રાપ્ત કરે છે. અને વ્યક્તિનું દુષ્ટ વર્તન તેમને નર્કના સૌથી નીચા ખાડાઓમાં લઈ જાય છે.”
આપ સ.અ.વ.એ કહ્યું, “મને ઉમદા નૈતિકતાની પરિપૂર્ણતા માટે મોકલવામાં આવ્યો છે.”
પ્રેમ, વ્યભિચાર અને હત્યાઃ કારણો અને નિવારણ
RELATED ARTICLES